દેવનાં દીધેલ
દેવનાં દીધેલ
"બાપુજી હવે તમારે અને બા એ એકલા ગામડે નથી રહેવાનું હવે તમે બંને અહીં આવી જાવ”. જાગૃતિનાં આ શબ્દો પર કરેલા આંધળા વિશ્વાસ પર મગનબાપા આજે પસ્તાતા હતાં.
મગનબાપા અને જીવી બા રાજકોટ નજીક ગોમટામાં પોતાના બે પુત્રો સાથે રહેતા હતા. ગામમાં સરસ પાકું મકાન અને જમીન હતી. દીકરાઓ મોટા થતાં તે રાજકોટ સ્થાયી થવાનો વિચાર પિતા સમક્ષ મૂક્યો. પહેલા મોટો અનિલ અને બાદમાં નાનો મુકેશ એમ બંને રાજકોટ સ્થાયી થયા. ધીમે-ધીમે એક પછી એક બંનેનાં લગ્ન પણ થઈ ગયા અને મગનબાપાનાં મનને શાંતિ વળી. “હાશ દીકરાઓને પોત-પોતાના કારખાનાં તેમજ મકાનો પણ થઈ ગયા, દીકરી હોત તો એને વસાવવામાં અને કરિયાવરમાં અડધી મૂડી જતી રે પણ દીકરાઓ … આ દેવના દીધેલા આશીર્વાદ … જો મૂડી કેવી વધારી .. મારા… દીકરા…. સ્વર્ગની સીડી સમાન મારા દીકરા…બસ હવે શાંતિથી એમની સાથે જીવીશું” મગનબાપા મનોમન પોરસાતા હતા.
થોડા-થોડા મહિનાના અંતરે બંને પતિ-પત્ની રાજકોટ દીકરાઓ જોડે રોકાવા જતાં, વહુઓ દ્વારા લેવાતી સાર-સંભાળ અને કાળજીથી મગનબાપા સંતુષ્ટ હતા.
મગનબાપાને તેમના નાના દીકરા મુકેશને ત્યાં વધારે ફાવતું હતું, મુકેશના બાળકો નાનાં હોવાના કારણે તેની સાથે પોતાનું બાળપણ બંને માણી લેતાં. તેમજ મુકેશની પત્ની જાગૃતિ પણ તેનાં સાસુ-સસરાની ખૂબ કાળજી રાખતી તેમના માટે વિવિધ નાસ્તા, સમયે સમયે ચા, લીંબુ શરબત, ફળો વગેરે સવલતો જાળવતી.
મગનબાપાએ જ્યારે રાજકોટ સ્થાયી થવાનો વિચાર દીકરાઓ સમક્ષ મૂક્યો ત્યારે જાગૃતિ એ કહ્યું કે, “ મેં વર્ષોથી મા-બાપનો પ્રેમ નથી મેળવ્યો, બાળપણથી ભાઈ-ભાભીએ ઉછેરીને મોટી કરી છે, તેથી બાપુજી અને બા ને હું દૂર નહીં જવા દઉં”.
વહુની પોતાના પ્રત્યેની લાગણીને માન આપી મગનબાપા જીવીબા સાથે મુકેશ જોડે રહેવા આવી ગયા.
ગામડે ખેતર અને મકાન વેચી નાંખી મકાનનાં નાંણાં મોટા દીકરાને અને ખેતરનાં નાંણાં નાના દીકરાને ભાગે આપ્યા.
બદલતા મોસમની જેમ જાગૃતિનાં વર્તનમાં.. તેના દ્વારા લેવાતી સંભાળમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. વૃદ્ધ દંપતીને નીચે એક રૂમમાં રહેવા આપી પોતે પરિવાર સાથે ઉપરનાં માળે રહેવા જતી રહી.
જ્યારે મગનબાપા ગામડેથી થોડો સમય આવતાં ત્યારે તેની સંભાળ રૂપ ચા, નાસ્તા, શરબત, ફળો જે સમયે સમયે ખવડાવતી તેના બદલે ફક્ત બે સમયનું ભોજન બનાવી નીચે જીવીબાને આપી જતી.
વૃદ્ધ અને અનુભવી નજર દીકરાને નીતિ મોડી પણ પારખી ગઈ, દૂરથી સંભળાતું ગીત “તમે મારા દેવનાં દીધેલ છો તમે મારાં માંગીને લીધેલ છો.” મગનબાપાને હૈયે આજે ખૂંચવા લાગ્યું.
