STORYMIRROR

Shital Ruparelia

Inspirational

3  

Shital Ruparelia

Inspirational

અસ્થિ વિસર્જન

અસ્થિ વિસર્જન

3 mins
280

"પપ્પા હવે અહીં અમારી સાથે આવી જાવ ને, શા માટે બેય એકલા રહો છો ?” નિરજે તેના પિતા હરિશભાઈને ફોન કરી કહ્યું.

 “ ના…. બિલકુલ નહીં હોં…” હરિશભાઈ એ દીકરાને ટૂંકો પ્રત્યુત્તર આપ્યો.

 “ પણ કેમ પપ્પા ? શું તમને અમારા પર વિશ્વાસ નથી કે અમે તમારું ધ્યાન રાખીશું “ નીરજ થોડા ગુસ્સા સભર દુઃખી અવાજે બોલ્યો.

 “ એવું નથી બેટા … અમે તારે ત્યાં આવીએ તો અમારા રોમાન્સ માં વિક્ષેપ ન પડે ! “કહી હરિશભાઈ ખડખડાટ હસી પડ્યા અને નીરજ પણ….

  હરિશભાઈ …….એક હસતું જીવંત વ્યકિતત્વ.. શારદાબેન સાથે તેમનું લગ્નજીવન સમાજ માટે ઉદાહરણ રૂપ હતું ;હંમેશા હસતા મુખે કોઈ પણ પરિસ્થિતિને પાર પાડનારા હરિશભાઈ એ શારદાબેનનાં સાથથી દીકરા નીરજને ભણાવી ગણાવી ને સેટ કર્યા બાદ બંને પતિ -પત્ની દીકરા સાથે ન રહેતા એકલા જ રહેવાનું પસંદ કર્યુ.

   પડોશીઓ પણ ઘણી વાર એમને કહેતા કે હવે તો દાદા-દાદી તરીકે પૌત્રને લાડ લડાવવા નો લ્હાવો લેવા પણ તમારે દીકરા પાસે જવું જોઈએ , તો કોઈ એમ પણ કહેતું કે જો હજી પણ તમે દીકરા વહુ સાથે રહેવા નહીં જાવ તો પાછળથી વહુ ને તમારી હાજરી ખૂંચશે. 

 આવી બધી વાતો હરિશભાઈ મજાકમાં ઉડાવી દેતા અને પોતાના શારદાબેન સાથે નાં રોમાન્સની વાત કરી વાતાવરણ ને હળવું બનાવી દેતા.

  શારદાબેન પણ ઘણી વખત કહેતા કે , “શું તમેય આવી ઘેલી વાતો કરો છો… હવે તો સસરા થયા અને દાદા પણ … હવે આવું બોલવું ન શોભે” .

   ત્યારે હરિશભાઈ કહેતા, “શારદા….. તને પ્રેમ કરતાં તો મને ભગવાન પણ ન રોકી શકે” અને શારદાબેન શરમાઈ ને લાલ થઇ જતાં.

  પણ કુદરતને પણ આ જોડી પર ઈર્ષા આવી હોય એમ અચાનક એક દિવસ શારદાબેનનું હ્રદયરોગનાં હુમલાથી નિધન થયું.

  હરિશભાઈ આ રીતે પોતાની જીવનસંગીની નાં જવાથી આઘાત પામ્યાં હતા; શારદાબેનની બધી ક્રિયાવિધિ દીકરા સાથે પૂર્ણ કરી શારદાબેનનાં અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર તેમના દીકરા સાથે ગયા.

  શારદાબેન નાં અસ્થિ વિસર્જન માટે ગંગા ઘાટ પહોંચ્યા બાદ હરિશભાઈએ જે જોયું તે જોઇને તેનું મન પાછું પડી ગયું.

 “દીકરા… તું તારી માં ને કેટલો પ્રેમ કરે છે?” હરિશભાઈનાં આ પ્રશ્ન થી નીરજ ચોંક્યો.

 “પપ્પા મારી કોઈ ભૂલ થઈ ?” નીરજે પૂછ્યું.

 “ના બેટા પણ શું તું તારી મમ્મી પ્રત્યે નો પ્રેમ જતાવવા તેના પર સાડી, ફૂલો, કે અન્ય વસ્તુઓ તેના ઉપર ચડાવીશ ? 

અહીં જો પેલે ઘાટ લોકો સ્નાન કરે…. અહીં જો અગ્નિ સંસ્કાર કરે…. જો…જો પેલા સ્નાન કરીને વસ્ત્રો ધોવે ….”

 “પપ્પા તમે શું કહો છો સમજાતું નથી. આ મેટર ને મમ્મી પ્રત્યેનાં મારા પ્રેમ સાથે શું લેવાદેવા “ નીરજે હરિશભાઈ ની વાત કાપતાં કહ્યું.

 “જેમ શારદા તારા માટે પૂજનીય છે તેમ ગંગાજી તો આપણા બધા માટે પૂજનીય છે તો શા માટે તેને આપણે મલિન કરવી …. 

  દીકરા માં ગંગા પર આ જુલમ શા માટે? ક્યારે સમજશે સમાજ કે હકીકતમાં અસ્થિ વિસર્જન નાં બહાને માં ગંગા ને આપણે મલીન કરીએ છીએ.

  શરૂઆત આપણે જ કરીએ … ગંગાજી મા શારદાની અસ્થિ વિસર્જન ન કરીને જ તેનું સાચું તર્પણ કરીએ” કહી હરિશભાઈ દીકરા નીરજ સાથે ગંગાજી ને પ્રણામ કરી ત્યાંથી રવાના થયા.

 અચાનક ગંગાજીનાં જળની છાલક હરિશભાઈ નાં પગ પર આવી…… જાણે ગંગાજી પણ આ નિર્ણય પર ખુશ હતાં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational