પિતા ઘરનો તોતિંગ સ્તંભ
પિતા ઘરનો તોતિંગ સ્તંભ
આકાશ અને રવિ સાથે ભણતાં હતાં. એક દિવસ શાળામાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પોતાના પિતાજી વિશે બોલવાનું હતું. રવિના પિતાજી નાનપણમાં જ અવસાન પામ્યા હતા. રવિએ આકાશને પુછ્યુ, મેં તો પપ્પાને જોયા પણ નથી. તું જ કહે ને પિતાજીનું શું મહત્વ ?
આકાશ કહે," પિતા એટલે એવી વ્યક્તિ કે જે પોતાની જાત ઘસી નાખે પણ બાળકને કોઈ તકલીફ ન પડવા દે. આજ તો મારે મારા પપ્પા વિશે કહેવું છે. મારા પપ્પા મારા માટે દોસ્ત છે. જે વાત કરતા કદાચ હું દોસ્ત સામે ખચકાટ અનુભવુું. પણ મારા પપ્પાને હું કોઈ પણ વાત સરળતાથી કહી શકું. સમજાવી શકું.
પપ્પા મારા બાળપણથી લઈને અત્યાર સુધી તમે મારા માટે બધું જ કરી રહ્યા છે. એક નાની સરખી તકલીફ પડે એ પહેલા તમે મારી પાસે હાજર. મને ગર્વ છે કે તમે મારા પપ્પા છો. તમે મારા માટે એક આદર્શ છો.
જ્યારે હું નાનો હતો ત્યારે તમે નાની મોટી વાત કરી પ્રામાણિકતા કોને કહેવાય એ શીખવ્યું. ચોરી,જુગાર, ફેશન, વ્યસન આ બધા દુર્ગુણોથી કેમ દૂર રહી શકાય તે શીખવ્યું. અભ્યાસનું મહત્વ સમજાવ્યું. સાચા રસ્તે ચાલતા શીખવ્યું.
એમ કહું કે મારી જિંદગીમાં હું અત્યારે જે કંઈ છું તે તમારા કારણે છું. તો એમાં એક પણ શબ્દ અતિશયોક્તિ ભર્યો નથી.
પપ્પા મારા પ્રેમનો સાગર
હું તો એક ટીપું સાગરનું,
આંગળી પકડીને મારી
સત્યના માર્ગે ચાલતાં શીખવ્યું,
દુનિયા સામે ડરી જાવ ત્યારે
હિંમતભેર ચાલતાં મને શીખવ્યું,
નફરતની આ દુનિયામાં
પ્રેમનું મહત્વ સમજાવ્યું,
વિશ્વાસથી ચાલે આ દુનિયા
સદગુણોનું સિંચન કર્યું,
આજે હું જે કંઈ છું. . હું સૌની સાથે તાલ મિલાવી કામ કરું છું. દુનિયા સાથે ચાલી શકું છું. એ બધો શ્રેય મારા પપ્પાને ફાળે જાય છે.
અત્યારે દરેક જ્ગ્યાએ માતા વિશેના ગુણગાન છે. માતા વિશે કવિતા ભજન વગેરે ઘણું બધું. પિતા માટે લખવાવાળા બહુ ઓછાં. માતા કરતાં પિતાનું મહત્વ જરા પણ ઓછું નથી. પિતાજી ઘરનો તોતિંગસ્તંભ છે. જો એ સ્તંભ તૂટી ગયો તો ઘર વેરવિખેર થઈ જાય.
પપ્પા વિશે એટલું જરૂર કહીશ,
તમે છો પ્રેમનો એ સાગર
જે કદી ના ખૂટતું
ત્યજીને સર્વ સુખ ખુદના
બાળક કાજે જ જીવતા.
