પીડિતા- ચિંદી
પીડિતા- ચિંદી
હું મહારાષ્ટ્રના સિંધુતાઈની વાત લઈને આવી છું. આ પીડિતાની જીવનકથા પર બે હજાર દસમાં અનંત મહાદેવન મરાઠી ફિલ્મ બનાવી ચુક્યા છે. એ ફિલ્મ નેશનલ એવોર્ડ પણ મેળવી ચૂકી છે. એ મરાઠી ફિલ્મનું નામ-- મી સિંધુતાઈ સપકાલ.
સિંધુ તાઈનો જન્મ ચૌદ નવેમ્બર અને સાલ ઓગણીસો અડતાલીસમાં મહારાષ્ટ્રના વર્ધા ગામમાં થયો હતો. ખુબ ગરીબ પરિવારમાં જન્મ થયો હોવાથી શિક્ષણ અધૂરું જ રહ્યુ. સિંધુ તાઈનું બાળપણનું નામ ચિંદી હતું. ચિંદી એટલે નકામું. ફાટી ગયેલું, ફેંકાઈ ગયેલું કે કચરો. ચીંદીની માતાને એક પ્રકારનો અણગમો હોવાથી એવું નામ પાડ્યું હતું. તેણી જેમ-તેમ કરીને મરાઠીમાં ચોથા ધોરણ સુધી ભણી. ચિંદીને શાળાએ ન જવા દેવા માટે સગી મા ભેંસો ચારવા મોકલતી. ચિંદી ભણવા માટે બધી ભેંસોને પાણીમાં ઉતારી દેતી. જો શાળાએ પહોંચતા મોડું થાય તો માસ્તર મારે. અને જો ભેંસ પાણીમાંથી નીકળીને કોઈના ખેતરમાં ઘુસી જાય તો ખેતરનો માલિક મારે. આમ બંને બાજુ માર ખાતા ખાતા તેઓએ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ગરીબીના કારણે ખુબ અભાવો સાથે બાળપણ વીત્યું.
હજી બાળપણ પણ ક્યાં વિત્યુ હતું ? ચિંદીના બાર વરસની ઉંમરે લગ્ન લેવાયા. લગ્ન સમયે પતિની ઉંમર બત્રીસ વર્ષ હતી. પતિનું નામ મુખીયાના શ્રીહરિ. - નામ મુજબ ગુણ ન હતા.
ચિંદીને કયારેક કયાંકથી કાગળ મળી જાય કે કોઈ વસ્તુને વીંટાળેલો અખબારનો ટુકડો વાંચતા પતિ જોઈ જાય તો શિક્ષા કરતો. પોતે અભણ હોવાથી પત્નીને વાંચતા જોઈ ન શકવાની માનસિકતા ધરાવતો હતો. ચિંદીને ખુબ માર પડતો. એ પછી મારથી બચવા ચિંદી છાનીમાની વાંચીને કાગળ પેટમાં પધરાવી દેતી. એ કાગળ ભવિષ્યમાં ભજન બની જશે, એવી કલ્પના પણ ચિંદીએ
કયાંથી કરી હોય !
ચિંદી વીસ વરસની ઉંમરે ચોથી વખત ગર્ભવતી થઈ. ચિંદીને નવમો મહિનો જતો હતો, ત્યારે પતિદેવે બીજાનું બાળક તારા પેટમાં છે, એમ કહીને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. ચિંદીએ તે જ રાતે ગાયોના ધણ વચ્ચે દીકરી મમતાને જન્મ આપ્યો. બેભાન હોવાથી કંઈ જ ખબર ન પડી. ગાયોના અવાજથી જાગી. ગર્ભનાળ પથ્થરના પંદર કે સોળ ઘા મારીને તોડી. ચિંદીને ગાયો કચડી નાખે એટલે ત્યાં છોડી દીધી હતી. ચાંદી સાસરે બધાને ઘણું કરગરી. કોઈએ શ્રીહરિને ન સમજાવ્યો. ન પતિ પોતે કંઈ સમજ્યો.
ચિંદી દસ દિવસની દીકરીને લઈને મા-બાપના ઘરે ગઈ. ત્યાંથી પણ જાકારો જ મળ્યો. સગી મા પણ ચિંદીના ચરિત્ર પર લાગેલો ડાઘ સાચો સમજતી હતી. સમાજથી તરછેડાયેલી સ્ત્રીને કોઈ માન સન્માનથી જુએ નહી. હવે જવું ક્યાં? કોઈ આશરો નહીં, કોઈ સહારો નહીં. દસ દિવસની દીકરીને લઈને મરવાનો વિચાર પણ આવી ગયો. મનથી ભાંગી ગઈ હોવા છતાં ભીખ માંગીને જીવવાનું નક્કી કર્યું. પહેલા જે કાગળ વાંચીને ખાઈ ગઈ હતી, તે ટ્રેનમાં ભજન ગાવાના કામમાં આવ્યાં. ભજન ગાતી ત્યારે ખાવાનું મળતું. તેણી
રેલ્વે સ્ટેશન પર ભિખારીઓ વચ્ચે વહેંચીને ખાતી. આટલા કપરા સમયમાં પણ એકલાી કયારેય ન ખાતી. અનાથ બાળકોને પણ ખવડાવતી. ભિખારીઓને ખાવાનું આપવાનો ફાયદો એ થયો કે તેઓ રાત્રે ચિંદીનું રક્ષણ કરતાં. બધા જુના ભિખારી હોવાથી સૂઈ જતા, પરંતુ ચિંદી નવી નવી ભિખારી બની એટલે ખૂબ ડરતી હતી. ચિંદી સ્મશાનમાં રહેતી હતી. ત્યાં કોઈ કામ વગર ન આવે. જો ચિંદીને કોઈ સ્મશાનમાં જોઈ જાય કે ભૂત સમજીને દૂર જ રહે.
એકવાર તો ભૂખનું દુ:ખ સહન ન થતા ચિંદી સ્મશાનમાં ઝાડ પર ચડી પાંદડા તોડ્યા. ત્યાં ઉડતો લોટ પાંદડા પર લઈ મટકીમાંથી પાણી લઈ લોટ બાંધી રોટલી બનાવી. પણ શેકવી ક્યાં? ત્યાં સળગતા મૃતદેહની અગ્નિ પર શેકીને ખાધી.
ત્યાં તો ચિંદીને કાગડા, કૂતરા, ગીધ વગેરેનો અવાજ સંભળાવા લાગ્યો. ચિંદીએ નક્કી કર્યું કે આ તો એનો ભાગ છે, એ મારાથી ન ખવાય. એ પછી સ્મશાન છોડી દીધું.
એકવાર રેલવે સ્ટેશન પર એના જેવી એક દુઃખી સ્ત્રી ભીખ માગતા માગતા તાવમાં ત્યાં જ મરી ગઈ, તેની છાતી પર સવા મહિનાનું એક બાળક હતું. ચિંદીએ આ પહેલું બાળક દત્તક લીધું. તાઈનો પહેલો દત્તક દીકરો એ દીપક. ત્યારથી તેણીએ અનાથોની માતા બનવાનું નક્કી કર્યું. ચિંદીએ બીજાના દુઃખમાં ભાગ લેવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એમણે પોતાનું નામ (જોડવું સાંધવું )સિંધુતાઈ રાખ્યું. પોતાના જીવનનો મૂળ મંત્ર -બીજાના દુઃખમાં ભાગ લેવાથી પોતાનું દુઃખ ભૂલાઈ જાય. હિંમત ન હારવી જોઈએ. મરવાનું તો છે જ તો મરી મરીને ન જીવવું, એ પોતાના સ્વભાવમાં વણી લીધો.
સિંધુતાઈએ એક મોટો નિર્ણય કર્યો કે પોતે પોતાની દીકરી બીજાને દત્તક આપી દે, જેથી સગી માતાની મમતા અનાથ બાળકોને અન્યાય ન કરે. પોતાની જીવનયાત્રા રેલ્વે સ્ટેશનથી શરુ કરી થાક્યા વગર સકારાત્મક અભિગમ સાથે હજારો બાળકો દત્તક લઈ સૌપ્રથમ એનજીઓ ચિકલદરા, અમરાવતીમાં શરુ કર્યો. જેનુ નામ સાવિત્રીબાઈ ફૂલે ગર્લ્સ હોસ્ટેલ રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી જુદી જુદી જગ્યાએ ચાર સંસ્થાની સ્થાપના કરી. તેઓએ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. પોતાના દત્તક લીધેલા બાળકો આજે એન્જીનીયર, ડૉકટર, નર્સ વકીલ બની ચુક્યા છે, એ જોઈ તેઓ ખુબ ગૌરવની લાગણી અનુભવતા હતા. પોતે ભણી ન શક્યા એ સપનું આ હજારો બાળકોની સફળતા દ્વારા પુરુ કર્યું.
સિંધુતાઇ એક એવા પીડિતા હતા કે એનું કોઈ ભવિષ્ય ન હતું. તેઓની સંસ્થાને ગ્રાન્ટ મળતી ન હતી. છેક સુધી ભાષણ આપીને રાશન મેળવતા હતા. તેઓેએ સાડા સાતસો એવોર્ડ અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. સિંધુતાઈને બે હજાર એકવીસમાં આપણાં માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એક અભણ પીડિતા મહારાષ્ટ્રનાં મધર ટેરેસા બની ગયા. સૌના સિંધુમાઈ તોતેર વર્ષની ઉંમરે ઈ.સ. બે હજાર બાવીસની ચોથી જાન્યુઆરીએ વૈંકુઠવાસી થયા.
