ફરિયાદ
ફરિયાદ
"આવી ગઈ તું ? હવે આવી મારી યાદ ? થઇ ગયા બધાજ કામ પૂર્ણ ? દરેક ફરજ ઝીણવટથી નિભાવી આવી ? પણ હું તારી જોડે વાતજ ન કરું, જો જે દરેક બાબત ની એક મર્યાદા હોય. આ તો હદજ થઇ ગઈ. એટલે મારા માટે તારી પાસે ન તો સમય છે. ના તારા હદય માં મારા અર્થે કોઈ લાગણીઓ. આટલું સખત હદય છે તારું, નહીં ?
હમણાં સુધી બધુજ ચુપચાપ સહી લીધું. એક શબ્દ પણ ન કહ્યો. કોઈ ફરિયાદ, કોઈ માંગણી નહીં કરી. પણ મારી આ સહનશીલતા અને ધીરજ નો હવે તો તું સીધેસીધો લાભ ઉઠાવી રહી છે. હું કઈ ન બોલું એટલે મારી જોડે મન મરજીનો વ્યવહાર આદરવાનો, એમજ ને ? પણ હવે આ સ્વાર્થયુક્ત વલણ હું સહન ન કરીશ. આજે હું બધુજ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવીશ અને તારે સાંભળવુંજ પડશે. લાંબા સમયથી હૈયામાં સંગ્રહી રાખેલી આ વરાળ આજે બહાર ઠલવાઈજ જવા દે.
સૂર્યની પહેલી કિરણ જોડે શરૂ થતો તારો દિવસ. પરિવારના જુદા જુદા સભ્યોના સમયપત્રક સાચવવા માટે શરૂ થતી એ ડોટમાં તું મને કશે પાછળ જ વિસરી જાય. દરેકના નાસ્તા, ટિફિન, બપોરના અને રાત્રીના ભોજનની વ્યવસ્થા કરવામાં એવી ગૂંચવાય જાય કે મારા જમવાની કે સમયસર નાસ્તો કરવાની કે મારુ સ્વાસ્થ્ય જાળવવાની તને કોઈ પડીજ ન હોય. દરેક ની જીવનજરૂરિયાતો અંગે સતત ચિંતિત પણ મારી જીવનજરૂરિયાતો પ્રત્યે સીધી ઉપેક્ષા ! કોને શું જોઈએ, ક્યારે જોઈએ એની સંપૂર્ણ તકેદારી પણ મને શું જોઈએ, ક્યારે જોઈએ એનું કોઈ મહત્વજ નહીં ! દરેક ની વાતો શબ્દેશબ્દ સાંભળતી, એ એકેક શબ્દને આદરથી પ્રત્યાઘાત આપતી તું.જયારે મારા શબ્દો સાંભળે, મારી ઈચ્છઓને સાંભળે ત્યારે જાણે કઈ સાંભળ્યુંજ ન હોય એવી અજાણી બની રહે ? એટલે બધાનુજ અસ્તિત્વ,ફક્ત એક મારુંજ અસ્તિત્વ નહીં તારી દ્રષ્ટિમાં.
બધાના જીવન સ્વપ્નોને માન આપતી તું. એમના સ્વપ્નોને ટેકા આપતી તું. એ સ્વપ્નો પરિપૂર્ણ કરવા પોતાનો શક્ય ફાળો આપતી તું. દી વિચાર્યું છે મારા સ્વ્પ્નોનું શું ? એમના સ્વપ્નો માટે મારા સ્વપ્નોનું હર ઘડી બલિદાન ?પ્રેમ, હૂંફ, સ્નેહ આમતો તું દરેક પર વરસાવે છે. એમાં ક્યાંય કમી ન રહી જાય એ અંગે હર ક્ષણ સતર્કતા જાળવે છે. કાળજી અને દરકારરૂપી એ પ્રેમ વર્ષાની પાછળ મને શા માટે વિસરી જાય છે ? હું પણ આખરે મનુષ્ય છું. જો તું મને તારો પ્રેમ, હૂંફ, સ્નેહ થી બાકાત રાખીશ તો હું ક્યાં જઈશ ?
"હું છું ને" સૌને તું કહેતી ફરે છે. ક્યારેક મને પણ એવું જ હુલામણું આશ્વાસન આપી શકે ને ? અન્ય ને ખુશ રાખવા મારી કેટલી ખુશીઓને તું પથ્થર હદયે કચડી નાખે છે. અન્યની ઈચ્છા પૂરતી માટે મારી દરેક ઈચ્છાઓના તું ગળાજ ઘોંટી નાંખે છે. સૌને તું સમજી શકે છે તો મને કેમ નહીં ? હું જાણું છું જે વ્યક્તિઓ જોડે જીવનનો સૌથી વધુ ભાગ વિતાવવાનો હોય એમનેજ સૌથી વધુ મહત્વ આપવું પડે. પણ એક વાત પૂછું ? તારા જીવનનો સૌથી વધુ સમય તો તારે મારીજ જોડે વિતાવવાનો છે ને ? એ પણ એક નક્કર સત્ય.
હું જાણું છું. તું એક કર્તવ્ય નિષ્ઠ મનુષ્ય છે. તારી ફરજોને સંબંધોને તું સૌથી ઉપર રાખે છે. એ જોઈ હું પણ તારા પર અનન્ય ગર્વ અનુભવું છું. પણ મારા પ્રત્યે પણ તારી
કોઈ ફરજ નહીં ? મારી સાથે તારો કોઈ સંબંધ નહીં ? મને ખુશ રાખવું, સંતુષ્ટ રાખવું,મારી કાળજી અને સંભાળ દાખવવી, મારી ઈચ્છઓને માન આપવું, મારા સ્વપ્નોનું સન્માન જાળવવું - એ પણ તારું કર્તવ્ય નહીં ? અને હું ક્યાં કહું છું કે તારા સમગ્ર સમય અને ધ્યાન ઉપર હું કબ્જો જમાવવા ઈચ્છું છું ? તું ફક્ત મારા અંગે જ વિચારે કે ફક્ત મારીજ દેખરેખ રાખે ? એ માંગણી ન તો શક્ય છે ન ન્યાયયુક્ત.
તારો આખો દિવસ, તારા ચોવીસે ચોવીસ કલાકની અપેક્ષા હું ન જ સેવી શકું. પણ થોડા કલાકો તું મારી માટે ફાળવી શકે ને ? કલાકો નહીં તો દિવસની થોડી મિનિટો તું મારી જોડે શાંતિથી વિતાવી શકે ને ? થોડી ક્ષણો જ પૂરતી છે. મને સાંભળવા માટે, સમજવા માટે, મારી કાળજી લેવા માટે, મારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે, મારા સ્વપ્નોને પણ સ્પર્શવા માટે. અને તુજ કહે એ તો આખરે મારો અધિકારજ ને ?"
બધાજ પ્રશ્નો, બધીજ દલીલોનો વસુંધરા પાસે કોઈ ઉત્તરજ ન હતો. દરેક શબ્દ સાચો દરેક દલીલ સત્ય. એ ક્રોધ, એ ગુસ્સો પૂરેપૂરો તર્કયુક્ત જ તો હતો. મૌન, નિઃશબ્દ, શાંત, શૂન્યમનસ્ક વસુંધરા ના ઓરડા ના બારણે ટકોરા પડ્યા. બારણું ખોલતાંજ બહાર ઉભું આખું પરિવાર સુંદર વસ્ત્રોમાં સજ્જ એની સામે પહોળી આંખો માંડી રહ્યું. લગ્નસમારંભ માં જવાનો સમય થઇ ચુક્યો હતો. દર વખતે સૌથી પહેલા તૈયાર રહેતી વસુંધરા એ હજી કપડા પણ બદલ્યા ન હતા !
"તમે બધા જાઓ હું ઘરેજ રહીશ."
પહોળી આંખો હજી વધુ પહોળી થઇ.
"અરે શું થયું ?"
"સૌ ઠીક તો છે ?"
"તારી તબિયત તો બરાબર છેને ?"
"કોઈ સમસ્યા બેટા ?"
પરિવારનો સ્નેહ અને પ્રેમ પ્રશ્નોની છડીમાં ફેરવાઈ ગયો. કોઈ પણ કાર્ય માટે, કશે પણ જવા માટે કદી 'ના ' ન કહેનારી, હમેશા બધાની ખુશી અંગે વિચારનારી, કદી કોઈની લાગણી ન દુભાઈ એ બાબતની સતત કાળજી દાખવનારી વસુંધરા એ પહેલીવાર હિંમત જોડી પોતાની લાગણીઓ પારદર્શક બનાવી.
"સૌ ઠીક છે. બસ આજે મન નથી થતું."
નવાઈ અને અચરજ જોડે બધા વસુંધરાને કાળજી અને સંભાળ લેવાની સ્નેહપૂર્ણ સલાહ આપી આખરે નીકળ્યા. બધાના જતાજ વસુંધરાએ ત્વરાથી પોતાનો પર્સ ઉઠાવ્યો. ટેક્ષી લઇ,કેટલીક ખરીદી કરી ઝડપથી ઘરે પહોંચી.
સાથે લઇ આવેલ પેઇન્ટિંગ સ્ટેન્ડ પર કાગળિયું ગોઠવ્યું અને રંગો, પીંછીઓની ભાગીદારીથી વર્ષો પાછળ છૂટી ગયેલું એક સ્વપ્ન જાણે ધીરે ધીરે શ્વાસો ભરતું સજીવન થઇ ઉઠ્યું. એણે ભલે રંગોને છોડી દીધા હતા પણ રંગો એ એનો સાથ કદી છોડ્યોજ ક્યાં હતો ? થોડાજ સમયમાં વસુંધરાના હાથે તૈયાર થયેલું, એ કલ્પનાના સુંદર રંગોમાં દીપી ઉઠેલું ચિત્ર જાણે હકારાત્મકતાનો સંદેશો આપી રહ્યું હતું.
'હજી મોડું નથી થયું' કલાને કલાકાર છોડી શકે પણ કલા કદી કલાકારને છોડી શકેજ નહીં. ચિત્ર ને અંતિમ સ્પર્શ આપી વસુંધરા ફરીથી એજ અરીસા સામે આવી ઉભી રહી.
"બસ, હવે ખુશ ?" પોતાના પ્રતિબિંબ સામે હુલામણો પ્રશ્ન પૂછ્યો.
અરીસા માં થોડા સમય પહેલા પ્રતિબિંબિત ફરિયાદો, પ્રશ્નો, રીસામણા, ક્રોધ, અસંતોષ ની જગ્યા એ અનેરો આત્મ સંતોષ અને ખુશી છલકી ઉઠયા.