Vaishali Katariya

Romance Tragedy

2.5  

Vaishali Katariya

Romance Tragedy

ફરી આવ્યો વેલેન્ટાઈન ડે

ફરી આવ્યો વેલેન્ટાઈન ડે

15 mins
578


કોલેજના દિવસો કંઇક અલગ જ હતા. મોજ મસ્તી તો હતી જ, પણ તેના રંગમાં ભંગ પણ હતો. આ રંગનો ભંગ તો કોલેજની કેન્ટિન, ગ્રાઉન્ડના બાકડા પર અને એ કોલેજીયન મિજાજી મિત્રોમાં જ જોવા મળે.

આજે આકાશનો કૉલેજમાં પ્રથમ દિવસ હતો. જ્યારે તેણે એ પોતાની જાતનો પ્રથમ વાર તેના ક્લાસમાં પરિચય આપ્યો ત્યારે આકાશની નજર નીચું જુકેલી, પોતાના વિચારોમાં ખોવાયેલી અર્પિતા પર પડી. તેની માંજરી આંખોની નિખાલસતા, સદાબહાર નિરંતર શરમાળ હાસ્ય, ગાલ પર પડેલા એ ખાડા અને સુંદરતામાં ઉમેરો કરતા જેમ સફેદ ચાંદનીમાં કાળા ડાઘ હોય તેમ આંખના નેણની એકદમ નીચે કાળા તલ એ ચહેરામાં વધારે આકર્ષણનું ખેંચાણ હતું. આકાશ તો એકીટશે જોતો જ રહ્યો. પોતાની જાતને ઘણી કાબૂમાં કરીને તેની સામેથી નજર ફેરવવાની ઘણી કોશિશ કરી, તો પણ આંખ દગો આપી ગઈ. બસ હવે તો આકાશને થયું કે ગમે એમ થાય અર્પિતા જોડે દોસ્તી કરીને જ જંપીશ.

કૉલેજના એ બોરિંગ લેક્ચરમાં કોઈ આવે કે ના આવે પણ આકાશ તો આવે જ. પછી ભલેને લેક્ચર સમજાય કે ના સમજાય તો પણ કોલેજ જવાનું તો ખરું. આ બધાનું કારણ પહેલા દિવસે આંખના નજરે ચડેલ અર્પિતા હતી. છોકરાની તો આદત હોય છે ઝાંખવાની. મજાની બાબત એ છે કે આકાશ અને અર્પિતાની નજર એક મળે ત્યારે બન્ને જણ હસીને નજર ફેરવી લે છે. જાણે બંન્ને વચ્ચે કઈ હોય જ નહીં. હવે તો કંઇક વધારે પડતું હોય તેમ જ, કદાચ બંનેના મનના વિચારો દિલની આકુળતાને ઉથલપાથલ કરતા હશે ?

સામે જુએ તો નજર હટાવી દે છે,

નજર હટાવું તો સામે જુએ છે.

પ્રેમ હોય તો સીધા એકરાર કરો ને ,

કેમ ખોટી મુંઝવણો ઉભી કરો છો.

-અજ્ઞાત

સમય જતાં બંનેની મૈત્રી બનતી ગઈ, એકબીજાનું પોતીકાપણું ગમવા લાગ્યું, ક્લાસ જોડે એટેન્ડ કરતા, જર્નલ લખતા, નોટબુકની આપ લે, ફોન પર કલાકો સુધી વાતો, કેન્ટીનનો નાસ્તો, ફ્રી સમયમાં પાસે બેસી ગપ્પા લડાવવાનું આ બધું ક્યારે આદત બની ગઈ ખબર જ ના પડી.

હવે તો બન્ને માટે તું આવે અને તારા દીદાર થાય પછી જ બંન્નેની કોલેજ શરૂ થતી અને તું જાય એટલે પૂરી થતી. બન્નેનાં વિખૂટા પડયા પછી ખબર નહિ, તેના હ્રદયની ધડકન કોઈ ચોરી ગયું હોય એમ લાગતું. આમ એક પ્રકાર નો ખાલીપો અનુભવતા.

આમ ને આમ કોલેજના બે વર્ષ પૂર્ણ કર્યા. પરિક્ષાના પરિણામથી મુક્ત થયા ત્યાંજ હદયની ધડકન એવા ફેબ્રઆરીની શરૂઆત થઇ ગઇ. સૌ આ મહિનાની ખાસ રાહ જોતા હોય છે. આકાશ વિચારે છે ગમે તે થાય હવે અર્પિતાને મારા દિલની વાત કહી દેવી છે અને અર્પિતા પણ આવું વિચારે છે હું પણ આકાશ ને મારો જીવનસંગની બનાવવા માંગુ છું તો ચાલ હું પણ વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રપોઝ કરું.

આખરે 14 ફેબ્રઆરીના દિવસે કોલેજ વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં થનગનતી હતી. કેમ્પસમાં ચારે બાજુ ઉત્સાહનો અને મસ્તીનો માહોલ હતો. પ્રેમી પંખીડા માટે સૌથી મોટો તહેવાર એટલે આજનો દિવસ. એ રીતે બધા નવા નવા કપડામાં સજીધજીને આવ્યા. છોકરાઓ અને છોકરીઓના આજના દિવસે આંખમાનું ગુલાબી તેજ પ્રેમની લાગણીને લીધે ઝળહળતું હતું. ઘણા તો આજે હ્રદયમાં બિરાજતી ખાસ વ્યક્તિ માટે સૌથી આકર્ષિત સોગાદો આપીને પ્રેમનો એકરાર કરવા માટે થનગનતા હતા.

આકાશ કોલેજમાં પોતાની આજુબાજુમાં થઈ રહેલ હલચલને નિસ્પૃહ ભાવે જોઈ રહ્યો હતો અને પેલેથી જ અર્પિતાને પ્રપોઝ કરવા બધી તૈયારી કરીને આવ્યો હતો. મનમાં દોસ્તી ખોવાનો ડર હતો એટલે પ્રેમપત્રનો સહારો લે છે અને ખૂબ સારો ઈઝહાર કરે છે. પણ બન્યું એવું કે આજના દિવસે ઘડિયાળ બંધ પડી ગઈ કે સેકન્ડ હવે મિનિટ માં બદલાય ગઈ કઈ ખબર જ પડતી ન હતી. આજે સવાર ની 9:00 વાગ્યાની રાહ જોતો 11:00 વાગ્યા પણ અર્પિતા ન આવી. આજુબાજુ નું વાતાવરણ જોઈને આકાશના દિલને સુકુન મળતું ન હતું. ઘણા કોલેજની ફરતે આંટા માર્યા, રસ્તા પર નજર ફેરવે પણ બધું સુમસામ. આખરે કંટાળી ને પોતાના ક્લાસમાં જઈને બુક વાંચવાની કોશિશ કરે છે, પણ મન લાગતું નથી.

આખરે મોડી મોડી અર્પિતા કોલેજ આવી પહોંચે છે. જે રૂમમાં આકાશ બેઠો હોય છે ત્યાં તેને શોધતી શોધતી ત્યાં પહોંચી જાય છે. જ્યારે આકાશ અને અર્પિતા એકબીજા ને જુએ છે તો ચાર આંખો જાણે બે જ બની ગઈ હોય એમ લાગતું. આજુબાજુના વાતાવરણએ જાણે શૂન્યની મુદ્રા ધારણ કરી લીધી હોય એમ અપ્રતિમ થતું. આખરે એકબીજા નજર હટાવીને નાનું હાસ્ય આપે છે. અર્પિતાને ખબર હતી કે આજ આકાશ પ્રેમનો એકરાર કરશે એવું વિચારીને અર્પિતા આકાશના મનપસંદ કલરના કપડાં પહેરીને આવે છે.

આકાશ અર્પિતાને આંખો બંધ કરવા કહે છે . આંખ બંધ કરેલી એકદમ નમણી નાજુક બનેલી અર્પિતાનો હાથ પકડીને પ્રેમ એકરાર કરવા જ્યાં છે ત્યાં જ મનમાં બેચેની, ગભરાહટ, ડર બધું સતાવવા લાગી જાય છે. જાણે તે કંઇક ખોટું કરી રહ્યો હોય એમ. આખરે મનનો વહેમ ખાઢીને એકરાર કરી દઈ છે. પ્રેમનો નહિ દોસ્તીનો. શું તું હમેંશને માટે મારી દોસ્ત બનીને રહીશ ? અર્પિતા આ દુઃખ પર પથ્થર મૂકી, દિલની લાગણીઓને દુભવીને કહે છે, આવું પણ કંઈ પૂછવાનું હોય ? હું તો હમેશા તારી સાથે જ રહીશ, એક વાર યાદ તો કરી જોજે, જ્યાં યાદ કરીશ ત્યાં પહોંચી જઈશ. બસ પછી એકબીજાના હાલ પૂછે છે અને પરિક્ષાની તૈયારીઓની વાતોમાં ચડી જાય છે. આ દરિમયાન આકાશે લખેલ પ્રેમપત્ર ભૂલથી ને ભૂલથી આર્પિતાને અપાઈ જાય છે પણ આકાશને આ બાબતનો ખ્યાલ રહેતો નથી.

ઘરે આવીને હેતની સોડમથી મહિકેલ અર્પિતા આ પત્ર જોઈ ઘેલી ઘેલી થઈ ગઈ. મન જાણે સાતેય આસમાને ઝૂલી રહ્યું હોય. ઉત્સાહ, ઉત્સુકતા અને ઉતાવળ વધતી જતી હતી. આખરે એ પળ આવી ગયો. પત્ર ખોલતાં જ લખેલું આજના વેલેન્ટાઈન ડે ના દિવસે ગુલાબની પાંખડી જેવા કોમળ હાથમાં જે પત્ર છે એ મારી લાગણીઓના સમુદ્રમાં ડૂબાડીને મારી એક એક રૂહ માંથી પ્રગટ થતી સવેંદનાઓથી લખ્યો છે. તો જરા આ પત્રને તારા કોમળ હ્રદયથી વાંચજે ,આંખોથી નહિ. આટલું વાંચતા શરમાય ગયેલી અર્પિતા આંખો બંધ કરીને એક લગાવ ને મહેસૂસ કરવાની કોશિશ કરે છે.

એ પત્રમાં " અર્પિતા, કૉલેજના પ્રથમ દિવસથી જ જાણે હું મારું દિલ હારી ગયો, જાણે મારી જિંદગીનો પ્રથમ દિવસ એ જ હશે. તને જોતાજ મારી દિલ ની ધડકન તેજીથી વધવા લાગે ત્યારે એનાથી હું ખૂબ પરેશાન થતો. તારી એ સુંદર લચકતી કમર જાણે ફુલના ગુચ્છતાનની અંગડાઈ હોય તેમ, હંસની આંખોની ધાર સમાન એ સફેદ મોતી જેવી આંખો, ચાંદની રોશનીને પણ નજર ઉતારવા આવું પાડે એવું મનમોહક ચહેરો અને આકર્ષિત ખેંચાણ કરતું હસતું મુખ બસ આજ યાદ આવતું. તને દરરોજ જોવાની જાણે મને તો આદત પડી ગયેલ હોય એવું લાગતું. આથી તો હું દરરોજ કૉલેજ આવતો. આની સિવાય બીજું તો શું કરી શકું હું ? તું કૉલેજ ન આવે તો મિત્રો જોડે વાત કરતા કરતા મારી નજર ચારેબાજુ બસ તને જ ગોતતી.

માંજરી આંખની એ તલબ,

દીવાની નુર એ રોશનીની.

ચહેરાની ગોરી એ ચમક,

શરમાઈ પણ એ ચાંદની.

સામે મળતા બોલી ન શકું,

એ કેવી રીતે કરું એકરાર ?

કે તું જાન છે મારી.

તારા આગળ દિલ ઈઝહાર કરવાની પરવાનગી નથી આપતું, પણ આ કલમ વડે મારી દિલમાં દુભાયેલ લાગણીને વર્ણવી શકું છું અને તારાથી દુર જવાનો વિચાર પણ કરી શકતો નથી. એ દિવસ ની રાહ જોઇશ જ્યારે.


તારા હાથની મહેંદીના ચડેલ રંગમાં હું હોઈશ,

પીળી સોનરી વર્ણ ચમકતી પીઠીમાં હું હોઈશ,

લગ્નના મંડપમાં ઘોડે સવાર થઈને હું હોઈશ,

સાતફેરા પછી મારી બનાવી લઈ જનાર હું હોઈશ.

આટલામાં તું બધું સમજી ગઈ હઈશ. તારા જવાબ ની રાહમાં...

અર્પિતાનો આકાશ...

આટલું પત્રમાં લખેલ વાંચીને ખુબ ઉત્સાહથી ઉમંગી ઉઠે છે. પ્રેમના પ્રણયના અંકુર બન્ને બાજુ ફૂટી નીકળ્યા. પણ એ અંકુરને બળવાની વાર ન હતી. પરિક્ષા દરિમયાન બુકને આપલેમાં અર્પિતાની બુક આકાશને મળે છે. ક્લાસમાં પ્રોફેસરે વાત કરવાની ના પાડે પણ, યાદ કરો એ આપડા સ્કૂલના દિવસો શરૂ ક્લાસમાં ચિઠ્ઠીથી થતી વાતો. આમ જ અર્પિતા અને તેની મિત્ર રીયા વચ્ચે થયેલ વાતની ચિઠ્ઠી આ બુકમાં મળી આવે છે. પણ જોઈએ તો શું ? અણધારેલી ઘટના, એક ચિઠ્ઠી ? આ બુક અર્પિતાની હોય છે એટલે વિચારે કે ચિઠ્ઠી ? મનમાં હેતની હેલી વરસી પડે છે અને વાંચવાની ખૂબ આતુરતા થાય છે પણ ચિઠ્ઠી પર નજર ફેરવી, જેમ સૂરમાં વાગતા સિતારના તાર અચાનક ટૂટે ને તેમ દીલના ટુકડે ટુકડા થઈ ગયા.

અર્પિતાની મિત્ર રીયા અર્પિતાને પૂછે છે પત્રમાં, "જો તને આકાશ પ્રપોઝ કરે તો તું શું કરી ?" અને જવાબમાં અર્પિતા લખે છે. "જો આકાશ આવું કરે જ નહીં, એતો ખાલી મારો સારો એવો મિત્ર છે. હું તેના વિશે એવું કઈ વિચારતી જ નથી. તને ખબર ના હોય તો એક વાત કહું મારી સગાઈ થવાની છે. આપણી પરીક્ષા પૂરી થાય એટલી જ વાર છે."

આમ કહીને પોતાની મિત્રથી પોતાના દિલની વાત છુપાવવા માગતી હોય છે. પણ આંખ બધું સાચું બોલતી હતી. પણ આ વાત રીયાને ગળે જ ઉતરતી ન હતી. આમ પણ ખરેખર આવું કહી હતું જ નહિ કેમ કે અર્પિતા તેને પ્રેમ કરતી જ હતી . આ વાત આકાશ અને અર્પિતા સિવાય કોઈ જાણતું જ ન હતું. કેમ કે બંન્ને એકબીજા જોડે વાત કરતા એના પરથી લાગતું કેટલો પ્રેમ કરે પણ ડર હતો દોસ્તી ગુમાવી બેસવાનો. એટલે એકરાર કર્યો નહિ.

આકાશને જાણ થઈ ગઈ કે તેનો લખેલો પ્રેમપત્ર અર્પિતાને મળી ગયો. એટલે વિચારે હવે ગમે એમ કરીને અર્પિતાથી મારે દૂર રહેવું જોઈશે. આમ થોડાક દિવસો આકાશ કૉલેજ જતો નથી. અર્પિતા વિચારે આને થયું શું? મારે એના પ્રેમપત્રનો જવાબ આપવાનો છે. આ કૉલેજ કેમ નથી આવતો ? કઈ થયું હશે ?

આખરે આકાશ તેના મિત્ર જોડે એક પત્ર લખીને મોકલાવે છે અર્પિતા માટે. જેમાં લખ્યું હોય, "મને માફ કરી દે અર્પિતા. મેં વિચાર્યા વગર તને પ્રેમ પત્ર લખી નાખ્યો. આ થોડાકજ દિવસમાં મારા પપ્પાના મિત્ર રાકેશભાઇની આખરી ઈચ્છા મુજબ મારી સગાઈ તેની છોકરી અમૃતા સાથે થઈ ગઈ એટલે તું મને ભૂલી જા એક પ્રેમી તરીકે. પણ હા એક દોસ્તની જેમ હમેશા તારી સાથે જ રહીશ. તું ગમે તે મુશ્કેલીમાં મુકાય મને યાદ કરજે, હું આવી પહોંચીશ. તારો દોસ્ત......આકાશ."

આમ કૉલેજના હવે બાકી રહેલા દુઃખદ દિવસો પસાર થાય છે. હવે તો આકાશ અર્પિતા lને નજરે પણ નથી ચડતો. બને ત્યાં સુધી તો દૂર જ રહે છે કેમ કે હવે તેની પાસે હિંમત પણ નથી આંખમાં આંખ નાખીને વાત કરવાની. કૉલેજમાં કોઈ ભૂલથી પણ છોકરી આકાશ જોડે વાત કરે તો અર્પિતા એટલી હદે ગુસ્સે થતી કે ઘણી વાર ખુદને પણ સજા આપતી. આખરે કૉલેજનો અભ્યાસ પૂરો થયા પછી આકાશ પોતાનો મોબાઇલ નંબર જ બદલી દે છે. જેથી તેનો અર્પિતા જોડે કોઈ સંબંધ જ ના રહે.


 થોડાક દિવસો પછી અર્પિતાની મિત્ર રીયાનો ફોન અર્પિતા પર આવે છે અને કહે છે, તને ખબર છે ? આકાશે તારી જોડે આવું શું કામ કર્યું ? અર્પિતા કહે, "ના મને નથી ખબર. થયું શું હતું એ કે ને ?" રીયા કહે કે, "આપણા બન્ને વચ્ચે જે એક ચિઠ્ઠીમાં વાત થઈ હતી ને તે આકાશને ખબર પડી ગઈ. અને હા તેની કહેલી વાત પણ સાવ ખોટી હતી એ તો તું તેનાથી દૂર રહે એટલે એમણે એવું કર્યું. અર્પિતા કહે એ તો હું મજાક મસ્તી કરતી હતી તારી સાથે. રીયા કહ્યું એ વાતનો ખ્યાલ તને અને મને જ ખબર હતી. આમ , રીયા ફોનમાં વાતચીત જણાવી પછી ફોન બંધ કરી દે છે.

અર્પિતાનો આ નાનો મજાક એને જ ભારે પડયો. પોતાની સારી ચાલતી લવલાઈફનો સત્યાનાશ કરી નાખ્યો.આ જાણીને અર્પિતાના દિલના ટુકડે ટુકડા થઈ ગયા. જાણે ધરતી આજે બીજી વાર ફાટવાની હશે?જેમ દુઃખ ની જ્વાળા ને હ્રદય માં દબાવેલી માતા સીતા એ કર્યું હતું એ આજે અર્પિતાને કરવાનું મન થયું પણ બિચારી લાચાર હતી. પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પણ હવે કરી પણ શું શકે?હવે તો તે આકાશ ને ગુમાવી બેઠી છે. આમ આકાશને પણ ખબર પડે છે કે તે લખેલ ચિઠ્ઠી ખોટી હતી. હવે પોતાનો અમૂલ્ય પ્રેમ ખોવાનો અહેસાસ થાય છે. પણ બોવ જ મોડું થઇ જાય છે.

આમ ને આમ બન્ને એ પોતાની જિંદગીના મોડ બદલી નાખ્યાં. કોણ ક્યાં છે ? કેવું ભવિષ્ય હશે ? કોઈ ને કઈ પણ બાબત ની ખબર જ ન હતી. આકાશ તો હજુ પણ અર્પિતાના પ્રેમમાં પાગલ હતો. તેને ખબર હતી કે અર્પિતા નહિ મળે છતાં પણ. આમ આકાશની હાલત તેના મમ્મી પપ્પાથી પણ જોઇ શકાતી ન હતી. આખરે તેના લગ્ન કરાવી દે એવા વિચારથી અને તેની પરિસ્થિતિમાં ફેરફાર થાય એવા ઉદ્દેશ્ય થી તેના મમ્મી પપ્પા છોકરીઓ જોવાનું શરૂ કરી દે છે.

આખરે આકાશના પપ્પાએ તેના મિત્રની છોકરી સાથે લગ્નની વાત ચલાવી. તેના મિત્રએ કહ્યું, "આપણી તો હા હો ભાઈ, પણ એના માટે આપણે આપણા છોકરાઓને પૂછી લઈ તો સારું રહેશે." આકાશના પપ્પા કહે વાંધો નહિ. આમ હવે આકાશ લગ્ન માટે હા કરે પણ કઈ ફરક જ ના પડે કેમ કે અર્પિતાતો રોમે રોમમાં વસે છે. જાણે તેની યાદ ના સહારે જ જીવતો હોય.

આકાશ છોકરી જોવા જાય છે, પણ સાવ ચૂપચાપ બેસે છે. આ બાજુ છોકરી પાણીનો ગ્લાસ લઈને આવે છે. અચાનક આકાશની દિલની ધડકન તેજ થવા લાગી. હદય અંદરને અંદર ખળભળાટ કરી રહ્યું હતુ. નજર ઊંચી કરીને જોયું ત્યાં એકદમ અર્પિતાની ચાલ જેવી જ ચાલ, એ ઘાયલ કરનાર અદા બધું અર્પિતા જેવું જ હતું. પણ ચહેરો અલગ હતો. હવે તો ધડકન એટલી તેજ હતી કે છોકરી સામે આંખ મિલાવવાની હિંમત પણ ન હતી. ત્યારે નીચું નમેલો આકાશ ખાલી દેખાવો કરવા નામ પુછે છે. ત્યારે જ મીઠા મેહુલા જેવા જ બોલ જાણે અર્પિતા બોલી રહી હોય તેવા સ્વરે અવાજ આવે. અમૃતા........

હવે બન્ને વાતચીત કરે છે. એકબીજાને ગમવા લાગે છે. આખરે બંન્ને સગાઈ માટે હા કરી દેઇ છે. ઘરે જઈને આકાશ પોતાના દિલની દાસ્તાન પોતાના દિલનો ઓળવાયેલ દીવો એવી અર્પિતાના ફોટા આગળ રાખીને ખૂબ રડે છે અને કહે અર્પિતા માફ કરી દે મને. મેં તારી ખૂબ રાહ જોઈ પણ તું આવી જ નહિ. હું આ દર્દ હજું ભૂલી શક્યો નથી. અને તું હજુ પણ મારી જિંદગીમાં આવી જા તો હું તારા માટે બધું ભૂલવા તૈયાર છું. આમ પોતાના દિલની દાસ્તાન અર્પિતા આગળ રજૂ કરે છે. આમ ને આમ દરરોજ બસ અર્પિતા અર્પિતા નામનું રટણ શરૂ..

હવે આકાશ અને અમૃતાની સગાઈ તો થઈ ગઈ પણ આકાશ તેને સમય આપતો જ નહિ. અમૃતા તો ખૂબ દુઃખી થતી અને સામેથી આકાશને ફોન કરતી પણ આકાશની દિલમાં તો અર્પિતા વસેલી હતી એટલે અમૃતા વિશે બહુ વિચારતો પણ નહિ અને તેને સમય પણ આપતો નહિ. આખરે અમૃતા આકાશને મળવા બોલાવે છે અને અમૃતા પુછે છે, તારી જિંદગીમાં બીજી કોઈ છોકરી છે? જે હોય તે સાચું બોલજે, મારે તારી સાથે નાખુશ જિંદગી નથી જીવવી. તું ના પાડે તો મને કઈ વાંધો નથી. હું મારી એકલી જિંદગીમાં પણ ખુશ છું. આમ બોલીને અમૃતા રડવા લાગી. આકાશ તેના આંખના આંસુ લૂછે છે અને તેને શાંત કરવાની કોશિશ કરે છે. આખરે આકાશ તેને પોતાના કૉલેજના પ્રેમપ્રકરણની વાત કરે છે. અમૃતા કહે વાંધો નહિ આપણે બંન્ને ભેગા મળીને અર્પિતાને શોધીશું બસ. આકાશ ના પાડતા કહે, "નહિ." અર્પિતાને મેં બહુ જ ગોતવાની કોશિશ કરી પણ મળી જ નહિ. આકાશ અમૃતાને વચન આપે કે બને ત્યાં સુધી હવે હું અર્પિતાને ભૂલવાની કોશિશ કરી પણ ત્યાં સુધી તારે મારાથી બને એટલું દુર રહેવાનું. અમૃતા કહે વાંધો નહિ. જેવા તારી ઈચ્છા.

હવે થોડો થોડો સમય કાઢીને અમૃતા જોડે 10-20 મિનિટ વાત કરી લેતો. બન્નેની જિંદગીનો હવે ખરો સમય આવવાનો હતો. એટલે ફેબ્રઆરીની શરૂઆત થવાની હતી. ફેબ્રઆરી એટલે આકાશનો ભૂતકાળ અને અમૃતાનો ભવિષ્યકાળ. આ દિવસોમાં આકાશ દરરોજ કોઈ સુંદર રમણીય વાતાવરણના સૌન્દર્યને માણતો. આખરે એ દિવસ ફરી આવ્યો જેને આકાશ અને અર્પિતાની જિંદગી તહેશ-નહેશ કરી નાખી પણ આ દિવસ ફરી બે જિંદગીને મળાવવાની હતી એટલે આકાશ અને અમૃતાને.

આખરે એ ફરી વેલેન્ટાઈન ડે આવ્યો. આજનો દિવસ ભૂલાવવા પોતાના કામ ખૂબ વ્યસત રેહવાની કોશિશ કરે છે. ત્યાં જ અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. આકાશ એ ફોન ઊંચક્યો ત્યાં જ અવાજ આવ્યો , 'હેલ્લો .! આકાશ બોલે ?' આકાશ કહે 'હા , હું આકાશ છું પણ તારો અવાજ જાણેલો લાગે છે. કોણ છે તું ?' ત્યારે સામેથી અવાજ આવ્યો. 'હું રીયા બોલું છું, ઓળખે કે.. ભૂલી ગયો..?' આકાશ કહે 'ઓળખું જ ને.' આમ થોડી વાર બન્ને પોતાના ભૂતકાળને વાગોળે છે. આખરે રીયા એ જેના માટે ફોન કર્યો હતો એ વાત આકાશને યાદ અપાવે છે. 'આકાશ તને ખબર છે ?.. જ્યારે તારી સગાઈની ખોટી વાત અર્પિતાને ખબર પડી ત્યારે તે ખૂબ દુખી થઈ અને તને ખૂબ જ યાદ કરતી, પણ તારો નંબર બંધ થઈ ગયો એટલે તારી સાથે વાત જ ના થઈ શકી. આજ મને તારો નંબર મળ્યો એટલે થયું કે તને અર્પિતાની એક સચ્ચાઈ કહી જ દઉં.' અચંબિત થયેલ આકાશ કહે અર્પિતાની સચ્ચાઈ ?

રીયા કહે, 'હા... આજથી 2 વર્ષ પહેલાં તેનું પૂરો પરિવાર ફરવા નીકળ્યા હતા, ત્યારે તેનું અકસ્માત થતાં ત્યાં ને ત્યાંજ અર્પિતાના મમ્મી પપ્પાનું મૃત્યુ થયું, પણ હજુ અર્પિતાની ધડકન તો શરૂ હતી પણ એ મૃત અવસ્થામાં હતી. આખરે ડોક્ટરોએ 1 મહિના સુધી સારવાર કરી પણ પરિણામ ન આવતા ઊંચા હાથ કરી લીધા, એટલે કે બ્રેઈન ડેડ જાહેર કરી દીધી અને આખરે તેનું મૃત્યુ નિપજયું.

આ સાંભળતા જ આકાશ તો થોડીકવાર હેતાબ થઈ ગયો અને જાણે પોતાની દુનિયા શૂન્ય થઇ ગઇ હોય. આમ આકાશ રીયા આગળ જ ફોન પર રડવા લાગે છે. આખરે રીયા સમજાવે છે કે , તું તારી જાતને સંભાળ અને હવે ભૂતકાળમાં જીવવાનું બંધ કર અને વર્તમાનમાં જીવ. તારી જિંદગીની ફરીથી શરૂઆત કર. આમ આખરે બન્ને વચ્ચે વાર્તાલાપનો અંત થાય છે.

આ વાતમાંથી આકાશ પોતાની જાતને સંભાળી પણ શકતો નથી, ત્યાં જ આકાશના મિત્રનો ફોન આવે અને કહે , "યાર! તે સગાઈ કરી લીધી અને અમને કહ્યું પણ નહીં.? "આકાશ કહે તને આ જાણ ક્યાંથી થઈ? અને કહે તારી મંગેતર મારી પત્નિની મિત્ર છે એટલે એમણે સ્ટેટ્સ મૂક્યું કે " Happy Valentine Day my Valentine's." એમાં તમારા બંન્નેનો ફોટો પણ જોડે હોય તેવો મૂકેલો છે. આકાશ કહી દે છે, okk. આમ બંનેની વાતચીત બંધ થઈ કે તરત જ આકાશ આગબબુલા થઈ ગયો અને ગુસ્સામાંને ગુસ્સામાં અમૃતાના ઘરે જાય છે અને અમૃતાને તેના માતા પિતા સામે એક સટ્ટાક દઈને જોરથી થપ્પડ મારી દે છે અને કહે 'તને કઈ ભાન છે ? મારી વ્હાલી અર્પિતા ભગવાનને સમર્પિત થઈ ગઈ, અને તું Valentine day ના‌ સ્ટેટ્સ મુકે ?' ખૂબ ગુસ્સે હોય છે એટલે પોતાને ભાન નથી રહેતી કે તે પોતે શું બોલી રહ્યો છે.

ત્યાંજ અચાનક તેના એક ડોક્ટર મિત્રનો ફોન આવે અને કહે, તું જલ્દીથી મારી હોસ્પિટલ આવી જા. તને અર્પિતાનું એક રહસ્ય કેવાનું છે. અર્પિતાનું નામ સાંભળતા જ હોસ્પિટલ જલ્દીથી પોહચે છે. ત્યાં જતાં જ ડોક્ટર અર્પિતા અને અમૃતાના સંબંધની વાત કરવા જાય છે અને કહે કે બંને વચ્ચે સંબંધ છે. ત્યાં જ આકાશ, અર્પિતા કોણ છે ? અને અમૃતા કોણ છે ? તેના વિચારમાં ડૂબી જાય છે કે ખરેખર અમૃતા એજ મારી અર્પિતા છે ? કેમ કે બોલચાલ અને ઢાળમાં એકદમ અમૃતા અર્પિતાને મળતી આવતી હતી. આખરે વિચારોમાંથી બહાર આવીને આકાશ ડોકટરને પુછે છે, "શું ખરેખર અમૃતા મારી અર્પિતા છે ?" તો અર્પિતાનો ચહેરો અમૃતાને કેમ મળી આવતો નથી ? થયું શું ? તે અર્પિતાને અમૃતા બનવું પડયું ?

ડોક્ટર કહે આકાશને તું પેહલા નિરાંત લે અને શાંતિથી બેસ થોડીક વાર. તને હમણાં બધું સમજાય જશે કે અર્પિતા અને અમૃતા વચ્ચેનો સંબંધ. ત્યાં જ પટાવાળો બે ફાઈલ લઈને આવે છે અને કહે, " સર આ રહી અર્પિતા અને અમૃતાની ફાઈલ. પછી ડોક્ટર અર્પિતા અને અમૃતા વચ્ચેનો સંબંધ કહે છે કે આકાશ અર્પિતા અને અમૃતા બન્ને અલગ અલગ છે પણ તારા માટે એક જ છે. આકાશ કહે મતલબ તમારો ?

ત્યારે ડોક્ટર કહે સંભાળ જ્યારે અર્પિતાનું મૃત્યુ થયું ત્યારે તેનું આ દુનિયામાં કોણ છે કોઈ ને કઈ ખબર જ ન હતી એટલે તેના શરીરના અંગોને બીજાને મદદ થાય એટલે દાન કરી દીધા અને તે સમયે અમૃતાની જિંદગી પણ મોત સામે જજુંબી રહી હતી અને તેના માટે હદય ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હતી ત્યાંજ અમૃતાના નસીબ સારા કે અર્પિતાનું હ્રદય મળી ગયું અને તેને ફરી જીવ મળ્યો. આ બાબતની મને ખબર ના પડત જો અમૃતા જોડે તારો ફોટો ના જોયો હોત તો. ડોક્ટરનો આભાર માનીને અમૃતાને મળવાનું વિચારે છે પણ.

હવે તો ખૂબ મોડું થઇ ગયું હોય, તો પણ હિંમત કરીને વિચારે કે માફી માગી લઉં. અમૃતાના ઘરે જાય છે તો એક ફૂલનો ગુલદસ્તો ખરીદે છે અને ફોન ખોલી ને ફોનેબુકમાંથી અમૃતાનું નામ કાઢીને My Life એવા નામથી સાચવી લે છે. હવે તે અમૃતાના ઘરે જાય છે. ત્યાં જતાં જ પહેલા અમૃતાના માતા પિતા આગળ માફી માંગીને અમૃતા આગળ તેના રૂમમાં જઈને ગોઠણભેર નીચે વળીને ફૂલનો ગુલદસ્તો ધરીને પ્રેમનો એકરાર કરીને કહે, " શું તું ફરી મારી વેલેન્ટાઈન બનિશ ?"....

અમૃતા પુછે 'ફરી ?' આકાશ કહે 'હા આ વેલેન્ટાઈન મારી અમૃતા માટે પેહલી વાર છે પણ...અમૃતાની અંદર રહેલ દિલ માટે તો બીજી વાર છે ને !'આખરે અમૃતાને બધી વાત સમજાય જાય છે.

અમૃતા કહે," આકાશ હું તારી ફરી વેલેન્ટાઈન બનવા તૈયાર છું."

આખરે બંન્ને માટે ફરી આવ્યો વેલેન્ટાઈન ડે...

આંખોથી આંખો મળ્યાની વાત છે ,

હ્રદયથી હ્રદય ભળ્યાની વાત છે,

ખુલ્લી આંખે સપના જડયાની વાત છે,

પ્રેમ નામ હશે એવી ઘટના ઘટયાની વાત છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance