ફાધરલેંડ
ફાધરલેંડ
જ્યારે ઇમેલ લખતો હતો ત્યારથી જ કરણના મનમાં હતું જ કે કરેલા ઘણા વ્યર્થ પ્રયત્નોમાં એક નંબર વધારવાનો છે. પથ્થર ઉપર પાણી જ રેડવા જેવું જ થવાનું છે. પણ મનમાં બાપ તરીકે થતું કે મારે જણાવવું તો જોઇએ જ.. દીકરા અંકિતનો કેવીન પાંચ વર્ષનો થયો..રવિવારીય શાળામાં ગુજરાતી ભાષાના વર્ગોમાં અને ધર્મના વર્ગોમાં પ્રવેશ થવાની ઉંમર આવી ગઇ છે.
પર પ્રાંતિય જ્ઞાતિમાં લગ્ન થયું ત્યારથી સીમા તો ના જ કહેતી હતી કે હવે અંકિતના ઘરમાં આપણો ધર્મ રહેવાનો નથી.. તેના લગ્ન સમયે ધર્મને લઇને તેણે ઘણો વિરોધ કર્યો હતો… પણ તે તો દસ વર્ષ જુની વાત થઇ..વાળ ધોળા થયા અને હવે તો અંકિત જેવા જ્ઞાતિમાં ઘણા દાખલા છે. એટલે તેના લગ્ન સમયે દેખાતા સામાજિક ભયો આજે તો છે જ કયાં?
આમ તો કોઇ ઇ મેલનો જવાબ ક્યારેય આવતો નથી. તેથી મન તો જાણતું જ હતું કે જવાબ આવવાનો નથી… પણ અંદરનું હ્રદય ધબકી ધબકીને કહેતુ હતુ… છોરું કદી કછોરું થાય.. મા બાપે કમાવતર ના થવાય.
ઇ મેલ ગુજરાતીમાં હોય કે લાંબો હોય તો ના વાંચવાનું બહાનું મળે તેથી બે જ લીટીનો ઇ મેલ લખ્યો.. અંકિત..! ધર્મ સંસ્થાનમાં કેવીનને દાખલ કરવા વેબ સાઈટ મોકલું છું.. મને ખબર છે તને નાનપણમાં નથી લઈ ગયા તો તે ભુલ દુર કરવા કેવિનને દાખલ કરાવજે.. જેમ એક પૌત્રનું ધ્યાન રાખુ છું તેમ બેનું ધ્યાન રાખીશ.
ઇ મેલ મોકલ્યા પછી કરણ ભૂતકાળમાં દાખલ થઇ રહ્યો… તેના પપ્પ્પા ઉપર કરણને આવો જ મદાર હતો.. તેને એમ કે બાપુજી અંકિતનું ધ્યાન રાખશે તેને ધર્મસંસ્થાનોમાં લઇ જઇને ભણાવશે… પણ એવું તો કદી ન થયું પણ નાનો અંકિત દાદાજીની સુખ સગવડો માટે વિના પૈસાનો નોકર બનીને રહ્યો.. તે વસ્તુની અસર બહુ મોડેથી દેખાઇ અને તે બોલ્યો.. પપ્પા મમ્મી તમે તો પૈસા કમાવામાં મગ્ન અને હું કહું તો કોને કહું? મને ભુખ લાગે ત્યારે ડબ્બા ખંખોળુ… હું તો ઉપેક્ષિત સંતાન… મા હોય તો ગરમા ગરમ ખાવાનું મળેને?
એ દશા કેવીનની નહીં થવા દઉ. તેથી તો તેને તમારાથી દુર રાખ્યો છે..
કરણ મનમાં ને મનમાં ધુંધવાયો અને બોલ્યો.. મારા બાપાએ તારું ધ્યાન ના રાખ્યું એટલે મને સજા?
પાછો મોટો ઉચ્છ્શ્વાસ નિઃસાસા રુપે કાઢતા તે બબડ્યો… તને તારી મમ્મી સાથે ના ફાવ્યું એટલે લગ્ન કરીને જુદો થયો. તું અને તારી મમ્મી...તમે બંને તો તમારી રીતે સુખી… પણ મને કેમ આટલું લાગી આવે છે?
તું મારું પણ સંતાન છે.. મને મારા પૌત્રથી કેમ દુર રહેવાનું? અને આવી વાતોનો કંઇ ઢંઢેરો ઓછો પીટવાનો? હવે સાહિંઠે પહોંચ્યા..અમારી યાદશક્તિ હવે સાબુત નથી.. જો કે મને તો ખરાબ કશુંય યાદ નથી રહેતું.. અને ભૂતકાળ જો દુઃખદ હોય તો તે તો બીલકુલ જ યાદ રહેતો નથી… કદાચ તેથી જ તારી મમ્મી મને ભુલકણાં ભોળા ભરથાર કહે છેને… અંકિત! તને લાગતું નથી કે તારા પપ્પા કારણ વિનાના દંડાય છે? વિચારો એ ફરી ઉથલો માર્યો…
હા. કદાચ તારી પત્નીને તેને તેના ધર્મ તરફ વળોટવો હશે..
ભલે બાપલા! કરો તમે તમારા મનનું!... મારે તો ભલું થયુ ભાંગી
ઝંઝાળ કરવું રહ્યું…
કરણની આંખે ઝળઝળીયા તો આવ્યા ત્યાં સીમાએ આવીને કરણને ટહુકો કરતા કહ્યુ.. “કરણ! ક્યાં છો?”
“ક્યાં હોવાના? આ બાપ તરીકે લાગણીના ઉછાળા..“
“એટલે?”
“કેવિન ધર્મસ્થાનની સ્કુલે દાખલ થાય તેવી માહિતી આપી.. ધર્મ અને ભાષા બેઉ ભણાવેને?”
“તમે પણ એનો કેડો છોડતા નથી.. વારંવાર ના સંભળવાની તમને પણ ટેવ પડી ગઈ છે.”
“જો એનો કેવિન એ એનો તો છે પણ જોડે જોડે મારો વંશ જ પણ છે. અમેરિકામાં અહિનું તો ભણશે પણ તેના બાપ દાદાઓની સંસ્કૃતિથી એ પણ પરિચિત હોવો જોઇએને?”
“એને ક્યાં તમારા દેશમાં જઇને ઝાડવા રોપવા છે? એતો અહીં જન્મ્યો તેથી અહીંનો જ થઇને રહેવાનો.” નક્કર કડવી વાસ્તવિકતા બોલતી સીમા સહેજ દ્રવિતો ગઇ પણ એનાથી પણ નિસાસો તો નંખાઇ જ ગયો..
ખૈર. આગળ ઘણા ઇ મેલ મોકલ્યા હતા.. કદાચ સ્પામમાં જતા રહ્યા હશે.. આ એક વધુ પણ જશે. એ વિચાર ધારા આગળ વધે તે પહેલા “યુ ગોટ મૈલ”નો સંદેશો આવ્યો.
“થેન્ક્સ ફોર ઓફર. બટ નો થેંક્સ." જેની.
કરણ સ્તબ્ધતાથી સંદેશો જોઇ રહ્યો. સીમા પણ જોઇ રહી હતી.
પુરા સાત વર્ષ અને ૫૦ જેટલા ઇ મેલને અંતે જવાબ હતો “થેન્ક્સ ફોર ઓફર બટ નો થેંક્સ…" ને તે પણ જેની નો…
સીમા આનંદમાં બોલી ઉઠી.. તેનો મતલબ અંકિત આપણા ઇ મેલ વાંચે છે.
કરણ કહે “પણ આ જવાબની અપેક્ષા નહોતી..”
સીમા કહે “તમારી લાગણીઓ ત્યાં પહોંચે છે ને.. તે જ તો અગત્યનું છે.”
સીમાના આનંદનો પાર નહોતો જ્યારે કરણ નિઃસ્પૃહતાથી કોમ્પ્યુટરની સ્ક્રીન જોતો રહ્યો.. તેનું મન કહેતુ હતુ કે હજી કો’ક ગેરસમજ દીકરાના મન ને કોરે છે.. જોકે સીમાનો સ્ફૂટ સ્ફૂટ થતો આનંદ જોઇ તે મલક્યો તો ખરો.. એને ખબર કે એ છે જ એવી લાગણીઓનો ગળાડુબ દરિયો… આ નકારાત્મક જવાબને પણ હકારાત્મક રીતે મુલવે છે.
સીમા કહે..આપણે આપણાથી બધુ કર્યુ છે કોઇ ગેરસમજ ના વધે તેને માટે.. હા, હું જ બહુ વિરુધ્ધ હતી..પણ તે વિરોધ જે દિવસે કેવિનને જોયો ત્યારે ઓગળી ગયો હતો…
કરણ સીમાને જોઇ રહ્યો..આ એ જ મા હતી જે માથા પછાડી પછાડીને રડતી હતી.. સગા વહાલાને આંખોમાં આંસુ સાથે કહેતી હતી કે મારો અંકિત આવો નહોતો… દીકરો ભટકાઇ ગયો છે.. કહીને હતાશામાં વારંવાર સરકી જતી હતી.
*-*
બીજે દિવસે રવિવારે અંકિત ધર્મસ્થાન ઉપર હતો કેવિન અને જેનીની સાથે.
કરણ કંઇ પુછે તે પહેલા જેની કહે.. ”પપ્પા મેં તમને ના લખી હતી કારણ કે તમે જે ભરોસે રહ્યા અને અંકિત ન પામ્યા તે ઈતિહાસ નહોતો દોહરાવવો.. તેથી આભાર કે તમે જાણ કરી પણ કેવિનને લઇને અમે આવશું."
તેને તેના ફાધરલેંડનો ધર્મ અને ફાધરલેંડની ભાષા અમે શીખવશું.
કેવિન દાદાને પગે લાગ્યો બાને પગે લાગ્યો અને નિશાળે બેસવાની બોણી પણ પામ્યો. દાદાની આંખ કેવિનમાં અંકિતનો બચપણનો ચહેરો જોતા હતા. પ્રભુની હાજરીમાં સાચા મનથી સીમાએ જેનીને સ્વીકારી ત્યારે પાછલા પાંચ સાત વર્ષના સુકા પાંદડા નવી લહેરોમાં ક્યાંય અલોપ થઇ ગયા તે ના સમજાયુંં.