પેલે પાર- ભાગ ૧
પેલે પાર- ભાગ ૧
મિશિગન લેકનાં કિનારે ઉભો અભિ આજ પોતાને નિઃસહાય સમજતો હતો. શું વિચારીને કેટલા સ્વપ્નો સાથે U.S.આવ્યો હતો. પોતાની એક ભૂલ તેને કેટલી મોંઘી પડી. પણ હવે અફસોસ કરવા સિવાય તેની પાસે કંઇ જ નથી. તેને પોતાનુ નામ ‘અભિમન્યુ’ સાચું પડતું લાગ્યું. ચક્રવ્યૂહની વચ્ચે ફસાયેલ એકલો-અટૂલો વ્યક્તિ.
“અભિ, જલ્દી ઉઠ બેટા આજે તારે કોલેજ એડમિશન માટે નથી જવું ?” અભિના મનમાં માના એ શબ્દો ગુંજી ઉઠ્યા જ્યારથી તેના મગજમાં U.S. જવાનો વિચાર આવ્યો. બારમાં ધોરણમાં ૯૬.૬૭% હતા એટલે સારી કોલેજ અને એ પછી કોઈ ઉચ્ચ ડિગ્રી મેળવી U.S. સેટલ થવાનું સ્વપ્ન અભિ સેવી રહ્યો હતો.
એચ.એલ કોલેજમાં એડમિશન મેળવી. અભિ એ પોતાનો અભ્યાસ શરુ કર્યો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી પિતા મનહરલાલ પુત્ર બાબતે નિશ્ચિંત હતા. તેમને હતું કે પુત્ર ઉચ્ચ અભ્યાસ કરી સારી નોકરી મેળવે તો પરિવારની સ્થિતિ બદલે બાકી તેમને અને તેમની પત્ની સુરેખા બહેને જીવનભર કરકસર કરી જીવન ચલાવ્યું હતું.
એક પ્રાઈવેટ કંપનીમાં ક્લાકૅની પોસ્ટ પર કામ કરતા મનહરલાલ મહિને માંડ દસ-બાર હજારનો પગાર મેળવતા. આટલી મોંઘવારીમાં ચાર જણાનો પરિવાર ખૂબ સામાન્ય જીવન જીવતો હતો. પરિવારમાં મનહરલાલ, તેમના પત્ની સુરેખાબહેન, અભિ અને તેના દાદી. આ ચારેય વચ્ચે ક્યારેય કંકાશ જોવા ન મળેલ. ખુદ શારદા બા અને સુરેખાબહેન વચ્ચે પણ ક્યારેય સાસુ-વહુ જેવા ઝગડા જોવા ન મળેલા. ક્યારેક મનહરલાલ મજાક કરતા કે “સુરેખા ક્યારેક તો તું તારા સાસુની ફરિયાદ કર મને તો હું મારી માની તરફેણ કરી તેનો બચાવ કરું.” સુરેખાબહેન હસીને કહેતા, “બા તમારી મા પછી પેહલા એ મારા ‘મા’ છે. મને દીકરીની જેમ રાખી છે, તો ક્યારેય કોઈ દીકરીને માતા માટે ફરિયાદ હોય ?” મનહર લાલ ખડખડાટ હસી પડતા.
અભિ જાણતો હતો કે તેના પિતા સામાન્ય વર્ગના વ્યક્તિ છે જે તેને વિદેશગમન માટે જરૂરી નાણાકિય સગવડ નહિ કરી શકે. એટલે તે અભ્યાસની સાથે U.S.જવાના રસ્તા પણ વિચારતો. કોલેજનો અભ્યાસ ગંભીરતાથી કરતો હોવા છતાં અભિ પોતાના મિત્રવર્તુળમાં બધાનો ફેવરીટ હતો. મિત્રો સાથે મસ્તી-મજાક, હરવું-ફરવુ, પિકનિક, ફિલ્મ, એન્યુઅલ ફંક્શન બધામાં તે આગળ પડતો ભાગ લેતો. અને સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ એનુ ફેવરીટ હતું. તેમાંય બાસ્કેટબોલ અને ચેસ તેની ફેવરીટ ગેમ હતી.
કોલેજ નાં ત્રણ વર્ષ આમ હસતા-રમતા પસાર થઇ ગયા. કોલેજના છેલ્લા વર્ષમાં જાન્યુઆરીમા શારદા બાનું ટૂંકી બીમારીથી નિધન થયું. ઘરનો વડલા રૂપી છાયાં આજ જતી રહી. બાની કમી સુરેખાબહેનને બહુ સાલતી. તે વારંવાર મનહર ભાઈ પાસે બાને યાદ કરી રડી લેતા.
ધીમે-ધીમે સમય પસાર થવા લાગ્યો. અભિએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ૭૬% સાથે તે ઉતિણૅ થયો. ત્યારબાદ તેને U.S. જવાની ઈચ્છા પિતા સમક્ષ રજુ કરી. ત્યારે મનહરલાલ કંઇ બોલે તે પહેલા સુરેખા બહેન બોલ્યા, “બેટા આપણી આવકનો મોટો ભાગ ઘરખર્ચમાં જ જાય છે. તારા પપ્પાના પગારમાંથી બચતના નામે તેમના P.F. સિવાય કશું જ નથી. અને બેટા અભ્યાસ કરવો હોય તો અહીં પણ થાય જ છે ને. બેટા તને જે ભણવું હોય તે ભણ. જે કરવું હોય તે કર. પણ U.S. જવાની વાત મન માંથી કાઢી નાખ દીકરા."
"આમ પણ અમારે તારા સિવાય છે કોણ બેટા તું જતો રહીશ તો અમે કોને જોઈને જીવીશું ?” મનહરલાલ બોલ્યા.
અભિ એ ત્યારબાદ આ વાત ઘરમાં ન કરી. IIMમાં MBAમાં એડમિશન લીધું. MBAના પ્રથમ સેમેસ્ટરમાં તેની સાથે અભ્યાસ કરતી મીરા તેને આકષૅી ગઈ.
(ક્રમશઃ)

