પડકાર
પડકાર
૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ની વહેલી સવારેથી જ મેં ઉઠીને તરતજ કમ્પ્યુટરમાં સર્ચ કરવાનું શરૂ કર્યું. આ જોઈ મારી પત્ની દીપાએ પૂછ્યું, “શું કરો છો?”
મેં કહ્યું, “દીપા, આજે પરિણામ આવવાનું છે. હું બસ તે જ જોતો હતો.”
દીપા બોલી, “તમે પણ ખરા છો આટલી વહેલી સવારે કોઈ પરિણામની યાદી બહાર પાડતું હશે? એ તો મોડી સાંજે જ જાહેર થશે.”
મનુષ્યનો સ્વભાવ ખૂબ અધીરો હોય છે. તેને ક્યારેય સંતોષ હોતો નથી. પરિણામ મોડી સાંજે જ જાહેર થશે એ વાત હું પણ જાણતો હતો પરંતુ કહેવાય છે ને કે આશા અમર છે. એ દિવસે હું વારંવાર પરિણામને તપાસી કરી રહ્યો હતો. આ જોઈ મારી પત્ની દીપા બોલી, “સાંભળો છો? કાયમ તમે જ કહો છો કે લેખકે નિજાનંદ માટે લખવું જોઈએ ત્યારે એક ટ્રોફી માટે તમારું આવું વિચિત્ર વર્તન મને જરા અજુગતું લાગી રહ્યું છે.”
મેં કહ્યું, “દીપા, આ ૨૩મી ડિસેમ્બરે પિતાજીનો જન્મદિવસ છે અને તે દિવસે હું મને મળેલી ટ્રોફી તેમને અર્પણ કરવા માંગું છું. વિચાર કર કે જયારે તેઓ આ વિષે જાણશે ત્યારે કેટલા ખુશ થશે.”
મારા માતુશ્રીના અવસાન બાદ અમે અમારા પિતાશ્રીને ખુશ રાખવાની નાનામાં નાની તકને જવા દેતા નથી. ત્યારે આ વાત તો અમારા માટે ઘણી જ મહત્વપૂર્ણ બની જતી હતી.
મોડી સાંજે મેં જયારે જોયું ત્યારે પરિણામ જાહેર થયું હતું. મેં ઉત્સાહથી ગુગલ ક્રોમમાં તેને ઓપન કર્યું તો તેમાં એક, બે, ત્રણ નંબર સાથેની યાદી હતી. ધ્યાનથી જોતા તેમાં મારો પંચોતેરમો નંબર દેખાતો હતો! આ જોઈ મને ફાળ પડી. હું ખૂબ ડરી ગયો. મને હેબતાઈને કમ્પ્યુટર સામે સર્ચ કરતા જોઈ દીપાએ પૂછ્યું, “શું થયું?”
મેં કહ્યું, “દીપા મારો પંચોતેરમો નંબર છે. આવી સ્થિતિમાં મને ટ્રોફી નહીં મળે.”
એક ઝાટકે મારી તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
દીપાએ પૂછ્યું, “સ્પર્ધાનું નામ શું છે?”
મેં કહ્યું, “સ્ટોરી મિરરની નોનસ્ટોપ નવેમ્બર લેખન પડકાર. દીપા સતત ત્રીસ દિવસ સુધી મેં ત્રીસ શબ્દો પર વાર્તાઓ લખી હતી. આ ટ્રોફી મારા માટે ખૂબ મહત્
વની હતી કારણ આજદિન સુધી આવા પ્રકારની કોઈ સ્પર્ધા ભારતમાં થઇ હોવાનું મારા જાણમાં નથી.”
દીપાએ તેના લેપટોપ પર મોઝીલામાં સ્ટોરી મિરર ઓપન કરી તેમાં પરિણામ જોઈ મને કહ્યું, “મને લાગે છે કે જરૂર કોઈ તકનીકી ખામીને લીધે ગુગલ ક્રોમમાં લીસ્ટ બરાબર દેખાતી નહીં હોય. આ જુઓ આમાં તસવીરો સાથેની યાદી દેખાઈ રહી છે.”
મેં ઉત્સાહથી તેમાં નજર કરી પરંતુ અફસોસ તેમાં પણ મારું નામ દેખાતું નહોતું.
દીપાએ પૂછ્યું, “તમે ત્રીસે ત્રીસ દિવસની વાર્તાઓ લખી હતી.”
મેં કહ્યું, “હા, એકપણ દિવસ છોડ્યા વગર બધા દિવસો દરમિયાન મેં વાર્તાઓ લખી છે.”
દીપા, “મારા ખ્યાલથી તમે કોઈક ભૂલ કરી છે.”
હું હતાશ થઇ ગયો. મારી આંખમાંથી અશ્રુઓ વહી આવ્યા. મારી સઘળી મહેનત પર પાણી ફરી વળ્યું હતું. એક અનોખી સ્પર્ધામાં ટ્રોફી મેળવી મારા પિતાજીને જન્મદિવસ નિમિતે ભેટ આપવાનું મારું સ્વપ્ન રગદોળાઈ ગયું હતું. ત્યાંજ દીપા અચાનક બોલી ઉઠી, “અરે! આ જુઓ...”
એક આશાનું કિરણ મારા હૃદયમાં જન્મ્યું, “શું?”
દીપા બોલી, “આપણે બુક વિનર વિભાગમાં જોઈ રહ્યા હતા જયારે તમારું નામ તો ટ્રોફી વિનરમાં છે.”
મારું નામ ટ્રોફી વિનરની યાદીમાં જોઈ હું ખૂબ ખુશ થયો. સાથે સાથે મારા મૂર્ખતાપૂર્ણ વ્યવહાર પર હું આંખમાં આવેલ અશ્રુઓને લૂછતા લૂછતા હસી પડ્યો.
યોગાનુયોગ ૨૩મી ડીસેમ્બર ૨૦૧૯ના રોજ મારા પિતાજીના જન્મદિવસે જ સ્ટોરી મિરર તરફથી “નોનસ્ટોપ નવેમ્બર સ્પર્ધા”નું પ્રમાણપત્ર મને ઈમેલ દ્વારા મળ્યું. મેં મારા પિતાજીને તે પ્રમાણપત્ર દેખાડી ટૂંક સમયમાં જ મને ટ્રોફી પણ મળશે આ અંગે જણાવ્યું ત્યારે તેઓ ખૂબ ખુશ થયા હતા.
અમારા જીવનને ખુશીઓથી ભરી દેવા માટે સ્ટોરી મિરરની સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ આભાર. આવી અનોખી અને અદભૂત પ્રતિયોગીતા યોજીને તેમણે લેખકોને જે પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે તે ખરેખર ખૂબ પ્રશંસનિય છે. આમ જ લેખકોને પ્રોત્સાહન સાથે તેમને નિતનવા આપતા રહો પડકાર.
(સમાપ્ત)