પડછાયો
પડછાયો
"રાકેશ દોડ, દોડ બારી પાસે કોઈક છે", રાજલે એકદમ ચીસ પાડી, રાકેશ વૉશરૂમમાંથી દોડીને બહાર આવ્યો, "ક્યાં છે ?, ક્યાં છે?."
"બારીની બહાર મેં પડછાયો જોયો, મેં ચીસ પાડી એટલે દોડી ગયો." રાકેશ, બહાર આવ્યો આજુબાજુમાં બધે જ જોઈ વળ્યો, કોઈ મળ્યું નહીં. "રાજલ તારો વહેમ છે, તારે આરામની જરૂર છે, ઓફિસનું કામકાજ ઓછું કરી નાખ"
"ના, રાકેશ એવું નથી ખરેખર મેં પડછાયો જોયો હતો"
"સારું રાત બહુ થઈ ગઈ છે, તને બીક લાગતી હોય તો મારી પાસે સૂઈ જા."
રાજલ, શેઠ જમનાદાસની એક માત્ર વારસ હતી, શેઠ પાસે કરોડોની મિલ્કત હતી, શેઠ સખાવતી, માયાળુ અને દિલદાર હતા, શેઠનો ભાઈ વિઠ્ઠલદાસ કઈ ભણ્યો નહોતો અને બધે લખણે પૂરો હતો. શેઠને પોતાના સહોદર ઉપર પ્રેમ હતો, એટલે પોતાની પાસે રાખી ધંધાને લગતા નાના મોટા કામકાજ સોંપતા હતા. શેઠને પોતાના ભાઈ પ્રત્યે પ્રેમ અને લાગણી હતી, પણ વિઠ્ઠલદાસ કે તેના કુટુંબને શેઠ પ્રત્યે જરા પણ લાગણી કે અહોભાવ નહોતો, શેઠ આ બધું જાણતા હતા, પણ મોટું મન રાખી જતું કરતા હતા.
રાકેશ સામાન્ય મધ્યમ પરિવારમાંથી આવતો હતો, રાજલના પપ્પાના બંગલાની બાજુમાં નાનું એવું ટેનામેન્ટ હતું. રાજલને પ્રથમ નજરે રાકેશ ગમી ગયો હતો, એટલે રાકેશને મળવાના મોકા ઊભા કર્યા કરતી, રાકેશ તો આ બાબતે સાવ અજાણ હતો, તેને રાજલના પપ્પાની સમૃદ્ધિની ખબર હતી, એટલે તે ફક્ત મિત્રતાથી વિશેષ કોઈ મહત્વ નહોતો આપતો.
એક દિવસ રાજલે, રાકેશને કહ્યું, "હું તમને પસંદ કરું છું અને તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. તમે મને સ્વીકારશો?"
"રાજલ, મારી ને તારી વચ્ચે આર્થિક અને સામાજિક તફાવત બહુ મોટો છે. બીજું તારા પપ્પા જ આપણા સંબંધને સ્વીકારે નહીં. અત્યારે પ્રેમમાં આ વાત ગૌણ લાગે છે, પણ અસમાનતા સાથે જીવન શરૂ કરીએ તો ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે."
"હું તૈયાર છું, અને મારા પપ્પાની લાડલી દીકરી છું મારા પપ્પા ચોક્કસ સહમત થશે. તારી તૈયારી છે ને ?"
"તારા પપ્પા સહમત થાય તો તારી જેવી ગુણિયલ છોકરી સાથે લગ્ન કરવાની કોણ ના પાડે."
"તો તારું નક્કી" ?
"હા, મારુ નક્કી."
રાજલે, તેના પપ્પાને વાત કરી, શેઠ જમનાદાસ પણ રાકેશને સારી રીતે જાણતા હતા, તેમની સહમતી સાથે રાજલ, રાકેશના લગ્ન ભવ્ય સમારંભમાં સંપન્ન થઈ ગયા અને રાકેશ, શેઠ જમનાદાસના કારોબારમાં જોડાય ગયો, જે વિઠ્ઠલદાસને જરા પણ નહોતું ગમ્યું, પણ ભાઈના આશ્રિત હતા એટલે કઈ બોલી શકે તેમ નહોતા.
શેઠ જમનાદાસ જમાનાના ખાધેલ હતા, તેને વિલ કરી નાખ્યું હતું, અને પોતાની બધી જ સંપત્તિ રાજલના નામે કરી દીધી હતી. આ વાત ગમે તે રીતે વિઠ્ઠલદાસે જાણી લીધી હતી, અને સંપત્તિ પચાવી પાડવાના કાવાદાવા શરૂ કરી દીધા હતા.
શેઠ જમનાદાસનો નિયમ હતો કે હોળી ઉપર શ્રી નાથદ્વારા દર્શન કરવા જવું, જવાનો પ્રોગ્રામ બનાવ્યો, દરેક વખતે રાજલ સાથે જ જતી, પણ આ વખતે શેઠ જમનાદાસે કહ્યું, "બેટા તારી લગ્ન પછીની આ પહેલી હોળી છે એ તારે તારા સાસરામાં ઉજવવી જોઈએ એટલે આ વખતે તારો અમારી સાથે આવવાનો પ્રોગ્રામ કેન્સલ, આપણે પછી રાકેશને લઈને જઈ આવીશું."
સાંજે સાત વાગે રાકેશના મોબ.માં અજાણ્યા નંબરની રિંગ વાગી, "આપ કોણ બોલો છો" ?,
"હું રાકેશ, શેઠ જમનાદાસનો જમાઈ બોલું છું"
"તમે જલ્દી આબુ રોડ સરકારી હોસ્પિટલ આવો, શેઠ જમનાદાસની કારને એક્સિડેન્ટ થયો છે."..ને ફોન કપાઈ ગયો.
રાકેશ ને રાજલ તાત્કાલિક પોતાની કારમાં આબુ રોડ સરકારી હોસ્પિટલ જવા નીકળી ગયા, એક્સિડેન્ટ એવો ભયંકર હતો કે શેઠ, તેમના ધર્મપત્ની અને ડ્રાઇવર ત્રણેયમાંથી કોઈ બચી શક્યું નહીં. રાજલ ઊંડા આઘાતમાં સરી પડી. રાકેશે, રાજલને સંભાળવાની સાથે સાથે શેઠના બિઝનેસમાં પણ વધારે રસ લેવાનું શરૂ કર્યું. વિઠ્ઠલદાસને ન ગમ્યું, રાકેશને ધીમે ધીમે વિઠ્ઠલદાસની કાર્ય પદ્ધતિ સમજાવા લાગી અને તે સચેત થઈ ગયો. તેને શેઠ જમનાદાસના કાર એક્સિડેન્ટ ઉપર પણ શંકા ઉપજી કારણ કે ડ્રાઇવર વિશ્વાસુ અને વર્ષો જૂનો હતો.
રાકેશે, તેના મિત્રને સાચી હકીકત જાણવાનું કામ સોંપ્યું, રિપોર્ટ વાંચી રાકેશ હબક ખાઈ ગયો. શેઠ જ્યારે શ્રી નાથ દ્વારાથી નીકળ્યા ત્યારે તેની કારની બ્રેક એવી રીતે ફેલ કરવામાં આવી હતી કે ધીમે ધીમે બ્રેકના પુરજા છુટા પડતા જાય અને લગભગ ત્રીસેક કિલોમીટર ગયા પછી બ્રેક સદંતર ફેલ થઈ જાય અને એક્સિડેન્ટ થાય. રાકેશને વિઠ્ઠલદાસની નિયત ઉપર તો પહેલેથી જ શંકા હતી. રાકેશે કળથી કામ લેવાનું વિચાર્યું, ધીમે ધીમે વિઠ્ઠલદાસ સાથે સંબંધો સુધારવાના શરૂ કર્યા પણ વિઠ્ઠલદાસ પહોંચેલી માયા હતી.
રાકેશને, તેના ડોકટરે સલાહ આપી કે રાજલને આ માહોલમાંથી બહાર લાવવી જરૂરી છે. તમે થોડો સમય માટે પર્યટન ટુર ગોઠવો. એ અન્વયે રાજલ અને રાકેશ ફરતા ફરતા ઉટી આવ્યા હતા. ઉટી પહેલાના સ્થળ ઉપર પણ રાજલને તેની આજુબાજુ પડછાયા ફરતા હોય એવા અનુભવો થયાં હતાં. રાજલે તેને સામાન્ય બાબત ગણી અવગણી દીધા હતા. પણ આજે તેને પડછાયો તેની ઉપર હુમલો કરતો હોય એવું લાગ્યું અને તે ચીસ પાડી ઉઠી. રાકેશે, ત્યારે તો રાજલને સમજાવી વાત રાળી ટાળી દીધી પણ તે સમજી ગયો હતો કે વાત અવગણવા જેવી નથી ઊંડા ઉતરી તાગ મેળવવો પડશે.
રાકેશ, રાજલને ખબર ન પડે એ રીતે ધ્યાન રાખવા માંડ્યો ને એક માણસ હાથ લાગી ગયો. રાકેશ તેના પોલીસ મિત્ર વિનયની મદદથી પડછાયાની જડ સુધી પહોંચી ગયો.
"રાકેશે", વિઠ્ઠલદાસને કહ્યું", "કાકા, રાજલ હવે પુરી રીતે સ્વસ્થ થઈ ગઈ છે. તમે અમારી ગેરહાજરીમાં પપ્પાનો બિઝનેસ બહુ સારી રીતે સાંભળ્યો છે એટલે તમારું બહુમાન કરવું છે એટલે એક નાની એવી પાર્ટીનું આયોજન કર્યું છે. તમને વાંધો નથી ને" ?. "ના, બેટા મને શું વાંધો હોય, તું ને રાજલ સુખી એટલે અમે સુખી."
"રાકેશ, શેઠ જમનાદાસની કારની બ્રેક ફેલ કરી નાખવામાં આવી હતી એટલે ફેટલ એક્સિડેન્ટ થાય ને કોઈ ન બચે એવું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. બીજી વાત રાજલને દેખાતા પડછાયા એ ભ્રમ નહોતો પણ રાજલને ડરાવીને માનસિક રીતે અસ્થિર કરવાનો ઈરાદો હતો."
"વિનય, તું મારો પોલીસ મિત્ર ખરો પણ આવી વાહિયાત વાત ન કરતો. અમને અમારા વિઠ્ઠલદાસકાકા અને અમારા બીજા સગા સંબંધી ઉપર પૂરતો વિશ્વાસ છે. કેમ વિઠ્ઠલદાસકાકા મારી વાત સાચી છે ને ?"
"હા, બેટા આપણા ઘરમાંથી કોણ એવું કરે."
"વિઠ્ઠલદાસકાકા, તમે જ એવું કર્યું છે." રાકેશે કહ્યું.
"ખોટી વાત, છે તારી પાસે પુરાવો ?"
આ રહ્યો પુરાવો એમ કહી વિનયે ઉટીમાં પકડેલા અને બધીજ વિઠ્ઠલદાસકાકાની યોજનાની વાત કરી ચૂકેલા રઘુને લઈ ને અંદર આવ્યો. "વિઠ્ઠલદાસકાકા આને ઓળખો છો ? એ તમને ઓળખે છે. અને તમારા પુરા ષડયંત્રની વાત કરી દીધી છે."
"હા", "હા, મેં જ ભાઈનું એક્સિડેન્ટ કરાવ્યું છે અને આ રાજલને પાગલ કરી નાખવા માટે જ પડછાયાનો ભય ઊભો કર્યો હતો. આ રાકેશે મારી સાથે દગો કર્યો. મારી સાથે રહી મારી યોજના ઊંઘી વાળી મને ફસાવી દીધો."
"હા, કાકા ઉટીમાં તમારો માણસ પકડાયો એટલે હું તમારો ઈરાદો જાણી ગયો. તમારો ઈરાદો રાજલને પાગલ કરી પાગલખાને મોકલી મારુ પણ એક્સિડેન્ટ કરાવવાનું હતું. અને જો રાજલ પાગલ ન થાય તો પપ્પાની જેમ અમારા બંનેનું એક્સિડેન્ટ કરાવવાની યોજના હતી. કારણ કે તમને ખબર પડી ગઈ હતી કે પપ્પાએ બધી જ સંપત્તિ રાજલના નામે કરી છે. હું અને રાજલ ન હોઈએ તો બધી જ સંપત્તિ તમને એકલા ને મળે. ખરી વાત છે ને વિઠ્ઠલદાસકાકા" ?....
રાજલ તો આ બધી કેફિયત સાંભળી આભી બની ગઈ હતી. તેને સમજાતું નહોતું, કે, જે ભાઈને પપ્પાએ આટલો સાચવ્યો એ જ ભાઈ આટલી હદ સુધી જઈ શકે. "વિનયભાઈ આ મારા કહેવાતા દુષ્ટ ને ષડ્યંત્રકારી વિઠ્ઠલદાસકાકાને મારી નજરથી દૂર લઈ જાવ."
"ચાલો વિઠ્ઠલદાસજી જેલની કોટડી તમારી રાહ જુવે છે."
"રાકેશ, તારો ખૂબ ખૂબ આભાર." રાજલે કહ્યું.
"ના, આભાર તો બેટા અમારે તારા પપ્પાનો માનવાનો પડે. જેણે અમારા દીકરાના સંસ્કારની યોગ્ય મૂલવણી કરી. રાકેશે તો તેની ફરજ બચાવી છે." એમ કહી રાકેશના મમ્મી, પપ્પા ઘરમાં દાખલ થયા અને બંને ને આશીર્વાદથી ભીંજવી દીધા.
"રાજલ, હવે પડછાયાથી ન ડરતી, કારણ કે તારી આસપાસ ફરતો પડછાયો મારો હશે",.હસતા હસતા રાકેશે કહ્યું...... અને રાજલ દોડીને રાકેશને ગળે વળગી ગઈ.
