પારકી મા કાન વીંધે
પારકી મા કાન વીંધે
સોહન એક સમૃદ્ધ કુટુંબમાં ઉછરીને મોટો થયો હતો. ઘરમાં એકને એક બાળક એટલે તેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવતી. ખૂબ લાડકોડમાં ઉછરેલી હોવાથી ખૂબ જ તોફાની બની ગયો. ઘરના કોઈ સભ્યની વાત પણ ન માને. ભણવામાં પણ બહુ ધ્યાન ન આપે. ઘરના સૌ સભ્યો પરેશાનીમાં મૂકાયા. હવે શું કરવું ?
ઘરના બધા સભ્યો તેને સમજાવવા પ્રયત્ન કરે. પરંતુ તે કોઈની વાત સાંભળે પણ નહીં અને માને પણ નહીં. નિશાળે પણ કંઈ ન લખે. કોઈ વિદ્યાર્થીને ડરાવી પોતાનું લેસન બીજા પાસે કરાવે. ઘરના વડીલોએ નક્કી કર્યું કે આપણે તેને કોઈ છાત્રાલયમાં મૂકી દઈએ. જોકે ઘરમાં સૌનો લાડકો એટલે કોઈનો જીવ હાલે નહીં. અને આમ પણ તેને વારસામાં ઘણું મળ્યું છે. તેને ક્યાં ખજાને ખોટ છે. સૂતા સૂતા ખાશે તોય ખૂટશે નહીં.
પરંતુ તેના દાદા આ વાત માટે રાજી ન હતા. આપણાં ખાનદાનનો વારસ આમ ખાલીખમ બેઠો રહે તે કેમ પોષાય. બેઠા બેઠા તો ધનના ભંડાર પણ ખૂટી જાય. વળી જે હાંસી થાય. ગમે તેમ થાય સોહનને સુધારવો જ રહ્યો. એ કામ આપણાં ઘરનાથી થાય તેમ નથી. એને કોઈ છાત્રાલયમાં મૂકીએ તો જ ફેર પડશે.
આખરે સોહનને એક છાત્રાલયમાં મૂકવામાં આવ્યો. સવારમાં વહેલું ઊઠવાનું અને બધાની સાથે સાદું ભોજન લેવું. શાળાનું કાર્ય કરવું વગેરેમાં શરૂઆતમાં ખૂબ તકલીફ પડતી. પણ એ કર્યા વિના છૂટકો ન હતો. ધીમે-ધીમે ટેવ પડી ગઈ. તેને બધા સાથે મજા આવવા લાગી. કામમાં પણ રસ પડવા લાગ્યો.
સોહન છાત્રાલયમાંથી ઘેર આવ્યો. તેના બદલાવને જોઈ સૌ ખૂબ રાજી થયા. દાદા બોલ્યા," પારકી મા જ કાન વીંધે."
