Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

mariyam dhupli

Tragedy Action Crime


4  

mariyam dhupli

Tragedy Action Crime


પાપ

પાપ

6 mins 338 6 mins 338

"હેવ ઈટ માય ચાઈલ્ડ. "

ફાધરે પાણીનો ગ્લાસ આગળ ધર્યો. એણે તરતજ તરાપ મારી એ ગ્લાસ હાથમાં લઈ હોઠ ઉપર લગાવી દીધો. હોઠ ઉપર ચળકી રહેલા તમતમતા લાલ રંગની લિપસ્ટિકના જાડા થર ગ્લાસ ઉપર પોતાની નિશાની છોડવા લાગ્યા. ચળકતા કાળા કપડા ઉપરની દરેક ટીકીઓ અરીસા માફક જોનારને પોતાનું સૂક્ષ્મ પ્રતિબિંબ જોવાની મફત તક આપી રહી હતી. હાથમાં થમાયેલા ચળકતા પર્સનો ઝગમગાટ પોશાક કરતા બમણો હતો. ઘૂંટણના ઉપર તરફ ચુસ્ત બંધ થઈ જતો પોશાક છાતી તરફથી અંગ્રેજીનાં ઊંડા 'વી ' આકારનો હતો. જેના ઊંડા ખૂણેથી જાણીજોઈને સ્તનના આકાર સામેવાળાની નજરમાં આકર્ષાઈ શકે એવો પહેરનારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો. માથાના વાળ છુટ્ટા હવામાં છોડી મૂકવામાં આવ્યા હતા. જેથી કરી એ ઉડતા વાંકડિયાવાળ ઉપર જોનાર પોતાનું દિલ હારી બેસે. એ ભરાવદાર વાળ ઉપર ટેકવી રાખેલો સનગ્લાસ રાત્રીના સમયમાં સૂર્યની ગેરહાજરીમાં ફક્ત રુઆબ જમાવવાની નિષ્ક્રિય ફરજ નિભાવી રહ્યો હતો. ઊંચી એડીની પેન્સિલ અણીવાળી મોજડીને પગને ' સેક્સી ' દેખાડવાની અને એના પટાક પટાક અવાજ જોડે લોકોનું ધ્યાન આકર્ષવાની બમણી ફરજ સોંપવામાં આવી હતી. સોફા ઉપર ગોઠવાયેલું એ શોભાની ઢીંગલી જેવું શરીર પરેશાન હતું. દર વખતે એ શરીરનો તાણ એક જ સ્વરૂપે હડસેલવાનો પ્રયાસ થતો. આ વખતે પણ અન્ય કોઈ વિકલ્પ ન હતો. ફાધરના હાથમાં લિપસ્ટિકના નિશાન લઈ બેઠેલું ખાલી ગ્લાસ પરત કરીને એણે ઝગમગ પર્સમાંથી સિગારેટનું પાકીટ અને લાઈટર ધ્રૂજતા હાથે ખેંચી નાખ્યું. 

લાઈટર સળગાવતા જ શાંત ઓરડામાં સંગીતની તીણી ધૂન ગૂંજી ઉઠી. લાઈટર સિગારેટને અડક્યું અને શીઘ્ર મૌન કરાવી પર્સમાં ધકેલી દેવામાં આવ્યું. એક ઊંડો કસ અંદર તરફ ખેંચાયો અને ધુમાડાના ગોટા બેઠકખંડના સ્વચ્છ વાતાવરણને નફ્ફટાઈથી પ્રદુષિત કરવા લાગ્યા. 

" સોરી માય ચાઈલ્ડ. નો સ્મોકિંગ ઝોન." 

પોતાના ઘરમાં ધુમ્રપાનની સ્પષ્ટ મનાઈ છે એ અંગે ફાધરે હળવેથી સંદેશો આપી દીધો. 

" ઓહ, માફ કરશો. "

કોઈએ ઘરમાં કટોકટીની ક્ષણમાં આશરો આપ્યો હતો. આ પોતાનું બજાર ન હતું. અહીંના કાયદા કાનૂન જુદા હતાં, જીવન જુદું હતું, લોકો જુદા હતાં અને એમનાં વિચારો અને અભિપ્રાયો પણ. એ વાત યાદ આવતા વેંત રૂબીએ તરતજ સિગારેટ ઓલવી નાખી. 

" ઈટ્સ ઓકે માય ચાઈલ્ડ. એમ પણ ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે જીવલેણ હોય છે. " 

ફાધરે આપેલી માહિતી શું રૂબી ન જાણતી હતી ?

" તણાવ દૂર કરવા મારો આ એક જ સહારો છે ફાધર. એના વિના હવે રહેવાતું જ નથી. "

સફેદ કુર્તામાં સજ્જ ફાધરના ગળામાં લટકી રહેલા ક્રોસ ઉપર રૂબીની નજર અછડતી આવી પડી. 

" કોઈ પણ તાણ, ચિંતા, ફિકર દૂર કરવાનો એકજ હકરાત્મક અને સૌથી સહેલો માર્ગ છે. ઈશ્વરની સ્તુતિ. અન્ય વિનાશકારી વિલ્કપો તરફ શા માટે જવું ?"

 રૂબીને લાગ્યું ફાધર પોતાના ઘરમાં નહીં પણ ચર્ચમાં ઊભા હતા. એમનું પ્રવચન સાંભળવા ભેગા મળેલા લોકોને ધર્મનું મફત જ્ઞાન વહેંચી રહ્યા હતા. પણ એને એ મફતનું જ્ઞાન જોઈતું જ ક્યાં હતું ? એ જાણતી હતી. આ દુનિયામાં મફતમાં કોઈ કશું કરતું નથી. દરેક કામની એક કિંમત નિર્ધારિત હોય છે. ન એણે કદી મફતમાં કોઈને કઈ આપ્યું હતું. ન કોઈની પાસે મફતમાં કશું લીધું હતું. એક હાથ દે. એક હાથ લે. 

" માફ કરજો ફાધર. જીવનમાં જયારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ઉપરવાળાનો કૉલ હંમેશા વ્યસ્ત બતાવે છે. આપકા કૉલ કતાર મેં હેં. ક્રિપયા કરકે થોડે સમય બાદ કૉલ કીજીયે... "

રૂબીની નજરમાં એક કટાક્ષમય સ્મિત રમી ગયું. એની અદાઓમાં એક વ્યવસાયિક કોલગર્લનો અંદાજ તરી આવ્યો.

"...આપણી સમસ્યાઓના ઉકેલ આપણે જાતેજ શોધવા પડે છે. "

ફાધરના પરિપક્વ ચહેરા ઉપર ધીરજ અને ધૈર્યનું પ્રતિબિંબ દર્શાવતું આછું હાસ્ય વેરાઈ ગયું. 

" નો માઈ ચાઈલ્ડ. હી ઈઝ ઈન કંટ્રોલ ઓફ એવરીથીંગ. "

 સામે તરફની ભીંત ઉપર ક્રોસ ઉપર ગોઠવાયેલા ઈસા મસીહના શરીર તરફ ફાધરે આદરથી સંકેત કર્યો અને ગળામાંના ક્રોસને વ્હાલથી ચૂમી લીધો. 

" જો તમે મારી પરિસ્થિતિમાં હોત તો શું તમારો મંતવ્ય આજ હોત ?"

રૂબીની નજરની નાસ્તિકતા ફાધરની નજરની આસ્તિકતા સામે પ્રશ્ન બની ઊભી રહી ગઈ. 

સામે તરફની કુરશી પર ગોઠવાતા ફાધરે પોતાના સ્વભાવ જેવો જ શાંત ઉત્તર આપ્યો. 

"આપણી પરિસ્થતિ આપણે જાતે નક્કી કરીએ છીએ. હું અન્ય કોઈની જગ્યાએ કઈ રીતે હોઈ શકું. ને એમ પણ માનવી જાતેજ પોતાના કર્મો દ્વારા પોતાની તકદીર બનાવે છે ને પછી દોષ ઈશ્વરના માથે ઢોળે છે. "

રૂબીને લાગ્યું ફાધર તરફથી કોઈ કટાક્ષ ઉડતો ઉડતો એનાં હૈયામાં આવી ભોંકાયો. એની ધારદાર કાજળથી અંજાયેલી અને મસ્કરાથી કદમાં વિસ્તરેલી પાંપણો હેરતના હાવભાવો જોડે ફાધરની સાદી છતાં અનુભવી આંખોમાં ઝાંખી રહી. 

" તો શું આજે આ રાત્રે મારી જોડે જે કઈ ઘટ્યું એ મેં નક્કી કર્યું હતું ? મને ખબર હતી કે મારો ગ્રાહક ચરસી નીકળશે અને આવા જંગલ જેવા વેરાન, ઉજ્જડ ગ્રામ્યવિસ્તારમાં મને ચરસ લેવા બળજબરી કરશે. હું એનાં માથે કાચની બોટલ ફોડી ગાડીમાંથી ગમે તેમ કરી ભાગી છૂટીશ અને જાતબચાવ માટે અહીં આપના ઘરનું બારણું ખટખટાવીશ. આ બધામાં આપના ગોડનું કશું યોગદાન નથી. આ બધી યોજના મારા દ્વારા નિર્ધારિત થઈ છે ? "

રૂબીના મનમાં ફૂટેલા આક્રોશનો જવાળામુખી દબાવી દેવા એણે એકવાર ફરી પર્સમાંનું લાઈટર હાથમાં લીધું. થોડા સમય પહેલા યાદ અપાવવામાં આવેલા નિયમથી ચઢેલી રીસ જોડે એણે ફરી લાઈટર પર્સના અંધારિયા ખૂણામાં ધકેલી મૂક્યું.

એ રીસના પ્રત્યાઘાતમાં વર્ષોથી કેળવેલા સંયમ અને શાંતિનું પ્રદર્શન કરતા આધેડ ફાધરે અર્ધી રાત્રીએ પોતાના ઘરમાં આશરો લેનારી સ્ત્રી સામે ટેવગત એક હળવું સ્મિત વેરી મૂક્યું. 

" પણ અર્ધી રાત્રીએ આ સુમસાન વિસ્તારમાં એક પરપુરુષ જોડે આવવાનો નિર્ણય કોણે કર્યો ? આ વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કોનો હતો ? પાપ અને પુણ્ય વચ્ચે એક ખૂબજ પાતળી રેખા હોય છે જે નિર્ણય તરીકે ઓળખાય છે. 'હા' કે 'ના'. માનવીના દરેક નિર્ણય એનાં હાથમાં હોય છે. હાથના કર્યા હૈયે વાગ્યા."

લાખ પ્રયાસ છતાં રૂબીથી હાસ્ય ન રોકાયું.

" જયારે ધારદાર હથિયાર ગળા પાસે ગોઠવી દેવામાં આવે ત્યારે પાપ, પુણ્ય, ઈશ્વર...કશું યાદ નથી રહેતું, ફાધર. "

ફાધરના ચહેરાના હાવભાવોમાં અસહમતી સ્પષ્ટ ડોકાઈ.

" નો, આઈ ડોન્ટ થિન્ક સો..."

વાર્તાલાપ આગળ વધે એ પહેલા મકાનના કાચા બારણાં ઉપર જોરજોર ટકોરા પડ્યા. 

" ઓહ નો...."

રૂબી બેઠક છોડી સફાળી ઊભી થઈ ગઈ. એનાં હાથમાંનો પર્સ કાયદેસર ધ્રુજી ઉઠ્યો. ડીપ નેક પોશાકમાંથી એની ડરથી ફૂલી રહેલી છાતી ઉપર નીચે થઈ રહી. 

ફાધર તરતજ ફોનની દિશામાં ભાગ્યા. હજી રીસીવર હાથમાં આવ્યુજ કે લાકડાનું જૂનું જર્જરિત બારણું ધડામ કરતું એક લાતના પ્રહારથી અંદર તરફ ધસ્યું. 

હાથમાં થમાયેલી રિવોલ્વરનો સીધો નિશાનો ફાધરની પહોળી છાતી હતી. એ નશાથી લાલધૂમ આંખોનો મૌન ઈશારો સમજી ગયા હોય એમ ફાધરે તરતજ રીસીવર નીચે પરત મૂકી દીધું. અહિંસા અને શાંતિનું જીવન જીવનાર અને પ્રેમ અને સ્નેહના માર્ગે આગળ વધનાર વ્યક્તિત્વએ પહેલીવાર કોઈ હથિયાર જીવંત નિહાળ્યું હતું. તેથીજ અવાજમાં પ્રાકૃતિક ધ્રુજારી અનુસરી. 

" આમ મારા ઘરમાં કઈ રીતે ધસી આવ્યા ? બહાર નીકળો નહીંતર પોલિસને...."

નશામાં ધુત્ત લાલચોળ આંખો ધમકી સાંભળી વધુ વિફરી. 

" મુજે ધમકી દેતા હે...સાલે અભી દિખાતા હું..."

રિવોલ્વરનો નિશાનો બનાવતા ભાન ભૂલેલા જંગલી પ્રાણી માફક ફાધરના શરીરને રૂબીની દિશામાં એણે બળપૂર્વક ધકેલ્યું. 

ફાધરનું સંતુલન ખોરવાયું. તેઓ સીધા રૂબીની છાતી ઉપર બેવડ વળ્યાં. 

રૂબી હજી માંડમાંડ પોતાને સંભાળે એ પહેલા સામે તરફથી છૂટેલા આદેશથી એના કપાળ ઉપર પરસેવો છૂટી આવ્યો. 

" કિસ કર લડકી કો...અભી...લિપ્સ ટુ લિપ્સ..."

રૂબીએ આ પહેલા જીવનમાં અગણિત બળજબરીઓ વેઠી હતી. અસંખ્ય અપમાન સહ્યા હતા.

 પણ આ...નહીં....કઈ પણ થઈ જાય....

ફાધર એના પિતા સમાન હતા અને એક પિતા દ્વારા આવું અપમાન એ વેઠી.....

રૂબીનો વિચાર આગળ વધે એ પહેલા રિવોલ્વર દ્વારા પડખેના ટેબલ ઉપર છૂટેલી ગોળીએ કાચના કેન્ડલ સ્ટેન્ડના ચૂરેચૂરા કરી નાખ્યાં.

એ દિશામાંથી રૂબીની નજર હટી અન્ય દ્રશ્ય તરફ વળે એ પહેલા એનાં હોઠ અન્ય હોઠમાં ભીંસાઈ ગયા. એનો ચહેરો ફાધરની સખત પકડમાં જકડાઈ ગયો. વેદનાના જ્વાળામુખીએ આપેલી ભેટ સ્વરૂપે આંખના ખૂણેથી લાવાની એક દઝાડતી બુંદ સરકી પડી. 

બીજીજ ક્ષણે રિવોલ્વરની નોક ઉપર બળજબરીએ ઘસડાતું એનું શરીર બહાર રાહ જોઈ રહેલ ગાડીમાં ગોઠવાઈ જવા વિવશ થયું. એનાં શરીરમાં ભોંકવામાં આવેલી સોયનું દરદ એના શોકથી જડ થઈ ગયેલા શરીરને અનુભવાયું જ નહીં. 

પોતાના મનમાં સળવળી રહેલા પ્રશ્નનો ઉત્તર મેળવવા એની ઘેનથી મીંચાઈ રહેલી આંખોને ગાડીના પાછળ તરફના કાચમાંથી ફાધરની આંખોનો સંપર્ક મળી શકે એ પહેલા જાતબચાવ માટે તત્પર ફાધરે તૂટેલા બારણાને ગમે તેમ જગ્યા ઉપર ગોઠવી અંદરથી તાળું વાંસી દીધું. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Tragedy