પાડોશણ ના પડારા
પાડોશણ ના પડારા
"બાઈ મારે તો તમારા ભાઈ શોખીન બહુ !"
આ તકીયાકલામ હતો અમારા પાડોશણ શારદામાસીનો,
એને વાતે વાતે પડારા બહુ...
એક દિવસ સવારે તપેલી લઈને આવ્યા અને મને કહે "છોરી ! થોડુંક દૂધ હોય તો લાવને આજે અમારે દૂધ બગડી ગયું."
મેં કહ્યું "એમ કેમ બગડી જાય ગરમ ન્હોતું કર્યું ?" શારદામાસી : "નારે કાલ સવારે આવ્યું ત્યારે ગરમ કર્યું પછી રાતે ચા કર્યો ત્યારે ગરમ કર્યું ને તોય અત્યારે બગડી ગયું."
એક કપ દૂધ આપ્યું તો કહે "થોડુંક નાખ હજી, તને તો ખબર જ છે ! મારે તારા ભાઈ શોખીન બહુ, એને આખા દૂધનો ચા જોઈએ ભલેને પછી અડધો કપ હોય તો ચાલે."
એમને દૂધવાળાનું તો અડધા લિટરનું લગવું હોય, એમાં એ તણ ટાણા બબ્બે કપ ચા બનાવે...અને આપણા ઘરેથી દૂધ ઉછીનું લઈને, એ અમારા શારદામાસી ! બે કપ દૂધનો અડધો કપ ચા બનાવે બોલો !
એ જ દિવસે માસા, સાયકલની પાછળ કેરિયરમાં ભરાવીને નાનકડું દસ રૂપિયાવાળું તરબૂચ લાવ્યા.
શારદામાસી આવીને કહે "છોરી આજે બપોરે ચા ન કરજે તને તો ખબર તારા ભાઈ શોખીન બહુ..! જોને તરબૂચ લાઈવા."
બપોરે સુધારીશને તે દઈ જઈશ"
તરબૂચ સુધાર્યા પછી એની છાલમાં જરાક વધુ જે લાલ ભાગ રહી ગયો હોય એ ઉખેડીને જુદો નાના ટુકડા કરીને ડિશમાં સજાવીને લાવ્યા અને કહે "બાઈ પે'લો સગો પાડોશી એને કેમ ભૂલાય એકલા થોડું ખવાય.!" મેં કહ્યું "માસી આની શું જરૂર હતી .! મને તો બપોરે ચા ની ટેવ છે આ કાંઈ મને ન જોઈએ"
શારદામાસી "અરે એવડું તરબૂચ અમે બે માણહ કેટલુંક ખાઈએ...તારે કાઈ બોલવાનું નથી આ લઈ જ લેવાનું છે, જો હું સવારે દૂધ લઈ ગઈ હતી કે નહીં, હવે હું દૂધ પાછું દેવા આવું તો તું થોડી લેવાની છો ! મને ખબર છે ન જ લે..."
કાંઈ બોલ્યા વગર મેં ડીશ લઈને પાણીયારે ઢાંકીને મૂકી. પણ એમ શારદામાસી માને થોડા ? એમ પાછા લાગણીવાળા મને કહે "કામ પછી કરજે બટા, પેલા તરબૂચ ખાઈ લે. કામ તો પછી થયા કરશે. ને આજનો દિ ચા ન પીજે બહુ ચા સારો નહીં." માથે રહીને પરાણે ચા ના બદલે એ છાલનું તરબૂચ ! મને ખવડાવીને પછી એ ઘરે ગયા.
