નસીબના ખેલ 25
નસીબના ખેલ 25


જો કે હવે ધીરજલાલ પણ ધરા માટે યોગ્ય મુરતિયાની તપાસ કરવા લાગ્યા હતા. થોડા સગાસંબંધીઓ આ બારામાં વાત પણ કરી તેમણે.
ધીરજલાલના મોટાભાઈ શાંતિલાલને બે દિકરી પણ હતી. એમાંથી મોટી દીકરીના ઘરે ધરા કરતા એકાદ મહિનો નાની દીકરી હતી રીના. એના પણ લગ્ન નક્કી થઈ ગયા. મુંબઇથી આવ્યા બાદ બે ત્રણ મહિના બાદ જ રીનાના લગ્નમાં જવાનું થયું. ત્યાં શાંતિલાલની નાની દીકરી પણ આવી હતી લગ્નમાં.
એણે પણ પોતાના દિયર માટે ધરાનું માંગુ નાખ્યું. પણ એને પણ એ વખતે ધીરજલાલે એમ જ કહ્યું કે એક ઘરમાં બે બહેનો મારે નથી આપવી.
હવે ધરા સમજી ગઈ હતી કે એના પપ્પા હવે એના લગ્ન માટે વિચારી રહ્યા છે. જો કે ધરા ને આમ તો કાઈ પ્રોબ્લેમ ન હતો. બસ એ હજી હમણાં લગ્ન કરવા માંગતી ન હતી. પણ એ પપ્પા ને કાંઈ કહી પણ નોહતી શકતી. ધરા એના અભ્યાસ માં મન પરોવવા લાગી.
બીજી તરફ ધીરજલાલ ધરા માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. રાજકોટ ધરાના માસી એ એક સારો યુવક બતાવ્યો. વકીલ હતો. રાજકોટના પ્રખ્યાત વકીલના હાથ નીચે. એની પેનલમાં કામ કરતો હતો. કુટુંબમાં બે ભાઈ જ હતા. આ યુવક અને એનો મોટો ભાઇ જે પરણેલો હતો. બહેન ન હતી એમને અને માતાપિતા.
ઘર એકંદરે ઘણું સારું હતું. ધરા ને પણ બતાવવામાં આવ્યું. ઘર પણ અને યુવક પણ. ધરા એ ફકત એટલું કહ્યું પપ્પા કહે એમ.
ધીરજલાલ ને પણ ઘર અને છોકરો ગમ્યા હતા. લગભગ બધું નક્કી જેવું જ હતું. ફાઇનલ વાત કરવા માટે ધીરજલાલ અને હંસાબેન દિકરવાળા ના ઘરે ગયા. હંસાબેન ના બેન પણ સાથે જ હતા. ત્યાં દીકરા ના મમ્મી હંસાબેન ને બધું ફર્નિચર બતાવતા બતાવતા કહેવા લાગ્યા. "આ ફ્રીજ અમારી મોટી વહુ આણામાં લાવ્યા, આ કબાટ અમારી મોટી વહુ લાવી, આ પેટીપલંગ પણ અમારી મોટી વહુ લાવી, આ રૂમનું ટીવી અમારી મોટી વહુ લાવી.."
આ રીતની એમની વાતથી ધીરજલાલ અને હંસાબેન એટલું તો સમજી જ ગયા હતા કે આ લોકો આડકતરી રીતે તેમને દહેજનું કહી રહ્યા હતા. આડકતરી રીતે તેઓ આ રીતની વસ્તુ ધરા પણ લઇ ને આવે એમ ઇચ્છતા હતા. આ રીત ની દહેજની માંગણી જોતા ધીરાજલાલે વાત ને ત્યાંજ પડતી મુકવાનું નક્કી કર્યું. તેઓ ને બીક લાગી ગઈ હતી કે જો એમની આ માંગણી પુરી નહિ થાય કે અધૂરી રહેશે તો તેઓ (દીકરા વાળા) ધરા ને કાઈ નુકશાન પણ પહોંચાડી શકે છે.
(ક્રમશઃ)