STORYMIRROR

Parul Thakkar "યાદે"

Drama

5.0  

Parul Thakkar "યાદે"

Drama

નસીબ ના ખેલ...5

નસીબ ના ખેલ...5

4 mins
734


ધીરુભાઈ નાનકડી ધરા ને ખૂબ જ પ્રેમ કરતા હતા. એની દરેક ઈચ્છા પુરી કરતા હતા... નાટકમાં ધરા હતી ત્યારે એના વાળ સરસ લાંબા હતા પણ ધરાને નાટકના પાત્રમાં સાવ ટૂંકા વાળ માટે નકલી વાળ પહેરાવ્યા હતા... ત્યારથી ધરાને ટૂંકા વાળનું મન થયું હતું.... એણે એના પપ્પા (ધીરુભાઈ) ને કીધું પણ ખરું... પણ એના મમ્મી (હંસાગૌરી) એ ના પાડી હતી.... પણ એક દિવસ ધીરુભાઈ એને ઘરે કીધા વગર બહાર લઈ ગયા અને... ઘરે આવ્યા બાપ દીકરી તો હંસાબેન તો જોતા જ રહી ગયા.... ધરાના વાળ કાપેલા હતા, જાણે એ વખતના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધી જોઈ લ્યો.... એ દિવસે ધરાને જોઈને હંસાબેન ખૂબ રડ્યા હતા... કમર સુધી પહોંચતા લાંબા વાળ કપાવીને આવી હતી ધરા... જ્યારે બીજી બાજુ ધરા ખૂબ જ ખુશ હતી.... પહેલેથી પપ્પા બાજુ તો ઢળેલી હતી જ ધરા પણ હવે તો પપ્પા એના માટે હીરો બની ગયા... !!! અને મમ્મીથી આમ પણ પહેલા એટલી નજીક તો હતી નહિ... મા દીકરી વચ્ચેની જગ્યા થોડી વધુ મોટી થતી ગઈ....

ધરાની ખુશીની સાથે સાથે ધીરુભાઈની આવક પણ વધતી હતી.... રસ્તા પર ઉભા રહીને દલાલી કરતા કરતા હવે એક નાનકડી દુકાન ભાડા પર લીધી હતી..... હંસાગૌરીનું સોનાનું મંગળસૂત્ર વેચી ને એક ટેલિફોન પણ લઇ લીધો હતો.... ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર અને કમિશન એજન્ટ બની ગયા હતા ધીરુભાઈ...... ભગવાનની દયાથી સારી એવી કમાણી થતી હતી...... એટલે ધીરુભાઈ એ ધરાને સરકારી સ્કૂલમાંથી ઉઠાડી વડોદરાની સારી ગણાય એવી સ્કૂલમાં ભણવા બેસાડી.. નવી સ્કૂલ, નવો યુનિફોર્મ, નવા મિત્રો... ધરા ખૂબ ખુશ હતી નવી સ્કૂલમાં જઇ ને....

અહીંયા પણ ધરા ને અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃત્તિ મળી ગઈ.... નવી સ્કૂલમાં સંગીત પણ શીખવાડાતું હતું, અને સીવણ પણ.... વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાતી હતી અને આ નવી શાળામાં તો નાસ્તા માટેની કેન્ટીન પણ હતી....

ધરા સંગીત શીખી, સીવણમાં પણ રસ લેતી હતી... પણ એને સૌથી વધુ વક્તૃત્વમાં ભાગ લેવો ગમતું હતું... શરૂઆતમાં તો ભાગ લેતી પણ એનો નંબર ન આવતો..... પણ પછી એને સમજ પડવા લાગી કે કઈ રીતે લખવું અને શુ બોલવું.....

પછી તો સમય એવો આવ્યો કે ત્યાંના સર અને પ્રિન્સીપાલ પણ સામેથી ધરાનું નામ સૂચવવા લાગ્યા

... ધરા હમેંશા પહેલો અથવા બીજો નંબર લઇને જ આવતી.... કોઈ કોયડો હોય કે ઉખાણું... ધરાને પહેલા પૂછવામાં આવતું... અને ધરા એનો જવાબ પણ આપતી...

ધરા સંગીત શીખવામાં પણ રસ ધરાવતી હતી, એકવાર એક ગઝલ ગાવા માટે ધરાની પણ પસંદગી થઈ.... ગઝલ હતી શ્રી જલન માતરીની.... "તકદીર ખુદ ખુદા એ લખી... પણ ગમી નથી... "

પણ.... ત્યારે ધરાને ક્યાં ખબર હતી કે આ ગઝલ આગળ જતા. એની સૌથી ફેવરિટ ગઝલ બની જશે ??!!!???

જો કે આ બધામાં એનું ધ્યાન વધુ રહેતું હોવાથી ભણવામાં થોડી નબળી પડતી ગઈ.... ના ના..... નપાસ થતી ન હતી... પણ માર્ક્સ ઓછા આવતા હતા.... ધરાના પપ્પા થોડો ઠપકો આપતા હતા... અને મમ્મીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતો હતો ધરાના માર્ક્સ જોઈને....

નાની નાની વાતમાં ધરાના મમ્મી ધરા પર ગુસ્સે થઈ જતા હતા.... ધરા ને મારતા પણ હતા... જો વધુ પડતું વાગી જાય ધરાને તો... બહાર લઇ જઇ ને ધરાને આઈસ્ક્રીમ કે બીજુ માંગે એ ખવડાવતા અને પછી કહેતા કે પપ્પા ને ન કહેતી કે મમ્મી એ માર્યું હતું..... નાનકડી ધરા આ લાલચથી માની પણ જતી...

પણ એક વાર....... હંસાગૌરી એ ગુસ્સામાં ગ્લાસનો ઘા કર્યો ધરા પર.... અને ધરા ને બે આંખની વચ્ચે નાક પર ગ્લાસનો કાંઠો વાગ્યો... લોહી નીકળવા લાગ્યું.... અને હવે હંસાગૌરી ગભરાયા... ધીરુભાઈનો સ્વભાવ આમ તો ખૂબ જ ગરમ... હવે શુ જવાબ આપવો ધીરુભાઈ ને ???? ઝટપટ ધરા ને ઘા પર હળદર લગાડી ને લોહી નીકળતું બંધ કર્યું.... અને પહેલાની જેમ જ ધરા ને બહાર લઈ ગયા.... આઇસ્ક્રીમ ખવડાવ્યો... ધરા ને નેઇલપોલીશ ખૂબ ગમતી તો એ પણ લઇ દીધી.... અને પપ્પાને મમ્મીએ માર્યું છે એમ ન કહેવાનું કીધું.... ફરી એક વાર ધરા માની ગઈ.... અને પપ્પા એ પૂછ્યું તો કીધું કે રમતા રમતા પડી ગઈ... પણ પછી તો જાણે આ એક ક્રમ થઈ ગયો.... ધરા માર ખાતી અને પછી એને આઈસ્ક્રીમની લાંચ પણ ખવડાવવામાં આવતી....

ધરા પોતાની પસંદગી પ્રમાણે પોતાની નાની નાની વસ્તુ પણ ન લઈ શકતી.... જેમ કે હાથમાં પહેરવા માટે બંગડી કે પાટલા, નેઇલપોલીશ, ચપ્પલ, કે પછી પોતાના કપડાં..... બધું જ એની મમ્મી જે લઈ આવે અથવા એની મમ્મી જે પાસ કરે એ જ ધરા પહેરી શકતી...

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama