નસીબ ના ખેલ.... 11
નસીબ ના ખેલ.... 11


બેય ભાઈઓ ને રમાડવાના, એમના કપડાં બદલવાના, છી કરે તો સાફ કરવાના, ઘોડિયામાં સુવડાવવાના, હીંચકા નાખવાના,વગેરે વગેરે... બધું ધરા ને કરવાનું..... માસી એમની સ્કૂલની નોકરીમાં હોય અને નોકરીએથી આવે પછી એ કાંઈ કામ ન કરતા, ધરા ના મામી બિચારા બધું કરતા હતાં, ધરા ના નાનીમા હતા પણ એ ઘરડા બિચારા કાઈ કરી શકે ?
એટલે ધરા વાંચતી જાય અને ભાઈ ને ઘોડિયા માં હીંચકાવતી જાય.... મોટો ભાઈ બહુ મસ્તીખોર હતો ધરા ના બે ચોટલા ખેંચતો અને કહેતો "હિકા... હિકા.." જાણે હીંચકા ખાતો ધરા ના ચોટલા ઝાલી ને... પણ ધરા ખુશ થતી... આ નાના નાના બાળકો પાસે જ તો હસી શકતી.... બાકી તો ઘરમાં કોઈ એની સાથે ક્યાં હસી ને વાત કરતું ???
અને ધરાને એ વખતે ક્યાં ખબર હતી કે એના આ જ મામા ના દીકરા ભાઈઓ આગળ જતા એના સગા ભાઈ થી વિશેષ ભાઈ બનીને ઉભા રહેવાના છે... ધરા ને ક્યારેય ભાઈની કમી નથી લાગવા દેવાના....
એમ કરતા કરતા દિવાળીનું વેકેશન આવ્યું.... ધરા ને આશા હતી કે એ એના પપ્પા પાસે વડોદરા જઈ શકશે... પણ એની આ આશા ઠગારી નીવડી.... પપ્પા એ ચોખ્ખા શબ્દો માં ના પાડી દીધી, ધરા નિરાશ થઈ ગઈ.... પણ પછી બેસતાવર્ષ ના દિવસે તેના મમ્મીપપ્પા ત્યાં રાજકોટ પહોંચી ગયા... હકીકતમાં તો ધીરુભાઈ જ નોહતા રહી શકતા ધરા વિના... પણ મજબૂર હતા એટલે ધરા ને રાજકોટ રાખી હતી... પપ્પા ને જોઈ ને ધરા ખૂબ ખુશ થઈ...
અને જાણે આવા જ કોઈ સમયની રાહ જોતા હોય એમ ધરાના સર પણ વેકેશન હોવા છતાં ધરા ના પપ્પા ને મળવા નુતનવર્ષાભિનંદન કહેવા બહાને ધરા ના મામા ના ઘરે પહોંચ્યા.... ધરા ના સદનસીબે ધરા ના માસી ઘરે ન હતા અને મામા પણ ન હતા.... આવો જ મોકો તો જોઈતો હતો ધરા ના સર ને.... થોડીઘણી ઔપચારિક વાતો કરી ને ધરા ના સર ધીરુભાઈ ને લઈને બહાર
નીકળ્યા... કહી ને કે ચાલો અહીં નજીક માં આટો મારતા આવીએ... ત્યાં ઘરે આવી જાય ઘરના બધા....
અને ધીરુભાઈ ને પણ આ વાત યોગ્ય લાગી એટલે એ પણ ધરાના સર સાથે બહાર જવા તૈયાર થઈ ગયા...
ઘરથી નજીકમાં જ ચા ની રેંકડી હતી ત્યાં બંને ગયા અને ચા નો ઓર્ડર આપી ને ત્યાં બાંકડે બેઠા... અને પછી ધરાના સર એ વાત કહેવાનું શરૂ કર્યું... જે જે વાત એમણે ધરાની સાંભળી હતી એ બધી વાત પોતાની સમજાવવાની શૈલીમાં ધીરુભાઈ પાસે રજૂ કરી.. અને બરોબર તેમના ધાર્યા મુજબ જ ધીરુભાઈ ને વાતની ઊંડાઈ સમજાઈ રહી હતી.. તેમના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું કે એમણે ધરાને સમજવામાં ભૂલ કરી છે... પણ હવે ધરા નું 10મુ ધોરણ અહીં જ પૂરું કરાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો તે પણ તે સમજી ગયા હતા...
થોડીવાર બેસી ને ચા પી ને બન્ને ઘરે પાછા આવ્યા... અને ઘરે આવતા જ ધીરુભાઈ એ ધરા ને બોલાવી, પાસે બેસાડી, પ્રેમથી માથે હાથ ફેરવીને પૂછ્યું.. "બેટા કેવું ચાલે છે ભણવાનું ?" અને ધરાનો રોકી રાખેલો આંસુનો ધોધ વહી પડ્યો... ધરા પપ્પાને ભેટીને રોવા લાગી... ફરી કહેવા લાગી પપ્પા મેં કાઈ ભૂલ નથી કરી.. મને તમારી પાસે રહેવું છે, મને આમ દૂર ન કરો... અને ધીરજલાલ એને સાંત્વન આપતા કહ્યું "હા બેટા તને મારી સાથે જ રાખીશ હવે... પણ હવે આ 10મુ ધોરણ પૂરું તો કરવું પડશે ને ?? તારી પરીક્ષા પૂરી થાય એટલે તરત તને તેડી જઈશ બેટા.."
પપ્પા ના આ શબ્દો સાંભળીને ધરા ના જીવમાં જીવ આવ્યો... તેને લાગ્યું હવે બધું સરખું થઈ જશે... તેને એ પણ લાગ્યું કે આ બધું સર ના કારણે જ શક્ય બન્યું છે... તેની નજર માં સર માટે માન પહેલા કરતાય વધી ગયું.... હવે તે સરની દરેક વાત માનવા લાગી.. ભણવામાં વધુ ધ્યાન આપવા લાગી.