kant shashi

Drama

3  

kant shashi

Drama

નરો વા

નરો વા

3 mins
239


યુદ્ધનો આજે ચૌદમો દિવસ પૂરો થયો. સૂર્યાસ્ત થતા બંને પક્ષે યુદ્ધ પૂરું થયું. રાત્રે સેનાપતિઓ અને સૈનિકો પોતપોતાના તંબુઓમાં વિરામ માટે ગયા. ધર્મ (યુધિષ્ઠિર) ના પક્ષે મૂઠીભર સેનાનીઓ અને ઓછા સૈનિકો હોવા છતાં તે ચૌદ દિવસથી અધર્મીઓ સામે ટક્કર ઝીલી રહ્યા હતા. પ્રતિષ્ઠિત સેનાનીઓ ભીમ, દ્રોણ, કર્ણ, શલ્ય વગેરે સામા પક્ષે હોવા છતાં તેમની એકે એક વ્યૂહ રચનાને ધર્મના ચાર ભાઈઓ ધર્મના નેતૃત્વ હેઠળ અને કૃષ્ણની સલાહ અનુસાર છિન્નભિન્ન કરતા રહ્યા હતા. જેની ગણના વિશ્વના શ્રેષ્ઠ સેનાપતિ અને બાણાવાળીઓમાં થતી હતી તથા જે કદી પરાજયને પામ્યા નહોતા તે ભીષ્મ અધર્મ (દુર્યોધન) પક્ષે રહીને દશ દિવસના નિષ્ઠાપૂર્વકના ભારે યુદ્ધ છતાં ધર્મને નમાવી શક્યા નહોતા. એટલે અધર્મી દુર્યોધનને ચિંતા પેઠી હતી. પણ આજના દ્રોણના યુદ્ધથી નિશ્ચિત જીતની તેની આશા ફરી મહોરી ઊઠી હતી. તો સામે પક્ષે ધર્મના પક્ષમાં દ્રોણનું આજનું યુદ્ધ ચિંતા જગાવી ગયું હતું. દ્રોણના સેનાપતિપદનો હવે એક જ દિવસ બાકી હતો પણ એ એક દિવસ જો તેઓ આજના જેવી જ શક્તિથી લડે તો ધર્મની હાર નિશ્ચિત હતી.

ધર્મ પક્ષના ધુરંધરો અર્જુન, ભીમ, દ્રુપદ વગેરે ધર્મના તંબુમાં ભેગા થયા હતા. સૌના ચહેરા ઉપર ચિંતા પથરાયેલી હતી. વાતાવરણ ભારે હતું. આશાવાદની વાત કાઢવી વ્યર્થ હતી અને નિરાશાનો સૂર કાઢવાની કોઈની તૈયારી નહોતી. એટલે સૌ શાંત હતા. બધાની દૃષ્ટિ એક જ વ્યક્તિ ઉપર મંડાયેલી હતી અને તે કૃષ્ણ. સીધા યુદ્ધમાં દ્રોણને હરાવવાનું શક્યા નહોતું એટલે દ્રોણની કોઈ નબળી કડી વિષે કોઈ જ્ઞાતા હોય તો તે કૃષ્ણ જ હતા. "દ્રોણ આજે જે રીતે લડ્યા છે તે રીતે લડે તો આવતી કાલે આપણે કોઈ જીવતા નહીં હોઈએ." શ્રી કૃષ્ણે શાંતિથી કહ્યું. બધા શાંત રહ્યા.

"એનો શો ઉપાય ?" ધીરે રહીને અર્જુને પૂછ્યું. કૃષ્ણ થોડી વાર શાંત રહ્યા.

"મને એક ઉપાય દેખાય છે. પણ તે ધર્મરાજને સ્વીકાર્ય નહીં બને." કૃષ્ણે શાંતિથી કહ્યું.

"કેમ એવું ?" અર્જુને વાત ચાલુ રાખી અને બધાના ચહેરા ઉપર આશાની એક સુરખી ફરકી ગઈ.

"દ્રોણ હતોત્સાહ બને એવી કોઈ વાત યુદ્ધ દરમિયાન જાહેર કરવામાં આવે તો દ્રોણની એકાગ્રતામાં - શક્તિમાં ઓટ આવે." કૃષ્ણે કહ્યું.

"દ્રોણને કઈ વાત હતોત્સાહ કરી શકે ?" અત્યાર સુધી ચૂપ બેઠેલા ભીમે પૂછ્યું.

"જેમ કે અશ્વત્થામાનું મૃત્યુ." કૃષ્ણે શાંતિથી કહ્યું.

"અશ્વત્થામા કંઈ મૂગું પ્રાણી નથી કે એને સહેલાઈથી હણી શકાય. દ્રોણ જેટલા નહીં તો ય અનેક સેનાનીઓ કરતા વધુ તાકાતથી એ લડે છે. એક કરતા ઓછા દિવસમાં એને હણવા અશક્ય છે." 

અર્જુને કહ્યું.

"તો પછી આપણી જીત પણ અશક્ય માનો." કૃષ્ણે શાંતિથી કહ્યું. 

"પણ એમાં અધર્મની વાત ક્યાં આવી ?  અશ્વત્થામા યોદ્ધો છે,  એટલે એને યુદ્ધમાં હણવો એ ન્યાયી છે." ધર્મરાજા અત્યાર સુધી ચૂપ હતા,  તેમને પૂછ્યું ત્યારે સૌને ખ્યાલ આવ્યો કે અશ્વત્થામાને હણવાની વાત કરવામાં કૃષ્ણનો હેતુ કંઈ જુદો હતો.

"અશ્વત્થામાને રાત્રી દરમિયાન હણવો જોઈએ એવું તમે સૂચવો છો ?" ભીમે ફરીથી પૂછ્યું અને ગદા પર હાથ મૂક્યો.

"ના. તો તો દ્રોણ વધુ ગુસ્સે થશે અને આપણા બધાનો ઘાણ બપોર સુધીમાં જ નીકળી જશે." શ્રીકૃષ્ણે શાંતિથી કહ્યું.

"ખોટી જાહેરાત કરવી ?" દ્રુપદે પૂછ્યું.

"દ્રોણ અનુભવી યોદ્ધા જ નહીં, યુદ્ધનીતિના આચાર્ય પણ છે. ખોટી જાહેરાતનીની કૂટનીતિ એમને સહેજે અજાણી નથી." કૃષ્ણે રહસ્યને વધુ ઘેરું બનાવતા કહ્યું. સભામાં શાંતિ પથરાઈ ગઈ.

"એનો અર્થ એવો થાય કે આપના મનમાં કોઈ એવી વાત છે જેને મારે અનુમોદન આપવું - અધર્મ હોય તો પણ." ધર્મરાજે કહ્યું. શ્રીકૃષ્ણે હકારમાં ડોકું ધૂણાવ્યું, પણ બોલ્યા નહીં.

"માનવીનો ધર્મ શો ?" શ્રીકૃષ્ણે કાંઈક અસંગત લાગતો પ્રશ્ન થોડીવાર પછી ધર્મરાજને ઉદેશીને કર્યો.

ધર્મરાજ વિચારમાં પડ્યા. સર્વજ્ઞાની શ્રીકૃષ્ણ એમની પરીક્ષા કરતા હતા કે કોઈ કબૂલાત કરાવવા માંગતા હતા ? વળી પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં જ આપવાનો હતો કારણ કે આ સમય કે સ્થળ અધ્યાત્મની ચર્ચાના નહોતા.

"માનવી બનવાનો - ધર્માચરણ કરવાનો." ધર્મરાજે કૈક વારે ઉત્તર આપ્યો.

"માનવીની વિશિષ્ટતા શી ?" શ્રીકૃષ્ણે પૂછ્યું.

"માનવી પૂર્ણતાને પામવાનો પ્રયત્ન જ ના કરે તો એ દાનવ બને, પૂર્ણતાને પામે તો દેવ બને પણ પૂર્ણત્વ પામવા જીવનભર કાર્ય કરે છતાં પૂર્ણત્વને પામે નહીં તો માનવ બને."

"ધર્મનો ઉદ્દેશ શો ?" શ્રીકૃષ્ણે પૂછ્યું.

"માનવીને પૂર્ણતા તરફ દોરવાનો."

"ધર્મના અસ્તિત્વનો આધાર ?"

"માનવીની અપૂર્ણતા." ધર્મરાજે કહ્યું.

રસથી સાંભળી રહેલા સેનાનીઓને હવે આ વાર્તાલાપ સંદર્ભ વિનાનો લાગવા માંડ્યો હોવા છતાં શ્રી કૃષ્ણમાં રહેલો એમનો વિશ્વાસ એમને ખાતરી આપતો હતો કે શ્રી કૃષ્ણ ધર્મ પાસે જે કાંઈ કરાવવા માંગે છે તે ધર્મને માનસિક રીતે પૂરેપૂરા તૈયાર કરીને. ભાઈઓને ખાતર, અધર્મીઓના નાશને ખાતર, ધર્મરાજ તેમની જીવનભરની તપસ્યા જરૂર પડ્યે હોડમાં મૂકી શકે તેની સૌને ખાતરી હતી - હક પણ હતો, કારણ કે હસ્તિનાપુરની રાજસભામાં થોડાક વર્ષો પહેલા ધર્મ (યુધિષ્ઠિર)ને માટે જ બધાએ પોતાની જિંદગી હોડમાં મૂકી હતી. છતાં જે કોઈ અધર્મ આચરવાનો હોય તે આચરતા પહેલા ધર્મરાજ ને દુઃખ ના થાય, તેમને કરેલા કાર્યનો શોક તેમને સંતાપે નહીં એટલા માટે તેમને હા પડાવવાની શ્રી કૃષ્ણની ગણતરી હતી તે સૌ સમજી ગયા.

"હવે એક બીજો પ્રશ્ન. કોઈ પણ કાર્ય ધર્મ છે કે અધર્મ તેનો માપદંડ શું ?" શ્રી કૃષ્ણે પૂછ્યું.

"કાર્ય પાછળનો હેતુ." ધર્મરાજે સહેજ વિચાર કરીને ઉત્તર આપ્યો.

"મતલબ કે શુદ્ધ હેતુથી અથવા સમષ્ટિના કલ્યાણ અર્થે સામાન્ય રીતે જે અધર્મ કહેવાય એવું કાર્ય કરવું પડે તો તે પણ તે ધર્મ કહેવાય. ખરું ?"

"ખરું."

"આ યુદ્ધ આપણે અધર્મીઓના પરાજય માટે લડીએ છીએ. તો તે હેતુથી આપણે થોડુંક અધર્મ કહેવાય તેવું કાર્ય કરવું પડે તો તેને ધર્મ માનશો ?" શ્રી કૃષ્ણે કહ્યું અને ધર્મરાજ ચૂપ રહ્યા.

"અને હવે છેલ્લો અંગત પ્રશ્ન. આપણે શ્રેષ્ઠ માનવી થવું ગમે કે દેવત્વ પામવું ?" શ્રી કૃષ્ણે પૂછ્યું. ધર્મરાજ વિચારમાં પડ્યા.

"આપણું આજ સુધીનું તાપ આપણે દેવત્વને આરે લાવ્યું છે. એ જ ધર્મને જાળવીને આપ દેવત્વ પ્રાપ્ત કરી શકો. બીજી તરફ ધર્મથી સહેજ વિમુખ થવાથી આપણે દેવત્વની અપેક્ષા કરવાની નહીં રહે. ધર્મના રક્ષણ અર્થે ધર્મ ધર્મ-વિમુખ થશે તો તેઓ માનવ જ રહેશે. આપને આ નિર્ણય કરવાનો છે. આપના નિર્ણય ઉપર આ ધર્મયુદ્ધની જીતનો આધાર છે એ ના ભૂલશો." શ્રી કૃષ્ણ ઊભા થયા. સભા બરખાસ્ત થવાનો એ સંકેત સૌ સમજ્યા અને ઊભા થયા. શ્રી કૃષ્ણના વક્તવ્યએ પ્રેરેલી આશાથી સૌના ચહેરા ઉપર તાજગી આવી હતી. તંબુની બહાર નીકળીને શ્રી કૃષ્ણે ભીમને બાજુએ બોલાવી થોડી ગુફતેગો કરી અને સૌ પોતપોતાના તંબૂમાં ગયા.

ધર્મરાજ ઊભા થઈને તંબૂમાં આંટા માર્ટા વિચારવા લાગ્યા. તેમને શું કરવાનું છે તે શ્રી કૃષ્ણે જણાવ્યું નહોતું. સમય આવ્યા પોતાના નિર્ણય અનુસાર વર્તવાનું ધર્મ ઉપર છોડી શ્રી કૃષ્ણે તેમને માથે હાર-જીતની જવાબદારી નાંખી હતી.

"સદીઓ પછી જયારે ધર્મનું નામ લેવાશે ત્યારે તેમણે આચરેલા અધર્મને પણ લોકો યાદ કરશે. સામાન્ય લોકોના અધર્મ કરતા ધર્મનો અધર્મ વધારે ચર્ચા જગાવશે. ધર્માચરણ કરનારના મનમાં દ્વિધા પેદા કરશે. શ્રી કૃષ્ણ વિશ્વના ધારક વિષ્ણુ પોતે હોવા છતાં પોતાને આવો આદેશ કેમ આપ્યો ? શું સૃષ્ટિના સંચાલન માટે અધર્મનું આચરણ જરૂરી હશે ? શ્રી કૃષ્ણે ધર્મના અસ્તિત્તવ માટે અધર્મનું આચરણ જરૂરી છે એવું સૂચવ્યું છે. ધર્મના રક્ષણ અર્થે અધર્મ આચરવાનો હોય તો ધર્મની સ્થાપના કઈ રીતે થાય ?"

"ધર્મ જ ન રહે તો માનવીનું અસ્તિત્વ કેમ ટકે ? શું શ્રી કૃષ્ણને લાગ્યું હશે કે મારામાં ધર્માચરણનો અહંકાર આવ્યો છે ?  અને એ અહંકાર મને પાડે તેના બદલે અધર્માચરણથી હું પોતે જ પાડું એમ તેઓ ઈચ્છતા હશે ?  કે પછી સત્કાર્ય માટે કરેલું કોઈ પણ કાર્ય ધર્મ જ કહેવાય એવું સૂચન તેઓ મારા અધર્મ દ્વારા કરવા માંગતા હશે ?" આમ વિચારતા ધર્મના મનમાં એક નિર્ણય આકાર લેતો ગયો.

બીજે દિવસે યુદ્ધ શરુ થયું ત્યારથી જ દ્રોણનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું. તેમના સેનાપતિપદનો આજે છેલ્લો દિવસ હતો. ભીષ્મને સફળતા ના મળી ત્યારે દુર્યોધને ભીષ્મ ઉપર પાંડવો પ્રત્યે પક્ષપાતનો મુકેલો આક્ષેપ તેમના કાનમાં ગૂંજી રહ્યો હતો.

પાંડવોની સેનાએ પાછળ હટતી જતી હતી. દ્રોણ એક તરફ અર્જુનને બાણયુદ્ધમાં સપડાવી રહ્યા હતા, તો બીજી તરફ અર્જુન તેનો પ્રતિકાર કરે ત્યાં સુધીમાં બીજા એકાદ-બે સેનાનીઓને મૂંઝવતા જતા હતા. એક તરફ દ્રુપદ અશ્વત્થામા સાથે લડી રહ્યા હતા અને કૃષ્ણે એમને કાંઈ કીધું નહોતું છતાં અશ્વત્થામાને સપડાવી, બને તો હરાવી, યુદ્ધની નિર્ણાયકતામાં સહાયરૂપ થવાના હેતુથી તેઓ અશ્વત્થામાને મુખ્ય સેનાથી દૂર ખેંચી રહ્યા હતા. અશ્વત્થામા તેમને નમતું આપતા નહોતા. એમ ને એમ બપોર થઈ. કંઈક બનવાની જન્મેલી આશામાં ધર્મરાજના સેનાનીઓમાં આવેલું ઉત્સાહનું પૂર ઓસરી રહ્યું હતું અને એમનો સામનો નબળો પડતો હતો.

લડતા લડતા ભીમ ક્યારે બહાર નીકળી ગયો તે કોઈના ધ્યાનમાં ના આવ્યું, પણ શ્રી કૃષ્ણે તેની નોંધ લીધી. તેમના ચહેરા પાર સહેજ સ્મિત ફરકી ગયું. અને પછી તરત તેમનો ચહેરો ગંભીર બની ગયો. પાંડવોના સૈનિકો ચપોચપ પડતા જતા હતા. દ્રોણના ધનુષ્યમાંથી એક સાથે અનેક બાણોની વર્ષા થતી હતી. અને જેને લાગે તેનો કાળ લાવતી હતી. અર્જુન તેનો સામનો કરતો હતો એટલે કેટલાય બાણો ટકરાઈને આકાશમાં છવાઈ વાદળોનો આભાસ ઊભો કરતા હતા.

ત્યાં ભીમ દૂરથી દોડતો આવ્યો અને તેના ભારે અવાજે "અશ્વત્થામા મરાયો... અશ્વત્થામા મરાયો.." ના અવાજે મેદાન ભરી દીધું. સાંભળીને શ્રી કૃષ્ણ તરત રથમાંથી ઉતર્યા અને ધર્મના કાનમાં બે શબ્દો કહી તરત જ પાછા ઘોડાની લગામ પકડી રથમાં બેસી ગયા. દ્રોણના હાથ થર થર ધ્રુજવા લાગ્યા અને શ્રીકૃષ્ણના ઈશારાથી અર્જુને બાણવર્ષા બંધ કરી. યુદ્ધ અટકી ગયું. દ્રોણ એમના રથમાં ઊભા થઈને મેદાનમાં દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી નજર નાખી અશ્વત્થામાને શોધી રહ્યા. પણ અશ્વત્થામા દેખાયા નહીં. ભીમની બૂમો ચાલુ જ હતી.

દ્રોણે શસ્ત્રો મૂક્યા હતા એટલે સેનાએ પણ શસ્ત્રો મૂકી દીધા અને મેદાનમાં શાંતિ છવાઈ ગઈ.

"સાચેસાચ અશ્વત્થામા મરાયો છે ?" દ્રોણે ભીમને પૂછ્યું. તેમની આંખમાં રહેલો વિષાદ જોઈ ભીમ જેવો પથ્થર હૃદયનો માણસ પણ તેમની સાથે આંખ ન મેળવી શક્યો.

"હા જી, મારા હાથે જ એનો ઘાત થયો." ભીમે નીચે જોઈને કહ્યું.

"તારું કેમ મનાય. તું તો ઘણી યે વાર જૂઠું બોલ્યો છે." દ્રોણે કહ્યું.

"તો પૂછો ધર્મરાજને.." ભીમે સ્વાભાવિક રીતે કહેતો હોય એવા અવાજથી કહ્યું, પણ આ શબ્દો કહેતા એના હૃદય ઉપર મોટા ભાઈ ઉપર તલવાર ચલાવી હોય એવો ઘા પડ્યો.

"ધર્મ, શું ભીમ સાચું કહે છે?"દ્રોણે પૂછ્યું. 

આચાર્યના નાતે પાંડવોને "તું"થી બોલાવવાનો તેમને હક્ક હતો. ધર્મ સમજ્યા કે તેમનો સમય આવી પહોંચ્યો. શ્રીકૃષ્ણની સામે જોવાનો વિચાર કર્યો પણ તેમના ઉપર ઠરેલી દ્રોણની દૃષ્ટિએ તેમને વાર્યા.

"હા, ગુરુજી, અશ્વત્થામા ગયો,," ધર્મે કહ્યું અને ધીમેથી ઉમેર્યું, "નરો વા કુંજરો વા" (કાં તો નાર હોય કાં તો કુંજર - હાથી), તેમનાથી વધુ ન બોલી શકાયું.

'મારાથી હવે યુદ્ધ નહીં થાય, દુર્યોધન". કહી દ્રોણે યુદ્ધ બંધ કર્યું. ધનુષ્ય મૂકીને આશ્ચર્યથી શ્રી કૃષ્ણને નિહાળી રહેલા અર્જુનને શ્રી કૃષ્ણ સમજાવી રહ્યા હતા કે અશ્વત્થામા મરાયો હતો પણ તે દ્રોણપુત્ર નહીં, ભીમનો હાથી અશ્વત્થામા .



Rate this content
Log in

Similar gujarati story from Drama