નિર્ણય
નિર્ણય


મીઠાઈનો ડબ્બો થામી એ ક્યારની રસ્તા વચ્ચે ચક્કર કાપી રહી હતી. વારે વારે કાંડા ઘડિયાળના કાંટાઓ ચકાસી રહી હતી. એક તરફ ખૂટી રહેલી ધીરજ અને બીજી તરફ અદમ્ય જોમ અને જોશ. પણ આરાધના દીદી આજે ક્યાં રહી ગયા ? સાત વાગ્યે તો એ પહોંચીજ રહે. અને આજે તો સાડા સાત થવા આવ્યા હતા. આજે પોતાને પણ જલ્દી ઊંઘવાનું હતું. આવતી કાલે જીવનની સૌ પ્રથમ ક્રાઇમ સ્ટોરી તૈયાર કરવાની હતી.
પરંતુ આરાધના દીદીને મળ્યા વિના શુભ મુહૂર્ત ક્યાંથી નીકળવાનું હતું ? આરાધના દીદી જો ન હોત તો પોતાનું ક્રાઇમ રિપોર્ટર બનવાનું સ્વપ્ન ફક્ત સ્વપ્ન બનીને જ રહી ગયું હોત. એક સ્ત્રી થઇ આવા પુરુષ પ્રધાન વ્યવસાયમાં પ્રવેશવાની પરવાનગી એને ક્યાંથી મળી હોત ? સમાજ અને પરિવારના નીતિનિયમો આગળ એણે ક્યારના હથિયાર નાખી દીધા હોત.
પોતે આરાધના દીદી જેટલી બહાદુર તો એ ન જ હતી. એક નાનકડા ટાઉનમાં ઉછરેલ યુવતી એટલે આરાધના દીદી. નાનકડા સ્થળેથી મોટા સ્વપ્નો સેવનાર જિદ્દી યુવતી એટલે આરાધના દીદી. નાની વયે લગ્ન ન કરી ભણતર માટે માતાપિતાને વિવશ કરનારી આરાધના દીદી. માતા પિતાને વરપક્ષને દહેજ આપતા રંગે હાથ ઝડપનારી અને લગ્ન મંડપ નિર્ભયપણે છોડી જનારી બેબાક યુવતી એટલે આરાધના દીદી. મોટા શહેરમાં આવી પોતાની પસંદગીયુક્ત નોકરી મેળવનારી અને એ સામે વિરોધ દર્શાવનાર અને પોતાની પસંદગી વિનાના યુવક જોડે લગ્ન માટે જબરદસ્તી કરનાર માતાપિતાનું ઘર પાછળ છોડી આવનાર બળવાખોર માનવી એટલે આરાધના દીદી.
પોતાના ફ્લેટના બાજુના ફ્લેટમાં ભાડુત તરીકે જયારે એ રહેવા આવ્યા હતા ત્યારે કનિકા અને એના માતાપિતાજ નહીં, સમગ્ર સોસાયટીમાં રહેતા લોકો ઉપર એમની છાપ જરાયે હકારાત્મક ન હતી. અજાણ્યા શહેરમાં આમ એકલા રહેવું, સમાજ અને કુટુંબ જોડે તાણાવાણા તોડવા,
સ્ત્રી મિત્રો જોડે પુરુષ મિત્રોનું પણ ફ્લેટમાં આવનજાવન. કારણો એક નહીં ઘણા હતા. કનિકાના માતાપિતાએ તો એને આરાધના દીદી થી દૂર જ રહેવા અને એમની જોડે કોઈ પણ પ્રકારના સંબંધમાં ન બંધાવાની સીધેસીધી ધમકી જ આપી હતી. પણ સંબંધોને ધમકીઓ અને રોકટોકના ડર ક્યાંથી ? એ તો પ્રાકૃતિક રીતે વિકસી જાય. લાગણીઓ અને સંવેદનાઓનું ખાતર જ સંબંધનું છોડ રોપવા માટે પર્યાપ્ત.
બાળપણથી જ બળવાખોર અને ક્રાંતિયુક્ત સ્વભાવ ધરાવનારી કનિકા જાણ્યે અજાણ્યેજ આરાધના દીદીની વધુ ને વધુ નજીક આકર્ષાતી ગઈ. જીવન પ્રત્યેના એમના હકરાત્મક અભિગમો, યોદ્ધા જેવી વિચારશ્રેણી, કદી હાર ન માનવાની મનોવૃત્તિ, ધ્યેયબઘ્ધ રીતે અડગ ડગલે સતત આગળ વધતા રહેવાની જીવનકળા, અન્યોના અભિપ્રાયોને આધારે નહીં પોતાના આત્મવિશ્વાસને આધારે જીવન જીવવાની શૈલી. કનિકા પાસે પણ એક નહીં ઘણા કારણો હતા. આરાધના દીદી સાથે મૈત્રી કરવાના. માતાપિતાની ધમકી આગળ આંખ આડા કાન કરી આખરે એણે આરાધના દીદી જોડે મૈત્રી કરીજ લીધી.
નોકરી ઉપરથી આવતાજતા આરાધના દીદી ક્યારેક લિફ્ટમાં મળી જતા. કયારેક કોલેજથી પરત થતા પાર્કિંગ ઉપરજ વાર્તાલાપ થઇ જતો. ક્યારેક રજાના દિવસે સાંજે સોસાયટીના ઉદ્યાનમાં બાંકડા ઉપર બેઠા બેઠાજ વાતની દોર બઁધાઈ જતી. ઘણીવાર એમને ત્યાં યોજાતી સ્ટાફ પાર્ટી માટે આમંત્રણ પણ મળતું. પરંતુ માતાપિતાની હામી નહીં.
એમની જોડે થતા દરેક વાર્તાલાપને અંતે કનિકાને એક અનન્ય પ્રેરણા અને અનેરું બળ મળી રહેતું. જીવન કદી સહેલું હોતું નથી એ વારેઘડીએ કહેતા. પણ એને સરળ બનાવવા માટે જીવન સ્વપ્નો ત્યાગી ગાડરિયા પ્રવાહમાં જીવન વહેતુ મૂકી દેવું એ સમજદારી નહીં, કાયરતા, આત્મહત્યા. સંઘર્ષવિહીન માનવજીવન ફક્ત એક ભ્રમણા જ તો છે. સંઘર્ષથી મોઢું ફેરવી જીવી તો જવાય પણ એ જીવન મૃત્યુ સમાન જ. માનવી સામાજિક પ્રાણી છે. એ સમાજ વિના ન રહી શકે. પણ હા, પોતાનો અંગત સમાજ પસંદ તો કરી જ શકે, જેમાં ફક્ત એ જ લોકો પ્રવેશી શકે જે માનવીના વિકાસ, પ્રગતિ અને સુખશાંતિના ઉદ્ધારમાં ફાળો નોંધાવે.
આરાધના દીદીના વિચારો સાંભળતા કનિકાને લાગતું જાણે આર્ટ ઓફ લાઈફનું કોઈ સુંદર પુસ્તક આંખો સામે ઉઘડી ગયું હોય. કેટલાક લોકો સાચેજ જીવતા જાગતા પુસ્તકો જ હોય છે. એમના જીવનનું દરેક પાનું સાચા અર્થમાં પથદર્શક બની રહેતું હોય છે.
કોલેજના અભ્યાસ પછી જયારે કારકિર્દી પસંદગીનો સમય આવ્યો હતો ત્યારે કનિકાના ઘરમાં કાયદેસર યુદ્ધ છેડાયું હતું. જે વ્યવસાયમાં પુરુષો જોડે બહુ સંપર્કમાં ન આવવું પડે એવા દરેક વ્યવસાયનો વિકલ્પ પરિવાર તરફથી પ્રાપ્ય હતો. પણ એણે તો ક્રાઇમ રિપોર્ટર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. ના, ના. એ વિકલ્પ સુરક્ષિત ક્યાંથી ? પુરુષો જોડે રાતદિવસનો સંપર્ક. ન સમયની સીમારેખા. આવા વ્યવસાયમાં જોડાયા પછી પરિવારની કાળજી ક્યાંથી લેવાય ? કોણ લગ્ન કરશે એની જોડે ? આડોશપાડોશ, સોસાયટી અને પરિવાર. કોઈ પણ તો એની પડખે ન હતું. આત્મવિશ્વાસ ડગી ગયો હતો. જીવન સામે હથિયાર નાખી દેવાયા હતા. ગાડરિયા પ્રવાહમાં જોડાવાની માનસિક તૈયારી થઇ ચુકી હતી. સંઘર્ષથી મુખ ફેરવવું જ સહેલું લાગી રહ્યું હતું.
આરાધના દીદીને પણ પોતાનો નિર્ણય જણાવ્યો હતો.
" પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી નિર્ણય ન લઇ શકે."
એ દિવસે આરાધના દીદી એ કહેલી વાત આજે પણ કનિકાને શબ્દે શબ્દ યાદ હતી અને આજીવન રહેશે.
"શું ખરેખર આપણે પુરુષ પ્રધાન સમાજ માં જીવીયે છીએ ? તો પછી અચાનક કોઈ શ્રીમતી ઇન્દિરા ગાંધી દેશની વડાપ્રધાન કઈ રીતે બની જાય ? દીપિકા પાદૂકોણ, પ્રિયંકા ચોપરા,એશ્વર્યા રાય આંતરરાષ્ટ્રીય ફિલ્મ જગતમાં દેશને કઈ રીતે માન અપાવે ? પી ટી ઉષા, પી વી સીધું, સાનિયા મિર્ઝા, સાઈના નેહવાલ, મારી કોમ કઈ રીતે આંતર રાષ્ટ્રીય રમતગમતમાં દેશનું નેતૃત્વ નિભાવી જાય ? કઈ રીતે કોઈ કલ્પના ચાવલા અંતરિક્ષમાં પહોંચી જાય ? સરહદ પર ચાલતી ગોળીઓ અને ફૂટતા આર ડી એક્સથી ડર્યા વિના કઈ રીતે બરખા દત્ત જેવી બહાદુર સ્ત્રી દેશની સર્વશ્રેષ્ઠ જર્નાલિસ્ટ રિપોર્ટર બની જાય ? ક્યારેક લાગે છે કે 'પુરુષ પ્રધાન' સમાજ ફક્ત એક ભ્રમણા કે મુખોટું તો નથી, જેની પાછળ સહેલાયથી નિષ્ફળતાઓ અને આગળ વધવાના વિશ્વાસના અભાવને છુપાવી રખાય ? જેને આકાશ પામવુંજ હોઈ એને કોઈ બાંધી ન રાખી શકે. વર્ષોથી ચાલી આવતી આ 'પુરુષ પ્રધાન' શબ્દની ઢાલ હવે હટાવવી જ રહી. સમાજ ન તો પુરુષ પ્રધાન છે ન સ્ત્રી પ્રધાન. એ તો ફક્ત વ્યક્તિગત વિષય છે. પોતાની લઘુતાગ્રંથી, આત્મવિશ્વાસની ઉણપ, પોતે પોતાના અધિકારો માટે ઉભા થવાનો ડર,
પોતાના અસ્તિત્વને સ્વીકારી અન્ય પાસે એ સ્વીકારને સ્વીકારવાની હિમ્મતનો અભાવ આ "પુરુષ પ્રધાન સમાજ" ના ભારેખમ શબ્દો પાછળ છુપાવા કરતા થોડી હિમ્મત,વિશ્વાસ, આત્મનિર્ભરતાને સ્વમાનને પોષવાનું જો શરુ થાય તો ખુબજ શીઘ્ર સમજાય જાય કે 'પુરુષ પ્રધાન સમાજ' ફક્ત મન ની એક ભ્રમણા બીજું કંઈજ નહીં."
સાચુંજ તો કહ્યું હતું એમણે સમાજ ન તો પુરુષ પ્રધાન છે, ન સ્ત્રીપ્રધાન. જેને ઉડવું જ હોય એને કોણ બાંધી શકે ? કનિકાને પણ ક્યાં કોઈ બાંધી શક્યું ? પોતાના અધિકારો માટે એ પણ અડગ ઉભી રહી. પોતાની ગમતી કારકિર્દીમાં આખરે પ્રવેશ મેળવ્યોજ. સંઘર્ષ સહેલો તો ન જ રહ્યો પણ ફળદાયી જરૂર. દેશની જાણીતી સમાચાર ચેનલ ઉપર ક્રાઈમ રિપોર્ટરની નોકરી મેળવી. આવતીકાલે એની સૌ પ્રથમ ક્રાઇમ સ્ટોરી તૈયાર થવાની હતી...પણ....આરાધના દીદી....
રસ્તા ઉપર ફરી રહેલા બેચેન ડગલાં અને અધીરી આંખો તદ્દન વિહ્વળ હતી. આરાધના દીદીને પોતાના હાથે મોઢું મીઠું કરાવવું હતું, ખુશીના સમાચાર આપવા હતા. પણ આજે એમને આટલું મોડું કેમ ? આજે તો ઓફિસમાં એમની ખાસ પ્રેઝન્ટેશન હતી. જો આજે એ પ્રેઝન્ટેશન સફળ જાય તો આંતરરાષ્ટ્રીય બ્રાન્ચમાં એમનું સીધું સ્થળાંતર. એમની આજ સુધીની બધીજ મહેનત સફળ...
આરાધના દીદીને આવતા નિહાળી કનિકા સીધીજ એમની દિશા તરફ ધસી ગઈ. મીઠાઈનો ડબ્બો ઉતાવળે આગળ ધર્યો.
" દીદી તમે સાચું કહ્યું હતું......."
આરાધના દીદીની રડીને સૂઝેલી આંખો પર નજર પડતાજ વાક્ય અધૂરું રહી ગયું. મીઠાઈનો ડબ્બો હાથમાંથી સરી પડ્યો.
"નહીં કનિકા, તારી વાત સાચી હતી. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી નિર્ણય ન લઇ શકે."
કનિકા સ્તબ્ધ રસ્તા વચ્ચે ઉભી આરાધના દીદીને રડતા, ડોટ મુકતા એમનાં ફ્લેટ ભણી જતા નિહાળી રહી.
ફ્લેટનો દરવાજો બંધ કરી હદયદ્રુરાવક રૂદનની ધાર છૂટી. એ રુદનમાં ઓફિસની બંધ કેબિનમાં બોલાયેલા શબ્દો જોરશોર ગુંજી રહ્યા. "મારી પાસે બે વિકલ્પ છે. આરાધના અથવા ઉમેશ. બટ યુ આર એ વુમન. તારી પાસે એ છે જે ઉમેશ પાસે નથી. નહીંતર વિદેશ સ્થાયી થવા ઉમેશ તો કોઈ પણ કિંમત ચૂકવી દેશે. "
રુદનની ધારને તોડતી જિદ્દી ડોરબેલ ફ્લેટમાં ગુંજી ઉઠી. બારણું ઉઘાડ્યું. કનિકા સામે ઉભી હતી. એક હાથમાં હેન્ડ કૅમ અને બીજા હાથમાં માઈક. આરાધના દીદીની સૂઝેલી આંખો દ્રઢ થઇ અને એજ ક્ષણે બન્ને સ્ત્રીએ નિર્ણય લઇ લીધો.
થોડાજ સમયમાં કનિકાની સૌ પ્રથમ ક્રાઇમ સ્ટોરી રેકોર્ડ થઇ ગઈ...