નિર્દોષોનો ભોગ
નિર્દોષોનો ભોગ


અમેરિકામાં ભણવા એક્ષ્ચેંજ સ્ટુડંટ તરીકે આવેલી સાયરા ભણવામાં હોશિયાર અને દેખાવમાં તો રૂપાળી હતી જ. પણ ઉર્દુ અને ઇંગ્લીશ સાથે સ્પેનીશ પણ ફાંકડુ બોલતી. અને સ્પેનીશ સારું બોલી શકતી એટલે તેને એક્ષ્ચેંજ સ્ટુડંટ તરીકે અમેરિકા આવવાની તક મળી હતી.કરાંચીમાં તેના કાકાનો દિકરો નાસામાં કામ કરતો તેથી તેણે હ્યુસ્ટન આવવાનું નક્કી કર્યુ.
આમેય હ્યુસ્ટન ખાતે પેટ્રોલીયમને લગતું ભણ્યા પછી નોકરી મળવાની શક્યતા ઉજળી હતી તેથી સાયરા સ્કુલમાં દાખલ થઈ અને ફાંકડુ સ્પેનીશ બોલતી તેથી સ્પેનીશ ગૃપમાં સરળતાથી મિત્રો બનાવતી હતી. આના ઘરની બાજુમાં રહેતી હતી તેથી તે સરળતાથી સહેલી બની ગઈ.
પોલીટીક્સમાં ડોનલ્ડ ટ્રંપ ચુંટાઇને આવી જવાથી બીન અધિકૃત રીતે ભરાયેલા મેક્સીકનોમાં એક પ્રકારનો ભય ઉભો થયેલો. આના મેક્સને ગમતી પણ તેના આનાને મળવાનાં અને સુંવાળા સંબંધો બાંધવાનાં પ્રયત્નોને ધીક્કારતી વળી તેની નજરોમાં એકલી વાસના જોતી તેથી પણ તે ભયભીત રહેતી. ફ્રી સોસાયટી ખરી પણ ઇચ્છા વિરૂધ્ધ કશું થાય તો કાયદા પણ એટલાજ કડક તેથી સાયરાએ મેક્સને સ્પષ્ટ કહ્યું હતું કે આના તને નહીં પણ માઈક સાથે આગળ વધવા માંગે છે ત્યારે તું પ્રયત્ન ના કર. પણ માને તે મેક્સ નહીં તેથી વાત આગળ વધીને પ્રિંસિપાલ સુધી વધી ગઈ.
માઇક અને મેક્સને ઝઘડો પણ થયો અને એક વખત તો તેના ઉપર કાતર છુટ્ટી મારી. સદભાગ્યે કોઇને વાગ્યું નહીં પણ આના મેક્સને બહું ભાંડતી ત્યારે સાયરા કહેતી માઇક સાથે રીંગ સેરીમની ઉજવી લે ત્યારે તો મેક્સ સમજશે ને.?
આના કહે “માઇક ઓફર કરે ત્યારેને?”
માઈકની વાત પણ સાચી હતી..તે કહેતો” હજી તો આ ભણવાનો તબક્કો છે,.ત્યારથી તું મારો અને હું તારી કરવાનો તબક્કો નથી.”
આના અને સાયરાને આ જ કારણે માઈક અને તેના જેવા મિત્રો ગમતા કે જેઓ ઠરેલા અને દુરદર્શી હોય.. યુવાવસ્થા જ એવી અવસ્થા હોય જ્યાં કોઇ મારો હોય કે હું કોઇની હોઉંવાળા વિચાર વાયુ આવ્યા જ કરે.
મેક્સ એક દિવસ સ્કુલમાં ગન લઇને આવ્યો.
તે આનાને શોધતો હતો.ત્યાં સીક્યિરીટી ગાર્ડે તેને ગન લઇને સ્કુલમાં ફરતો જોયો અને તેને ટોક્યો અને સિક્યુરિટી એલાર્મ ઓન કરી દીધું બીજો સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવી પહોંચ્યો.
મેક્સ જાણતો હતો કેફેટેરીયામાં આના માઈક અને સાયરા ક્યાં મળશે..
તેણે સીક્યોરીટી ગાર્ડને નિશાન બનાવવાને બદલે આનાને નિશાન બનાવી, ત્યાર પછી માઇક અને સાયરા શિકાર બન્યા..તેને ખબર તો હતી જ કે ગાર્ડ તેના ઉપર ગોળી ચલાવશેજ તેથી તેણે ગન ચાલુ જ રાખી. ગનમાંથી ગોળીઓ પતી ગઈ અને વિજયનું હાસ્ય તે હસ્યો..સિક્યોરિટી ગાર્ડ બંને લોહી લુહાણ હતા.
આના સામે જોઇને તે બોલ્યો “યાર! મને સીક્યોરીટી ગાર્ડોએ પણ તારી પાસે ન મોકલ્યો! આના તું મારી ન થાય તો તને પણ કોઇની નહી થવા દઉં.” મેક્સ બબડતો હતો,
ગન નાં અવાજો બંધ થયા અને નજીક ઉભેલા હાની ન પામેલા ટોળાનાં બીજા છોકરાઓ એ મેક્સને ગબડાવી દીધો. લપડાકો, ગુંબા અને લાતોથી તે અધમુઓ થતો રહ્યો. તેનું લોહી ચારે બાજુ નીતરી રહ્યું હતું. સીક્યોરીટી એલાર્મ અને વિદ્યાર્થીઓની ચીચીયારિઓએ સ્કુલને રણ મેદાન બનાવી દીધું હતું. પોલિસે મેક્સને કસ્ટડીમાં લીધો.
ધક્કા મુક્કી અને ધમાચકડીનાં વાતાવરણમાં અને જેઓ ઘાયલ થયા હતા તથા અકાળે મૃત્યુ પામ્યા હતા તેમના દર્દમાં એક જ પ્રશ્ન હતો. ”કેમ એમને ગોળી મારી?”
દૂર ઉભેલા પ્રિંસિપાલ ડો. આલ્બર્ટ્સન વિચારતા હતા.. આ સ્વછંદતા, આ વાણી સ્વતંત્રતા તથા હથિયાર રાખવાનો અધિકારનો દુરુપયોગ નહીં તો બીજું શું? સત્તાને મરોડતા પોલીટીશયનો અને પોતાના સ્વાર્થ ખાતર ગનનાં ઉદ્યોગપતિઓ ક્યાં સુધી કેટલાય નિર્દોષોનો ભોગ લેતા રહેશે…?
સાંટા ફે હાઇસ્કુલમાં થયેલા ગોળીબારનાં સમાચાર સાંભળતા સાંભળતા ઉદભવેલી કાલ્પનિક કથા