અમૃત પટેલ સ્વયંભૂ

Inspirational Others

2.5  

અમૃત પટેલ સ્વયંભૂ

Inspirational Others

નિર્ધાર

નિર્ધાર

6 mins
887


રવિવાર,ભાગદોડ ભરી જિંદગીમાં રિચાર્જ થવાનો દિવસ.

દીપ્તિ નિત્યક્રમ પૂરો કરી વૈભવી ફ્લેટના પંદરમે માળે ગેલેરીમાં આરામથી મહાનગરી મુંબઈનો ભવ્ય નઝારો જોઈ રહી છે. ત્યાં મોબાઈલની રિંગ સાથે સ્ક્રીન પર 'પાયલ દીદી' નામ ડિસ્પ્લે થયું તે સાથે જ દીપ્તિ ઉત્સાહમાં ઊછળી પડી. ફોન રિસીવ કરતા તરત જ બોલી; 'હા, દીદી ક્યારે આવો છો ? આ વખતે જાણે તે પાયલની કોઈ વાત સાંભળવા માગતી ન હોય તે રીતે બોલી.

'હા… હા, મારી બહેન. અમે આવીએ છીએ. તારી આ જીદને લઈ તારા જીજુએ રજા મંજૂર કરાવી લીધી છે. તેની જાણ કરવા જ આ ફોન કર્યો છે.'

'ખરેખર દીદી!?

'હા, ભૈ હા…'

તે પછી બંને ની વાતો પુરી થતા દીપ્તિ ડ્રોઈંગ રૂમ તરફ દોડી ગઈ.


'ધ્રુવ, પાયલ દીદી અને જીજુ સ્વાતિને લઈને આવે છે.'

'ખરેખર' ધ્રુવ પ્રોજેક્ટ ફાઈલનો વિન્ડોઝ ક્લોઝ કરતા બોલ્યો.

'હા, ધ્રુવ કેટલા વર્ષ પછી પાયલદીદી આપણે ત્યાં આવી રહ્યા છે'.


દીપ્તિના હદયમાં ફરી બાળપણના સંસ્મરણો ગુંજવા લાગ્યા. બાળપણની લીપી તેણે હજી તેના હૈયામાં સાચવી રાખી છે. એક એક કરીને દિવસો પાછા આવતા ગયા. તે સાથે તે ધ્રુવથી જોજનો દૂર થતી ગઈ. ઉનાળાના દિવસો ગરમીથી બચવા માટે દીપ્તિ બસસ્ટેન્ડની ઓથ લઈ ઊભી છે. માથે સૂરજ તપી રહ્યો છે ખુલ્લા આકાશમાંથી તે જાણે તીર છોડી રહ્યો છે. ગરમ 'લૂ' થી ઉકળાટ વધતો જતો હતો.


બહારની આ ગરમી કરતાં પણ વધારે ઉકળાટ દીપ્તિના હૈયામાં ઊઠ્યો છે. આ ધખતા તાપમાં દીપ્તિએ દવાખાને પહોંચવાનું છે. દવાખાનામાં તેના કાકાની દીકરી પાયલને દાખલ કરી છે ! બસ આવવાની રાહ જોતી દીપ્તિ પાયલ વિશે વિચારી રહી છે. નાનપણમાં બંને એકસાથે ઉછેરીને મોટી થઈ. પાયલ ઉંમરમાં દીપ્તિ કરતાં મોટી આમ છતાં તે બંને બહેનો કરતા ઉંમરનો ભેદ ભૂલી સખી બની રહેતી.


પાયલ નાની હતી ત્યારથી ખૂબ જ આજ્ઞાકિત  માતા-પિતાની કોઈ પણ વાતનો તે વિરોધ કરતી નહોતી. સ્વભાવે નિર્મોહી ભોળી. જ્યારે દીપ્તિ આખાબોલી નાનપણથી જ અન્યાય સામે લડી લેતી. જ્યાં અન્યાય થતો ત્યાં તે ઊકળી ઊઠતી. આમ બંને બહેનો અલગ અલગ પ્રકૃતિ ધરાવતી હોવા છતાં બન્નેનો મેળ સારો રહેતો. બંને એટલી બધી હળી-મળીને રહેતી કે, એકબીજા વગર પળવાર માટે અલગ થવું પણ તેમને ખૂંચતુ. રાત્રે પણ બન્ને આંગણામાં એક જ ખાટલે ચાંદની રાતમાં તારાઓની ગણતરી કરતા કરતા અલકમલકની વાતોમાં રાતનો સમય પસાર કરતી. સમાજના દરેક પ્રસંગમાં બંને એકસરખો શણગાર સજીધજીને જતી. જ્યાં જુઓ ત્યાં બંને સાથે જોવા મળતી. એટલે બધા કહેતા; 'આ બંને છોકરીઓ ને એક જ ઘરે પરણાવવી પડશે.


સમયનું ચક્ર ફરતું રહ્યું. પાયલના લગ્ન થયા. વિદાય સમયે દીપ્તિએ રોઈ રોઈને ગામ ગજવ્યું. તે પછી પાયલ સાસરેથી પિયર આવતી ત્યારે બંને ક્યાંય સુધી ગુપચુપ વાતોમાં પરોવાયેલી રહેતી.


'પાયલ તને સાસરે કેવું લાગે ? સાવ અજાણ્યા પ્રદેશમાં તને બીક ન લાગે ?'

અને પાયલ ખડખડાટ હસી પડતી તે સાથે દીપ્તિ પણ જોડાઈ જતી આમને આમ અવનવા પ્રશ્નોની વણઝાર વચ્ચે રાત ભંગતી જતી ! પણ પાયલ લગ્ન થયાના હજી માંડ છ-સાત મહિના થયા હશે ત્યાં પાયલ પહેલા કરતા વધારે ગંભીર બની ગઈ. જ્યારે તે પિયર આવતી ત્યારે તેના ચહેરા ઉપર હવે પહેલા જેવું નૂર દેખાતું નહોતું. તે દીપ્તિ સાથે પણ મોડી રાત સુધી પહેલા જેવી વાતો કરતી નહોતી. દીપ્તિને પણ અજુગતું લાગતું.

* * *


દીપ્તિ તેના અભ્યાસ માટે ગામ છોડી શહેરમાં આવી લેડીઝ હોસ્ટેલમાં રહેવા લાગી. તે પછી તો ક્યારેક જ વેકેશનમાં અથવા તો કોઈ પ્રસંગે બંનેને મળવાનું થતું. પાયલ તેના લગ્નજીવનમાં ખુશ નહોતી આ વાતની જાણ દીપ્તિને થઈ. તેણે પાયલને આ વિશે પૂછયું પણ પાયલ જેનું નામ કંઈ પણ કહ્યું નહોતું ! ત્યાં એકવાર અચાનક દીપ્તિને ગામડે જવાનું બન્યું. ત્યારે કાકીએ કહ્યું;

'દીપ્તિ બેટા, આપણી પાયલ બિચારી ફસાઈ ગઈ.'

'કેમ શું થયું કાકી?!'

જોકે દીપ્તિને પણ ઊંડે ઊંડે વાતની જાણ તો હતી જ તેમ છતાં કાકીએ વાત કાઢી એટલે તે કાકીના મનની વાત જાણવા માગતી હતી.

'દીકરી… પાયલના સાસરિયા લાલચુ નીકળ્યા!

'એટલે…?

'આપણે લગ્ન વખતે આપેલું દહેજ તેમને ઓછું પડ્યું તે હવે એક પછી એક નવી માંગણીઓ મૂકી રહ્યા છે. તે દીકરીને સાસરામાં કોઈ વાતે દુઃખ ન પડે એટલે તારા કાકા અત્યાર સુધી તો આઘુપાછું કરી તેમની માગણી સંતોષતા રહ્યા. પણ હવે તો…'

'હવે..?'

'હવે તો તેમને આપણી પાયલમાં જ ખોટ લાગવા માંડી છે. હવે આપણી વ્હેત બહારની માંગણી મૂકી દીકરીને હેરાન કરે છે. તેનો પતિ તેની સાથે વારેવારે ઝઘડો કરે છે. માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. ' કાકીએ સાડલાથી આંખની કિનારી લૂછી નાખી.

તે દિવસે દીપ્તિ ક્યાં સુધી પાયલના વિચારો કરતી રહી.


પાયલ સાથે બાળપણમાં સજાવેલા 'વર-વહુના સપના' અને આ સપનામાં રાજકુંવર આવી તેમને ઘોડા ઉપર બેસાડી દૂર દૂર સુખના પ્રદેશમાં લઈ જતો. જ્યાં બસ સુખ નામના આ પ્રદેશમાં સુખ… સુખ અને બસ…! અને ક્યાં આજ ની હકીકત. કાકીની વાતથી દીપ્તિ ખૂબ જ દુઃખી હતી. શહેરમાં આવે તેણે નિશ્ચય કરી લીધો. સમય પાંદડા બની ખર્યે જતો હતો. દીપ્તિ પગભર બની. શહેરમાં જ તેને એક મોટી કંપનીમાં જોબ મળી ગઈ. ઉંમરે પહોંચતા બા-બાપુજીએ લગ્નની વાત કરી ત્યાં તેણે 'નિર્ધાર' સ્પષ્ટ કરતાં કહ્યું;

'મારે પાયલબહેનની જેમ રીબાઈને નથી જીવવું મને પસંદ હશે તે છોકરાને હું પરણીશ અથવા તો આજીવન કુંવારી રહીશ !

દીપ્તિના નિર્ણયથી બા-બાપુજીને આઘાત લાગ્યો પણ દીકરીની જીદ આગળ તે કંઈ કરી શકે તેમ નહોતા. દીપ્તિ શહેરમાં એકલી રહી જીવનની રફ્તારને આગળ ધપાવતી રહી. ત્યાં તેને સમાચાર મળ્યા. પાયલ રસોઈ કરતાં સખત રીતે દાઝી ગઈ છે. અને તેને શહેરની હોસ્પિટલમાં દાખલ કરે છે. બસ કે રીક્ષા દેખાતી નહોતી. દીપ્તિ ઉંચાટભર્યા મને નજર દોડાવી રહી છે. તેણે પળનો પણ વિલંબ કર્યા વગર હોસ્પિટલે પહોંચવાનું હતું.


મનોમન વિચારતી હતી:' પાયલબેન દાઝયા નથી પણ તેમને બળવામાં આવ્યા છે. હું નરાધમોને નહીં છોડું. તે આગ સમી ધખી રહી છે. તેને કઈ સૂઝતું નહોતું. રસ્તા પરથી પસાર થતા દરેક વાહનની તે લીફ્ટ માગતી રહી. બપોરનો સમય અવર-જવર પણ ઓછી ખુલ્લો રસ્તો ગરમીના કારણે અજગરની જેમ હાંફી રહ્યો છે. ત્યાં અજગરની પીઠ પર મંકોડો ફરે તેમ દૂરથી એક કાર સરકતી દીપ્તિ પાસે આવી પહોંચી !


દિપ્તી વિચારના વમળમાંથી ઝબકીને બહાર આવી. તેણે જોયું અને જોતી જ રહી ગઈ. ક્યારે તેણે લિફ્ટ લીધી તેનું તેને પોતાને જ ભાન ન રહ્યું. એક સાવ અજાણ્યા માણસની ગાડીમાં લિફ્ટ લઈ સાવ અપરિચિત યુવક પર વિશ્વાસ કર્યો. આ પછી તો દીપ્તિ જાણે સાગરના પ્રવાહમાં સ્વાભાવિક રીતે જ વહેતી ગઈ. બન્ને સાથે મળી હોસ્પિટલમાં પાયલની સેવા ચાકરી કરતા રહ્યા.


દિપ્તી તેમજ ધ્રુવે પાયલને હિંમત આપી. પાયલે હોસ્પિટલમાં મેજિસ્ટ્રેટ સમક્ષ સ્ટેટમેન્ટ આપતા કહયુ; 'મારો પતિ તેમ જ મારા સાસુ-સસરા મારા ઉપર માનસિક આર્થિક તેમજ શારીરિક ત્રાસ ગુજારતા. અવારનવાર દહેજની માગણી કરતા હું તેમની માગણી પૂરી ન કરું તો મારા ઉપર ખુબ જ ત્રાસ ગુજારતા. અત્યાર સુધી હું તેમની અનેક માગણીઓ સંતોષતી રહી પણ તે દિવસે મેં ના પાડી એટલે મારા પતિએ મારા વાળ ખેંચીને પિયર ચાલ્યા જવાનું કહ્યું. મેં વિરોધ કર્યો એટલે મારા પતિએ મારા ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી. સળગતા સળગતા મેં ચીસો પાડી એટલે બહારથી લોકો દોડી આવ્યા અને…!


કોર્ટમાં કેસ ચાલ્યો પાયલએ કરેલા નિવેદનને આધારે તેના પતિને સાત વર્ષની સજા થઈ. પાયલનો તે સાથે છુટકારો થયો. ધ્રુવનો મિત્ર મુંબઈ રહેતો હતો. તે અવારનવાર ધ્રુવને ત્યાં આવતો જતો રહેતો. ધ્રુવે રાકેશને પાયલ સાથે બનેલી ઘટનાની વાત કરી પાયલના માતા-પિતા સાથે રાકેશના જીવનમાં બનેલી ઘટનાની વાત કરી. અને આ બંને પક્ષે સંમતિ મળતાં પાયલ 'સ્વાતિ'ની મમ્મી બની ગઈ.


દીપ્તિના ફેસલાથી આજે બંને બહેનો ખૂબ જ સુખી છે. પાયલના જીવનમાં કાજળ કાળું વાદળ પસાર થઈ ભીની ધરતીની સુવાસ જીવનમાં લહેરાઈ રહી.

 

દીપ્તિ મેઘા પર નજર કરતા બોલી; 'છેલ્લે મેઘાના જન્મ સમયે પાયલદીદી આવ્યા હતા. તે વખતે તેમની સાથે ક્યાંય સુધી ખટમીઠી યાદો તાજી થઈ હતી આજે તો આપણી મેઘાને પૂરા ત્રણ વર્ષ થઈ ગયા છે'

'...હા, તે અધૂરી રહી ગયેલી તારાઓની ગણતરી હવે તમારે પૂરી થઈ જશે' ધ્રુવ હસતા હસતા બોલ્યો.

દીપ્તિ પણ તે સાથે હસતા હસતા ધ્રુવની પાછળ વેલની જેમ વીંટળાઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational