મૂવ ઓન
મૂવ ઓન


મમ્મા તું રડે છે ? અગેઈન ? કેમ ? પાપા તો લાઈફમાં ક્યાંય આગળ નીકળી ગયાં..મૂવ ઓન ...મમ્મા !
કંઈક વિચારતાં એકલી -ઉદાસ બેઠેલી સ્તુતિને એની તેર વર્ષની દીકરી સાન્યા શિખામણ આપતા પાર્ટીમાં જવા નીકળી ગઈ. મૂવ ઓન ...? પંદર વર્ષ પહેલાં એનાં ને શેખરનાં લગ્ન થયાં ત્યારથી પોતે સતત એ જ નથી કર્યું ?
લગ્ન પછી શેખરને વધુ કમાવવાની, કરિયર બનાવવાની ધૂન ઉપડી ને પોતે પોતાની જોબ, જાનથી વ્હાલા મમ્મી -પાપા બધું જ છોડી અહીં અમેરિકા આવી ગઈ. એક જ વર્ષ ની સાન્યા ને લઈ ને. એની જ ઈચ્છાથી અહીં એ સાન્યાના ઉછેર માટે એક હાઉસ વાઈફ બની ને જ રહી. અહીં એનું પોતાનું કહી શકાય એવું સર્કલ પણ એ ઉભું ન કરી શકી..હા ! એની કોલેજ ની મિત્ર સુગંધી નજીક જ રહેતી હતી જે એનો માનસિક સધિયારો હતી. પોતાનાથી તદ્દન વિરુદ્ધ એવું બિન્દાસ-મુક્ત ને આર્થિક રીતે પણ સ્વતંત્ર એવું વ્યક્તિત્વ હતું એનું. શેખર-સાન્યા ને સ્તુતિ કિલ્લોલતો પરિવાર હતો...કદાચ એટલે જ કોઈની નજર લાગી હોય તેમ છેલ્લાં પાંચ વર્ષથી શેખર-સ્તુતિને એક-બીજા માટે અસંખ્ય ફરિયાદો હતી. ખાસ કરીને શેખરને....તું સાવ ડીપેન્ડન્ડન્ટ થઈ ગઈ છો...હજી ટીપીકલ ઈન્ડીયન જ રહી છો ...તારી ફ્રેન્ડ જ જો ક્યાંય આગળ વધી ગઈ વગેરે -વગેરે ને ઘરમાં નીરસ વાતાવરણ છે કહી વધારે સમય બહાર જ વીતાવતો થઈ ગયો. અસલામતી-એકલતા ને હતાશાથી સ્તુતિ પણ ચીડચીડી થઈ ગઈ. મોડા આવવા બાબત--દારુ પીવા બાબત -દીકરી પર ધ્યાન ન દેવા બાબતે એ પણ શેખર સાથે ઝઘડતી જ રહેતી ને આજે એક વર્ષ થી એક છત નીચે રહેવા છતાં બંને તદ્દન જુદી જિંદગી જીવતાં હતાં. શેખર હવે છૂટાછેડાની વાત પણ કરતો જે હજી સ્તુતિ સ્વીકારી નહોતી શકતી...એને થતું બધું પાછું પહેલાં જેવું થઈ જશે ! તેની મિત્ર સુગંધી એને કંઈ જોબ શરુ કરી ઘર બહાર નીકળવા સલાહ આપતી....શેખરની હવે કોઈ સ્ત્રી મિત્ર છે એવું પણ સંભળાતું પણ તો એ સ્તુતિ સમાધાનની આશામાં અટવાતી રહેતી...એને થતું એમ કંઈ થોડું બધું બદલાઈ જાય !??
શેખરને તો સ્તુતિ હવે નથી જ જોઈતી. સાન્યા પણ ટીપીકલ અમેરિકન ટીનએજરની જેમ નોટ કેરીંગ એટીટ્યુડ રાખતી થઈ ગઈ હતી. મમ્માને જિંદગી માં મૂવ ઓનની શિખામણ આપતી થઈ ગઈ હતી. પોતાની જરુરિયાત માટે બીજા પર આધાર રાખતી ને કોઈની જરુરિયાત બની રહેવા ટેવાયેલી સ્તુતિને હવે ઘરમાં અનવોન્ટેડ ફીલ થતું હતું. અચાનક એને પોતાનો દેશ, બચપનનું ઘર, પપ્પા યાદ આવી ગયાં.
પપ્પા.....આઠ વર્ષ પહેલાં મમ્મીના મૃત્યુ પછી એ સાવ એકલા જ તો છે......મમ્મીનું મૃત્યુ થયું ત્યારે એ છેલ્લી ઘરે ગયેલી...પછી તો પોતાની જિંદગીનાં ખરાબામાં જ એ અટવાયેલી રહી હતી...ફોન પર વાત થતી એટલું જ પણ મળવા તો જવાયું જ નહોતું. અત્યારે એમને જ મારી સૌથી વધુ જરુર હશે ! યસ...હું ઈન્ડિયા જઈશ....મારું મન પણ હલ્કું થશે...ગમશે તો ત્યાં જ રહી જઈશ .....સાન્યાને સાથે આવવા એકવાર પૂછ્યું...પણ એનો જવાબ તો ધારેલું એમ ના માં જ હતો.
વિમાનમાં બેસતાં જ એનું મન જલ્દીથી પપ્પા પાસે પહોંચવા અધીરું થઈ ગયું. સમયે પપ્પાને બુઢ્ઢા કરી દીધા હશે ! એક પળ પણ મમ્મીથી વિખૂટાં ન રહેનારા પપ્પા એકલાં કેવી રીતે રહેતાં હશે ? ઘર કેવી રીતે સંભાળતાં હશે ? હું જઈને બધું જ સંભાળી લઈશ. એમની એકલતા દૂર કરીશ.
એરપોર્ટ પર પપ્પા લેવા આવેલા. એને ભેટી માથું ચૂમતાં બોલ્યા " ખૂબ દુબળી પડી ગઈ છો..." ત્યારે જ એણે પણ પપ્પાને ધ્યાનથી જોયા.....હજી એવા ને એવા જ બલ્કે થોડા વધારે જ તાજગીભર્યા લાગ્યાં !
ઘરે પહોંચતા જ એ પોતાનાં શૈશવને ખોળતી હોય તેમ આખા ઘરમાં ફરી વળી. છેલ્લે અહીંથી નીકળી ત્યારે પોતે જ મમ્મીની મોટી ફોટો ફ્રેમ પપ્પાના રુમમાં મૂકેલી એ યાદ આવ્યું એટલે મમ્મી ને મળવા દોડી... પણ ખાલી દીવાલ જોઈ એ પપ્પાને કંઈ પૂછે એ પહેલાં જ એની નજર પૂજારુમમાં પડી. મમ્મી ત્યાં ગોઠવાયેલી હતી... ! ખબર નહીં કેમ એને મનમાં કંઈક ખટક્તું લાગ્યું.
ઘર ચોખ્ખું -ચણાક હતું. રસોઈ વાળા બેન રસોઈ કરી ગયેલા તે જમી આરામ કર્યો. જેટલેગ ઉતરતાં બે-ત્રણ દિવસ નીકળી ગયાં. આ બધો સમય પપ્પા ઘરમાં જ રહ્યા એને આનંદમાં રાખવાનો પ્રયાસ કરતાં. ચોથે દિવસે એ ઉઠી ત્યારે પપ્પા ઘરમાં ન હોતાં. ટેબલ પર એક નોટ પડી હતી -------વોક અને યોગ કરવા ગાર્ડન માં જાઉં છું....સ્તુતિને પપ્પા માટે બ્રેકફાસ્ટ બનાવવાનું મન થયું. એને યાદ આવ્યું એમને મમ્મીના હાથની ગરમ-ગરમ ખારી પૂરી ખૂબ ભાવતી...પોતે પણ એવી જ તો બનાવે છે ! ......પપ્પાએ કોર્નફ્લેક્ષ ને નટ્સ પ્લેટમાં લઈ નાસ્તો શરુ કર્યો કે એ રસોડામાંથી ગરમ-ગરમ પૂરી લાવી પીરસવા ગઈ કે એને રોકતાં પપ્પા બોલ્યાં " હું હવે આ બધું નથી ખાતો....તું તારે આરામથી નાસ્તો કર...." અજાણ્યા લાગતાં પપ્પાને સ્તુતિ તાકી રહી.
પછીના થોડા દિવસ એ અહીં ગોઠવાવાનો પ્રયત્ન કરતી રહી. આજે સન્ડે હતો. પપ્પા એમના સીનીયર સીટીઝન ક્લબના એક પ્રોગ્રામમાં ગયાં હતાં, વળતાં એ પોતાનાં ખાસ મિત્ર ને લંચ પર લાવશે એવું કહીને ગયાં હતાં. રસોઈ માટે બેન આવ્યાં ત્યારે એ કંઈ સૂચન કરવા ગઈ ત્યાં તો એ જ બોલ્યાં..."પપ્પા સન્ડે ઘરમાં નથી હોતા, તે કોઈ પ્રોગ્રામમાં જ ગયા હશે..ને તો શેફાલીબેન પણ જમવા આવવાના હશે, ખરું ને ? ચિંતા ન કરો મહેમાનને પસંદ પડે એવું જ જમવાનું બનાવીશ...." ઓહ ! તો આ છે પપ્પાના મિત્ર ? જેમની પસંદ -નાપસંદ પણ ઘરમાં છવાઈ ગઈ છે ? એ મમ્મીના ફોટાને તાકતી બેસી રહી.
ઘણીવારે ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો, પપ્પા સાથે એક જાજરમાન સ્ત્રી ઉભેલી. મમ્મી કરતાં તદ્દન ભિન્ન પણ તોય ગમતીલું વ્યકતિત્વ હતું એનું. પપ્પાએ ઓળખાણ કરાવતાં એણે ઉમળકાથી સ્તુતિ ને ભેંટતા એના હાથમાં એને ખૂબ ગમતાં ગુલછડીનાં ફૂલ મૂકી દીધાં. વાતાવરણ મહેકી ઉઠ્યું. થોડી વાતચીત કરી ત્રણે જણ જમવા ટેબલ પર ગોઠવાયાં. જમતાં -જમતાં અટકીને પપ્પાએ ટેબલ પર નજર દોડાવી..સ્તુતિ ને યાદ આવ્યું...પહેલાં આવું થાય તો મમ્મી તરતજ પાણીનો ગ્લાસ ધરી દેતી. પપ્પા જરાય તીખાશ જો સહન ન કરી શકતાં ! સ્તુતિએ જગમાંથી ગ્લાસ ભરી પપ્પા સામે ધર્યું. એમનું તો એ તરફ ધ્યાન જ નહોતું...એ તો શેફાલી સામે જોઈ બોલ્યાં " અરે ! તારું બનાવેલ અથાણું ક્યાં ગયું ? " ને એકદમ સ્વાભાવિક રીતે કીચનમાંથી અથાણાની બોટલ લાવી શેફાલીબેને ટેબલ પર મૂકી......એમાંથી અથાણું લઈ, સ્તુતિ સામે ધર્યું ત્યારે જ પપ્પાનું ધ્યાન હાથમાં પાણીનો ગ્લાસ પકડી આશ્ચર્યથી પોતાને તાકી રહેલ સ્તુતિ સામે પડ્યું ને એ ખડખડાટ હસતાં બોલ્યા ...." ઓહ ! માય ગોડ...તને હજુ મારી જુની ટેવ યાદ છે ? પણ મારા ટેસ્ટ તો હવે સાવ બદલાઈ ગયાં છે...આય એમ કમ્પલીટલી ચેઈન્જડ્ વીથ ધ ટાઈમ.....આય હેવ મૂવ્ડ ઓન ....."
સ્તુતિ સમય સાથે બદલાયેલા પપ્પા, આ ઘર, ઘરનાં વાતાવરણને અનુભવતી ...એને સમજવાની એને પચાવવાની કોશિશ કરતી રહી.....એ કોશિશ ને અંતે.....
એણે પોતાની મિત્ર સુગંધીને અમેરિકા ફોન જોડ્યો..." હેલો સુગંધી, તું ત્યાં મારા માટે કોઈ જોબ શોધજે ને ! ત્યાં પાછા ફરી મારે એક નવી જિંદગી શરુ કરવી છે....આય વોન્ટ ટુ મૂવ ઓન ...."