Leena Vachhrajani

Comedy Drama

4  

Leena Vachhrajani

Comedy Drama

મુશ્કેલ મુસાફરી

મુશ્કેલ મુસાફરી

3 mins
349


એસ.ટી. કંટ્રોલરૂમમાંથી એનાઉન્સમેન્ટ થયું, “અમદાવાદ જામનગર એક્સપ્રેસ બસ પ્લેટફોર્મ નંબર બાર ઉપરથી ઉપડવાની તૈયારી છે.” અને કંચન હાંફળીફાંફળી ખભે લટકાવેલા થેલાને દબાવીને દોડી.

બસમાં પગ મૂકતાં જ કન્ડક્ટર પર વરસી પડી.

“આ તમારી એસ.ટી. બહુ નકામી થઈ ગઈ છે. પેલી બારી પર પહેલાં કહે કે નવ નંબર પરથી ઉપડશે. અને પછી છેલ્લી મિનિટે જાહેર કરે કે હવે બાર નંબર પર જાવ. હું હાંફી ગઈ.” 

કન્ડક્ટર કાંઈ બોલે એ પહેલાં આગળ વધીને સીટ પર બેઠેલી એક છોકરીને હડસેલો મારી દીધો.

“આઘી ખસ હવે. બેસવા દે. બે સીટ એકલી પચાવીને બેસી ગઈ છો !”

ચાંદની હજી કાંઈ જવાબ આપે એ પહેલાં કંચન પોતાનો થેલો ઉપરની છાજલી પર મૂકવાની વ્યવસ્થામાં પડી. પોતાની સીટ પરની છાજલી પર કોઈકની બેગ પડી હતી. 

”એ આ બેગ કોની છે ? આ હું અહીં બેઠી એ સીટ પરની સામન મૂકવાની જગ્યા કોની કહેવાય હેં ભઈ ?” 

અને હજી એકાદ ભઈ જવાબ ગોતે એ પહેલાં હાથથી બેગ ખસેડીને મારી મચડીને પોતાનો થેલો ઘુસાડી દીધો.

હા..શ. કરીને સીટ પર ધમ્મ કરતી ખાબકેલી કંચન પાસે કંડક્ટર આવ્યો.

અને કંચનનાં ભવાં ઊંચા થયાં.

”ઓ ભઈ, લગીર શ્વાસ તો ખાવા દે. દોટ મૂકીને બસ પકડી. અને બસમાંય સખ નથી. માંડ બેસવાનું મળ્યું. પરસેવો વળી ગયો.” 

કંડક્ટર હજી કાંઈ વિચારે એ પહેલાં કહે,

“લે ત્યારે એક ટિકિટ ચાંગોદરની આપ.”

આખી બસ ઊંચી થઈ ગઈ. 

અમદાવાદથી જવું છે પોણો કલાકના રસ્તે ચાંગોદર અને પચ્ચીસ મિનિટ સુધી હજી વ્યવસ્થામાં જ છે. 

કંડક્ટરે ટિકિટ આપી. 

કંચને ઊભા થઈને વળી થેલા સાથે ધમાચકડી આદરી. બાજુની બેગને જે ધક્કો દીધો તે એની બાજુની નાની થેલી ઉછળીને નીચેના મુસાફરના ખોળામાં આવી પડી. 

કંચન પોતાના કામમાં જ મસ્ત હતી. થેલો ઘસડીને ઉતાર્યો. એને સીટ પર મૂકવા માટે બાજુમાં બેઠેલી ચાંદનીના ખભે ટાપલું મારીને કહ્યું,

“મોટાંને મદદ કરવાનું મા એ શિખવાડ્યું નથી ?”

કીધાભેગ ચાંદનીના ખોળામાં થેલો પધરાવીને એની ચેન ખોલીને પર્સ કાઢ્યું. હજી સુધી પૈસાની રાહ જોતા કન્ડક્ટરને સોની નોટ આપીને વડચકું ભર્યું,

“આમ માથે ઊભો છો તે બસમાંથી પૈસા આપ્યા વગર હું ભાગી નહીં જાઉં.”

ચૂપચાપ વધારાના પૈસા કંચનને આપીને કન્ડક્ટર પોતાની સીટ પર ગોઠવાઈ ગયો.

ફરી થેલો બંધ કરીને કંચને ઉપરની છાજલીએ ખડક્યો. કપાળે વળી ગયેલા પરસેવાને સાડલાના પાલવથી લૂછતાં સ્વગત્..

“હવે કોઈ મુસાફરી સહેલી નથી રહી. પ્લેટફોર્મ બદલાઈ જાય. સીટ ન મળે. સામન મૂકવાની તકલીફ. જાણે આપણે ટિકિટ વગર મુસાફરી કરવાનાં હોઈએ એમ માથે મંડાય. તંત્ર સાવ ખાડે ગયું છે.”

અડધી બસ સ્તબ્ધ હતી. ત્યાં કન્ડક્ટરે ઘંટડી વગાડી.

“ચાંગોદર આવી ગયું.”

કંચનને આઘાત લાગ્યો.

“અલા, હજી તો હું બધું પાર પાડીને માંડ બેઠી ત્યાં ટેશન આવી ગયું ?"

મારે એસ.ટી. માં ફરિયાદ કરવી પડશે કે, બહુ ફાસ્ટમ ફાસ્ટ ગાડી હાંકે છે. કાલ સવારે એક્સિડન્ટ થયો ને હું ઉકલી ગઈ તો મારાં છોકરાંને નિશાળ કોણ મોકલશે ? બસ બધાને દોડવું જ છે. કોઈને મદદ કરતાં તો આવડતી જ નથી. હેંડ મારા રામ, આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય. ઉતરીને ઘેર તો મારે જાતે જ જવું પડશે ને !”

અને છાજલી પરથી ખચકાવીને થેલો ઉતારતાં આગલી સીટવાળાને માથે ઢીંમણું થઈ જાય એટલા જોરથી ભટકાઈ ગયો. 

“એ સોરી હોં ભઈ, આ ઘઈ ઘઈ માં આવું થાય. કોઈને સમજવું જ નથી.”

અને કંચન હડબડીમાં બે પગથિયાં એક સાથે ઉતરી ગઈ. સામે બસમાં ચડવાવાળા યાત્રી ઉપર લગભગ જઈ પડી. 

કંડક્ટર સહિત લગભગ આખી બસને તોફાન પછીની શાંતિનો અનુભવ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy