Vandana Patel

Inspirational Others

4.0  

Vandana Patel

Inspirational Others

મુલાકાતની રાત

મુલાકાતની રાત

4 mins
216



                     આજે ગુલાબી ઠંડી ચાંદની રાતે અવની હાથમાં પત્ર રાખી આરામથી અગાસીમાં હિંચકે બેસે છે. અગાસીમાં લાઈટ ચાલુ કરી પત્ર વાંચે છે. અવની ખુશ છે. દીદીનો પત્ર વાંચે છે.


કાયમી સરનામું: -મુંબઈ, 

રસ્તો :- પોસ્ટઓફિસ  

 રસ્તો તારીખ :- ૮ સપ્ટેમ્બર, ૨૦૨૧.

વિષય: - મારી સખીઓ સાથે વિતાવેલ સોના- ચાંદીરાત.

મારી વ્હાલી નાની બહેન અવની,

                   તું કેમ છો ? મજામાં ને ? તારો અભ્યાસ કેમ ચાલે છે ? ખુબ મન લગાવીને ભણજે. તારા અને ભોલુ વગર ગમતું નથી.

                હું ગયા અઠવાડિયે ઉપલેટા ધારાને મળવા ગઈ હતી. અમી અને મુમતાઝ પણ આવી હતી. નવાઈ લાગી ને ? મુમતાઝનું નામ સાંભળીને. હા, અવની, અમે ચારેય મળ્યા. ખુબ વાતો કરી. ક્લાસની બધી છોકરીઓને યાદ કરી. બધાને એકસાથે હેડકી ચાલુ થઈ ગઈ હશે. બધા સર તથા મેડમને યાદ કર્યા હતા.

                  જો હું તને પહેલેથી કહું. હું સાંજે ધારાના મમ્મીના ઘરે પહોંચી. અમે સોનેરી સાંજે ખુબ વાતો કરી. જમ્યા પછી એક જ કામ હતું, અમીની રાહ જોવાનું. વચ્ચે મુમતાઝ આવી ગઈ. ધારાને એના ભાભીએ થોડી વાર વ્યસ્ત કરી દીધી હતી, એટલે મારું મુમતાઝને સંતાડવાનું કામ થઈ ગયું. અમી એના મામાના દીકરાના લગ્નમાંથી આવી ત્યારે રાતના દસ વાગી ગયા હતા. અમી આવી એટલે ધારા અમીને ભેટી પડી.

 મેં અચાનક જ બોમ્બ ફોડ્યો. મુમતાઝને એ બંનેની સામે લાવી દીધી. એ બેય તો એકબીજાની વાતમાં જ લીન હતી. અચાનક જ મુમતાઝને જોઈને બંને ઠેકડાં મારવા લાગી. એ બંનેને વિશ્વાસ જ નો'તો આવતો કે અમે ચારેય એ રાતે સાથે હતા. હરખની હેલી એટલી હિલોળે ચડી કે મેં અને ભાભીએ એ બંનેને માંડ શાંત કરી. ખુશી એટલી કે બંનેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. મારી સામે જોયું. એ બંનેના ચહેરા જોવા જેવા હતા.

                    મને બંનેએ પૂછ્યું કે આ તારું પરાક્રમ છે ? મેં હા પાડી. બંને કહેવા લાગી કે તારા સિવાય આ કામ (મુમતાઝને અહીં બોલાવવાનું) કોઈ ન કરી શકે. મેં કહ્યું કે લાવો મારું ઈનામ. તો બંનેએ કહ્યું કે આ અમુલ્ય અને અણમોલ ભેટની બદલે તારે જે જોઈએ તે. મેં કહ્યું ના, આ વખતે મુમતાઝને દિલથી ઈચ્છા હતી એટલે એ આવી શકી. મેં ખાલી ચાર-છ ફોનમાં તૈયાર કરી દીધી. આ સાંભળીને બધા હસી પડ્યા.

                   બસ પછી તો એ રાત ખુબ જામી. શાળા -કોલેજની યાદો એટલી ઉમટી પડી કે બધી એકબીજાની ઉપર પડતી હતી. એક યાદ ને સંકેલીને મુકીએ ત્યાં તો બીજી ઠેકડો મારીને ઊભી થઈ ગઈ હોય. એને થોડી ઉંમર નડે ! કોઈ મેડમ ગુજરી ગયા હતા તો કોઈ સર. પણ જ્યારે અમને ખબર પડી કે અમારા જ ક્લાસમાં ભણતી એક છોકરીને લગ્નના બે-ત્રણ વર્ષમાં પતિએ જ મારી નાખી, ત્યારે અમારા રુંવાડા ઊભા થઈ ગયા હતા. ખુબ ભલી ભોળી છોકરીને આવો અંત. એકદમ ટૂંકી જિંદગી નીકળી. એ છોકરીના સાસુ-સસરા અને નણંદો પણ સામેલ હશે. અમે આ ઉદાસી અને દુઃખને હળવું કરવા રાતના અઢી વાગ્યે ચા પીધી.

                       હવે અમારા ચારેયની સવાર પડી. બધાના જન્મદિવસ, લગ્નની શરણાઈ, મહેંદી, દાંડિયારાસ, એકસાથે ઉમટી આવ્યું. અમારી તો બેઠા-બેઠા જ સવાર પડવાની હતી. એ રાત અમારા માટે ખુશીઓની જાન લઈને આવી હતી. કંઈ રહી ન જવું જોઈએ એ રીતે યાદ કર્યું. મુમતાઝ પાછી ક્યારે મળશે એ સવાલ રહી રહીને ડરાવતો હતો. અમે એને બહુ કહ્યુ કે ફોન કરતી રહેજે. જામનગર મોટી દરગાહ છે, ત્યાં માથું ટેકવવા આવવાનું કહેતી હતી. અમે ચારેય પેલો ડાયલોગ 'ઈસ રાત કી કભી સુબહ ન હો' વારંવાર બોલતા હતા.

                   આપણે સવાર પડતા કે સૂર્યોદય થતા થોડા રોકી શકીએ ? સવાર પડી. અમારા મોઢા લેવાઈ ગયા. હું પણ ઘણાં સમયે ઉપલેટા ગઈ હોવાથી અમે ચારેય અમી અને મુમતાઝની ઘરે ગયા. બધાને મળ્યા. ફોટા પાડવાનું કામ ધારાનું. ખૂબ સરસ યાદોને મોબાઇલમાં કંડારી.

                    છૂટા પડતી વખતે આનંદની સાથે થોડી ઉદાસી હતી કે પાછા ક્યારે મળીશું ? બે કે ત્રણ તો મળી લઈએ પણ ચારેયને મળવાનો યોગ ક્યારે બને એ નક્કી નહીં. છતાં આશા અમર છે એ યાદ રાખી ભારે હૃદયે હું અને અમી ત્યાંથી જામનગર જવા નીકળ્યા.

એ નિર્ભેળ હાસ્ય, એ સંજોગ નહીં ભૂલાય, 

 યાદગાર એ રાત, યાદ ક્યારેય ઝાંખી નહીં થાય,   

  સંગાથ અમારો, અમારા છેલ્લા શ્વાસ સુધી

 મિત્રતા અમારી ક્યારેય નહી વિસરાય, નહીં ભૂલાય.

                 અવની, તું ભણવામાં ખાસ ધ્યાન રાખજે. વેકેશનમાં અહીં આવજે. વડોદરાથી હું અહીં જામનગર આવી ત્યારે તું આવી હતી, પછી નથી આવી શકી તો જરુર આવજે. આપણે દ્વારકા જશું. મારી જેમ તને પણ દરિયો ગમે છે એ મને ખબર છે હો. દરિયો તો ત્યાં પણ છે, પણ ત્યાં હું નથી ને !

                    મમ્મી- પપ્પાને મારા સાદર પ્રણામ કહેજે. મેં અલગથી આ કવરમાં એમના માટે પત્ર લખ્યો છે, એ તે આપી દીધો હશે. ભોલુને ખુબ જ પ્યાર. ભોલુને પણ શિક્ષણનું મહત્વ સમજાવજે. ભોલુને અલગથી પત્ર આવતી વખતે લખીશ હો.

                   સારું ચાલ, હું હવે કલમને વિરામ આપું. હું તારી સાથે બધી વાત કરી શકું છું. ખરેખર એ રાત અમારા ચારેય માટે સોના- ચાંદી રાત બની ગઈ. એ રાત સોના જેવી અમુલ્ય અને ચાંદી જેવી નિર્મળ રણકાર ધરાવતી અમારું અભિન્ન અંગ બની ગઈ.

લી. તને ખુબ જ યાદ કરતી,                                              તારા વેકેશન રાહ જોતી,

       તારી દીદી.         


Rate this content
Log in

Similar gujarati story from Inspirational