મુખોટો
મુખોટો


પૃથ્વી : અરે કોઈ તો બચાવો મને! મારી પીડા તમને કેમ દેખાતી નથી? આટલો બધો અત્યાચાર ના કરો.
માણસ : તારી માટે અમારે અમારા સપનાનું બલિદાન આપી દેવું? તને પીડા થાય છે તો તેના જવાબદાર અમે નથી. કોઈ નહી આવે તને બચાવવા.
પૃથ્વી : અરે તું આટલો બધો ક્રૂર કેમ બની શકે! ભૂલી ગયો આજ તું ઊભો છે તો તે મારા કારણે. મારા આપેલા બધા જ સુખ ના વળતરમાં તું મને પીડા આપે છો? મારી પીડા જોઇને તને કંઈ જ નથી થતું? મેં તને આટલા બધા વૃક્ષો આપ્યા છે જેના કારણે તું શ્વાસ લઈ શકે છો. અને આજ તું પ્રદૂષણ ફેલાવીને મારો શ્વાસ રુંધે છો? તું મોટી ઇમારતો ચણવા માટે બધા વૃક્ષોને ધરાશાયી કરવા લાગ્યો છે! તું એ કેમ નથી સમજતો કે પ્રદુષણ ફેલાવી ને મને તો પ્રદૂષિત કરે જ છો, સાથે તારો પણ જીવ જોખમાય છે.
માણસ : તો શું પૈસા કમાવવા માટે અમારે આ બધું છોડી દેવું? જો અમે તારી ઉપર દયા રાખશું તો અમારો વિકાસ અટકી જશે. તારે જે કરવું હોય તે તું કરી લે. પણ અમારા વિકાસ માટે અમે જે પણ કરવું પડે અમે કરીશું.
પૃથ્વી : અરે તું માણસ કહેવાને લાયક નથી. આજ તારા કારણે મારો શ્વાસ રુંધાય છે. મારું જ અસ્તિત્વ નહી રહે તો તું ક્યાંથી રહેવાનો? મારી હરિયાળી ને નષ્ટ થતા હું નહીં જોઈ શકું. મારા નાનકડા પક્ષીઓનો કલરવ છીનવાઈ ગયો છે. બિચારા પ્રાણીઓ પોતાનું સ્થાન શોધવા આમતેમ ભટકે છે. મૂર્ખ આજ તારા જ કારણે તારા પોતાના જ સ્વજનનો જીવ જોખમમાં છે.
આજ તારા કારણે હું શ્વાસ નથી લઈ શકતી. મારો શ્વાસ ખૂબ જ રૂંધાય છે. થોડો ઘણો પ્રકૃતિનો સાથ બચ્યો છે તેનો મુખોટો પહેરી જીવું છું. જ્યારે એ મુખોટો ઉતરી જશે ને ત્યારે તું પણ નહી બચી શકે.
થોડા જ સમયમાં વિશ્વમાં કોરોના એ કહેર મચાવ્યો. પોતાનો જીવ બચાવવા માણસ ઘરમાં પુરાઈ ગયો. પૃથ્વીને મૂખોટો પહેરાવનાર ખુદ મુખોટો પહેરવા લાગ્યો.
પૃથ્વી : આજ તો હું બહુ ખુશ છું. આજ મારા મોઢેથી મુખોટો ઉતરી ગયો. આજ હું શ્વાસ લઈ શકું છું. આજ મારા નાનકડા મિત્રો કોઈ પણ ડર વગર આકાશમાં ઉડે છે. કેટલી હળવાશ અનુભવું છું હું.
કેમ આજ તને સમજાયું ને મુખોટો પહેરવાથી કેટલી ગૂંગળામણ થાય છે. હું કરગરતી રહી તમારી પાસે. મારો શ્વાસ પણ રુંધાતો હતો. પણ તમે મારી એક વાત પણ ના માની.
માણસ : અમને માફ કરી દો. અમારાથી બહુ જ મોટી ભૂલ થઇ છે. આજ તારા લીધે જ અમને જીવન મળ્યું છે અને અમે તારી સાથે જ અન્યાય કરવા જઈ રહ્યા હતા. અમે તારી એક પણ વાત ના માની એનું જ આ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ.
આજ જ્યારે માણસને મુખોટો પહેરવાનો વારો આવ્યો ત્યારે સમજાયું કે પૃથ્વીને પણ મુખોટો પહેરીને કેટલી તકલીફ થતી હશે. આપણે પ્રકૃતિ સાથે બહુ જ ખોટું કર્યું છે. આપણી સુવિધા માટે આપણે પૃથ્વીને કેટલી તકલીફ આપી છે. તે હંમેશા આપણને કહેતી રહી કે મને બચાવો! બચાવો! પણ આપણે તેની એક પણ વાત ના સાંભળી. આજ પૃથ્વી કેટલી ખુશ છે.
આજ પૃથ્વીના ચહેરા ઉપરથી મુખોટો ઉતરી ગયો અને જ મુખોટો આપણા ચહેરા ઉપર આવી ગયો ત્યારે ગૂંગળામણનો સાચો અર્થ સમજાયો.