મુગટની શક્તિ
મુગટની શક્તિ
એક રાજા હતો. તેમનું નામ સુરપાલ. તે ખૂબ દયાળુ. દરેક પ્રજાને રક્ષણ આપે. તેમના ભરણપોષણને પોતાની જવાબદારી સમજતા હતા. તેઓ તેમની ન્યાયપ્રિયતા માટે આડોશપાડોશના બધા રાજ્યમાં જાણીતા હતા.
દૂર દૂરથી લોકો તેની પાસે ન્યાય માટે આવતા. તેમનો ન્યાય હજી સુધી ક્યારેય ખોટો પડ્યો ન હતો. એ માટે કોઈ વિશેષ હોય તો તેનો મુગટ. જે તેને તેમના પૂર્વજો પાસેથી ભેટ સ્વરૂપે મળ્યો હતો. તેના પિતાજી આ મુગટને ધારણ કર્યો ન હતો. પિતાજીની ધરોહર તરીકે રાજ્યસભામાં રાખ્યો હતો.
સુરપાલ જ્યારથી રાજા બન્યો ત્યારથી તે આ મુગટ પહેરતો. તેને આ મુગટની કારીગરી ખૂબ ગમતી. તેમજ વડવાઓની ભેટ સમજી પહેરતો. આ મુગટ પહેર્યા પછી તેમણે અનુભવ્યું કે જ્યારે પણ આ મુગટ પહેરીને ન્યાય કરે તે યોગ્ય જ ઠરે.
આ બાબતની પ્રતીતી તેમને ઘણી વખત થઈ. આ મુગટ જ કંઈક વિશેષ છે. તેની સાબિતી માટે તે પોતાના દરબારના સૈનિકોને કહે,કોઈ એક ફરિયાદ રજૂ કરે. જેનો ન્યાય રાજા સૌ પ્રથમ મુગટ પહેર્યા વગર કરે. અને ફરી એ જ બાબતનો ન્યાય મુગટ પહેરીને કરે. ત્યારે તેમને અહેસાસ થતો ખરેખર પોતે ન્યાય માટે જગવિખ્યાત છે તેનું મુખ્ય કારણ તેના માથા પર રહેલો આ મુગટ હતો.
પરંતુ એક વખત રાજાને વિચાર આવ્યો કે,અમુક સમય પછી આ મુગટ કદાચ તૂટી જાય પછી એને પહેરી શકાશે નહિ. આના ઉપર વ્યવસ્થિત એક ધાતુનો ઢોળ ચડાવી દેવામાં આવે તો હવે પછી જે કોઈ પણ રાજા આ રાજગાદી પર બેસે તે યોગ્ય ન્યાય કરી શકે.
રાજ્યમાંથી સારામાં સારા કારીગરોને બોલાવ્યા. તેમના પર બે થી ત્રણ અલગ અલગ ધાતુ પીગળાવી મિશ્રણ કરી અને મુગટ પર ઢોળ ચડાવ્યો. એકાદ બે મહિના પછી એક ન્યાય માટે ફરિયાદ આવી. રાજાએ વિચાર્યું, દરબારમાં જતાં પહેલા મારા માણસો સમક્ષ આનો પ્રભાવ જોવ તો ખરી.
રાજાના દરબારીઓએ ફરિયાદ રજૂ કરી રાજાએ મુગટ પહેર્યા વિના ન્યાય આપ્યો. ફરી એ જ બાબતનો ન્યાય આપવા મુગટ પહેર્યો. પણ બંને વખતે ન્યાય સરખો જ મળ્યો. રાજાએ ફરી કોશિશ કરી. તો પણ એ જ થયું.
ત્યારબાદ રાજાને ખબર પડી પૂર્વજો દ્વારા મળેલ આ મુગટ માથે ઢોળ ચડાવતાં તે પોતાની વિશેષ જાદુઈ શક્તિ નાબૂદ થઈ ગઈ છે. રાજાને પશ્ચાતાપ થયો. પણ હવે શું ?
"અબ પસ્તાયે હોત ક્યા
જબ ચિડિયા ચુગ ગઈ ખેત. "
