મોરપીંછ
મોરપીંછ
પાયલ અને દેવનું સુખી લગ્નજીવન ચાલતું હતું. તે બંનેના પરિવારની સહમતિથી પ્રેમલગ્ન થયાં હતાં. બંને પોતાની જવાબદારી અને સંસાર ખુશીથી બેલેન્સ કરતાં હતાં. તકલીફ તો ત્યારથી પડવાની ચાલું થઈ જ્યારે તે બંનેની વચ્ચે ત્રીજા લોકોનાં કારણે સંબંધમાં તિરાડ પડવા માંડી. બંનેનાં ઝગડા વધવા લાગ્યાં અને ત્રીજા લોકોની દખલઅંદાઝી બંધ થવાનું નામ નહોતી લેતી.
એક દિવસ પાયલને સવારે અગાશીમાં મોર જોવા મળ્યો. તેણે મનોમન ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી, " હે કાન્હા, મારું લગ્નજીવન કશાં જ વાંક કે કારણ વગર તૂટવા જઈ રહ્યું છે. તમે જ કોઈ સંકેત આપજો અને મને માર્ગદર્શન આપજો જેથી હું મારું વિવાહીત જીવન બચાવી શકું !"
સાંજે દેવ ઘરે આવ્યો ત્યારે તે પાયલ માટે સોનાનું મોરપીંછની ડિઝાઈનવાળું પેન્ડન્ટ લાવ્યો હતો. તેણે તે પેન્ડન્ટ પાયલની માટે લીધેલી નવી ચેઈનમાં લગાડ્યું અને પાયલને પહેરાવતાં તેને વચન આપ્યું, "પાયલ મને ખબર છે કે આપણું વિવાહીત જીવન તૂટવા જઈ રહ્યું હતું પણ મને આજે એકાંતમાં સમજાયું કે હું તારી વગર અધૂરો છું. અને હા, આજ પછી આપણાં બંનેની વચ્ચે કોઈ જ નહિ આવે. નહિ ત્રીજા લોકોની વાતો અને ત્રીજા લોકોની દખલઅંદાજી !"
બીજાં દિવસે પાયલે અગાશી પર જોયું ત્યારે ત્યાં એક સુંદર મોરપીંછ પડ્યું હતું.

