મને પણ થાક લાગે છે
મને પણ થાક લાગે છે
આજે સવારે જ ઊઠ્યા પછી સુમિત્રાને જાણે કોઈ ભારી થાક હતો. એ થાક આજે જાણે જીવનના વીતેલા વર્ષો અને પોતાના માટે નહિ પણ બીજા માટે જીવ્યાનો હતો ! આ બાબતથી એ પોતે પણ અજાણ હતી પણ જ્યારે એની દીકરીએ સમજ આપી ત્યારે એણે જાણ્યું... ખરેખર માનવ અધિકાર એ માત્ર કાયદાઓમાં જ નહિ જીવનમાં પણ જરૂરી છે !
એક યંત્રની જેમ સૂરજ ઊગે એ પહેલાં ઊઠી જાય અને રાત્રે બધાયને સુવડાવી સાસુ અને સસરાને પગ દબાવી આપે એ પછી સૂઈ જવા વિચારે ત્યાં નાનો એવો કાનો જાગે ને રડવા બેસે એને સુવડાવી સૂઈ જવા જાય. ત્યાં સૂતા પહેલા એક વાર હાથમાં મોબાઈલ લેવા મળે ત્યારે એક વાર ઓનલાઈન આવી મેસેજ ખોલે અને બોસનો મેસેજ હોય કાલ ૧૦ વાગ્યા સુધીમાં ડેટા એન્ટ્રી કરી મૂકી દેવી.... ત્યાં સુમિત્રાને જાણે થાક અને કંટાળો ભૂલાઈ ગયો હોય તેમ ફટાફટ એન્ટ્રી કરી મૂકી દે ... સવાર પડતાં પહેલાં જ.. હજું તો આંખ બંધ કરી હોય ત્યાં એલાર્મ વાગ્યું...૪ :૩૦ થયા ટિફિન બનાવવું હોય, નણંદબા અને પોતાનું ટિફિન સાથે પતિનું અને સવારનો ગરમાં ગરમ નાસ્તો પણ કરવાનો ! એમાંય ચા બધાની અલગ કોઈની વધુ મીઠી તો કોઈની સુગર ફ્રી ! કોઈ માટે કોફી કોઈ માટે દૂધ ! નાનકડા કાના માટે બધું જ લીસ્ટ તૈયાર કરી કામવાળીને આપી જવું ! જે દાદીમા યાદ કરી ખવડાવે, પીવડાવે. અને સૂવડાવી દે...અને સાંજે આવ્યા બાદ ફરી પાછા ગોઠવાઈ જવું રસોડે ને અન્યોની ફરમાઈશ મુજબ કાર્ય !
આજ ઘરે આવ્યા બાદ મિત્તલને હોમવર્ક કરાવતી વખતે માનવ અધિકાર અંગે સમજ આપી ત્યારે મિત્તલે સામે પ્રશ્ન કર્યો,
મમ્મી આ માનવ અધિકાર એટલે ક્યાંક પોતાના માટે પણ જીવવું એવું અર્થ ન થઈ શકે ?
બેટા કાયદાની રીતે વ્યાખ્યા પ્રમાણે લખવું, તું પણ સાચી છો એમ તો !
તો ?
તમે ક્યારે જીવ્યા ?
બેટા આ તે કેવો પ્રશ્ન ? ચાલ જલ્દી વાંચી લે અને યાદ કરજે મારે હજી પપ્પા આવ્યા એ માટે ચા પણ બનાવવી, દાદી માટે જ્યુસ, તારા ફૈબા આવશે જોબ પરથી એમની માટે શરબત.
અને તમારા માટે ?
મે પાણી પી લીધું.
આજે મિત્તલના દરેક પ્રશ્ને એને ખરેખર માનવ અધિકાર એટલે પેલું વ્યાખ્યામાં બાંધી રાખેલ અર્થ નહિ પણ સાચે જ ક્યારેક પોતાના માટે પણ જીવવું એ અર્થ મનમાં જ ઘૂંટ્યા કર્યો બીજા દિવસે સવારે એણે લાંબી છૂટીયો પર જવાનું મન થયું....પણ ત્યાં જ ઘરનું લાંબુ લીસ્ટ યાદ આવ્યું.
