મનાઈ
મનાઈ


અંધકારમાં ચળકતી બે આંખો અન્ય બે આંખોમાં વિસ્મયથી પરોવાઈ.
" દીદી, આમ બધું ચોરીછૂપે શાને ? "
નાની બહેનને માર્ગદર્શન આપી રહેલી મોટી બહેનની આંખો પરિપક્વતાનું દર્શન કરાવી રહી.
" કારણકે ઘરના પુરુષો આગળ આ બધી વાતો ન થાય. "
મોટીબહેને દર્શાવેલ સંકેતને અનુસરતા પોતાના વસ્ત્રો વ્યવસ્થિત કરતી એ ભોળી દ્રષ્ટિ વધુ વિસ્મિત થઇ.
" એમાં મારી કોઈ ભૂલ ? "
" ના, રે. " નાની બહેનની નિર્દોષતા ઉપર હળવેથી હસી પડાયું.
" આ કોઈ પાપ છે ?"
" નહીં છુટકી. જરાયે નહીં. " નાની બહેનના ખભા ઉપર વ્હાલ સભર હાથ ટેકાયો.
" દીદી તો પછી એ અંગે જાહેરમાં કોઈ વાત કેમ ન થઇ શકે ? " મનના પ્રશ્નો જાણે આજે સમાપ્ત થવાનું નામ લઇ રહ્યાજ ન હતા.
સેનેટરીપેડનું સ્ટીકર અને ખાલી પાકીટ સમાચારપત્રમાં બે ત્રણ ચક્કર લઇ કોઈની પણ નજરે ન ચઢે એ રીતે છાનુંમાનું કચરાપેટી ભેગું થયું.
" છુટકી, માસિક સ્ત્રાવ ન તો કોઈની ભૂલ છે, ન કોઈ પાપ. પણ કદાચ શરીરના જે અંગત અંગમાંથી બહાર નીકળે છે તેને લીધે એની જાહેરમાં ચર્ચા કરવાની આપણને મનાઈ છે. "
પોતાના પ્રથમ મ
ાસિક સ્ત્રાવ વખતનું દરેક માર્ગદર્શન મોટી બહેન પાસે મેળવી છુટકીના પ્રશ્નો આખરે અટક્યા.
થોડા મહિનાઓ પછી ઘરમાં અત્યંત ચહેલ પહેલ હતી. ચારે તરફ ધમાલ મચી હતી. સગા સંબંધી, પાડોશીઓ અને મિત્રોનો મેળો ભરાયો હતો.
ભેગા થયેલ સ્ત્રી અને પુરુષો પરિવારને અભિનંદન પાઠવી રહ્યા હતા.
છુટકીના પિતા હોંશે હોંશે સૌને મીઠાઈ વહેંચી રહ્યા હતા.
બે દીકરીઓ પછી પત્નીને એક દીકરો અવતર્યો હતો.
" દીકરો આવ્યો છે, દીકરો ...."
ગર્વ અને અભિમાન જોડે પુત્ર જન્મના સમાચાર ચર્ચાઈ રહ્યા હતા.
ઘરના એક મૌન ખૂણામાં ઉભી આંખો સામેનું દ્રશ્ય હેરતથી નિહાળી રહેલી છુટકીએ દીદીના કાનમાં ધીમેથી પૂછ્યું ,
" ભાઈના આગમનની ચર્ચા કઈ રીતે આમ જાહેરમાં થાય ? એ પણ તો શરીરના એજ અંગત અંગમાંથી...."
દીદીના મોઢામાંથી એક ઉદ્દગાર ચિન્હ અનાયાસે સરી નીકળ્યું , " અને એ પણ એજ માસિક સ્ત્રાવને કારણે ! "
બન્ને બહેનોની ડઘાયેલી આંખો એકબીજાને મળી. એમના પ્રશ્નો કોઈના પણ કાને તો નથી પડ્યા, એ વાતની નિશ્ચિતતા ચકાસી ફરીથી બન્નેની દ્રષ્ટિ આંખો આગળના દ્રશ્ય પર અચંભાથી જડાઈ રહી.