Jay D Dixit

Inspirational Classics

0.2  

Jay D Dixit

Inspirational Classics

મમતાની કડવાશ

મમતાની કડવાશ

3 mins
21.5K


...ત્યાં અચાનક એક દિવસ સાંજે ડોરબેલ રણક્યો. અર્પિતા વીરને પારણામાં સુવાડી રહી હતી, મંજરીબહેને બારણું ઉઘાડ્યું, બીપીનભાઈ પણ ડ્રોઈંગરૂમમાં આવી પહોંચ્યા. બારણે શ્રુતિ બેગ લઇ ઉભી હતી. મંજરીબહેનના આનંદનો પાર ન રહ્યો, અને ખુશ કેમ ન થાય, દીકરી પરણ્યા પછી એક મહીને પહેલી વખત ઘરે આવી હતી. ખુશી ખુશી સહુએ શ્રુતિને વધાવી લીધી. પછી તો ભાઈ શિવમ પણ ઓફિસથી આવી ગયો.

પણ, મંજરી બહેનને કંઈક ખચકાટ હતો, “દીકરી પહેલી વખત પિયર આવે અને એને મુકવા જમાઈ ન આવે? શ્રુતિનું સાસરું વેલએજ્યુકેટેડ અને ખુબ જ પ્રેમાળ છે, સમજુ છે, તો પણ શ્રુતિ એકલી...?” રાત્રે દસેક વાગ્યે શ્રુતિને ખબર ન પડે એમ એમણે એમના જમાઈ ધ્રુવીલકુમાને ફોન જોડ્યો, આશરે પોણો કલાક જેટલી વાતચીત ચાલી. આ દરમ્યાન એના સાસુ સસરા સાથે પણ વાતચીત થઇ. બીજે દિવસે સવારે અર્પિતા, શિવમ અને બીપીનભાઈ નોકરી ધંધામાં વ્યસ્ત થઇ ગયા ત્યારે મંજરીબહેન, શ્રુતિ અને બે વર્ષનો નાનકડો વીર એકલા પડ્યા. ધીરે ધીરે વાતોનો દોર શરુ થયો, શ્રુતિની આંખમાંથી ગંગા જમના વહેવા લાગી. મંજરીબહેને પાણી ધરી શ્રુતિને સાંત્વના આપતા આપતા વાત ચાલુ રખાવી. છેક દોઢ કલાકે અચાનક વીરના રડવાનો અવાજ આવ્યો અને એ વિષય ત્યાં જ થંભી ગયો. આખી વાતનો સાર એટલો હતો કે શ્રુતિના લગ્ન સંયુક્ત કુટુંબમાં થયા હતા અને એનો ઉછેર થોડો સ્વતંત્ર રીતે થયો હતો. બસ, ત્યાં જ મોટી તકલીફ હતી. શ્રુતિ એનું સાસરું ત્યજી કંટાળીને પિયર આવી હતી. ઘરકામ, સાસરે વડીલોની રીતભાત, કુટુંબના અન્ય વ્યક્તિઓનો સ્વભાવ, રીત-રસમ થોડા અલગ હતા, પણ ખરાબ નહોતા. એ બધા શ્રુતિને પ્રેમથી જ રાખતા હતા. વધુમાં ધ્રુવીલકુમારનો પણ શ્રુતિને સારો સહકાર હતો.

સાંજે સહુ ભેગા થયા ત્યારે વાત ફરી ચર્ચાય, શિવમ અકળાયો અને શ્રુતિની ફરિયાદી વાતોને સમર્થન આપતા ધ્રુવીલકુમારને ફોન કરવા ગયો, બિપીનભાઈએ એને અટકાવ્યો, પછી સહુ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. મોડી રાત સુધી બીપીનભાઈ અને મંજરીબહેનની વાતો ચાલતી રહી. બીજા દિવસે બપોરે અચાનક ધ્રુવીલકુમાર આવી પહોંચ્યા, મંજરીબહેને જમાઈને આવકાર્યા અને શ્રુતિની બેગ એમની સામે ધરી દીધી. “તમારી પત્ની છે તમે સાચવો. નાનું મોટું કંઈ થાય એ તમારો અંગત પ્રશ્ન છે, અને મને આશા છે કે શ્રુતિને તમે સંભાળી લેશો.”

મંજરીબહેને ઇશારાથી ધ્રુવીલકુમારને સાંત્વના આપી. અને બોલ્યા, “શ્રુતિ, અંદર આવ મારે થોડી વાત કરાવી છે.” બંને અંદરના રૂમમાં ગયા, “જો તું અમારી દીકરી છે અને રહેવાની, પણ એ ઘરની વહુ છે, પોતાનું ઘર સંભાળતા અને બધા સાથે તેમજ પરિસ્થિતિ સાથે એડજસ્ટમેન્ટ કરતા આવડવું જ જોઈએ, આવી નાની નાની બાબતે ખોટા નિર્ણયો લઇ નાદાનિયત કરી અહી આવી નહિ જવાનું, માં ની મમતાના બારણા હમેશા તારા માટે ખુલ્લા છે, પણ સામાન્ય બાબતે પિયર આવતા વિચાર કરજે, બીજી વખત પ્રવેશ ન પણ મળે. ફરજ સાથે સ્વતંત્રતાનો સીધો સંબંધ છે. સંબંધો બંધાય છે ત્યારે દરેકે કઈક છોડવું પડતું હોય છે અને એની સામે ઘણું મળતું પણ હોય છે. મારે તારે સાસરે વાતચીત થઇ ગઈ છે, તું હમણાં જ ધ્રુવીલકુમાર સાથે ત્યાં જશે. કોઈ પણ તકલીફ હોય તો અમે બેઠા છીએ. પણ એ તકલીફ છે કે કેમ એ તારે નક્કી કરવાનું છે. પ્રેમ આપી શકું છું તો તને બે કડવા વેણ કહી સમજ આપવાની જવાબદારી પણ મારી જ છે. જાઓ, ધ્રુવીલકુમાર રાહ જુએ છે.”

આ પ્રસંગને બાર વર્ષ થઇ ગયા છે, આ બાર વર્ષમાં એક વખત પણ શ્રુતિ આ પ્રકારે પિયર નથી આવી. એને સાસરે એ ખુશીથી રહે છે. પણ આ એક પ્રસંગે, મંજરીબહેનનું માન એના સાસરે ખુબ જ વધારી દીધું. મા એટલે માત્ર મમતા નહિ, મા એટલે... બધું જ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational