STORYMIRROR

Jyotsna Patel

Tragedy Classics

4  

Jyotsna Patel

Tragedy Classics

મઝધારે

મઝધારે

4 mins
415

સમયનું ચક્ર સતત ફરતું જ રહે છે. જુઓને, એ ઘટનાને આજ દસ-દસ વર્ષનાં વહાણાં વહી ગયાં. લોકોની સ્મૄતિમાં તો સારંગનું નામ પણ નહોતું રહ્યું, પણ અલ્પનાના હ્રદયના ઘાવ તો હજુ જેમના તેમ જ હતા. એને તો આ ગઈકાલે જ બન્યું હોય એમ લાગતું હતું. છતાંય તેણે પોતાના છિન્નભિન્ન થઈ ગયેલા જીવનને વ્યવસ્થિત ગોઠવવાનો સારો એવો પ્રયત્ન કર્યો હતો. પોતાના માટે નહી, પણ વ્હાલસોયા દીકરા વ્યોમ માટે થઈને તેણે જે બન્યું હતું તે દુ:ખી હ્રદયે સ્વીકારી લીધું હતું. વ્યોમનો અભ્યાસ પૂરો કરાવ્યો, તેને ઈચ્છિત જોબ મળી ને હમણાં તેને ગમતી મુદ્રા સાથે લગ્ન પણ કરાવ્યાં. પોતાના શિરે આવેલી જવાદબદારીઓ અદા તો કરી, દરમિયાન તેણી એક ક્ષણ પણ સારંગને વિસરી શકી નહોતી.

અલ્પનાનો અર્થ થાય રંગોળી, પણ સારંગ વગર તેનું જીવન જાણે રંગહીન બની ગયું હતું. ન સારું ખાવું-પીવું, ન સારાં કપડાં પહેરવાં કે ન ક્યાંય બહાર જવું-આવવું. તેણે પોતાની જીદંગીને પોતાનામાં જ જાણે કેદ કરી દીધી હતી. મુદ્રાએ આવીને ખૂબ સમજદારીથી ઘર અને પતિ સાથે અલ્પનાને સંભાળી લીધી. અલ્પનાના બેરંગી જીવનમાં તે સતત રંગ પૂરવાની કોશિશ કરતી રહેતી. અલ્પના સારંગને યાદ કરીને છાનાં આંસુ સારી લેતી એ દીકરી સમી મુદ્રાના ધ્યાન બહાર કેવી રીતે જાય ? આ વર્ષે શ્રાવણ માસમાં મુદ્રાએ સોમનાથ મહાદેવના દર્શને જવાનું આયોજન કર્યું, પણ અલ્પનાએ પોતે આવવા અસમર્થતા દર્શાવી. બીના જ એવી બની હતી કે અલ્પના સારંગને કદાપિ ભૂલી ન શકે. 

અલ્પના અને સારંગનાં પ્રેમલગ્ન હતાં. કોલેજકાળમાં અલ્પના મિત્રો સાથે ટૂર પર ગોવા ગઈ હતી. દરિયામાં નૌકાવિહાર કરતાં અતિઉમંગમાં આવી ગયેલી અલ્પનાએ પાણીની છાલક મારી. નજીકમાં બેઠેલા સારંગ પર છાંટા ઊડ્યા ને તે થોડો ભીંજાઈ ગયો. બંનેની નજર ટકરાતાં દિલ પણ ભીંજાઈ ગયાં ! પછી તો મઝધારે થયેલો એ પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ પરિણયમાં પરિણમ્યો. અગાધ લાગણીથી બંધાયેલાં બંનેનો સંસાર સુખેથી ચાલતો હતો. વર્ષો વીતતાં રહ્યાં. સંસારબાગમાં વ્યોમરૂપી ફૂલ ખીલ્યા પછી તો બંને જાણે સાતમા આસમાનમાં વિહરતાં હતાં ! ભાવિનાં સોનેરી શમણાં સજાવતાં સજાવતાં સમય રેતીની જેમ સરતો રહ્યો. વ્યોમનો અભ્યાસ હવે પૂર્ણ થવામાં હતો.

સારંગ દસ દિવસ માટે બિઝનેસ ટૂર પર જવાનું કહીને નીકળ્યો, ને ગયો તે ગયો ! દસ દિવસના દસ વર્ષ થયાં. ન કોઈ ખત, ન ખબર ! ક્યાં ગયો ? કેમ ગયો " શું થયુ ? કંઈ જ ખબર ન પડી. અલ્પનાને જિંદગીની મઝધારે છોડીને તે ચાલ્યો ગયો. એ જાણે ધરતીમાં સમાઈ ગયો કે આકાશમાં ઓગળી ગયો! માણસ ગુજરી જાય તો સ્વીકારી લેવાય, પણ આમ અચાનક સાવ ! માન્યામાં જ કેવી રીતે આવે ? અલ્પના પર તો માનો આભ તૂટી પડ્યું. ત્યારથી એણે પોતાને પોતાનામાં જ કેદ કરી લીધી ! એટલે જ તો સોમનાથ મહાદેવનાં દર્શને પોતે નહિ આવી શકે એમ જાહેર કરી દીધું.

આ વખતે તો મુદ્રાએ ઠાન લીધી હતી કે પોતે મમ્મીજીને શ્રાવણમાં સોમનાથનાં દર્શન કરાવીને જ રહેશે. અલ્પનાની લાખ કોશિશ છતાં મુદ્રાએ પોતાના સોગંદ આપીને તેને મનાવી જ લીધી. ચોથા દિવસે તો પરિવાર સોમનાથદાદાના સાંનિધ્યમાં હતો ! સોમનાથ મહાદેવનાં દર્શન બાદ અલ્પનાને થોડો આનંદ મળે એ હેતુથી મુદ્રા નૌકાવિહારની ટિકિટો લઈ આવી. અલ્પનાને અનિચ્છાએ ખેંચાવું પડ્યું. વર્ષો પછી તે બોટીંગ કરી રહી હતી. સદાય ઉદાસ રહેતી અલ્પના થોડી પ્રસન્ન જણાઈ રહી હતી. દરિયાની હવા જ જાણે ચમત્કારી હતી. બોટ મઝધારે પહોંચી ને અનાયાસે જ તેનાથી પાણીની છાલક વાગી ગઈ ! આસપાસમાં બેઠેલાં થોડાં પ્રવાસીઓને છાંટા ઊડ્યા. બધાં પોત-પોતાની મસ્તીમાં હતાં, પણ એક વ્યક્તિએ પોતાના પર છાંટા પડતાં જ પાછળ ફરીને પાણી ઊડાડનાર સામે જોયું ને તે સ્થિર થઈ ગયો. તેની આંખો જાણે પથ્થરની બની ગઈ! તે અનિમેષ નજરે દૂર દૂર શૂન્યમાં તાકી રહ્યો. તેના મનમાં ગજબનું મનોમંથન ચાલી રહ્યું હોય તેમ તેના ચહેરાની રેખાઓ પળે પળે બદલાતી હતી. એકદમ જ તે માથું ઝાટકીને ઊભો થઈ ગયો ને ‘અલ્પનાઆઆઆ…’ ચિત્કારી ઊઠ્યો! બધાં પ્રવાસીઓ એ વ્યક્તિના વિચિત્ર વર્તનને જોઈ રહ્યાં. અચાનક જ અલ્પના તેની તરફ ધસી ગઈ ને ‘સારંગ’ કહેતી તેને વળગી પડી ! દેખાવ થોડોક બદલાયો હતો છતાં વ્યોમ પણ પિતાને ઓળખી ગયો. મઝધારે થયેલા પુનર્મિલનથી દરિયો પણ જાણે ઉછળી ઉછળીને તેમને વધાવી રહ્યો હતો!

સારંગના જણાવ્યા પ્રમાણે દસેક વર્ષ પહેલાંના એ દિવસે તે પાર્ટીને મળવા જઈ રહ્યો હતો ત્યારે અસામાજિક તત્વોની ગૂંડાગર્દીનો ભોગ બન્યો હતો. તેને લૂંટવાની કોશિશ સામે તે ઝઝૂમ્યો, પણ ગૂંડાઓએ તેને ધક્કો મારતાં તે એક પથ્થર પર પછડાયો. આંખ ખોલી ત્યારે પોતે હોસ્પિટલના બિછાને હતો. પોતે કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તેને કાંઈ જ યાદ આવતું નહોતું. તે પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો હતો. તેને ઠામ-ઠેકાણે પહોંચાડી શકાય એવી કોઈ ચીજ તેની પાસે નહોતી. મોબાઇલ, વોલેટ, લેપટોપ બધુ જ ગૂંડાઓના હવાલે હતું.

ઘાવ રુઝાતાં તેને એક સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાને સોંપવામાં આવ્યો. આજે પોતે એ સંસ્થા દ્વારા ચાલતા વૃધ્ધાશ્રમના પરિવારવિહોણા વયસ્કોને સોમનાથદાદાનાં દર્શને લઈને આવ્યો હતો. અલ્પના સાથેના પ્રથમ મિલનના દ્રશ્યનું પુનરાવર્તન થતાં તેની યાદદાસ્ત પાછી આવી ને તેનો પરિવાર પાછો મળ્યો.

મઝધારે થયેલું પ્રથમ મિલન, જીવનની મઝધારે થયેલો વિયોગ અને ફરી મઝધારે થયેલું પુનર્મિલન! કુદરતની અકળ લીલા નહિ તો બીજું શું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy