મજબુર
મજબુર


મીઠીની શાળામાં વેકેશન હતું. એને સાથે લઇ હું દુકાને જવા ઉપડી. પોતાના નાનકડા ઠેકડાઓ ભરતી એ ખુબજ ઉત્સાહી દેખાઈ રહી હતી. પણ એ માસુમ જાણતી પણ ન હતી એનો એ ઉત્સાહ મને કેટલો અભિપ્રેરિત કરી રહ્યો હતો. મારી દીકરી જ હવે મારુ વિશ્વ હતી. સુભાષ અકાળે દુનિયા છોડી ગયો ત્યારે ભવિષ્ય ફક્ત એક મોટા પ્રશ્નાર્થ ચિન્હ સિવાય કંઈજ ન હતું.
દીકરીને બહુ ભણાવવી નહીં. દીકરી ગમે તેટલું ભણે આખરે તો એને રસોડુંજ સંભાળવું પડે છે. સ્વર્ગસ્થ માતાપિતાની આ વિચારશરણી ઉપર સુભાષના મૃત્યુએ એક મોટું ઉદઘાર ચિન્હ છોડી દીધું હતું. પતિના આકસ્મિક મૃત્યુ પછી મારે ફક્ત રસોડુંજ નહીં, મારુ પોતાનું જીવન અને મીઠીનું ભવિષ્ય પણ સંભાળવાનું હતું. ફક્ત રસોઈ અને ઘરની સાફસફાઈ નહીં, ઘર ચલાવવાની જવાબદારી પણ ઉપાડવાની હતી. રસોડું ચાલતું રહે એ માટે રસોડું ભરવું પણ પડે. બે ટંકનું ભોજન ત્યારે બનાવાય જયારે એ માટેની સામગ્રી ખરીદી શકાય. શાળાનું મોઢું ખુબજ અલ્પ સમય માટે નિહાળ્યું હતું. લખતા વાંચતા તો આવડતું હતું. પણ કોઈ ઊંચા આવક વાળી નોકરી માટે હું લાયક ઉમેદવાર ન જ હતી.
લોકોના ઘરે કામ કરી કે અન્ય કોઈ છુટાછવાયા પ્રયાસો દ્વારા બે સમયના ભોજનની વ્યવસ્થા સહેલાઈથી થઇ જાય. પણ મારે મીઠીના ભવિષ્યને વધુ સુંદર અને સુરક્ષિત માર્ગ તરફ દોરવું હતું. એનું જીવન રસોડા પૂરતું સીમિત કરી, એનો જીવન વિકાસ અવરોધવો ન હતો.
જીવનમાં આવનારી કોઈ પણ સમસ્યા સામે એ માથું ઊંચકી ઉભી રહી શકે એ માટે એને તૈયાર કરવી હતી.
સુભાષની દુકાન એકજ માત્ર યોગ્ય વિકલ્પ બચ્યો હતો. કરિયાણાની દુકાન અંગે મારો કોઈ પૂર્વ અનુભવ તો હતોજ નહીં. ક્યારેક સુભાષને ટિફિન આપવા દુકાને જતી, ત્યારે ઉપરછલ્લી રીતે દુકાનના કાર્યો ઉપર નજર ફરી રહેતી. પણ હવે એજ કાર્યો હું ધીરે ધીરે ધ્યાનપૂર્વક શીખી રહી હતી.ખરીદી અને વેચાણના એ નવા જગત સાથે તાલમેલ બેસાડવાનો સંપૂર્ણ હૃદયથી પ્રયાસ કરી રહી હતી. માર્ગ જરાયે સહેલો ન હતો.
સુભાષના મૃત્યુ પછી જેમણે સરળતાથી મારા અને મીઠીના જીવન સંઘર્ષથી મોઢું ફેરવી લીધું હતું, એ તમામ ઓળખીતા અને સગાવ્હાલાઓ માટે ફક્ત એકજ ચિંતા મહત્વની હતી, એક સ્ત્રી થઇ પુરુષ જગતમાં મારાથી કઈ રીતે પ્રવેશાય ? પણ એમની ચિંતા સામે મને કોઈ ચિંતા ન હતી. હું જાણતી હતી મારે શું કરવું હતું અને મારા અને મીઠીના જીવન માટે શું યોગ્ય હતું.
શરૂઆતના દિવસો ખુબજ કપરા હતા. સુભાષના મૃત્યુ પછી લાંબા સમય માટે બંધ રહેલી દુકાનને કારણે મોટા ભાગના ગ્રાહકોથી હાથ ધોવા પડ્યા હતા. ઉપરથી મીઠીની શાળાની ફી અને રોજિંદા જીવનજરૂરિયાતો પાછળ હું ઊંડી ભીંસાય રહી હતી. મહિનાઓ લાગ્યા હતા એ ઉથલપાથલને યોગ્ય આકાર આપવા માટે. બજારમાંથી ઉંચકેલા માલની કિંમત પણ યોગ્ય સમયે વસૂલવા વેપારીઓ પોતાના માણસો
મોકલાવતા. આ બધાની વચ્ચે દુકાનને ફરીથી નિયમિત સાંચામાં પણ ઢાળવાની હતી.
અંતિમ એક મહિનાથી હવે એ બધી ધમાલો શાંત થઇ રહી હતી.
જુના કેટલાક ગ્રાહકો ફરી પરત થયા હતા. કેટલાક નવા ગ્રાહકોએ પણ વિશ્વાસ મુક્યો હતો. પરંતુ એક મોટી રકમની નિશ્ચિત આવક બંધાઈ હતી, જે મારા માટે એક સાચો હાશકારો હતો. દર મહિને નિયમિત આવતો એ ગ્રાહક મારા અને મીઠીના જીવનમાં જાણે એક ઈશ્વરનો દૂત બની આવ્યો હતો.
કરિયાણાની એ લાંબી યાદી દર પંદર દિવસે અચૂક આવી પહોંચતી.
મહિનાનું સૌથી વધુ વેચાણ એ યાદીજ આવરી લેતી. ગ્રાહક આમતો એકદમ શાંત. ખપ પૂરતી વાત. ધીર ગંભીર અને ચુસ્ત સમયપાલનનો આગ્રહી. મારા અંતર્મુખી જગતને કામ જોડે કામ રાખતા એ ગ્રાહક સાથે એક વિશિષ્ટ આરામદાયકતા અનુભવાતી.
દુકાન અંગેના મારા વિચારો ઉપર પૂર્ણવિરામ મુકતો એક દડો અચાનક પગમાં આવી ઠોકાયો. મીઠીએ ઝડપભેર દડો હાથમાં ઊંચકી લીધો.
મહોલ્લાના નાકેથી એક નાનકડું બાળક પોતાનો દડો પાછો મેળવવા દોડતું હાંફતું આવી પહોંચ્યું. બાળકના હાથમાં થમાયેલ રોટીના ટુકડા
ઉપર મારી નજર આવી ઠરી. પાછળ દૂર ઘરના ઓટલે ઉભેલી બાળકની
માની સાદ હું સ્પષ્ટ સાંભળી રહી. એ અવાજ સાથેજ રોટીનો એ ટુકડો મનમાં ચીઢ ઉપજાવી રહ્યો. સ્ત્રી તો એ પણ હતી અને હું પણ. પતિ એણે પણ ગુમાવ્યો હતો અને મેં પણ. સમાજે મોઢું એનાથી પણ ફેરવ્યું હતું અને મારાથી પણ. બાળકની જવાબદારી એના માથે પણ હતી અને મારા માથે પણ. મજબુર એ પણ હતી અને હું પણ.પરંતુ એણે લીધેલ માર્ગ અને મારા માર્ગમાં ધરતી અને આભ જેટલો તફાવત હતો.
મારી કમાઈ પવિત્ર હતી. મારા બાળકના પેટમાં પડી રહેલી રોટી
પાછળ પરસેવો હતો , એક સ્ત્રીના શરીરના વેચાણની કિંમત નહીં.
મીઠીના હાથમાંથી દડો ઝુંટવી, બાળકને થમાવી હું શીઘ્ર દુકાન પહોંચી.
દુકાન ઉપર પહોંચ્તાજ મારુ ધ્યાન એ રોટીના ટુકડા ઉપરથી હટી મારા કાર્યો ઉપર કેન્દ્રિત થયું. હિસાબ કિતાબના ખાતાઓ ફરી મનમાં
ફરવા લાગ્યા. છુટાછવાયા ગ્રાહકોને કેટલુંક અનાજ વેચ્યું. દુકાનની સાફસફાઈ પણ કરી. બપોરનો સમય થયો. મીઠીને કડકડતી ભૂખ લાગી હતી. સાથે લાવેલા ટીફીનમાંથી રોટલી અને શાક એની આગળ ધર્યુજ કે દુકાન ફોનની ઘંટડીથી ગુંજી ઉઠી.
તરતજ ફોનનું રીસીવર ઉઠાવ્યું. સામેછેડેથી ઈશ્વરના એ દૂતનો અવાજ
સંભળાયો. એજ ધીરગંભીર સ્વર અને કામ પૂરતી વાત. તબિયત સારી ન હોવાને કારણે એ આવી શકશે નહીં. યાદી ફોન ઉપર લખાવી દીધી.
કોઈની જોડે સામાન પહોંચતો કરવાનો હતો. એ માટે સરનામું હું શબ્દે શબ્દ ધ્યાન દઈ નોંધી રહી. જેમ જેમ મારી પેન સરનામાના શબ્દો આગળ લખી રહી હતી તેમ તેમ મારા ચહેરાના હાવભાવો બદલાઈ રહ્યા હતા. શરીર ટાઢું પડી રહ્યું હતું. આખું સરનામું કાગળ ઉપર ઉતરી મારી નજરમાં વીંધાઈ રહ્યું હતું.
" સામાન સમયસર પહોંચી જશે ?" સામે છેડેથી પુછાયેલા અંતિમ શબ્દોથી હું થીજી ગઈ. મીઠીના હાથમાં થમાયેલી રોટીનો ટુકડો ગળે ઉતરે એ પહેલા મારા હાથમાંનું રીસીવર સરી પડ્યું. દોડતી જઈ મેં મીઠીનો હાથ થામી લીધો. મારી સખત પકડથી એ હેબતાઈ ગઈ.
"મમ્મી દુઃખે છે...ભૂખલાગી છે..જમવા દે ને...."
બેભાન અવસ્થામાંથી ભાનમાં આવી હોઉં એ રીતે શીઘ્ર મીઠીનો હાથ મારા હાથમાંથી છૂટ્યો. નીચે પડેલું રીસીવર તરતજ ફરી હાથમાં થામી લીધું.
" જી સમયસર પહોંચી જશે..."
ગ્રાહકે નિશ્ચિંન્ત થઇ રીસીવર મૂકી દીધું. મીઠી મારી નજર સામે આરામથી રોટી અને શાક જમી રહી હતી. પેલું નાનકડું બાળક મારા વિચારોમાં પરત આવી ઉભું રહી ગયું. એના હાથમાંની રોટીનો ટુકડો હું ફરી નિહાળી રહી. પણ મારા મનમાં કોઈ ચીઢ ઉપજી નહીં.
પેલી
સ્ત્રીનો સાદ ફરી મનમાં ગુંજ્યો. અને ફરીથી મન એજ શબ્દો ઉદઘાર્યું:
'મજબુર એ પણ હતી અને હું પણ. ' પરંતુ આ વખતે એ શબ્દોનો મર્મ સંપૂર્ણ બદલાઈ ચુક્યો હતો. આંખોના ખૂણે ધસી આવેલું આંસુ લૂંછી હું ઉતાવળે મારા ગ્રાહકની યાદીનો સામાન ભેગો કરવા લાગી.
બધોજ સામાન સાંજ પહેલા એ રેડ લાઈટ વિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ હજી કરવાની હતી.