મહોલ્લાની મજા
મહોલ્લાની મજા


એક બાળક માટે પચાસ ઘર ખુલ્લા હોય એનો વિકાસ અભૂતપૂર્વ જ હોય. આ શક્યતા તમને પરા અને મહોલ્લાની દુનિયામાંજ જોવા મળે. સોસાયટીમાં તો એટીકેટ અને મેનર્સ હોય પણ મહોલ્લામાં નરી સંવેદના અને મોજ. ગમે ત્યારે ગમે તેને ઘરે જવાનું અને બધા જ ઘર આખો દિવસ માણસ અને માણસાઈથી ધમધમતા હોય. અમારું પરું એટલે રઘુવંશીપરા. એક રામજી મંદિર, એક હનુમાન મંદિર અને આખા પરાને એક-બીજા સાથે વાટકી વહેવારથી લઈને સ્નેહનાં સંબંધ સુધીનું અતૂટ જોડાણ. સારાં-માઠા પ્રસંગે આખુંય પરું હાજરજ હોય અને ક્યારેક તો ખબર જ ના પડે કે કોના ઘરે પ્રસંગ છે. આ આનંદ -ઉલ્લાસ દુર્લભ છે. આમાં બાળકો ક્યારે મોટાં થઈ જાય એની ખબર જ ના પડતી.
ધર્મેન્દ્રનો પરિવાર પણ આ જ પરામાં રહે. તેના પપ્પા નોકરી કરે એટલે પરામાં એનું વિશેષ માન. આખા પરામાં પહેલું રંગીન ટીવી તેના ઘરે આવ્યું ત્યારે આખો દિવસ ઘર ખાલી જ ના થયું. એટલું જ નહીં, ધર્મેન્દ્રના મમ્મીએ તો બધાને ચા- નાસ્તો કરાવીને સરભરા પણ કરી. આજે આ દ્રશ્ય કલ્પી પણ શકાય ખરું. એમાં ધર્મેન્દ્રના કાકા જયદેવભાઈના લગ્ન. મહેમાનોના ઉતારા માટે મોટો ડખો થયો ! પસાકાકા કહે મહેમાન અમારા ઘરે રોકાશે, પ્રગજીકાકા કહે અમારા ઘરે અને મનજીકાકા કહે અમારા ઘરે રોકાશે. કેવો મીઠો ઝઘડો ! છેવટે સાત ઘર તો ઉતારા તરીકે નક્કી કરવા પડ્યા ! શેરીમાં માંડવા રોપાયા.
આજુબાજુથી લાડકા લાડું આવે અને
એના છ ડબ્બા ભરાયાં. વરરાજાને લગ્ન અગાઉ રોજ એક એક ઘર પ્રેમથી જમાડે એને " વાનો " કહેવાય. લગ્નના આઠ દિવસ અગાઉ તો ગીત શરૂ થઈ ગયેલા. આજુબાજુના ભાભીઓએ વરરાજાને જાણે પીઠીમાં તો આખો રોળી નાખ્યો. ભાનુબેન અને અરજણભાઈને ઘરે નહીં પણ રઘુવંશીપરામાં લગ્ન હતા. જયદેવભાઈની સગાઈમાં એક બસ લઈને ગયેલા. લગ્નની આગલી રાતે આજુબાજુથી દસ ઘરેથી બધા પૈસા લઈને પૂછવા આવેલા. અરજણભાઈએ ના પાડી કે જરૂરિયાત નથી તો પણ બધા એ મૂકીને ગયેલાં. સવારે ધામધૂમથી જાન ઉપડી. આખું પરું ઉમટયું. બે બસમાં બસ્સો માણસો કેમ ગોઠવાયા એ તો ભગવાન જાણે ! પણ બધા ગોઠવાઈ જતા.
આજે તો એ પણ વિચારવું પડે કે કોને ક્યાં બેસાડીશું. બસ પણ સલીમકાકાની. ભાડું તો નહીં દેવાનું પણ ઉપર જતા એને આખા પડોશની સલાહ સાંભળવાની અને એ પણ બસ કેમ ચલાવાય એ ! વળી ઘણા અરજણભાઈને બનેવી માનતા એટલે એમણે બધાએ બસમાં મીઠી મશ્કરીઓ કરી. લગ્ન પુરા થયાં. રંગે-ચંગે બધા પરત આવ્યાં. કેટલાક વડીલોએ ઘર સાચવેલું. કેટલાક વહેલા જતા રહેલા. એ બધાએ મળીને રાતની રસોઈ તૈયાર કરાવી નાખેલી. બધાએ મળીને પ્રસંગ માણ્યો. આવું હતું પહેલું ઘર.
હવે તો બધા સોસાયટીમાં રહીએ છીએ. આવજોને બેસવા એવું સાવ કૃત્રિમ વાક્ય સાંભળીને પણ જીવતા રહીએ છીએ. અહીં બધાને સંબંધ ખરા પણ સંવેદના નહીં. ઓળખે ઘણા પણ અહીં પસાકાકા, મનજીકાકા ના હોય અહીં તો બધા જેન્ટલમેન હોય !