મેદસ્વી કપલનું રોમાન્સ...!
મેદસ્વી કપલનું રોમાન્સ...!


દળદાર દેહમાં પત્નીએ અરીસામાં તેની ડબ્બલ ચિન (હડપચી) જોઈને તેના પતિને પૂછ્યું, “જાનું... શું હું ચબ્બી દેખાઉ છું?”
સુંદર સાડી, ઘરેણાં અને મેક-અપમાં સજ્જ થયેલી પત્નીને દેખી, પતિએ લુચ્ચું સ્મિત ખેંચી ફોન બાજુમાં મૂક્યો, “અહીં રહીને કહું કે... ત્યાં આવીને...?”
“હવે કો’ને, તમેય શું....” શર્મિલું હસીને પત્નીએ લટકો કર્યો.
બેડની ગાદીમાં ખૂંપી ગયેલું કોથળા જેવું ભારેખમ શરીર ઊંચકી, ફૂલ લાઇન મારતું સ્મિત ફરકાવતાં એ પત્નીની પાછળ ગોઠવાયા. દુંદાળા ગણેશજીનેય શરમાવે એવી માટલાં જેવી ફાંદ પત્નીની મેદસ્વી કમર પર ભીંસી, લોટના કણક જેવા ફેલાયેલા પત્નીના ખભા પર હાથ મૂકી ટહુકયા, “ચબ્બી ફેસમાંય મને તો તું એકદમ ફટકા જેવી લાગે છે!”
પ્રેમભીનો પ્રતિભાવ સાંભળી પત્ની શરમથી પલળી ગઈ. પતિ સામે મોં કરીને એમની આંખમાં આંખ મિલાવતા જ રૂમમાં રોમેન્ટિક મૂડ છવાઈ ગયો.
“તમે હજુયે પહેલા જેટલો જ મારા પર પ્રેમ ઢોળો છો...કે વધારે...?” બોલતા તેની પાંપણો શર્મથી ઝૂકી ગઈ.
પતિની ફાંદ આગળ ખેંચાણ થતાં ખૂલી ગયેલા બટન પર એની નજર પડી. પતિએ શ્વાસ ખેંચી ફાંદ જરાક અંદર લીધી. પત્નીએ એક બાજુથી બટન પકડી ફટ્ટ દઈને કાણાંમાં ભરાવી દીધું.
શ્વાસ છોડતા બોલ્યા, “પહેલા કરતાંયે અનેક ઘણો પ્રેમ ઢોળું છું...! તારા માટે જ તો આ દિલ ધડકે છે, મારી રસમલાઇ!” કહી પત્નીના ફુલેલા દડા જેવા ગાલ પર લાડથી ટપલી મારી...
ઘડીભર માટે તો પત્નીનું મન ગુલાબી-ગુલાબી થઈ ગયું. તેના પ્રેમરંગીન મનમાં પતિના બાહુપાશમાં લપાઈ જવાની તમન્ના જાગી ઉઠી....પણ બંને વચ્ચે રસ્તો રોકી બેઠેલી ફાંદ નડતરરૂપ થતાં, તેણે પતિનું નાક ખેંચી પ્રેમનો ઉમળકો જતાવ્યો.
પત્નીએ મુસ્કુરાઈને નજાકતથી દાંત વચ્ચે નીચલો હોઠ દબાવી પીઠ એમની તરફ ફેરવીને ઊભી રહી ગઈ... પછી અરીસામાં તેમનો ચહેરો જોઈને કહ્યું, “બ્લાઉઝની દોરી જરા બરાબર બાંધી આપોને! ઢીલી હોય એવું લાગે છે...”
આ સાંભળી પતિના ગોળમટોળ ચહેરા પર ફરી લુચ્ચું સ્મિત ખેંચાયું, “બાંધી તો આપું, પણ એક શરત પર…”
“તમારા માટે તો બધી શરતો મંજૂર જ છે...” આટલું બોલતા તો તે લજાઈ ગઈ.
“બ્લાઉઝની દોરી ઘરે આવીને હું જ ખોલીશ...” કહી પત્નીની કમર પર ફાંદ ભીંસીને તેના ખભા પર ચૂમવા માંડ માંડ ત્યાં સુધી હોઠ તાણી ચૂમી ભરી લીધી...
“આજે તો તમે સાવ જ રંગીન મૂડમાં લાગો છો...!” કહેતા શરમથી તેના ગાલ ટામેટાની જેમ લાલ થઈ ગયા.
“આજે તું દેખાય જ છે એકદમ.... ફટકા જેવી!” કહેતા માટલું હાસ્ય-ના-ભૂકંપથી થરથરી ઉઠ્યું.
“આજે આટલા એક્સાઈટેડ થવાનું કારણ કંઈક બીજું જ લાગે છે મને તો...! કો ને....” મલકાતા મલકાતા પૂછી લીધું.
“સનીની ફિલ્મ જોઈ લીધી એટ્લે રેવાયું નઇ મારાથી...” મનમાં હતું એ મૂડમાં ને મૂડમાં બકી માર્યું.
“શું...?? કોની ફિલ્મ જોઈ...??” પત્ની ગુસ્સામાં રાતીચોળ થઈ ઉઠી.
પત્નીનો અચાનક ભાવ-પલટો જોઈ પતિ બકરીને જેમ બબડી પડ્યો, “સસસ-સની દેઓલની. સની દેઓલની ગગગ-ગદર ફિલ્મ જોઈ, મારી રાણી...” કહી વાત વાળી લીધી.
* * *