rahul shrimali

Romance Abstract Others

1.0  

rahul shrimali

Romance Abstract Others

મધુરવીણા

મધુરવીણા

6 mins
14.3K


સમય ફક્ત મારા માટે રોકાઈ ગયેલો. બાકી ઘરમાં લોકોની અવરજવર ચાલુ હતી. હું એકબાજુ ઘરમાં બેઠો હતો. બધા સગા-સંબંધીનો જાણે મિલન પ્રસંગ ઉજવાતો હોય એમ લાગ્યું. દૂર દૂરથી સ્નેહીજનો મળવા માટે આવેલા. બધા સ્નેહીજનો આવીને આશ્વાસનના શબ્દો કહેતા હતા, "કે મધુરભાઈ જે બન્યું તે સહજતાથી સ્વીકારી લેજો, આપણી ઈચ્છા મુજબનું જીવન ક્યાં જીવાય છે ? ભગવાન જીવાડે એમ જીવવું પડે છે." હું ફક્ત માથું હલાવીને સાંભળતો રહ્યો. આમ જાણે ચારે તરફ ગમગીની ભર્યું વાતાવરણ હતું. તેમના શબ્દો સાંત્વના માટે અસરકારક નીવડ્યા નહીં. જે બન્યું એ જીવનની કડવી હકીકત હતી. જે મારે સ્વીકારવી રહી. થોડું દુઃખ હળવું થયું કે આ સ્થિતિમાં સ્નેહીજનો મારી હિંમત બનીને ઉભા રહ્યા.

એકબાજુ સંબંધી સ્ત્રીઓની મારા ઘરમાં ચર્ચા ચાલતી હતી. એ જ જીવન-મરણ અને ઈશ્વરની ફિલોસોફી ભરી વાતો અને ગામ-ગામમાં બનેલી ઘટનાઓ પર તેમના મંતવ્ય અને ચર્ચા એ જોર પકડ્યું હતું પણ આ બધી વાતોનો નિચોડ છેલ્લે ફક્ત એક જ હતો. જે દરેક સ્ત્રીના મુખેથી નીકળતો હતો કે "રામ રાખે તેમ રહેવું પડે છે, આ જીવનમાં કાંઈ આપણું નથી. બધું અહીંનું અહીં જ રહેવાનું છે". આ સ્ત્રીઓની વાતોમાંથી જિંદગીનો અનુભવ નીતરતો હતો પણ એ ફક્ત સાંભળવા માટે સારો હતો. તેનું અનુસરણ કરવું અઘરું હતું. જીવનનો મોહ ન રાખો કાંઈ આપણું નથી. તે છતાં પૈસા,ઘરબાર અને પોતાના નિકટના લોકોના વિના રહેવું અઘરું હતું.

આ બધી વાતોની વચ્ચે મારું ધ્યાનતો આ બધી સ્ત્રીઓની વચ્ચે બેઠેલી મારી ધર્મપત્ની વીણામાં વ્યસ્ત હતું. આજે જિંદગીના સાત દાયકા પસાર કરી ચુકેલો હું. મારો અને વીણાનો પાંચ દાયકાનો પતિ- પત્ની કમ અને પ્રેમી તરીકેનો સથવારો. કાંઈક જીવનના અનુભવ સાથે અનુભવેલા. આ બધી વાતો ચર્ચાતી વાતો અમે બંને સારી રીતે જાણતા હતા. તેથી એ પણ મારી જેમ ચૂપચાપ સ્ત્રીઓની વચ્ચે બેસીને કોઈ પણ દલીલ કે તર્ક કર્યા વિના સાંભળતી હતી પણ મને ખબર પડી કે તેણી એવી સંતાઈને આટલા બધાંની હાજરી હોવા છતાં એવી તીરછી,મલકાતી પ્રેમભરી નઝરે મને જોવે છે તેથી હું ય ઘડપણની ઉંમરે તેના પ્રેમમાં વ્યસ્ત હતો. કાંઈક આવું જ હાસ્ય અને મીઠી નઝર મને તેના પ્રેમમાં પાડી ગયેલું.

આ પાંચ દાયકા પહેલાની વાત છે. હું ભણેલો-ગણેલો યુવાન હતો. 22 વર્ષે મને સરકારી શિક્ષકની નોકરી મળી ગયેલી તેથી મમ્મી મારા માટે છોકરી શોધવા લાગેલી અને મને કહેતી કે, "એ મધુર હવે હું આ ઘરના કામ અને જવાબદારીથી થાકી ગઈ છું. કોઈ સારી કન્યા જોઈને તને પરણાવી દઉં." હું હસીને કહેતો કે, "મમ્મી મારા લગ્ન પછી તારી જવાબદારી વધી જશે. મારી પત્નીની દેખરેખ રાખવી, તેની ભૂલો શોધવી, તેની સાથે લડવું" અને પછી છેલ્લે એક જ નિસાસો કે, "ભગવાન આજ દહાડા મારે પાછલી જિંદગીમાં જોવાના રહી ગયેલા." મારી આવી મજાક ભરી વાતથી મમ્મી એવી અકળાઈ જતી અને કહેતી હા ડાહ્યા બહુ જિંદગી જોઈ લાગે છે નઈ એટલે સલાહ આપવવા મને નીકળ્યો. હું મારી આવી તારીફ સાંભળી હસતો કે તારો દીકરો છું એટલે મને બહુ ડહાપણ છે મા. પછી મા પણ હસી પડતી. આ મોકાનો લાભ જોઈ પાછો હું કહેતો જો મા મારા લગ્ન કરાવીશ તો તારા પ્રત્યેનો મારો પ્રેમ ઘટી જશે. તો મા કહેતી કે સમજાવ તો મને જરાક આ વાત. "સાંભળ મા એ મારી વહુ બની જે આવશે તો એ મારા પ્રેમમાં ભાગ પડાવશે અને એને પ્રેમ કરવાના ચક્કરમાં મને તારી સાથે આવી વાતો, મજાક કરવાનો સમય નહિ મળે એટલે સંભાળીને કરજે જે કરે એ." મા પછી વિચારમાં પડી ગઈ કે હો વાત તો તારી સાચી છે. હું પાછો જોરથી હસવા લાગ્યો. મેં કહ્યું અરે ચિંતા ન કરીશ માં હું તને સદાય પ્રેમ કરતો રહીશ. તું કહીશ તો પરણી જઈશ. આમ મા- દીકરાનો પ્રેમભર્યો સંવાદ ચાલતો.

એક દિવસ અમે લગ્નમાં ગયેલા ત્યાં મારી નઝર વીણા પર પડી. એ વખતે એ મજાનું નિખાલસ હાસ્ય કરી એવી હોઠમાં મલકાતી હતી. જે આજે પાંચ દાયકા બાદ પણ આજે બધાની હાજરીમાં મલકાઈ છે એવી જ રીતે. હું એના હાસ્યની ખાઈમાં પડી ગયો હવે મા જ હતી જે મને બહાર કાઢી શકે. મેં મા ને કહ્યું કે, "મને આ છોકરી ગમી ગઈ છે. તું કહેતી હતી ને કે તું પરણી જા. તો ચાલ હું તૈયાર છું." મમ્મીએ વીણાના મમ્મી-પપ્પાને એક સંબંધીની મદદથી વાત કરી અને હું મમ્મી અને પપ્પા વીણાને તેના ઘરે જોવા ગયેલા. અમને પ્રેમપૂર્વક આવકાર મળેલો. વીણાની મમ્મી ચા લઈને આવ્યા તો મને ચા બહુ ભાવી તો મેં કહ્યું, "શું ચા બનાવી છે ! મજા આવી ગઈ." ત્યારે વીણાની મમ્મી એ કહ્યું, "આ ચા મારી વીણા એ બનાવી છે" હું જોરથી બોલી ઉઠ્યો, "તો વીણા ક્યાં છે ?" ત્યારે એવી મજાની સાડીમાં અપ્સરા ધરતી પર ઉતરીને મને વરવા આવી હોય એમ લાગ્યું. હું તો પગની પાનીથી માંડી તેના ચહેરા સુધી દેખતો જ રહી ગયો. પછી બાજુમાં આવી ને બેઠી. વીણા ભણેલી- ગણેલી છોકરી હતી. અમારા આ સબંધથી બધા રાજી લાગતા હતા. એક ઓરડામાં એકલા અમે એકબીજાને બધી મનગમતી અને લગ્ન સબંધી વાતો કરી. તેમાં વીણાની હા જ છલકાતી હતી. છેલ્લે વીણા ના પપ્પા એ પૂછ્યું કે, "બેટા આ મધુર તને ગમે છે ? તારી હા છે ? તો તેણી શરમાઈને ચાલી ગઈ. આમ અમારી આ જીવન સફરની સુંદર શરૂઆતનું શ્રીફળ વધેરાયું.

અમારી સગાઈ અને બાદમાં અમારા લગ્ન લેવાયા. હું અને વીણા ખૂબ જ ખુશ હતા. એકબીજાના જીવનસાથી બનીને અમારા બંનેમાં એકબીજાને સમજવાની ભરપૂર તૈયારી હતી. દરેકની વાતનું સન્માન કરવું. સબંધમાં એકબીજાને મહત્વ આપવું. કોઈ વાત ન ગમે તો સામે જ મોઢે કહી દેવું. પાછી બધું ભૂલીને બસ એકબીજાના પ્રેમના રંગે રંગાયેલા રહેવું. અમે એકબીજાની સાથે લડવા, ભૂલો નીકળવા, ભેગા થયેલા. અમે તો પ્રેમ કરવા ભેગા થયેલા. અમારા બંનેમાં જતું કરવાની ભાવના. ગુસ્સો આવે એવું લગભગ બનતું જ નહતું. કેમકે લાગે કે આને આ વાત નહીં ગમે તો તે વાત કરવાની જ નહીં. જો કોઈ વાતનું ખોટું લાગે તો તમે તેની ચર્ચા કરી વાત પુરી ન કરો અને મનમાં ભરી રાખો તો તમે નજીક હોવા છતાં ક્યાંક દૂર એકલા હોવ એમ લાગે.પોતાના સાથીના સાથે હોવાનો અહેસાસ થાય જ નહીં. અમે એવા મિત્ર અને પ્રેમી બની મજાથી જિંદગી જીવતા. હું તો કહેતો હતો કે જો વીણા પતિપત્ની બનીશું તો જવાબદારીમાં ફસાઈ જશું. આપણે જવાબદારી નિભાવવાની જ તો છે જ. આ જીવનમાં તો આપણે મિત્રને પ્રેમી બનીને આ જીવનની દરેક ખુશીની ઉજવણી કરીએ. આવી મારી સબંધ ની પાકી સમજદારી ભરી વાતો સાંભળી એ મને ખુબ જ પ્રેમ કરતી. દરપળ મજાના પ્રેમ સંવાદથી જ પસાર થતી. દર દિવસે અમે પ્રેમ વ્યક્ત કરતા રહેતા હતા. આમ અમારી જિંદગીની સૌથી મોટી ખુશી મારો દીકરો સુર હતો. અમે સુરને ભણાવીને ડોકટર બનાવ્યો. તેના પણ અમે સરિતા નામની ડોકટર યુવતી સાથે જ તેના લગ્ન લીધા. એમા એવું બન્યું કે અભ્યાસ દરમ્યાન બંને પ્રેમ કરતા હતા. તેઓ ઘરવાળાની સંમતિ લઈ પરણવા ઈચ્છતા હતા. અમે બંને પરિવાર ખુશ થઈ ને સુર-સરિતાના લગ્ન કરાવી દીધા. હું અને વીણા હવે ઘડપણના દિવસો દીકરા-વહુ સાથે પસાર કરતા હતા. તેમને એકબીજાની કાળજી લેતાં,પ્રેમ કરતા જોઈ એ તો અમને અમારી જવાની યાદ આવી જતી. એકબીજાને પ્રેમ કરી તેની સંભાળ લેવી, ખુશ રાખવું, મહત્વ આપવું. આવી વાતો સુર ને અમારા તરફથી વારસામાં મળેલી. આખી જિંદગી જાણે એક ફિલ્મની જેમ વીણાની મલકાતી નઝરના લીધે આ વૃદ્ધાવસ્થાએ સ્મરણમાં આવી ગઈ.

ત્યાં અચાનક જ રમણભાઈ એ મને કહ્યું કે, "ભાઈ મધુર..મધુર" અને હું સફાળો આ જીવનસફરની ફિલ્મમાંથી બહાર આવી ગયો. મેં કહ્યું, "બોલો રમણભાઈ." "તેમણે કહ્યું કે ભાઈ વીણાભાભીનું બારમું ક્યારે રાખ્યું છે ?" હું કહેવા જતો હતો કે "તમે આ શું વાત કરો છો ? બારમું તો મરેલાનું હોય મારી વીણા જીવતી છે". પણ આ શબ્દો મારા ગળામાં જ અટકી ગયા. હું બોલી શક્યો નહીં અને તરત જ આ સાંભળી રડી પડ્યો. જ્યાં સ્ત્રીઓની વચ્ચે મેં નઝર કરી તો ત્યાં વીણાની હાજરી ન હતી પણ તેનો મલકતો ચેહરાવાળો ફોટો હતો. તેના પર સુખડનો હાર લગાવેલો હતો. આજે વીણાનું બેસણું હોવાથી સંબંધીઓ આશ્વાસન આપવા આવેલા. વીણાના મૃત્યુને આજે ચાર દિવસ થયેલા. મારે છેવટે ભ્રમ તોડીને સંબંધીઓની સાંત્વના વાણી અને કડવી હકીકત સ્વીકારવી જ રહી...


Rate this content
Log in

Similar gujarati story from Romance