rahul shrimali

Inspirational Others

2  

rahul shrimali

Inspirational Others

પડકાર

પડકાર

10 mins
7.1K


રાતની શાંતિમાં ઘડિયાળની ટક...ટક વચ્ચે સમય પસાર થઈ રહ્યો છે. બાર વાગ્યા... બારના બે થયા... પણ હજુ ઊંઘ આવતી નથી. અનેક ચિંતા ભીતરથી કોરી ખાય છે. પથારી જાણે ખૂંચતી હોય એમ હું પડખું ફેરવ્યા રાખું છું.mઆ અંધારી ઓરડીમાં ફરતો પંખો મારા વિચારોને હવાની માફક વધુને વધુ ફેલાવી રહ્યો છે. ઈચ્છું છું કે ક્યારેય સવાર પડે જ નહીં અને સમય થંભી જાય પણ આ વીતતા વખતે મને સમયના એવા પડાવ પર ઉભી રાખી છે અને હવે મારી વૃદ્ધાવસ્થાએ પડકાર ફેંકીને સમય મારી ખરી પરીક્ષા કરી રહ્યો છે. મારી બાજુમાં સુઈ ગયેલી મારી પૌત્રી ખુશી જેના માથે હાથ ફેરવ્યા રાખું છું. કદાચ આ જર્જરિત હાથ જ એના માથે સહારો છે. ઈશ્વરે જિંદગીમાં કાળોકેર વર્તાવ્યો છે.

સૂરજના કિરણો બારીમાંથી મારા ચેહરા પર પડ્યા પરંતુ હું આંખો પર હાથ રાખી સુઈ ગયો. થોડીવારમાં એલાર્મ વાગ્યું. એ પાછું મારી ઊંઘ બગાડે એટલે મેં બંધ કરી દીધું. આમ તો સામાન્ય રીતે હું વહેલો ઉઠી જાવું છું પણ છેલ્લા કેટલાક દિવસથી ઓફિસમાં મોડા સુધી કામ ચાલે છે એટલે થોડી વધારે ઊંઘ લેવા સવારમાં પડ્યો રહું છું. પણ મારી પત્ની નંદિતા મને સમયસર જગાડી જ દે એટલે ના છૂટકે ઉભા થવું જ પડે. હું પણ આજ પળની રાહ જોવું કે તેણી રૂમમાં આવીને બેડ પર બેસીને કહે કે 'ઉઠો નયન, તમારે ઓફીસ જવાનો સમય થયો'.ત્યારે હું તેનો હાથ જાલીને મારી તરફ બાહોમાં ખેંચી લઉં અને તેણી પણ એવી શરમાઈને બાહોના પીંજરામાં પુરાઈ જાય. અને પછી કોઈ બહાનું કહી દે કે, "છોકરાઓ આવી જશે, દૂધ મૂક્યું છે... ઉકળી જશે. ચલો ઉભા થાવ અને છોડો મને તમે પણ, હજુ સુધરતા નથી" અને હું કહું "એ નંદિતા તું છે ને, મારા કાન પકડી સારું ખોટું શીખવાડવા એટલે બહુ છે. હું આવો બગડેલો જ તારો પ્રિયતમ બની રહેવાનો."

આમ આવા વાર્તાલાપ સાથે હું નાહી ધોઈ ઓફિસ જવા તૈયાર થતો. સવારે નાસ્તો કરતી વેળા નંદિતા એ કહ્યું કે "નયન તમે સાંજે તમારી ઓફીસ જોડેના ફ્રુટ માર્કેટમાંથી કેરી લેતા આવજો. આ ઉનાળામાં કેરી ખાવાની ઈચ્છા થઈ છે. મેં કહ્યું, "સારું હું આવતી વખતે કેરીઓ લેતો આવીશ." આમ એક ઊડતી ઊડતી મજાની પપ્પી આપી ઓફીસ જવા બાઈક લઈ રવાના થયો.

માર્ચ એન્ડિંગ હોવાથી છેલ્લા ચાર દિવસની જેમ જ આજે કામમાંથી બે પળની ફુરસત મળી જ નહીં. એમાં પાછી કોઈ ભૂલ રહી જાય તો બોસ આખી ઓફીસ માથે લે અને મૂડ બગડે એ અલગ. બાજુની કેબીનમાં વિજયભાઈ કામ પતાવીને મોબાઈલ હાથમાં લીધો અને બોસનું જોઈ જવું તો તેમને પણ ધમકાવી દીધા કે, "શું વિજય ભાઈ, તમે પણ કામની વચ્ચે ફોન ઉપયોગ કરો છો." એમાં પાછી દલીલ પણ ન કરાય નહિતર વાત લાંબી થાય. આમ કામ ઝડપી પૂરું કરવાની વ્યસ્તતામાં ઘડિયાળ સામું જોયું તો નવ વાગી ગયા. પછી કામ સમેટીને હું બાઈક લઈ ઘર તરફ રવાના થયો. આ કામના ટેન્શનમાં સમયનું ભાન ન રહ્યું અને ફ્રુટ માર્કેટ બંધ થઈ ગયું.

હવે આજે કેરી લીધા વિના ઘરે જવાનું હતું. મેં વિચાર્યું કાંઈ નહીં. "માની જશે મારી નંદિતા બહુ જ ડાહી છે." આમ વિચારોના વંટોળ સાથે ઘરે જતા અધવચ્ચે બાઈકમાં ખડ...ખડ... અવાજ આવતા બાઈક રસ્તાની એક બાજુ ઉભી રાખી.. "કે શું થયું ? કેમ અવાજ આવે છે ?" એ વેળા મારી નઝર એક વૃદ્ધ ડોશીમા પર પડી. તેઓ લારીમાં ફળો વેંચતા હતા. કદાચ રાતે લારી બંધ કરતા કોઈ ગ્રાહક આવે લેવા, એવી રાહ અને આંખોમાં બેચેની અને ઉદાસી હતી. મુખ પર ઉત્સાહ, મહેનત કરવાનો ભાવ છલકાતો હતો અને વાણીમાં જાણે કોઈ સારા ઘરની સંસ્કારી સ્ત્રી બોલતી હોય એવી કેરી જેવી મીઠાશ હતી. લારીમાં મારી નઝર કેરી પર પડી. હું ખુશ થઈ ગયો. હાશ હવે વાંધો નહીં "નંદિતાને ભાવતી કેરી એના માટે હું ઘરે લઈ જઈશ તો ખુશ થઈ મને ભેટી પડશે" અને કહેશે કે," નયન તમે બહુ જ સારા પતિ છો," આઈ લવ યુ...."અને એના મુખની આ મીઠાશ સાંભળવા મને આ ડોશીમાંની લારીમાં રહેલી મીઠાશભરી કેરી મળી. મેં બે કિલો કેરી લીધી ભાવતાલ કરું એની પહેલા તો એ ડોશીમાં એ કેરીની સાથે મને કેટકેટલા આશીર્વાદ વચનો આપી દીધા કે," ભગવાન તારું ભલું કરે બેટા... તારા ધાનના કોઠાર ભર્યા રહે..."તારા છોકરા છૈયા ખુશ રહે"...જેમ એક મા એના દીકરાને આપે. એની પાછળ નું કારણ શું હોય ! એ તો ભગવાન જ જાણે... પણ મારા હાથમાં કેરીનો ભાર અને સાથે એ મફતમાં મળેલા આશીર્વાદ વચનોનો ભાર ઊંચકીને મેં બાઈક ચાલુ કરી. ખડખડ અવાજ બંધ થયો અને ઘર તરફ જવા નીકળ્યો.

એ કરચલી વાળો ચહેરો, ઉત્સુકતા, બેચેની ભરી નઝરો. જાણે કાંઈક ચિંતા દોરાયેલી હોય એ હાથની રેખાઓમાં એ હવે નસીબમાં જ મળી હોય એમ લાગતું હતું. મારા મગજમાં એજ વિચાર એ જ મીઠાશ ભરી વાણી, એ વચનો ફરતા રહ્યા અને હું ઘરે પહોંચ્યો. કેરી જોઈ નંદિતા ખુશ થઈ ગઈ અને અમે ભોજનની સાથે સ્વાદિષ્ટ કેરીનો સ્વાદ માણ્યો. હું એ કેરીની થેલીમાં જે અદ્રશ્ય આશીર્વાદ વચનનો લાવ્યો હતો તેનો ભાર મારા વિચાર અને દિલમાં લઈ સુઈ ગયો.

મારી નઝર ઓફીસ જતા એ વૃદ્ધાની લારી પર પડતી હતી. આમ અઠવાડીયા બાદ ફરી મને નંદિતા એ કહ્યું કે, "તમે જે કેરી લાવ્યા હતા, તે ફરી લાવજો." આજે ઓફીસ જતી વેળા નઝર કરી પણ લારી ન હતી. મને એમ કે સાંજે ઓફિસથી ઘરે જતા લઈ જઈશ પણ લારી ન હતી. આવું એક બે નહિ પરંતુ અઠવાડિયું ચાલ્યું. છેવટે મેં ઓફિસની સામેના માર્કેટની કેરી નંદિતા માટે ઘરે લઈ ગયો. "મને એમ કે શું થયું હશે એ વૃદ્ધા ને ! લારીમાં ફ્રુટ વેચવાનું બંધ કરી દીધું ?' હવે માર્ચ એન્ડીગ પૂરો થઈ ગયો અને કામથી વહેલા છુટા પડી હું જે જગ્યા એ લારી હતી ત્યાં ગયો. અને એક પાન ના ગલ્લા વાળાને પૂછ્યું કે, "પેલી ફ્રૂટની લારી કેમ દેખાતી નથી એ વૃદ્ધા ક્યાં છે ?"

બસ આટલું પૂછ્યું એમાં તો પેલા ગલ્લા ગાળા ભાઈ એ વૃદ્ધાનો આખો ભૂતકાળ કહેવાનો મને ચાલુ કર્યો.. કદાચ એ ભાઈ નવરો છે એટલે વાત ચાલુ કરી કે પછી કંઈક જાણવા જોગ હશે અને પાછો હું એમાં ખોવાઈને સાંભળતો ગયો.

એ વૃદ્ધાનું નામ નિર્મલાબેન છે. નિર્મલાબેન એ અમારા (ગલ્લાવાળાભાઈના)પાડોશમાં રહે છે એટલે એમણે આખો પરિચય શરૂ કર્યો. "નિર્મલાબેનનું પિયર રાજકોટ છે પણ એમના લગ્ન અહીં અમદાવાદમાં પોસ્ટમાં સરકારી નોકરી ધરાવતા નારાયણભાઈ સાથે થાય. નિર્મલાબેન પણ ભણેલા ગણેલા અને વ્યવહારુ જીવનની ઉચ્ચ સિદ્ધિ પામેલા હોય તેવો વ્યવહાર કરતા. નાનું બાળક હોય, મહિલા હોય કે વડીલ દરેક સાથે એવા પ્રેમથી વાત કરતા. મારે(ગલ્લા વાળાને) એમના દીકરા સંદીપ સાથે મિત્રતા હતી. અમે બંને લંગોટીયા મિત્રો હતા. હું જ્યારે સંદીપના ઘરે જાઉં તો જેટલો પ્રેમ સંદીપને કરે, એટલા જ વ્હાલ અને પ્રેમથી મને રાખતા. જાણે મને તો માવ્હાલ એ પીરસતા હતા. નારાયણ કાકાને નૌકરી હતી એટલે ઘર સારું ચાલતું. નિર્મલાબેનને કોઈ'દી કામ કરવા જવાની જરૂર પડી ન હતી. એમની ધાર્મિકતા, ઈશ્વર પ્રતેયની શ્રદ્ધા જોઈ અમારી સોસાયટીના લોકો એમની સલાહ સુચન લેવા આવતા. એવા પવિત્ર શુદ્ધ મનના સન્નારી છે."

એણે આગળ ચલાવ્યું,...

'આમ વખત વીતતો ગયો. હું અને સંદીપ સાથે મોટા થતા ગયા. હું વધારે ભણી ન શક્યો તેથી મેં પાનનો ગલ્લો ચાલુ કર્યો અને સંદીપના ઘરની સારી સ્થિતિ હોવાના લીધે ભણીને તેણે સારી નૌકરી લીધી. હવે સંદીપના લગ્ન સુલોચનાભાભી સાથે લેવાયા. સુલોચનાભાભી પણ નિર્મલાબેન જેવા જ સંસ્કારી ઘરની દીકરી હતા." હવે ઘરમાં વહુના આગમન અને સુખની રેલમછેલ હતી જ અને એમાં પાછો વધારો થયો. આમ સમય વીતતો ગયો અને એક વર્ષ પછી નારાયણભાઈ કાર સાથેના અકસ્માતમાં મૃત્યુ પામ્યા. આમ નિર્મલાબેન વિધવા બન્યા. જિંદગી જાણે રંગેચંગે પસાર થતી હતી. એમાં જીવનની ખુશીઓમાં ભંગ પડ્યો. પોતાના જીવન સાથી કે જે આજીવન આ ઘરના રથના પૈડાં બની રહ્યા અને નિર્મલાબેન એ રથના સારથી બની હકારતાં રહ્યા અને જ્યારે મંઝિલે પહોંચવાનું આવ્યું એ વેળા જ આવી વસમી વિદાય અંગતજનની માણસને મનથી અને દિલથી તોડી નાખે છે પણ નિર્મલા બેને જે બન્યું તે સ્વીકારી લીધું. બાકી રહેલું જીવન નારાયણભાઈની યાદો અને તેમના સુઘડ અને સ્વચ્છ વ્યક્તિત્વની સુવાસના સહારે જ પાસાર કરવાનું નક્કી કર્યું.'

'આમ છ માસમાં જ ખુશીઓની હેલી જાણે નિર્મલા બેનના ઘરના ઉંબરાના પગ ચૂમવા આવી. સુલોચનાભાભી એ ખુશી નામની દીકરીને જન્મ આપ્યો. નિર્મલાબેનની ખુશીનો પાર ન રહ્યો. હવે જે સુનું થઈ ગયેલું ઘર ખુશીના આગમનથી ફરી ઝળહળી ઉઠ્યું. નિર્મલાબેન આખો દિવસ ભક્તિમાં અને ખુશીને રમાડવામાં વિતાવતા. આમ જિંદગીના કંઈક કપરા ચડાણ હજુ જીવનમાં આવશે એની કલ્પના કરી ન હતી."

"ઘરમાં કોઈ કકળાટ નહિ. નિર્મલાબેન વહુને દીકરી જેમ રાખતા અને વહુ પણ દીકરી બની એમની સેવા કરતી. ઘરનું નાનું મોટું કામ કરવામાં નિર્મલાબેન સુલોચના ભાભીને મદદ કરતા. આમ પુરપાટ ઝડપે ઘરનું ગાડું ચાલતું હતું પણ ફરીથી આ ગાડું રોકવા માટે નસીબ કે ઈશ્વર આડા આવશે એવી કાંઈ ખબર ન હતી. સુલોચના ભાભીને અમૂકવાર ખાંસી આવતી અને તેઓ આ વાતને વધુ ધ્યાનમાં ન લે. કહેવાય છે ને કે 'દુશ્મન અને રોગને ઊગતાં જ દાટી દેવા જોઈએ' પણ એમાં સુલોચના ભાભી થાપ ખાઈ ગયા કે પછી વિધાતાના લેખ હોય કે આમ થશે જ એમા આપણું કાંઈ ન ચાલે. ખાંસી જયારે હદ પાર વધી ગઈ અને તપાસ કરાવતા ખબર પડી કે, તેમને ટીબી થઈ ગયો છે અને બેદરકારીના લીધે આ રોગ એના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. તેથી ડોકટરે સલાહ આપી કે એમને આરામ કરાવો અને એમના વસ્ત્ર, જમવાના વાસણ, પીવાનું પાણી બધું જુદું રાખો જેથી અન્ય કોઈને આ રોગ લાગુ ન પડે. હવે ઈશ્વરે ખરી પરીક્ષા નિર્મલાબેનની લેવાનું ચાલુ કર્યું. પૈસે સુખી કુટુંબ હોવાથી દવાદારૂના રૂપિયાની કમી ન હતી અને વહુની સેવામાં નિર્મલાબેન જોડાઈ ગયા સાથે ખુશીને રાખવાની બધી જવાબદારી માથે લીધી. જેનો ભય હતો તેવું જ બન્યું. ટૂંકું આયુષ્ય લઈ જન્મેલા અને સૌના દિલમાં સ્થાન પામી ગયેલા સુલોચના ભાભીનું અકાળે અવસાન થયું અને બે વર્ષની ખુશીને મૂકી તેઓ ચાલ્યા ગયા. આ આઘાત ન સહેવાય એવો સંદીપ અને નિર્મલાબેન માટે બની ગયેલો. એવા ધ્રુસકે ધ્રુસકે સંદીપ અને નિર્મલાબેન રડ્યા હતા. અવારનવાર ઈશ્વરને તેઓ કોસતા રહ્યા કે,મારી દીકરી જેવી વહુને બદલે તે મને મોત આપી દીધું હોત તો હું હસતે હસતે સ્વીકારી લેત. આ ઘડપણમાં બસ આજ દહાડા જોવાના રહી ગયેલા."

છેવટે આ બધી વાતોની વચ્ચે સૌથી કપરી વાત એ હતી કે હવે ખુશીનીમાં બનીને તેનો ઉછેર કરવાની જવાબદારી નિર્મલાબેન પર આવી પડી હતી અને બીજી બાજુ પત્નીના વિરહમાં ખાવા-પીવાનું સંદીપએ બંધ કરી દીધું. આંખોમાં ભીનાશની સાથે દહાડો ઉગે અને ભીનાશ સાથે જ દિવસ પૂરો થતો. સમાજના લોકો અને સ્નેહીજનો એ ઘણું કહ્યું કે બેટા સંદીપ,તારી ઉંમર નાની છે તું પરણી જા તારી ખુશીની દેખભાળ કરવા વાળું કોઈ આવી જશે તો નિર્મલાબેનના જીવને શાંતિ થશે અને એમનું ઘડપણ અને મૌત સુધરી જશે પણ પત્નીને ભૂલવી અને બીજી સ્ત્રી સાથે પરણવું એ સંદીપ માટે શક્ય ન હતું કેમકે એને દિલથી સુલોચનાભાભીને ચાહ્યા હતા અને એમને છેલ્લે સુલોચના ભાભીને વચન આપેલું કે તારા ગયા પછી હું લગ્ન નહિ જ કરું, તને હું ભૂલી નહિ શકું. આમ બધાના પ્રયત્નો વ્યર્થ નીવડ્યા અને સંદીપ ન માન્યો. 

નિર્મલાબેન એ હવે ઘરની જવાબદારી ઉપાડી લીધી અને ખુશીની મા બની હેત અને વ્હાલથી રાખવા લાગ્યા પરંતુ આ સમય ગાળો એમના ઘરની માઠી દશા બેઠી હોય એમ લાગતું હતું. સુલોચનભાભીના વિરહમાં સંદીપની કામ પર ગેરહાજરી અને કામમાં ચોક્કસતા ન હોવાને લીધે નૌકરી છૂટી ગઈ. આ બધી ચિંતાની વચ્ચે સંદીપ દારૂ અને જુગારની લતે ચડી ગયો અને એમાં પાછા એવા મિત્રોની સોબતે એની જિંદગી બરબાદ વધુ કરી નાખી. બહુ પ્રયત્નો નિર્મલાબેન એ કર્યા પણ વાત હાથ બહાર જતી રહી અને દારૂ અને જુગારની લતે નારાયણભાઈનું વસાવેલું ઘર અને રૂપિયા બધાની બરબાદી કરી નાખી. જે નિર્મલાબેનના લાડકોડ અને વ્હાલથી ઉછેરેલા દીકરાના લીધે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને એનો ભોગ આખો પરિવાર બનશે એવી કલ્પના પણ ન હતી. જે મોભા, માનથી સંસ્કારી ઘરની નારી થઈ જીવ્યા આજે ઘડપણે ઈશ્વર આખી જિંદગીની પરીક્ષા લેવા તૈયાર થયો છે એમ લાગ્યું.

"છેવટે કાચું પાકું નાનું ઓરડી જેવું મકાન બાંધી રહેવાના દહાડા આવ્યા. એ દરમ્યાન ખુશી દસ વર્ષની હતી. સુલોચના ભાભીના મૃત્યુને આઠ વર્ષ વીતી ગયા.આ વર્ષોમાં જે બાકી બચેલા જીવની ભૂંડી દશા થઈ હતી. ઓરડી જેવા મકાનમાં ધાન પણ ન હતું. હવે રોજ કમાવો, મજૂરી કરો, રોજ ખાવો. શરીર પર પહેરવા માટે વસ્ત્ર પણ જુના ફાટેલા હતા. દારૂના નશામાં આવી સંદીપ રોજ હેરાન કરે, ગાળો બોલે અને પીવાના પૈસા માંગે. છેવટે સંદીપનું લીવર દારૂના લીધે ખરાબ થઈ ગયું અને સંદીપનું આડત્રીસ વર્ષની નાની વયે મૃત્યુ થયું. આ વખતે ખુશી બાર વર્ષની હતી. અને એને થોડી ઘણી સમજ પડતી હતી કે શું થઈ રહ્યું છે અને કેવી વિકટ પરિસ્થિતિમાં જીવે છે. નિર્મલાબેન તો ભાંગી પડ્યા હતા. માં માટે જિંદગીની સૌથી ખરાબ ઘટના પોતાના જીવતે દીકરાનું અવસાન થવું. ઈશ્વરે પતિ, દિકરો-વહુ છીનવી લીધા અને છેવટે એક નિર્દોષ, માસૂમ જીવને સાચવવાની જવાબદારી આ વૃદ્ધાવસ્થાને સોંપી દીધી.જે આખી જિંદગી કમાવા ઘરમાંથી બહાર ન ગયા. એમને ઘડપણે દીકરાની દીકરીના જીવન માટે કમાવા જવાના દહાડા આવ્યા. નિસ્વાર્થ બની જીવનભર જીવ્યા તે છતાં દરવખતે જિંદગી નવી બાજી સાથે હુકમના પાનાં ખોલતી રહી અને એ દર બાજીમાં નિર્મલાબેનની હાર હતી. પણ હારને માત આપે તેવો જુસ્સો અને મહેનત કરવાનો મજબૂત ઈરાદો હતો. આવકના સ્ત્રોત માટે છેવટે મેં એમને મારા ગલ્લા આગળ ફળોની લારી કરી આપી. જેથી પોતે ફળો વેચીને તો ખુશી અને તેમનું ભરણપોષણ કરી શકે. છેલ્લા અઠવાડિયાથી નિર્મલાબેનને તાવ આવ્યો હોવાના લીધે લારી બંધ છે."

આ વાત સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ. ત્યારે ખબર પડી કે એ વૃદ્ધાના અવાજમાં એવી મીઠાશભરી મધુર વાણી અને કેટકેટલા આશીર્વાદ વચનો હતા. આટલા કપરા જિંદગીના સંજોગો વચ્ચે ફરી હાથપગ ચલાવી અને ઈજ્જતથી જિંદગી જીવવવાની ખુમારી જે એક પુરુષને પાછળ પાડી દે એવી નિર્મલાબેનમાં હતી.

મુખ પર સહેજ પણ કરુણા નહિ. કોઈના દયાભાવ પર જીવવાની આશા નહીં. મહેનત કરી અને હકનું લેવાનું. સાચેજ જે મેં એમની વાત સાંભળી તે પરથી લાગ્યું કે જીવનના કોઈ પડાવ પર જરાય વચલિત થયા વિના બસ જે બન્યું એનો સ્વીકાર કરી અનેક પડકારો ને માત આપતા રહ્યા છે.

અને આ વિચારો દિમાગમાં ફરતા લઈ હું બાઈક ચાલુ કરી ઘર તરફ ગયો. હવે દરેક વેળા ફળો નિર્મલાબેનની પાસેથી ખરીદવાનો નિર્ણય કર્યો. સાચેજ મને તેમની આપેલી કેરીનો અને મુખેથી નીકળેલા આશીર્વાદનો સ્વાદ જ એમના જીવનની ભીતરતા તરફ ખેંચી ગયો.

હવે જેમ જેમ ખુશી મોટી થતી જાય છે એમ તેમની ચિંતા બહુ વધતી જાય છે કે મારા ગયા પછી ખુશીનું કોણ છે અહીંયા ? દર રાત એમને ફરી નવા દિવસમાં અને ભવિષ્યમાં આવનાર પડકાર તરફ લઈ જાય છે એટલે જ... રાતની શાંતિમાં ઘડિયાળની ટક ટક....


Rate this content
Log in

Similar gujarati story from Inspirational