મૌનનો મહિમા.
મૌનનો મહિમા.
મૌનનો મહિમા.
સમરસર ગામ…નાનું, પણ હૃદયથી વિશાળ.દર વર્ષે અહીં “દિવાસો” ઉજવાતો, દિવસો એટલે દિવાળીના સો દિવસ પહેલાનો એ ખાસ દિવસ. સાંજ પડતા જ આખું ગામ દીવડાંના અજવાળે ઝળહળી ઊઠતું. શેરીઓમાં રંગોળી ખીલે, ઢોલ-નગારાં ગૂંજતા, અને વૃદ્ધોના ભજનમાં ભક્તિનો સ્વર તરતો.
એ દિવસે, સમરસર માત્ર ગામ નહોતું રહેતું, પરંતુ એ એક પરિવાર બની જતું.
આ જ ઉજવણીમાં, એક ખૂણે શાંતિથી ઊભો રહેતો હસમુખ.
ગામનો “મૂંગો છોકરો”.
એની પાસે શબ્દો નહોતા…
પણ એની આંખોમાં હંમેશા ઉત્સવ ઝળહળતો .
ગામ નાં લોકો હસતા, ગાતા—અને હસમુખ, તે આનંદ મૌનમાં બધું જીવી લેતો.
જાણે એની અંદર પણ કોઈ સંગીત વાગતું હોય… નિઃશબ્દ રહેવું એ એનું કિસ્મત હતું..
પણ એ જ રાત્રે—
અચાનક એક બૂમ ગુંજી ઊઠી.
“મુખીના ઘેર ચોરી થઇ!”
સૌનું હાસ્ય અટકી ગયું. ઢોલ શાંત થઈ ગયા.ગામ મા ચોરી નો પહેલો બનાવ હતો.આનંદના દીવડાંમાં અચાનક શંકાની છાંયા છવાઈ ગઈ.થોડીક જ પળોમાં, શંકાની આંગળી એક જ વ્યક્તિ તરફ વળી— હીરજી જે દરજી હતો .
“એજ છેલ્લો મુખી ની મેડીએ ગયો હતો!”
“એ જ હશે ચોર!”
બૂમો ઉઠવા લાગ્યા.હીરજીના ચહેરા પર ગભરાટ અને અપમાન છલકાતું હતું.
“હું નિર્દોષ છું…”—એ બોલતો રહ્યો.પણ ભીડને સત્ય નહીં, પારકી પંચાત વધુ ગમે. બધા મુખી બની ગયા.
હસમુખ બધું જોઈ રહ્યો હતો.
એની આંખોમાં આંધી મંડરાવા લાગી.એ જાણતો હતો સત્ય…શું છે. તેણે મુખી નાં જમાઈ ને પૈસાની થેલી મંદિર ની પાછળ સંતાડતા જોયો હતો.
પણ વર્ષોથી બંધ પડેલી વાણી—કેવી રીતે ખૂલે?
ભીડ હીરજીને પકડવા આગળ વધી…
અને એ જ ક્ષણે—
હસમુખના હોઠો ધ્રૂજ્યા.
વર્ષો પછી…
પહેલી વાર અવાજ નીકળ્યો—
“હીરજી ચોર નથી!”
ગામ સ્થબ્ધ.
ઢોલથી પણ મોટો અવાજ—એક વર્ષો થી મૌનિયો રહેલો, હસમુખ આજે પહેલી વાર બોલ્યો!
તે ધીમે ધીમે આગળ વધ્યો.
કંપતા શબ્દોમાં એણે આખી ઘટના કહી—
કેવી રીતે એણે પોતાની આંખે જોયું હતું…
કે ચોર બીજો કોઈ નહોતો—મુખીનો ઘરજમાઈ, લાલચમાં અંધ બન્યો માણસ.
સત્ય બહાર આવ્યું.
હીરજી મુક્ત થયો.
મુખી હસમુખના પગે પડી ગયો “તારું મૌન તારા માટે કદાચ અભિશાપ હશે…
પણ તારી વાણી આજે ગામનો ન્યાય બની.”
હસમુખ ફરી શાંત થઈ ગયો.
જાણે એ અવાજ માત્ર સત્ય માટે જ જન્મ્યો હતો.
વર્ષો વીતી ગયા…
ફરી એક “દિવાસો” આવ્યો.
ફરી દીવડાં ઝળહળ્યા… ફરી ખુશી છવાઈ…
પણ અચાનક—ચોરાહે લગાવેલી મોટી દીવડી ઢળી પડી.
અગ્નિ ચમકી ઊઠી.
પળવારમાં જ જ્વાળાઓ ફેલાઈ ગઈ.
“આગ! આગ!”
લોકો ગભરાઈ ગયા.
કોઈ દોડતું, કોઈ બૂમ પાડતું—
પરંતુ કોઈને દિશા નહોતી સમજાતી .
હસમુખે હાથથી ઈશારો કર્યો—લોકો પાણી તરફ દોડ્યા !
પણ ભય એટલો મોટો હતો કે હસમુખને કોઈ સમજ્યું નહીં.
એના હોઠો ફરી ધ્રૂજ્યા…
અને અવાજ ફૂટી નીકળ્યો—
“બાળકોને પહેલા બચાવો!”
આ એક વાક્યે દિશા આપી.
લોકો જાગ્યા.
બાળકોને બહાર કાઢવામાં આવ્યા.
સાથે પાણીની ગાગરીઓ દોડી…
અને આગ ધીમે ધીમે બુઝાઈ ગઈ.
ફરી એકવાર—મૌન તૂટ્યું, અને ગામ બચી ગયું.
આ હસમુખના મૌન પાછળ એક ઊંડું દુઃખ છુપાયેલું હતું…
વર્ષો પહેલાં—
એ નાનો હતો.
એક દુર્ઘટના…ગામની નદીએ
પાણીનો ગાંડો પ્રવાહ…
અને એની આંખો સામે—એના પિતા વહેતા તણાઈ ગયા.
હસમુખ ગભરાઈ ગયો, મદદ માટે બૂમ પાડવા માંગતો હતો…
પણ અવાજ બહાર આવ્યો નહીં.
એ ક્ષણે,
એની વાણી જ નહીં—એનો વિશ્વાસ પણ તૂટી ગયો હતો .
અને એ દિવસથી—એ મૌન બની ગયો.
એક દિવસ, સમરસરના પાદરે આવેલા કુવામાંથી બૂમ આવી. તેણે જોયું તો
એક વૃદ્ધ સ્ત્રી અંદર પડી ગઈ હતી !
લોકો દોડ્યા… પણ કોઈ એ કુવામાં ઉત્તરવાની હિમ્મત ન કરી.
ગામ લોકોમા ગભરાટ ફરી છવાયો.હસમુખ આગળ વધ્યો.
આંખોમાં જૂની યાદો ફરી જીવંત થઈ.આ વખતે—એને કોઈને મદદ માટે પોકાર ન કર્યો.
એ ખુદ કુવામાં ઉતરી ગયો.
પાણીમાં સંઘર્ષ કર્યો…
અને સ્ત્રીને બહાર લઈ આવ્યો.
બહાર આવી,એણે પહેલી વાર નિર્ભય અવાજમાં કહ્યું:
“એને પાણી આપો!”
સ્ત્રી બચી ગઈ.
ગામ ફરી આનંદમાં ડૂબી ગયું…
પણ આ વખતે, હસમુખ શાંત રહ્યો નહીં.
એણે ધીમે કહ્યું.
“મારી વાણી… એ દિવસે ખોવાઈ ગઈ હતી…
જ્યારે હું મારા પિતાને બચાવી શક્યો નહોતો.”
ગામ નિઃશબ્દ થઈ ગયું.
મુખી આગળ આવ્યો.
“હસમુખ… તું નિષ્ફળ નથી.
તું એ દુઃખમાંથી ઊભો થયો છે.
એટલેજ આજે તું બીજાને બચાવે છે.
તારું મૌન પણ અમને શીખવે છે…
અને તારી વાણી અમને જીવાડે છે.”
એ રાત્રે—
સમરસરના ચોરાહે દીવડાં શાંતિથી ઝળહળતા હતા.
લોકો હસતા… વાતો કરતા…
સમય વહેતો રહ્યો.
અને હસમુખ?
એ ફરી મૌન હતો.
પણ આ વખતે,
એ મૌનમાં ડર નહોતો…
કે હવે કોઈ અપરાધનો ભાર નહોતો…
એમાં એક શાંત શક્તિ હતી.
જાણે એ કહી રહ્યું હોય—
મૌન ક્યારેય નબળું નથી…
એ તો ત્યારે બોલે છે.
જ્યારે સત્યને અવાજની જરૂર હોય.
