Dina Vachharajani

Inspirational Thriller

4.3  

Dina Vachharajani

Inspirational Thriller

માતૃત્વ

માતૃત્વ

3 mins
23.7K


નાની ગંગા ડૂસકે-ડૂસકે રડતી હતી. એનાં ઘરમાં ગામનાં પંચ સહિત થોડા લોકો એકઠાં થયાં હતાં. અંદર અંદર ચળભળાટ થતો હતો પણ વાતનો તોડ કેમ કાઢવો એ પ્રશ્ન સૌને હતો. 'ગંગા ' ત્રણેક વરસની આ બાળકી આજે સાવ અનાથ થઈ ગઈ હતી. એના ખેડૂત મા-બાપે દેવું થઈ જતા આત્મહત્યા કરી હતી. એમનું નજીકનું કોઈ સગુસબંધી પણ નહોતું. હા! કરસન હતો જે એમનો દૂરનો સગો થતો હતો. કરસન તો ઠીક,પણ એની પત્ની કાશીને ગામ આખું ઓળખતું હતું. આઘેડ વયે પહોંચી હોવા છતાં એનામાં જરા પણ ઠરેલ પણું નહોતું. એકદમ કર્કશ અને શુષ્ક એવા એના સ્વભાવ ને કારણે સૌ એનાથી ડરતાં. મોટાઓ તો એનાથી સો ગજ દૂર જ રહેતાં. નાનાં છોકરાં પણ રમતા રમતા એનાં આંગણામાં બોલ જાય તો બોલ જતો કરતાં પણ ત્યાં પાછો લેવા ન જતાં!!. હવે આવામાં એ લોકો ગંગાને સાચવે એ શક્ય જ નહોતું. પણ કોઈ અનાથાશ્રમની વ્યવસ્થા થાય ત્યાં સુધી શું કરવું?

અનેક આશા ને ઠપકા ભરી નજર કરસન તરફ મંડાયેલી હતી. અંતે પંચે ઠરાવ્યું કે કરસન દૂરનાં નાતે ગંગાનો સગો છે,આ જવાબદારી એમની જ ગણાય. કરસન પાસે કોઈ ઉપાય નહોતો એટલે ના છૂટકે બાળકીને ઉંચકી,એણે ઘર તરફ જવા માંડ્યું. કાશીના વિચારે એનો જીવ ફફડતો હતો. પોતાને સંતાન ન હોવાને કારણે નાના બાળકને ઉંચકવાનો આ પ્રથમ અનુભવ. મણમણનો ભાર ઉંચકનાર ખેડૂતને આ બાળકીનો જાણે મોટો બોજો લાગતો હોય તેમ ધીમે ડગલે એ ધર તરફ જઈ રહ્યો હતો. થોડીવારમાં ગંગા શાંત થઈ એના ખભે માથું ઢાળી સૂઈ ગઈ. એના નાનાં હાથ કરસનને ગળે વીંટાઈ ગયાં. આ ક્ષણે કરસનને એક અજબ અનુભવ થયો. . . . બાળકીના શ્વાસ પોતાના લોહીમાં ઓગળતાં હોય એવું એને લાગ્યું. માથું ઝાટકી એણે ઝડપથી ઘર તરફ જવા માંડ્યું.

ધાર્યા પ્રમાણે કાશીએ તો બાળકી ને જોતા જ પોત પ્રકાશવાનું શરૂ કર્યુ. કરસને લાખ સમજાવી કે અનાથઆશ્રમમાં વ્યવસ્થા થાય કે તરત જ એને મૂકી આવવાની છે,પણ વ્યર્થ. . . . કાશીએ તો રાડારાડ કરી મૂકી. થોડીવારે કરસને બાળકીને કંઈક ખવડાવવાનો પ્રયત્ન કર્યો પણ એ તો જાણે જીદ પર ચડી હતી ! રડતાં રડતાં એ તો સૂઈ ગઈ. ત્યાંથી ભાગી છૂટવું હોય તેમ કરસન બહાર નીકળી સીમ તરફ ચાલી ગયો. સાંજ પડતાં ના છૂટકે-ફફડતે જીવે એ ઘર તરફ વળ્યો. . . એણે જોયું કે આંગણામાં બાળકીને બેસાડી,એની પત્ની કાશી,ખવરાવી રહી હતી ! કરસનને જોતાં જ કાશી ઝડપથી ઘરમાં ચાલી ગઈ. કરસન પણ જાણે કંઈ ન જોયું હોય તેમ હાથ-પગ ધોઈ રોજની જેમ જમવા બેસી ગયો.

બીજા દિવસથી પંચે આશ્રમની તપાસ કરવા માંડી. આટલા નાનાં બાળકને રાખે તેવી જગ્યા મળવી મુશ્કેલ હતી. આમ ને આમ પાંચ-છ દિવસ વીતી ગયાં. આખરે દૂરનાં એક ગામનાં આશ્રમમાં ગંગા ને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. બીજે દિવસે પંચના બે-ચાર જણ સવારની બસમાં નીકળી ગંગાને મૂકી આવે એવું નક્કી થયું. વળતી સવારે ગામલોકોને જોતાં જ કાશીએ છણકો કરી ગંગાને આંગણામાં ધકેલી. પાંચ છ દિવસથી કાશીની હેવાઈ થઈ ગયેલી ગંગાએ જોરજોરથી રડવા માંડ્યું. હવે આ રડતી બાળકીને કઈ રીતે લઈ જવી? કાશીને તો તાવ આવ્યો હતો, એનાથી તો નીકળાય એમ હતું જ નહીં. આખરે થાકી-હારી સૌ એ નક્કી કર્યું કે બે ત્રણ દિવસ પછી કાશીને ઠીક થતાં એને પણ સાથે લઈ ગંગાને આશ્રમમાં મૂકી આવવી. હવે બીજા થોડા દિવસ આ જવાબદારી ઉઠાવે છૂટકો જ નહોતો.

બીજે દિવસે બપોરનો સમય હતો. કરસન ખેતરેથી ઘરે જમવા આવ્યો ત્યારે. . . . . કાશી ગંગાની સાથે કાલીધેલી ભાષામાં વાત કરતાં કરતાં ખુલ્લા દિલે હસી રહી હતી !! વર્ષો પછી પત્નીના ચહેરા પર હાસ્ય જોતાં કરસનના મનમાં એક અતૃપ્ત ઈચ્છા જાગી ઉઠી. . . કાશીના સ્વભાવનો ખ્યાલ આવતાં એણે ઈચ્છા ને ઉગતી જ દબાવી દીધી.

આમ જ બીજા ત્રણ દિવસ પસાર થઈ ગયાં. ચોથે દિવસે સવારના કાશીને લઈ સર્વએ અનાથઆશ્રમ માટે નીકળવું એવું નક્કી હતું. આગલી રાત્રે જ કાશીની તબિયત પાછી અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ. . હવે?? . . કરસને પંચને સંદેશો મોકલ્યો કે કાશીને ઠીક થયે,ગંગાને આશ્રમમાં મૂકવા જવાનો યોગ્ય સમય એ જણાવશે. . ,

પણ. . . . . આજ સુધી આ સમય આવ્યો નથી ! લાગે છે માતૃત્વ પાસે સમયની હાર થઈ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational