Niranjan Mehta

Drama Inspirational

5.0  

Niranjan Mehta

Drama Inspirational

માતૃદિન

માતૃદિન

6 mins
663



માતૃદિન નિમિત્તે કન્યાશાળાની વિદ્યાર્થીનીઓને મા પર નિબંધ લખવા કહ્યું હતું. ધોરણ આઠમામાં ભણતી સ્નેહાનો નિબંધ જ્યારે તેની વર્ગશિક્ષિકાએ વાંચ્યો ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા. તરત જ તે શાળાના પ્રિન્સિપલ સાહેબા પાસે ગઈ અને તેમને તે નિબંધ વંચાવ્યો. વાંચ્યા બાદ તેમની આંખમાંથી પણ આંસુ નીકળી આવ્યા. ત્યારબાદ તેમણે શાળાના ટ્રસ્ટીને ફોન કરી કહ્યું કે માતૃદિન નિમિત્તેના શાળાના સમારંભ માટે મુખ્ય અતિથિ મળી ગયા છે. સામેથી પ્રશ્ન થયો કે કોણ છે? કોઈ મિનિસ્ટર, કોઈ ફિલ્મ હસ્તી કે અન્ય? જવાબમાં તેમણે કહ્યું કે તેમાંથી કોઈ નથી. પણ કોણ છે તે હું તમને હમણાં નહીં પણ કાલે જણાવીશ.


તેમણે વર્ગશિક્ષિકાને કહ્યું કે સ્નેહાને બોલાવો. .

જ્યારે સ્નેહાએ જાણ્યું કે પ્રિન્સિપલ સાહેબા તેને બોલાવે છે અને તે પણ તેના નિબંધના સંદર્ભમાં, તો તે થોડીક ગભરાઈ કે મેં કશુક અજુગતું લખ્યું છે? પણ જવું તો પડે એટલે પ્રિન્સિપલ સાહેબાની ઓફિસે ગઈ અને વિનયથી અંદર આવવાની રજા માંગી. રજા મળતા ધીમે પગલે તે દાખલ થઇ અને અદબથી ઊભી રહી.

‘આ નિબંધ તે લખ્યો છે?’

‘હા મેડમ, પણ જો કોઈ ખોટું હોય તો હું માફી માંગુ છું,’

‘ના સ્નેહા, કશું ખોટું નથી. ઉલટાનું આ એક ઉત્તમ નિબંધ છે. પણ મેં તને આ કહેવા નથી બોલાવી. તને ખબર છે કે આવતી કાલે માતૃદિન નિમિત્તે આપણી શાળામાં એક સમારંભ યોજાયો છે. તેમાં તારે તારા પિતાને લઈને આવવાનું છે. હા, જરા સુઘડ વસ્ત્રોમાં આવે તો સારું.’

‘હું કાંઈ સમજી નહી. મારા પિતાજીને કેમ બોલાવો છો?’

‘તે તને કાલે સમજાશે. તારા પિતાને પણ કહેજે કે મેં ખાસ આવવા કહ્યું છે.’


સ્નેહાએ ઘરે જઈ તેના પિતાને વાત કરી તો તેના પિતાએ કહ્યું કે મને સમારંભમાં શા માટે બોલવ્યો છે? સ્નેહાએ કહ્યું કે તેની મને ખબર નથી પણ જવું જરૂરી છે. મારા એક નિબંધના સંદર્ભમાં આમ હશે. તેના પિતા અભણ હોઈ નિબંધ શું તેની જાણકારી ન હતી પણ મેડમે જાતે ખાસ આવવા કહ્યું છે તો જવું જ પડશે માની તૈયાર થયા.

બીજે દિવસે જ્યારે સ્નેહા તેના પિતાને લઈને શાળાએ આવી ત્યારે દરવાજે મેડમ અને તેના વર્ગશિક્ષકા ઊભા હતાં. તેમણે સ્નેહાના પિતાને હાથ જોડી વંદન કર્યા અને કહ્યું કે આપ મારી સાથે આવો. અચકાતા અચકાતા તે મેડમની પાછળ દોરવાયા. જયારે મેડમે તેમને મંચ પર લઇ જવા માંડ્યું ત્યારે તે ઊભા રહી ગયા અને બોલ્યા, ‘મેડમ, ત્યાં મારું સ્થાન ન હોય. હું તો એક અદનો આદમી, મને આવા માનપાન ન હોય.’


‘કનુભાઈ, તમને આ માનપાન મળે છે તે તમારી દીકરીને આભારી છે.’

‘હું કશું સમજ્યો નહીં. મેં તો સ્નેહાને ચોખ્ખી નાં પાડી હતી કે મારે નથી આવવું પણ તમારો હુકમ છે એમ કહ્યું એટલે આવ્યો તો ખરો પણ મંચ ઉપર મારૂં સ્થાન ન હોય.’

‘અક્ળાવ નહીં. હું જે કરૂં છું તે સમજી વિચારીને કરૂં છું. ચાલો મારી સાથે.’


મંચ ઉપર સ્થિત ટ્રસ્ટી સાથે તેમની ઓળખાણ કરાવી. હજી પણ ટ્રસ્ટીને પૂરી ખબર ન હતી કે આ અજાણ અતિથિવિશેષ કોણ છે. જયારે તેમણે મેડમને સવારે પૂછ્યું હતું ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે તે એક વિદ્યાર્થીનીના પિતા છે અને તે એક અનન્ય વ્યક્તિ છે એટલે તેમને આજે અતિથિવિશેષ તરીકે આમંત્ર્યા છે. સમારંભમાં બધો ખુલાસો કરીશ.

સમય થતાં પ્રિન્સિપલ સાહેબાએ ઊભા થઇ સભાની શરૂઆત કરી.


‘માનનીય ટ્રસ્ટીસાહેબ, શિક્ષક્ગણ અને વિદ્યાર્થીનીઓ. આજના સમારંભમાં અતિથિવિશેષને જોઈ તમને નવાઈ થશે કે આ વ્યક્તિ જે આ શાળામાં માળીનું કામ કરે છે તે આ સ્થાને? હા, આ માળી એક એવી વ્યક્તિ છે કે આજે અહીં આવી આ સ્થાન ઉપર બેઠા તે આપણી શાળાનું ગૌરવ ગણાય.

‘તમે બધા ભલે તેને માળી તરીકે ઓળખાતા હો પણ બહુ ઓછા તેમને આપણી શાળામાં આઠમા ધોરણમાં ભણતી સ્નેહાના પિતા તરીકે જાણે છે.’

આટલું કહી તેમણે સ્નેહાને કહ્યું કે તે મંચ ઉપર આવે. સ્નેહા અચકાતા અચકાતા મંચ ઉપર આવી. પ્રિન્સિપલ સાહેબાએ આગળ વધતાં કહ્યું કે, ‘તમે સૌ જાણો છો કે તમને બધાને મા વિષે એક નિબંધ લખવા કહ્યું હતું. જ્યારે સ્નેહાના વર્ગશિક્ષિકાએ સ્નેહાએ લખેલો નિબંધ વાંચ્યો ત્યારે તે અવાચક થઇ ગયા અને તે નિબંધ લઇ મારી પાસે આવ્યા. જ્યારે મેં તે નિબંધ વાંચ્યો ત્યારે મારી આંખમાંથી આંસુ નીકળી આવ્યા. તે નિબંધ વિષે હું વધુ કાંઈ ન કહેતા સ્નેહાને તમારી સમક્ષ તે વાંચી સંભળાવવા કહું છું.’ આમ કહી તેમણે સ્નેહાના હાથમાં તેનો નિબંધ મુક્યો.


એક મિનિટ તો સ્નેહા કાંઈ બોલી ન શકી કારણ આ બધું અચાનક બન્યું અને તે માટે તે તૈયાર ન હતી. મેડમે જયારે તેના ખભે હાથ મૂકી સંકોચ વગર વાંચવા કહ્યું ત્યારે તેનામાં થોડી હિંમત આવી અને નિબંધ વાંચવાનું શરૂ કર્યું.

‘જ્યારે માતૃદિન નિમિત્તે બધાને નિબંધ લખવા કહ્યું હતું ત્યારે હું વિચારતી કે હું કેવી રીતે લખું? મારી જનેતા તો મને જન્મ આપ્યા બાદ તરત જ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તો હું કોના વિષે લખું?


‘હું એક ગામડામાંથી આવું છું. જ્યાં કોઈ પ્રકારની ચિકિત્સાની સગવડ ન હતી. મોટી માંદગીમાં અમારે દૂરના ગામે જવું પડતું. આને કારણે કેટલીયે સ્ત્રીઓ પ્રસુતિ દરમિયાન મૃત્યુ પામતી જેમાં મારી મા પણ હતી. પ્રસુતિ બાદ તે એટલી અશક્ત હતી કે મને તેના હાથમાં પણ ન લઇ શકી. મને પહેલા ઉચકનાર મારા પિતા હતાં. કદાચ તેમાના સિવાય કોઈ અન્યએ મને ઉચકી હોય તેમ હું નથી માનતી.

સમજણી થઇ ત્યારે મેં જાણ્યું કે મારા પિતાને બીજા લગ્ન કરવાનું કહેવામાં આવ્યું હતું કારણ ગામમાં તે સામાન્ય હતું. મારો ઉછેર પણ કરવાનો હતો. પણ તેમણે ચોખ્ખી નાં પાડી, મારા દાદા-દાદીએ તેમને બધી રીતે સમજાવવા પ્રયત્નો કર્યા પણ તે ટસના મસ ન થયા. મૂળ કારણ મારા દાદાને એક પૌત્ર જોઈતો હતો જેથી તેમનો વંશ ચાલુ રહે.


બહુ દબાણ થતાં તેઓ બધું છોડીને ત્યાંથી ચાલી નીકળ્યા. મારા દાદા પાસે જમીન, એક સુંદર ઘર અને પશુધન હતું જેને કારણે તેઓ ગામના શેઠ કહેવાતા. આ બધું મારા પિતાને વારસામાં મળવાનું હતું પણ તે બધાનો ત્યાગ કરીને તે મને લઈને આ શહેરમાં આવી પહોંચ્યા. ત્યારે તેમની પાસે કશું ન હતું સિવાય કે હું તેમના હાથમાં. શહેરની મુશ્કેલીઓનો સામનો તેમણે હસતે મુખે કર્યો કારણ મને ભણાવીને લાયક કરવાનું તેમનું સ્વપ્ન હતું. અનેક મુશ્કેલીઓ સામે તે રાતદિવસ ઝઝૂમ્યા તેમ જ મારી સંભાળ રાખી અને મને પ્રેમ આપ્યો.


અમારે ઘણીવાર ખાવાના સાંસા હતાં પણ તે સમયે હું નાની છોકરી શું સમજુ? ક્યારેક એક રોટલી હોય તો મને ભૂખ નથી કહી તે રોટલી મને આપી દે. કોઈ અન્ય ચીજ હોય તો આ મને નથી ભાવતી કહી તે પણ મને આપી દે કારણ હું ભૂખી રહું તે તેમનાથી નહોતું જોવાતું અને હું તેમની વાત સાચી માની લઇ બધું ખાઈ જતી. પણ સમજણી થઇ ત્યારે પિતાજીનું આ વર્તન મને સમજાવા લાગ્યું અને ત્યારે થયું કે કેવો ત્યાગ! પોતાની ગુંજાશની બહાર જઈ તેમણે મને બને તેટલી સારી સુખસગવડ આપી છે.


આ શાળાએ તેમને આશ્રય, માન તો આપ્યા છે પણ તેથી પણ ચડિયાતું કાર્ય એટલે મને આ શાળામાં પ્રવેશ આપ્યો. જો પ્રેમ અને સંભાળ જ માતાની વ્યાખ્યા હોય તો તે વ્યાખ્યા મારા પિતાને લાગુ પડે છે અને તેથી તે મારા માટે ઉત્તમ મા છે. કરુણા એ જો માતાનો બીજો પર્યાય હોય તો મારા પિતાને પણ તે લાગુ પડે છે. જો ત્યાગ માતાનો ગુણ ગણાય તો મારા પિતા માટે પણ તે એકદમ બંધ બેસે છે. મારા પિતા આ જગતની સર્વશ્રેષ્ઠ મા છે.


માતૃદિનનાં સંદર્ભમાં ગર્વ સાથે કહું છું કે આ શાળામાં મહેનત કરનાર માળી મારા પિતા છે. પણ ન કેવળ આપણી શાળાના પણ મારી જિંદગીના ઉદ્યાનના પણ તે એક ઉત્તમ માળી છે. મારો આ નિબંધ વાંચી તે વિષયથી બહાર ગયો છે માની મારા શિક્ષિકા તેનો સ્વીકાર ન પણ કરે પણ આ મારુ નિખાલસ લખાણ છે અને આ દ્વારા હું મારા પિતાને તેમને હૃદયપૂર્વક વંદન કરૂં છું.

નિબંધ વંચાઈ ગયા બાદ સ્નેહા દોડીને તેના પિતાને વળગી. બાપ-દીકરીની આંખોના વહેતા અશ્રુ તેમના સ્નેહના સાક્ષી બની રહ્યાં. સભાખંડમાં એક મિનિટ સન્નાટો છવાઈ ગયો અને પછી આખો ખંડ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો.

(વોટ્સએપ પર વાંચેલ અંગ્રેજી સંદેશનો ભાવાનુવાદ)


Rate this content
Log in

Similar gujarati story from Drama