માતૃભાષા
માતૃભાષા
એક કાકા ગામડેથી પહેલીવાર ટ્રેનમાં બેસીને દક્ષિણ ભારતનાં પ્રવાસે જવાં નીકળ્યા. દક્ષિણ પંથકની મલયાલમ ભાષા આવડે નહી, અને ગુજરાતી કોઈ કામની નહીં. હવે સામાન્ય બાબતો તો સહું કોઈ સમજી જાય જેમ કે પાણી પીવું, ખાવું વગેરે. જે ઈશારાથી પણ સમજી શકાય.
કાકાને હવે બીડી પીવાની તલબ લાગી. હવે દુકાને જઈને બીડીને શોધવાનો પ્રયત્ન તો કર્યો પણ દેખાઈ નહિ. હવે,કાકા કેમ કરીને માંગે ?એમને બે આંગળીઓ હોઠ સામે ચૂમીને બીડી દેખાડવાનો પ્રયાસ કર્યો પણ દુકાનદાર બરોબર સમજી ના શક્યો.
કાકાની પાસે કોઈ ઉપાય નહોતો.પણ તેને બીડીનાં દર્શન થઈ ગયાં. રસ્તામાં એક ભાઈ બીડી પીતો પીતો જઈ રહ્યો હતો. કાકા દોડતાં તેની પાસે ગયાં અને ઈ
શારાથી બીડી માંગી. પણ તે માણસે કાકાને બીડી ના આપી અને પાગલ સમજ્યા.
કાકા હવે શું કરે ? કાકાએ પછી તો રસ્તા વચ્ચે જ જોરથી જોરથી બૂમો પાડી ને રડવાનો ઢોંગ કરવાનું ચાલુ કર્યુ. અને બૂમબરાડા પાડીને , "ઓ માડી રે, ઓ બાપા રે" કહેવાનું શરૂ કર્યુ. રસ્તે જતાં સૌ ભેગાં થઈ ગયાં. બધાએ તેમને તેમની ભાષામાં છાનાં રાખવાનો પ્રયાસ કર્યો. અને કોઇએ જઈને પાણી આપ્યુ ને એક ભાઈ દિલાસો આપવાં બીડી ફુંકતાં ફૂંકતા નીચે બેસ્યા.
કાકાએ ચપળતાથી પછી બીડી પડાવી અને પેલા ભાઈએ સળગાવીને પણ આપી. અને પછી... 'એ'ય રૂડી બીડીનાં કાંઈ ચૂસકાં લીધાં !'
વાત એટલી અમસ્તી જ પણ જરૂરીયાત પૂરી કરવા અંતે માતૃભાષા ગુજરાતી જ કામ આવી.