Kanala Dharmendra

Inspirational

3  

Kanala Dharmendra

Inspirational

મારૂ જીવન: મારી પસંદગી

મારૂ જીવન: મારી પસંદગી

4 mins
424


વર્ગખંડમાં છોકરીઓ તો રડવા લાગી. ટી. વાય.બીએનું કંપલસરી ઇંગ્લિશનું પેપર હતું. ડ્રોપ ટેઈકર્સ એવા ત્રીસ છોકરાં-છોકરીઓને ઓલ્ડ કોર્સની પરીક્ષા દેવાની હતી. આટલાં બધાં ડ્રોપ ટેઈકર્સ હોવાનું કારણ એ હતું કે સાવરકુંડલા ગામ ભાવનગર જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં ટ્રાન્સફર થયું હતું. જિલ્લો બદલાતાં યુનિવર્સિટી અધવચ્ચે બદલી અને તેથી ટી.વાય.બી.એ.માં વરસ અડધું પૂર્ણ થયા પછી કોર્સ બદલ્યો. એના પરિણામે હોશિયાર વિદ્યાર્થીઓએ ડ્રોપ લેવાનું પસંદ કર્યું. બીજા વર્ષે પાછો કોર્સ બદલ્યો હતો.

પણ પેલા ડ્રોપ લીધેલાં વિદ્યાર્થીઓએ તો પેલા વચ્ચેથી બદલાયેલા કોર્સની જ પરીક્ષા આપવાની હોય માટે એમણે એ જ પેપરની તૈયારી કરી હતી. પરીક્ષાના દિવસે તેમને જુના કોર્સના બદલે નવા કોર્સનું પેપર આવ્યું. હવે શું કરવું? તાત્કાલિક તો આંદોલન કરીએ તો પણ બીજું વર્ષ બગડે. બહેરા કાને કોઈ વાત પહોંચે નહીં. જેને એ પણ જાણ કરવાની તસ્દી ના લીધી હોય કે વિદ્યાર્થીઓને નવા પેપર આવશે એ ન્યાય તો શું કરી શકે? પ્રિન્સિપાલ આવીને ચોરીની લલચામણી ઓફર એમની છટકબારી માટે કરી ગયા. કેટલાક લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો. કેટલાક રડતાં હતા. કેટલાક આંદોલનનું નક્કી કરતા હતા. મેં બધાને સમજાવ્યું કે,"આ પેપરમાં પચાસ માર્કસનું વ્યાકરણ કોમન છે એ તો આપણને આવડે જ. પરીક્ષા આપી દો પછી શું કરવું એ વિચારીએ. " કેટલાક લોકોએ મારી વાત માની. પરીક્ષા પૂર્ણ થયે પ્રિન્સિપાલ પાસે ગયા. એમને એ પણ ખ્યાલ નહોતો કે આવતીકાલે કેવી રીતે પેપર આવશે! બીજા દિવસે જુના પેપરના ત્રણ અને નવા પેપરના ત્રણ એમ છ પુસ્તકો વાંચી, રોઈ આખી રાત કાઢી. બીજા દિવસે પણ નવું જ પેપર આવ્યું. ત્રીજા દિવસે પછી નવાં પેપર્સના પુસ્તકો વાંચ્યાં. પણ પાછું પેપર નંબર અગિયાર જૂનું આવ્યું! આ ભયંકર પરિસ્થિતિમાં પરીક્ષા આપી.


પરીક્ષા પૂર્ણ થઈ. બધા ખૂબ રડતાં હતા. મેં નક્કી કર્યું કે આનો બદલો લઈ લઈશ પછી રડીશ. આ અન્યાય બદલ કુલપતિને પત્ર લખ્યો પણ એને તો કાન, નાક, આંખ, હૃદય કે મગજ કશું ક્યાં હતું! આશ્વાસન પણ ના મળ્યું. પરીક્ષા પૂર્ણ થયે મેં કાર્ડ અને ગિફ્ટ આર્ટિકલની દુકાનનું ઉદ્દઘાટન કર્યું. રાત્રે અગાસી પર એકલો બેસી વિચારતો કે હવે જીવનમાં શું કરવું? એકબાજુ મારી સગાઈ થઈ ગયેલી.


પરિણામ આવ્યું. મોટાભાગના ફેઈલ થયાં. બેજ જણ પાસ અને એમાં એક હું અભાગિયો! પુરા 44.45 ટકા આવ્યા! બધા દરવાજા બંધ. એમ.એ. કરવા પણ 45 ટકા જોઈએ. બી એડ તો ભૂલી જ જવાનું.

ઘરે આવ્યો. પરિણામ પપ્પાના હાથમાં મૂક્યું. પપ્પા ક્યારેય કાંઈ જ કહેતા નહીં અને એટલે જ ખૂબ શરમ આવી. પપ્પાએ માથે હાથ મૂકીને એટલું જ કહ્યું, " આ તારું પરિણામ નથી. અમને તારામાં પૂરો વિશ્વાસ છે. પછી તારો જે કાંઈ નિર્ણય હશે એ અમને માન્ય રહેશે." જીવવા માટે માણસને આટલા શબ્દો જ જોઈએ.


મેં જીવવાની અને આગળ ભણવાની તથા જીવનમાં કયારેય નિરાશ ન થવાનાં નિર્ણયની પસંદગી કરી. બિસ્તરા - પોટલાં લઈ હું ઉપડ્યો ભાવનગર. ત્યાં એડમિશન ના મળ્યું. ઘરે પપ્પા કંઈ કહેવાના તો નહોતા જ પણ એમને બીપીની તકલીફ હતી મેં ઘરે કહેવાને બદલે થોડાં વધુ પ્રયત્નો કર્યા. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના ઘરે રોજ સવારે જઈને ઉભું રહેવાનું. એમની કાર નીકળે અને એનું ધ્યાન જાય તો, " મારે ભણવું છે ", આટલું કહેવાનું. ક્યારેક કલાકો સુધી રાહ જોયાં બાદ કોઈ બહાર જ નીકળે. ક્યારેક બહાર નીકળે પણ ઉતાવળમાં હોય તો સામે ન જુએ. એકવીસ દિવસની તપશ્ચર્યા પૂર્ણ થઈ. છેવટે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે કહ્યું, " તને રેગ્યુલરમાં એડમિશન નહી મળે. એક્સટર્નલમાં જોઈન્ટ થઈ જા અને હવે મારા ઘર પાસે ઉભો રહીશ તો હું પોલીસ કેસ કરીશ." બધા હથિયાર હેઠા પડી રહ્યાં હતાં. તો પણ ઘરે ન કહેવાનું અને ઝઝૂમવાનું નક્કી કર્યું. ઘરે તો પાછું એડમિશન લીધા વગર નથી જ જવું એ બીજી પસંદગી કરી. ક્લાસમાં પાછળ કોઈ ના જુએ એમ ભણવા પણ બેસતો. મિત્રોને ખબર પણ હતી કે મને એડમિશન નથી મળ્યું. છેવટે વેલકમ ડેના દિવસે હું રેગ્યુલર વિદ્યાર્થી ન હોવા છતાં બધાને વિનંતી કરીને અંગ્રેજીમાં એક સ્પીચ આપી. કાર્યક્રમ પૂરો થયે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું, "ભણવું હોય તો સ્પોર્ટ્સ ક્વોટામાં એડમિશન આપું પણ તારે સાબિત કરવું પડશે કે તું ખરેખર બ્રાઇટ સ્ટુડન્ટ છો. " ભીની આંખે અત્યંત આભારવશ થઈ મેં પ્રોમિસ આપ્યું. એ વર્ષે ખૂબ મહેનત કરી, પુષ્કળ પ્રવૃતિઓ કરી, ખૂબ પુસ્તકો વાંચ્યાં, ચિક્કાર જીવ્યો. મારા એ બે વર્ષોમાં જીવનને ઉમેર્યું. બે વર્ષના અંતે યુનિવર્સિટી થર્ડ આવ્યો. 64 ટકા સાથે માસ્ટર્સ પૂરું કર્યું. ધ્રોલ બી.એડ. કર્યું. શિક્ષક બન્યો. લગ્ન થયાં. સેંકડો મોટીવેશનલ સેમીનાર્સ કર્યા. ઘણીવાર ઘણા લોકો પૂછે કે તમારુ જીવન કેવું છે, શું છે, તમારી જાતને એક શબ્દમાં વર્ણવો અને હું હસતાં-હસતાં કહું છું- " પસંદગી."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational