મારું રહેઠાણ ક્યાં ?
મારું રહેઠાણ ક્યાં ?
એક મોટું જંગલ હતું. જંગલમાં નાના મોટા ઘણા વૃક્ષો. એ વૃક્ષો પર પક્ષીઓ રહે અને કિલ્લોલ કરે. વૃક્ષો પરના ફળ ખાઈ આખો દિવસ જંગલમાં ફરે. રાત પડે એટલે ઝાડ પર આવી આરામ કરે.
એક દિવસ એક કઠિયારો તે જંગલમાં લાકડા કાપવા માટે ગયો. તે આમ તો રોજ નાનાં નાનાં વૃક્ષો કાપતો હતો. આજે તેને વિચાર આવ્યો કે એક મોટું ઝાડ કાપી લઉં તો થોડા દિવસ મારે ઝાડ કાપવાની માથાકૂટ ન રહે.
આમ વિચારીને તે એક મોટા આંબાના ઝાડ પાસે ગયો. ઝાડ બહુ મોટું છે. ઘણાં લાકડા મળી જશે. તે હાથમાં કુહાડી લઈ આંબા પર ઘા કરવા જાય છે, ત્યાં તો તે ઝાડ પર બેઠા કોયલબેન બોલ્યા,
“ કુહૂ કુહૂ કોયલડી
કાળો કાળો રંગ છે.
ઝાડ અમારું રહેઠાણ જી
તમે એને ન કાપશોજી. ”
કઠિયારો તે સાંભળી બોલ્યો,
“કુહૂ કુહૂ કોયલબેન
નામ મારું કઠિયારો જી
ઝાડ અમારી આજીવિકા છે
એને તો અમે કાપશુ જી”
કોયલબેન મુંઝાય ગયા. હવે શું કરવું ? આ ઝાડ કપાય જશે તો અમે બધા ક્યાં રહેવા જશુ. એણે વિચાર્યું ચાલો ચકલીબેન ને બોલાવી લાવું. તે કંઈક મદદ કરશે. કોયલ બેન તો ચકલીબેનને બોલાવી લાવ્યા.
ચકલી બેન કહે, “ ચીં ચીં ચીં ચીં બોલું હું
ચકીબેન મારું નામ જી
ઝાડ અમારું રહેઠાણ જી
તમે એને નવ કાપશોજી. ”
કઠિયારાએ ફરી તે જ જવાબ આપ્યો,
“ ચીં ચીં ચીં ચીં ચકીબેન
મારું નામ કઠિયારો જી
ઝાડ અમારી આજીવિકા છે
અમે તો એને કાપશુ જી”
ચકલી બેન મુંઝાય ગયા. આ કઠિયારો મારી વાત માનશે નહીં. મોરભાઈને બોલાવું. કદાચ એનાથી કઠિયારો માની જાય. મોરભાઈ આવ્યા અને બોલ્યા,
“ ટેહુક ટેહૂક બોલુ છુ
મોર અમારા નામ જી
ઝાડ અમારું રહેઠાણ જી
એને તમે નવ કાપશો જી. ”
કઠિયારો તો મોરભાઈની વાત પણ ન માન્યો અને એ જ જવાબ આપ્યો,
“ટેહુક ટેહુક મોરભાઈ
નામ મારું કઠિયારો છે
ઝાડ અમારી આજીવિકા જી
એને તો અમે કાપશુ જી”
કોયલબેન, ચકીબેન, મોરભાઈ મુંઝાયા. હવે શુ કરવું ? મોરભાઈ તો ઊડીને કાગડાભાઈ ને બોલાવી લાવ્યા. કાગડાભાઈ કહે,
“કાઉ કાઉ કાગાજી
કાળો કાળો રંગ છે.
ઝાડ અમારું રહેઠાણ છે.
તમે એને નવ કાપશોજી. ”
કઠિયારાએ ફરી એ જ જવાબ આપ્યો,
“કાઉ કાઉ કાગાજી
મારું નામ કઠિયારો જી.
ઝાડ અમારી આજીવિકા જી
એને તો અમે કાપશુ જી. ”
કાગડાભાઈ કહે હવે શું કરવું. કાગડાભાઈ ઊડીને ગયા પોપટભાઈ ને બોલાવી લાવ્યા. પોપટભાઈ બોલ્યા,
“ લીલો લીલો રંગ ને ચાંચ મારી લાલ
પોપટભાઈ મારા નામ જી.
ઝાડ અમારું રહેઠાણ જી
એને તમે નવ કાપશોજી”
કઠિયારા એ ફરી એજ જવાબ આપ્યો. હવે બધા પક્ષીઓ મુંઝાયા. કરવું શું ? બધા પક્ષીઓ કહે હવે કંઈક તો કરવું પડશે. બધા પક્ષીઓ કઠિયારા પાસે ગયા. કાગડાભાઈ બોલ્યા,” તમે કેમ અમારું રહેઠાણ કાપો છો. અમે તો તમને મદદ કરીએ છીએ. અમે તમારા મિત્રો છીએ. આ ઝાડ અમારું રહેઠાણ છે. તમે એને કાપી નાખશો તો અમે ક્યાં રહેવા જશુ.
આ ઝાડ પણ તમને કેટલી મદદ કરે છે. ખાવા માટે મીઠાં મીઠાં ફળ આપે, ધોમ તડકામાં બચવા માટે છાંયડો આપે, ગરમીથી રાહત મેળવવા ઠંડક આપે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય,ખોરાક બનાવવા કાર્બન ડાયોક્સાઈડ નો ઉપયોગ કરી ઓકિસજન આપે,અન્ન ઉત્પાદન કરે, ફર્નિચર આપે. છતાં તમે ઝાડને કાપી નાખો. આવુ કેમ ? શું ઝાડ તમારું મિત્ર નથી ?
કઠિયારાને વાત મગજમાં ઉતરી. એ કહે વાત તમારી સાચી. તમે બધાં આજથી મારા મિત્રો. હું તમારું રહેઠાણ નહી કાપી. કઠિયારો બોલ્યો,
“ કિલ્લોલ કરતા પક્ષીઓ
હું કઠિયારો તમારો મિત્રજી
ઝાડ તમારું રહેઠાણજી
અમે એને નવ કાપીએજી. ”
