Nirali Shah

Comedy Fantasy

4.8  

Nirali Shah

Comedy Fantasy

મારી મંગળ ટૂર

મારી મંગળ ટૂર

3 mins
270


"અરે નાસ્તો વધારે લીધો છે ને ? પછી ત્યાં સરખું જમવાનું ના મળે તો ભૂખ્યા ના રહેવું પડે. !"

પતિદેવે કહ્યું.અને મેં ચેક પણ કર્યું, થેલામાં બિસ્કીટ, ખાખરા, રતલામી સેવ, ટમ ટમ,ચવાણુ,સુખડી, ભાખરવડી, ગાંઠિયા, મઠિયાં, ચકરી ને એવું ઘણું. નાસ્તાની સાથે યાદ કરીને મેં ચોકલેટ્સ અને ચ્યુઇંગમ પણ મૂક્યા. અરે હા, જમ્યા પછી મુખવાસ ખાવાની ટેવ છે મને એટલે પાછો મુખવાસ અને એમાં પણ મીઠો મુખવાસ, વરિયાળી, ધાણાની દાળ, ઇલિયાચી, લવિંગ બધું જ મૂક્યું. કેમેરા અને મોબાઇલને ચાર્જ કરીને તેમના ચાર્જર પણ મૂક્યા. મેં પતિદેવ ને પૂછ્યું,"ત્યાં મચ્છર હશે ?" તેમણે હસીને કહ્યું, "હું પણ તારી જેમ પહેલીવાર જ જઈ રહ્યો છું, અરે આપણી ટૂર જ તો સૌથી પહેલી ટૂર છે મંગળ પરની, એટલે મને તો ખબર નથી અને આપણાથી પહેલા કોઈ ટૂર પર ત્યાં નથી ગયું એટલે પૂછાય એવું પણ નથી. પણ તેમ છતાં તું ઓલઆઉટ કે ગુડ નાઈટ લઈ લેજે." સાંભળ્યું છે કે ત્યાં ગરમી બહુ જ પડે છે એટલે મૈં નાનો પંખો પણ મૂકી દીધો.

બધું પેક થઈ ગયા પછી હું અમારા પડોશી જલ્પાબહેનને અમારી ટૂરના શુભ સમાચાર આપવા માટે ગઈ. "અમે તો કાલે સવારે મંગળની ટૂર પર જઈએ છીએ." એમની તો આંખો જ પહોળી થઈ ગઈ ! એ કહે, "અરે તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા ! ક્યારે બુકિંગ કરાવ્યું ? અમને કહ્યું પણ નહિ ? અમારે પણ બુકિંગ કરાવવું હતું, પણ અમને તો ના મળ્યું." મેં ઠાવકાઈથી કહ્યું, "અમે તો ચાર મહિના પહેલાથી જ, જ્યારથી જાહેરાત આવી હતી ટૂરની ત્યારથી જ બુકિંગ કરાવી દીધું હતું. હવે તો હું ત્યાં જઈને પૃથ્વી ના ફોટા પાડીશ અને તમને આવીને બતાવીશ." જલ્પા બહેને કહ્યું, "ચોક્કસ, પણ તમે જે એજન્ટ મારફતે બુકિંગ કરાવ્યું તેનો તેમનો નંબર આપજો ને.અમારે પણ વહેલામાં વહેલી તકે જવુંજ છે." મેં કહ્યું, "હા, આપીશ પણ ચાર મહિના પછી તમારો નંબર લાગશે,કારણકે ત્યાં સુધીનુ એડવાન્સ બુકિંગ તો થઈ ગયું છે."

અને બસ બીજાજ દિવસે તો અમે મંગળના પ્રવાસે ઉપડ્યા ! અરે, ઘણા બધાને તો અવકાશયાનમાં બેસતા જ ડર લાગતો હતો પણ હું તો જરાય ડરી નહિ.આખરે મંગળ પર પહોંચી ગયા. સારું થયું હું નાસ્તાની સાથે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી લાવી હતી. અહી તો આપણી પૃથ્વી જેવું પાણી નથી મળતું, પાણીમાં ખનિજનો સ્વાદ આવે છે, એટલે થોડું વિચિત્ર લાગે છે. બાપ રે ! કેટલી બધી ગરમી પડે છે, આના કરતાં તો આપણી પૃથ્વી લાખ દરજ્જે સારી છે. ત્યાં બધેજ એરકન્ડિશનર હોય, બાથરૂમમાં પણ, નહિ તો મરી જ જવાય એટલી ગરમી. બીજા દિવસે સાઈટ સીન માટે ગયા, અરે ! આપની પૃથ્વી તો લખોટી જેવડી લાગે છે અહીંથી તો ! હું તો ફોટા પાડવામાં મશગુલ થઈ ગઈને ફોટા પાડતા પાડતા મારો પગ લપસ્યો, અરે ! અરે ! હું તો મંગળ પરથી પડી, કોઈ પકડો મને. અને ધબાક. આંખો ખોલીને જોયું તો પલંગ પરથી નીચે પડી હતી હું ને પતિદેવ મને પૂછી રહ્યા હતા, કે હું કોના ફોટા પાડતી હતી ?

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati story from Comedy