મારી બા
મારી બા


સ્વરા રોજની આદત પ્રમાણે લાયબ્રેરીમાં સૌથી પહેલાં પહોંચી ને મનગમતી બુક લઈને બારી પાસે બેઠી. સ્વરાને જાત-જાતની બુક વાંચવાનો બહુ શોખ. તે રોજ સવારે 8 વાગ્યે લાયબ્રેરી ખૂલે તે પહેલાં જ લાયબ્રેરીની બહાર આંટા મારતી હોય. એક કલાક લાયબ્રેરીમાં કંઈક વાંચ્યા પછી જ તે કોલેજ જતી.
આજે બુક તો લીધી પણ બારીની બહાર તાકતી બેસી રહી. તેને બે દિવસ પહેલાં તેની મમ્મીએ કહેલી નાનીની વાતો યાદ આવી ગઈ.
"હાલતી ચાલતી લાયબ્રેરી એટલે મંછા બા. મમ્મીને અમે બા કહેતાં. આમ તો અમારી બા ધાર્મિક પુસ્તકો સિવાય બીજું કંઈ ક્યારેય સાંભળતા નહિ. તે પણ ક્યારેક જ. ગામમાં કથા હોય ને બાને સમય હોય તો જ જાય. અમે પાંચ ભાઈ-બહેનોનો ઉછેર તો એવી રીતે કર્યો કે અમે દવાખાનું તો ક્યારેય દીઠું જ નહિ. બા હંમેશાં કહેતાં, "છોકરાનો ઉછેર એવો કરીએ કે ક્યારેય ડૉક્ટરનું મોઢું જોવું જ ના પડે."
"આખો દિવસ ચૂસ્તી-સ્ફૂર્તિથી તરબતર જ હોય. ક્યારેય કોઈ કામની ના તો આળસ આવે કે ના તો કંટાળો આવે. ખેતરે ભાત લઈને જાય ત્યારે બાપા કે'તા "ઘડીક પોરો ખાઈને જા, ચાર ખેતર ઠેકીને આવી છે." બા કહેતાં, "બૈરાં માણહને વળી પોરો ખાવાનો નસીબે ક્યાંથી હોય ? લો, હું તો અબઘડી હાલી નીકળું. તમે તમારું ને આ છોરોનું ધ્યોન રાખજો." બાનો જવાબ સાંભળીને કંઈ સમજાતું તો નહિ પણ, અમે ખેતરે રોકાઈ જતાં ને બા લાકડાંનો ભારો માથે ચડાવી વળતાં પગલે ઘર ભણી ચાલી નીકળતી.
"ગજબની ખંતીલી. મહેનત કરવામાં સહેજેય પાછી પાની ના કરે. ક્યારેક હું પૂછી લેતી, "બા, તું આટલો ઉત્સાહ ને ઉમંગ ક્યાંથી લાવે છે ?"
"જે કોમ કરવાનું જ છે એમો વળી આળસ કેવી ? કોઈપણ કોમ મનથી કરીએ એટલે એમો બહુ આનંદ આવે. વળી, કોમનો થાક પણ ના લાગે ને ઉપરથી કામ પૂરું કર્યાંનો હાશકારો અનુભવાય તે જુદો. મનથી કરીએ એટલે કોમ ઝટ પતે." "બાનો જવાબ સાંભળીને થતું ખરેખર એવું હોતું હશે ?"
"બા, કોઈ સ્કૂલમાં નથી ગયા. તો શું થયું ? મારી બા એટલે આખે-આખી એવી યુનિવર્સીટી. જે કોઈ પાસેથી શીખવાનું ના મળે એ મારી બા પાસેથી જાણવા મળે. પચાસ માણસનું રસોડું તો એ ઘડીકમાં કરી નાંખે. ચાકર માટે મોટાં-મોટાં પંદર-વીસ રોટલાં તો એ રોજ ઘડે. અથાણાં, છૂંદા તો કરે જ. પરંતુ મરચાં પણ જાતે જ ખાંડે. જ્યારે પણ બા વિશે વિચારું ત્યારે મને એનામાં એક નવયૌવનને પણ શરમાવે એવી એની ચાલ ને એનાં અવાજમાં છલકાતો ગજબનો આત્મવિશ્વાસ દેખાય."
"આ વેકેશનમાં તો નાની પાસે જઈને એમને જ વાંચવા છે."
"ચોક્કસ જજે. મારો પુસ્તકીયો કીડો. તેનાં અનુભવની વાતો સાંભળીને આખે-આખી લાયબ્રેરી વાંચ્યા જેટલું શીખવા મળશે. સાથે મજા પણ આવશે." સ્વરાની મમ્મી સ્વરાનાં ગાલને હળવેથી થબથબાવતાં બોલી.
"હાય, સ્વરા આજે કોલેજ નથી જવાનું ? ફ્રી પીરીયડ છે કે શું ?" સ્વરાની બહેનપણી બોલી ને સ્વરા વિચારતંદ્રામાંથી બહાર આવી.
ઘડિયાળ તરફ નજર કરી તો નવને પાંચ. "બાપ રે ! આજે તો મિશ્રા સરનું લેક્ચર છે. કોઈ કાળે મિસ કરાય એમ નથી." કહેતી દોડતી લાયબ્રેરીની બહાર નીકળી.