મારા સ્નેહ નું સરનામું....
મારા સ્નેહ નું સરનામું....
આજે મારા દિલની વાત કહી દઉં
થોડી મનમાં છુપાયેલી વાત કહી દઉં,
સમજી શકીશ તું કદાચ મારા શબ્દોને,
શબ્દો પાછળ સંતાયેલી વ્યથા કહી દઉં..
બાળકો પોતાના મનની વાત હંમેશા મા-બાપને કહેતા હોય છે, પણ મા પોતાના મનની વાત એટલી આસનીથી નથી કહી શકતી કોઈને.. દુઃખી હોય તો ભગવાનની પાસે રોઈ લે છે, હું તો ઝગડી પણ લઉં છું બાપા પાસે, ખુશ થાઉં છું તો પણ ભગવાન પાસે રોઈને ભગવાનનો પાડ માની લઉં છું.
એક છોકરીની દુનિયા મા બનતા પહેલા કેટલી મોટી હોય છે એ મારા સિવાય કોણ સમજશે.... પિયરથી લઈ મોસાળ અને લગ્ન પછી સાસરી અને સાસરિયાના સગા ...કેટલી લાંબી અને મોટી દુનિયા.....
પણ મા બન્યા પછી એ જ દુનિયા સાવ સંકોચાઈ જાય છે અને એ આખી દુનિયા એક નાનકડા ઘોડિયામાં સમાઈ જાય છે, પોતાના બાળકમાં સમાઈ જાય છે... જેને વ્હાલ કરતા કરતા મારા પોતાનું અસ્તિત્વ હું ભૂલી જાઉં છું એ મારા સ્નેહનું સરનામું એટલે મારો દીકરો તેજસ. મારી દુનિયાનો એક હિસ્સો, અને મારી દુનિયાનો બીજો હિસ્સો એટલે મારી દીકરી યોગી. તમે બે જ તો છો મારી દુનિયા ...
પણ આજે વાત કરવી છે મારે મારા સ્નેહના સરનામાંની, મારું પહેલું સંતાન મારો દીકરો તેજસ, જેણે મને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, જેના મુખે મેં પહેલી વાર "મમ્મી" શબ્દ સાંભળ્યો.....
એક સ્ત્રી દીકરી, બહેન, વહુ, પત્ની, ભાભી, કાકી કાંઈ કેટલાય રૂપમાં ઢળતી હોય છે પણ એક સ્ત્રીનું સૌથી મોટું સુખ, સૌથી વધુ સન્માન તો એ મા બને છે એ જ હોય છે. અને મને એ સન્માન, એ સુખ તે આપ્યું છે બેટા...
દરેક દીકરો રામ કે કૃષ્ણ ભલે ન હોય પણ દરેક મા કૌશલ્યા કે દેવકી જરૂર હોય છે... રામાયણમાં રામ ને વનવાસ મળ્યો હતો અને મહાભારતમાં કૃષ્ણ દેવકીથી દૂર થયા હતા ...પણ હકીકત ના જીવનમાં તો વનવાસ મા ની મમતા ને જ મળતો હોય છે એ પણ પોતાના જ ઘર માં રહી ને .....
નાનું બાળક દોડી ને મા ના ખોળામાં આવે ત્યારે મા બધો થાક ભૂલી ને એને વ્હાલ કરે છે, બાળક રોવે છે તો માં રોવે છે, બાળક હસે છે તો મા હસે છે. નાનપણમાં દરેક વાતમાં બાળકને મા જ પહેલા યાદ આવે છે, પણ મોટો થતા જ બાળકની દુનિયા બદલાઈ જાય છે, એક એવી દુનિયા બને છે જેમાં દોસ્તો, હસી મજાક, શોખ, હરવું ફરવું, નવા લોકો, નવું કામ એ બધું જ છે બસ મા નથી.
મા સાથે વાતો ઓછી થતી જાય છે પહેલા સ્કૂલેથી આવીને સ્કૂલની બધી જ વાતો, ત્યાંની મજાક-મસ્તી, ત્યાંના લડાઈ-ઝગડા બધું જ મમ્મી સાથે શેર કરતો દીકરો મોટો થતા વાતો ઓછી શેર કરે છે, મા સાથે હસી મજાક ઓછા કરે છે, ખબર નહિ કેમ એકદમ પીઢ થઈ જાય છે....
પણ મા ને તો જુઓ...એ છતાં પણ દીકરાની દુનિયાનો હિસ્સો બનવા તત્પર હોય છે, બસ હું પણ આ જ રીતે તારી દુનિય
ાનો હિસ્સો બની રહેવા માંગુ છું, તું જે કરે છે એ શીખું છું, પછી ભલે એ મોબાઈલ હોય કે લેપટોપ, કારણ અમારા જમાનામાં આ મોબાઈલ કે લેપટોપ એવું કાઈ જ ન હતું, પણ ક્યારેય મારા સંતાન મને એમ ન કહી દે કે મમ્મી આ તને નહીં સમજાય, તને આમા ન ખબર પડે, એ માટે તમારા બદલાતા જમાના મુજબ હું પણ બદલાતી રહી, મોબાઇલમાં આવતી દરેક સોશ્યિલ સાઇટ્સ શીખી, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, કંઈ કેટલું ય શીખી... કારણ મારી દુનિયામાં તારા અને યોગી સિવાય કોઈ જ નથી ....
ફેલાયેલા સંબંધો, તારી વધતી જતી જવાબદારીઓ અને તારા કામને હવે હું કદાચ સંભળી શકું એમ નથી એટલે જ તો તારા ફેલાયેલા કપડાં અને કામના કાગળોને સંભાળીને મૂકતાં એમ સમજુ છું કે તને કાંઈક તો કામ આવી શકું...
મા જ્યારે પોતાના દીકરાની નાનામાં નાની જરૂરિયાતનો ખ્યાલ રાખે છે ત્યારે તેમા એની વણકહેલી મમતા છુપાયેલી હોય છે, પણ આ મમતા ને એ જ સમજી શકશે જે ખુદ એક મા હોય, નહીં તો કહેવાવાળા તો એમ પણ કહેશે કે છોકરો હજી "મા ના પાલવ સાથે બંધાયેલો છે, માવડીયો છે ," ....
અથવા અત્યારની જનરેશનના લહેકામાં કહું તો મમ્માઝ બોય..
પણ જો દીકરો મા નો સહારો લેતો હોય કે પોતાની મા ની કૅર કરતો હોય તો એમાં ખોટું શુ છે? આખરે તો બેય એક બીજાના સહારા જ તો હોય છે.
મારા બેય બાળકો મારા સહારા છે બંને મારા ગમા- અણગમાને સમજે છે મારી તકલીફ સમજે છે, મારો ગુસ્સો, મારો પ્રેમ બધું જ સમજે છે ....
હું ખુશ છું કે હું એક મા છું, હું ખુશ છું કે હું તારી મા છું, તારું શિસ્ત એ મારી શોભા વધારશે,
તારો વિવેક એ મારા સંસ્કાર બતાવશે. તારું વર્તન મેં જાળવેલી ધાર્મિકતા દેખાડશે
તારી સફળતામાં મારી જ પ્રશંસા છુપાયેલી છે...
બધું જ અહીં વ્યક્ત નથી કરી શકતી દીકરા, કેટલુંક તારે જાતે જ સમજવાનું છે. તારી પાસે મારો ઇતિહાસ પણ છે અને મારો વર્તમાન પણ.
તું નાનો હતો ત્યારે મારી ઝડપ એટલે તારે નિરાંત હતી, પણ હવે તારી ઝડપ એટલે મને નિરાંત મળશે બેટા...
તું મુક્ત અને સ્વતંત્ર છે તારી પસંદગી માટે.જેમાં તારું, મારું, આપણાં સૌનું ગૌરવ જળવાઈ રહે એવા મુકામે તું રોકાઈ શકે છે. ત્યાં તને તારા જીવનસાથીનો સાથ મળશે અને આ દુનિયાને તું ચાર આંખેથી જોઈ શકીશ...
મા બાપ કુટુંબનું કેન્દ્રબિંદુ છે. એ જેવા છે એવા તારા છે, તારામાં એમનો અંશ છે મા-બાપ પ્રત્યેની તારી ફરજમાં ક્યારેય ઉણો નહિ ઉતરે તું એ મને વિશ્વાસ છે. તારી તટસ્થતા જ આપણા કુટુંબને ટકાવી રાખશે ....
મારો આ રામ એની મા ની મમતાને ક્યારેય વનવાસ નહિ જવા દે એ ખાતરી છે મને ...મને ગર્વ છે કે હું તારી મા છું....
પ્રાઉડ ઓફ યુ બેટા....
લવ યુ સો મચ...