માનવતાની મહેક
માનવતાની મહેક
શહેરની ગતિશીલતા અને ગગનચુંબી ઈમારતોની ચમકથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર, પ્રકૃતિના ખોળામાં વસેલું એક અંતરિયાળ ગામ… દેવકીપુરા. જ્યાં સમય જાણે થંભી ગયો હોય એવું લાગતું હતું. અહીંના લોકો માટે જીવન એક સતત સંઘર્ષનું નામ હતું. અપૂરતી સુવિધાઓ, મર્યાદિત સાધનો અને આશાના આછા દીવા સાથે જીવતા લોકો.
આ ગામ અને આસપાસના વિસ્તારો માટે શારીરિક પીડા સામે જજુમવા એકમાત્ર આશ્રયસ્થાન હતું, સરકારી દવાખાનું. વર્ષો સુધી આ દવાખાનું માત્ર એક ફરજિયાત ઔપચારિકતા તરીકે જ ચાલતું રહ્યું. અહીં સારવાર કરતાં રાહ જોવામાં વધુ સમય જતો અને દર્દીઓને આશા કરતાં નિરાશા વધુ મળતી. લોકો અહીં આવતા તો હતા, પણ વિશ્વાસ સાથે નહિં, માત્ર મજબૂરીના કારણે જ.
પરંતુ, એક દિવસ આ દવાખાનામાં પગલા પડ્યા ડૉ. વિક્રમ શર્માના...
ડૉ. વિક્રમ શર્મા, માત્ર તબીબ નહોતા તેઓ માનવતાની ઊંડી સમજ ધરાવતા એક સંવેદનશીલ મનુષ્ય હતા. તેમની આંખોમાં માત્ર રોગ નહીં, પરંતુ દર્દીનું દુઃખ દેખાતું. તેમણે આ દવાખાનાને માત્ર ઈંટ-પથ્થરની ઈમારત જ નહિ પણ એક જીવંત અને સંવેદનશીલ સંસ્થામાં ફેરવવાનું બીડું જડપ્યું.
અલ્પ સમયમાં જ તેમણે સ્ટાફમાં પરિવર્તન લાવ્યું, નવી સુવિધાઓ ઉભી કરી, વ્યવસ્થાને સુઘડ બનાવી અને સૌથી મહત્વપૂર્ણ, દર્દીઓમાં વિશ્વાસ જગાવ્યો. સરકારી દફતરમાં ધક્કા ખાઈ-ખાઈને, કાગળ-કલમ વડે લડત લડીને તેઓ સરકારી ગ્રાન્ટ મંજુર કરાવવામાં સફળ થયા. જોતજોતામાં માત્ર છથી આઠ મહિનામાં જ આ દવાખાનું ગામલોકો માટે જીવનદાતા બની ગયું. હવે અહી આવનારા દર્દીઓ નિરાશ થઈને પગથીયું નથી ઉતરતા. આવે છે તો દર્દ સાથે પણ નીરોગી થઈને હસતા મોઢે જાય છે. ડૉ. વિક્રમ શર્મા સાથે આખા સ્ટાફની મહેનત રંગ લાવી. હવે તો આસપાસના ગામોમાંથી પણ દર્દીઓ અહી આવવા લાગ્યા.
એક દિવસની વાત છે, વરસાદની એ અંધારી સમી સાંજ. આકાશમાં કાળા ઘનઘોર વાદળો છવાઈ ગયેલા. વીજળીના ચમકારાઓ દવાખાનાની ઈમારતને ક્ષણિક ઉજાસ આપી જતા અને પળમાં ફરી અંધકાર ગાઢ બની જતો. મોટા મોટા ફોરાવાળો વરસાદ ધરતીને ધોઈ રહ્યો હતો, જાણે પ્રકૃતિ પોતાનો કોઈ અનકહ્યો શોક વ્યક્ત કરી રહી હોય.
એ જ સમયે, દવાખાનાનો કમ્પાઉન્ડર સુધીર શેખાવત પોતાની ફરજ પૂરી કરીને ઘરે જતો હતો. તેના પગલાં ઝડપથી આગળ વધી રહ્યા હતા, પરંતુ અચાનક તેની નજર રસ્તાની બાજુએ અટકી ગઈ…
ફૂટપાથની કોરે એક માનવદેહ પડેલો હતો.
વરસાદમાં સંપૂર્ણ ભીંજાયેલો… નિષ્ક્રિય… નિર્જીવ સમાન…
સુધીરની અનુભવી આંખો એ તરત જ પરિસ્થીતીનો તાગ મેળવી લીધો. તે નજીક ગયો.
તે એક સ્ત્રી હતી, બેભાન… અને ગર્ભવતી.
એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, સુધીરે સ્ટાફના એક વ્યક્તિની મદદ લીધી અને તે સ્ત્રીને દવાખાનામાં લઈ આવ્યો. વરસાદની પરવા કર્યા વગર, પલળતા દેહે તે એક જીવને બચાવવા દોડતો રહ્યો.
દવાખાનામાં નાઈટ શિફ્ટ શરૂ થઈ રહી હતી. મોટા ભાગના સ્ટાફ મેમ્બર્સ ડ્યુટી પૂરી કરીને છત્રી કે રેઇનકોટના સહારે ઘર ભણી ડગ માંડી ચુક્યા હતા. નાઈટ સ્ટાફના ગણ્યા ગાંઠ્યા મેમ્બર્સ જ ડ્યુટી પર આવતા હતા. સુધીર દોડતો જઈને ડૉ. વિક્રમ શર્માની કેબીનમાં પહોંચ્યો.
“સાહેબ… આ સ્ત્રી ગર્ભવતી છે… અને હાલત ખૂબ જ ગંભીર છે…”
ડૉ. વિક્રમ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બહાર આવ્યા. તેમણે સ્ત્રીની સ્થિતિ નિહાળી અને તરત જ આદેશ આપ્યો. “તુરંત પ્રસૂતિ વિભાગમાં લઈ જાઓ.”
પરંતુ પરિસ્થિતિ એટલી સરળ નહોતી. સ્ત્રીની હાલત એવી હતી કે તાત્કાલિક ઓપરેશન જરૂરી હતું. અને આવા સંજોગોમાં, કાયદેસર રીતે પરિવારજનોની મંજૂરી અનિવાર્ય હતી. ઓપરેશન પહેલા દર્દીના સગાવહાલા પાસે ભરાવવામાં આવતું બાહેધરી ફોર્મ અનિવાર્ય હતું.
પરંતુ અહીં તો કોઈ પરિવારજનો જ નહોતા…
કોઈ ઓળખ નહોતી…
કોઈ સહારો નહોતો…
સ્ટાફ એકબીજાની સામે જોતા રહ્યા.
એક મૌન પ્રશ્ન હવામાં તરતો રહ્યો, “હવે શું?”
થોડી ક્ષણો માટે નિશ્ચલતા છવાઈ ગઈ.
બહાર વરસાદ સાથે વીજળીના કળાકાનો અવાજ ગૂંજી રહ્યો હતો,
અને અંદર એક જીવન-મરણનો પ્રશ્ન સમસમી રહ્યો હતો.
ડૉ. વિક્રમ શર્માએ શાંતિથી ફોર્મ હાથમાં લીધું.
પેન ઉપાડી… અને પોતાના હસ્તાક્ષર કરી દીધા.
સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો,
“સાહેબ… આ તો જોખમભર્યું છે…”
ડૉ. વિક્રમનો અવાજ સ્થિર અને આત્મવિશ્વાસથી ભરેલો હતો,
“જોખમ છે… પરંતુ એક નિર્દોષ જીવને બચાવવાની ફરજ પણ એટલી જ મોટી છે.
આ ક્ષણે, આ સ્ત્રી માટે આપણે જ તેનો પરિવાર છીએ.”
ઓપરેશન શરૂ થયું.
સમય જાણે થંભી ગયો.
બહાર વરસાદ અનરાધાર વરસતો રહ્યો…
અને અંદર જીવન માટેનો સંઘર્ષ ચાલતો રહ્યો…
કલાકો પછી, એક નાના જીવના રડવાનો અવાજ ઓપરેશન થિયેટરમાં ગૂંજી ઉઠ્યો.
એ સ્વર માત્ર બાળકનાં રડવાનો નહોતો,
એ જીવન પરના વિજયનો સ્વર હતો.
થોડા જ સમય પછી, ડૉક્ટરે જાહેર કર્યું, “માતા અને બાળક, બન્ને સુરક્ષિત અને સ્વસ્થ છે.”
બીજા દિવસની સવારનો સૂર્ય ધીરે ધીરે આકાશમાં ઉપર ચઢી રહ્યો હતો.
વરસાદ થંભી ગયો હતો, અને હવામાં એક નવી તાજગી ફેલાઈ ગઈ હતી.
જ્યારે તે સ્ત્રી હોશમાં આવી ત્યારે તેની આંખોમાં આંસુ હતા, પરંતુ એ દુઃખના નહોતા…
એ આભાર સભર લાગણીઓના હતા.
તેની પાસે કંઈ નહોતું…
પરંતુ તેને જીવન મળ્યું હતું, એક અજાણ્યા માણસની કરુણા અને હિંમતના કારણે.
આ ઘટના પછી, ગામમાં એક જ વાત ગૂંજવા લાગી...
“ડૉ. વિક્રમ શર્મા માત્ર ડોક્ટર નથી… તેઓ માનવતાનું જીવંત સ્વરૂપ છે.”
ઉપસંહાર :
આ કથા માત્ર એક ઘટનાનું વર્ણન નથી,
પરંતુ માનવતાની મહેકનો એક આગવો અનુભવ છે.
આ દુનિયામાં જ્યાં સ્વાર્થ અને નિષ્કૃણતા વધતી જાય છે,
ત્યાં આવા લોકો આપણને યાદ અપાવે છે કે, માનવતા હજુ જીવંત છે…
અને જ્યાં સુધી આ સુગંધ ફેલાતી રહેશે, ત્યાં સુધી આ ધરતી પર આશા ક્યારેય મરશે નહીં.
આજે પણ એ નાની બાળા મોટી થઈને એ જ દેવકીપુરાની હોસ્પિટલમાં ડૉ. વિક્રમના જમણા તરીકેની ફરજ બજાવે છે. એ ડોક્ટરનું નામ છે, ડૉ. આશા શર્મા.
