જ્યાં સ્મૃતિઓ જીતી… સંબંધ હારી ગયો
જ્યાં સ્મૃતિઓ જીતી… સંબંધ હારી ગયો
ગાંધીનગરના એક શાંત વિસ્તારમાં “પરફેક્ટ ફ્રેમ સ્ટુડિયો” નામનો નાનો પણ વિશ્વાસપાત્ર ફોટોગ્રાફી સ્ટુડિયો હતો. સ્ટુડિયોની અંદર કેમેરાની ક્લિક સાથે નાજુક યાદોની ફ્લેશના પડછાયા પડ્યા કરતા. આ સ્ટુડિયોનો માલિક આશુતોષ માત્ર ફોટોગ્રાફર જ ન હતો. પરંતુ તે લોકોના જીવનની સંવેદનશીલ યાદોને કેમેરામાં કંડારનાર એક શિલ્પી હતો. તેના માટે દરેક ફોટોગ્રાફ માત્ર એક ક્લિક નહોતી, તે કોઈના જીવનની એવી પળ હતી, જેને સમય ફરી ક્યારેય પાછી લાવી શકતો નથી.
એક દિવસ તેને એક વેડિંગ શૂટનો ઓર્ડર મળ્યો, કબીર અને સંજનાનું વેડિંગ.
લગ્નના દિવસે વાતાવરણ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરેલા મહેમાનો અને જાત જાતની પરફ્યુમની ખુશ્બૂથી મહેકી ઉઠ્યું હતું. સંગીતના સ્વરમાં ખુશીના તાર ઝીલાતા હતા અને દરેક ચહેરા પર આવતીકાલના સ્વપ્નો ઝગમગતા હતા. આશુતોષ કેમેરાનાં વ્યુ ફાઈન્ડરમાં આ બધું નિહાળતો હતો અને પળે પળને પોતાના કેમેરામાં કેદ કરી લેતો હતો. સંજનાનું સંકોચભર્યું સ્મિત, કબીરની ગૌરવભરી નજર અને સાત ફેરામાં ઉચ્ચારાતા ગોર મહારાજના શબ્દો વચ્ચે પવિત્ર અગ્નિમાંથી નીકળતો ધૂમાડો, આ બધુ આશુતોષને એક પરફેક્ટ ક્લિક કરવા માટે મોકળુ મેદાન આપતા હતા.
શૂટ પૂર્ણ થયા પછી આશુતોષના મનમાં એક સંતોષ હતો. ખૂબ જ ખંત અને પરફેક્શનથી થયેલું કામ જ તેની ઓળખ હતું.
પરંતુ જીવન ઘણીવાર સૌથી સુંદર ફ્રેમને જ અચાનક તોડી નાખે છે. બે દિવસ બાદ, જ્યારે આશુતોષ વેડિંગના ડેટા વાળી હાર્ડડિસ્ક ખોલે છે ત્યારે સ્ક્રીન પર એક એરર દેખાય છે—“ડેટા કરપ્ટ”
એક ક્ષણ માટે તેને લાગ્યું કે કદાચ આ તેનો દ્રષ્ટિભ્રમ હશે. તેણે ફરી પ્રયત્ન કર્યો. હાર્ડડિસ્ક કોમ્પ્યુટરમાં વારંવાર રી-કનેક્ટ કરી જોઈ પણ દર વખતે સરખી જ એરર આવતી હતી. તેના હાથ ધીમે ધીમે કંપવા લાગ્યા. તેને હાર્ડડિસ્ક તેના લેપટોપમાં લગાવીને ચેક કરી. પણ સફળતા ના જ મળી. આશુતોષના હૃદયમાં અજાણ્યો ભય ઘર કરવા લાગ્યો. જાણે તેને કોઈના જીવનમાંથી યાદો ચોરી લીધી હોય.
આશુતોષે શક્ય હતા એટલા તમામ માર્ગ અજમાવ્યા. સોફ્ટવેર, રિકવરી ટૂલ્સ, નિષ્ણાતોની મદદ... પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું. બીજો બધો ડેટા રીકવર થયો પરંતુ કબીર અને સંજનાના લગ્નની ફાઇલ જાણે સમયના ગર્ભમાં ઓઝલ થઇ ગઈ.
કબીર અને સંજનાના ફોન આવવા લાગ્યા. “ફોટા ક્યારે મળશે?” “વિડિયો તૈયાર છે ને?” આશુતોષ દરેક વખતે આશ્વાસન અને વાયદા આપતો રહ્યો પરંતુ અંદરથી તે ધીમે ધીમે તૂટી રહ્યો હતો. આશુતોષ બહુ સારી રીતે સમજતો હતો કે આ ડેટા એ નવદંપતિ માટે કેટલો અગત્યનો હતો. પરંતુ તે લાચાર હતો, તેની પાસે હવે કોઈ જ ઉપાય બચ્યો ન હતો. રાતે ઊંઘ તેની આંખોથી દૂર થઈ ગઈ હતી અને સ્મિત એક ઢાંકપીછોડા જેવું બની ગયું હતું. વારંવાર તે પોતાની જાતને કોષતો હતો કે કેમ તેને બેકઅપની બીજી કોપી ના બનાવી ? કેમ તેને મેમરી કાર્ડ ફોર્મેટ કરીને બીજા ઓર્ડરનો ડેટા ઓવરરાઈટ થવા દીધો ?
કેમ ?! Why ?!
અંતે, એક દિવસ, તેણે સત્યનો સામનો કરવાની હિંમત ભેગી કરી અને સામેથી કબીરને ફોન કરીને જેમ છે તેમ જણાવી દીધું ! “ડેટા કરપ્ટ થઈ ગયો છે…” શબ્દો હવામાં જ સ્થિર થઈ ગયા.
પછી અચાનક તોફાન તૂટી પડ્યું... ગુસ્સો, નિરાશા અને આક્ષેપો.
કબીરનો અવાજ કંપી રહ્યો હતો. સંજનાની આંખોમાં નિઃશબ્દ આંસુ ઉભરાઈ આવ્યા. કબીરના પિતા, એક અનુભવી વકીલ હતા. આખી ઘટનાનો પળવારમાં ક્યાસ કાઢી કોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય લીધો.
કેસ શરૂ થયો.
તારીખો બદલાતી ગઈ, પરંતુ તણાવ એકેય પક્ષે ઘટ્યો નહીં.
આશુતોષ કોર્ટમાં ઉભો રહીને વારંવાર એટલું જ કહેતો રહ્યો,
“મારી ભૂલ છે… હું ફરીથી રી-શૂટ કરી આપું.” પણ સામાપક્ષને માન્ય ન હતું.
કાયદાની દુનિયામાં લાગણીઓ કરતાં પુરાવા વધુ બોલતા હોય છે.
આ બધાની વચ્ચે કબીર અને સંજનાનાં દામ્પત્ય જીવનમાં પણ ધીમે ધીમે તિરાડ પડવા લાગી હતી.
જે સંબંધ સાત ફેરાની પવિત્રતાથી બંધાયો હતો, તે રોજિંદા જીવનની નાની નાની અસહમતીઓમાં વિખેરાવા લાગ્યો હતો. મતભેદ ક્યારે મનભેદ સુધી પહોંચી ગયા એ બન્નેમાંથી એકેયને ખબર જ ના રહી. મતભેદો વધતા ગયા, સંવાદ ઘટતા ગયા.
પરફેક્ટ ફ્રેમ સ્ટુડિયોના માલિક આશુતોષ સંઘવી પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે ખબર વાયુ વેગે આખા શેહરમાં પ્રસરી જવાથી તેનો સ્ટુડિયો તો જાણે સાવ ઠપ જ થઇ ગયો. એક સમય હતો કે ફક્ત એક ફોટો પડાવવા માટે લોકો દૂર દૂરથી તેના સ્ટુડિયોનુ એડ્રેસ પૂછતાં આવતા. એક વખતનો ધમધમતો ધંધો સાવ બેસી ગયો.
મહિનાઓ પછી, કોર્ટનો ચુકાદો આવ્યો—
બધા મહેમાનોને ફરીથી આમંત્રિત કરીને લગ્ન ફરીથી કરવામાં આવે અને આશુતોષ તે સંપૂર્ણ શૂટ મફતમાં કરી આપે.
આશુતોષના હૃદયમાં આશાનું કિરણ ફૂટ્યું તેને લાગ્યું કે કદાચ હવે બધું હતું તેવું જ થઇ જશે. પોતાની પ્રતિષ્ઠા પણ પાછી આવશે.
પરંતુ જીવનના નિર્ણયો કોર્ટના આદેશોથી બદલાતાં નથી. કબીર અને સંજનાની વચ્ચે પડી ગયેલી તિરાડ વધુને વધુ મોટી થવા લાગી. તેઓ બન્ને હવે ફરીથી લગ્ન કરવા તૈયાર નહોતા. તેઓ અંદરથી તૂટી ચૂક્યા હતા.
તે જ રાત્રે, આશુતોષ એક અંતિમ પ્રયત્ન કરે છે. કમ્પ્યુટરમાં હાર્ડડિસ્ક લગાવવા જતા હાર્ડડિસ્ક તેના હાથમાંથી છટકીને નીચે પડી જાય છે. નિઃશબ્દ આશા સાથે તે ફરીથી હાર્ડડિસ્ક ઉપાડી કનેક્ટ કરે છે અને કમ્પ્યુટરમાં ખોલે છે.
અને અચાનક,
સ્ક્રીન ઝબૂકે છે…
ફોલ્ડર ખુલે છે…
અને ખોવાયેલો ડેટા ફરી જીવંત થઈ ઊઠે છે.
સંજનાનું સ્મિત…
કબીરની આંખોમાં ઝળહળતી ખુશી…
સાત ફેરાની પવિત્ર પળો…
રીસેપ્શનનું આનંદી વાતાવરણ...
નવ દંપતીની ફાયરવર્ક સાથેની શાનદાર એન્ટ્રી...
એકદમ પરફેક્શન સાથે લીધેલા એક એક ફોટા અને એક એક વિડીયો જોઇને આશુતોષની આંખોમાં આંસુ આવી જાય છે. તેને લાગે છે હાશ ! બધું બચી ગયું.
તે તરત જ ડેટા પેનડ્રાઈવમાં લઈને કબીરના ઘરે પહોંચે છે.
દરવાજો ખૂલે છે…
અંદર એક અજાણી શાંતિ છવાયેલી છે. ખાલી અને નિઃશબ્દ વાતાવરણ.
કોઈ હાસ્ય નથી.
કોઈ સંબંધ નથી.
આશુતોષને ખબર પડે છે.
કબીર અને સંજનાનાં ડિવોર્સ થઈ ગયા છે.
તે હાથમાં પેન ડ્રાઈવ લઈને નિષ્ક્રિય ઉભો રહી જાય છે. તેના પગ દરવાજામાં જ થંભી જાય છે.
સમય જાણે એક ક્ષણ માટે સ્થગિત થઈ જાય છે.
સંજના હમણાં જ તેનો સામાન લઈને આ ઘરમાંથી ચાલી નીકળી. કબીર અને તેના પિતાશ્રી નીચા મોઢે ફળિયામાં જ ઉભા છે. કબીરના હાથમાં સંજનાની સિગ્નેચર વાળો ડિવોર્સનો કાગળ છે.
આશુતોષની પાસે ફક્ત યાદો બચી ગઈ છે…
પરંતુ જીવનમાંથી ખોવાયેલો સંબંધ પાછો લાવવાનો કોઈ માર્ગ નથી.
કેટલીક ફ્રેમ્સ ફરી મળી શકે…
પરંતુ કેટલીક જિંદગીઓ ક્યારેય પાછી મળતી નથી.
લેખક,
નવનીત મારવણીયા
Mo. 99243 43844
