JHANVI KANABAR

Inspirational Thriller

4.3  

JHANVI KANABAR

Inspirational Thriller

માંગ માંગ માંગે તે આપું

માંગ માંગ માંગે તે આપું

4 mins
307


દીપુ આજે થોડો નિરાશ દેખાતો હતો.. મનમાં મા ની ચિંતા થયા કરતી હતી.. મન તો નો’તુ મા ને મૂકીને આવવાનું, પણ શું થાય ? પૈસા વગર મા માટે દવા કેવી રીતે લેવી ? ઘરમાં બે ટકનું જમવાનું માંડ થતું હતું ત્યાં દવાની સગવડ ક્યાંથી કરવી ? 12 વર્ષનો દીપુ ટ્રેનમાં એકતારો વગાડી જેમ-તેમ પોતાનો અને માના પેટનો ખાડો પૂરતો હતો. છેલ્લા 10 દિવસથી માને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરે દવા તો લખી દીધી હતી પણ લેવાની બાકી હતી. આજે દીપુ તેની થીગડાવાળી ચડ્ડીના એક ખિસ્સામાં નાની દવાની ચબરખી રાખી નીકળ્યો હતો. મેલાઘેલા શર્ટના બટન હવામાં ઝૂલી રહ્યા હતા. ખરા બપોરે આગ વરસાવતો સૂરજ દીપુના શરીરને નીચોવી રહ્યો હતો.

જેમતેમ કરી કાલુપુર રેલ્વેસ્ટેશનથી રાજકોટ જતી ટ્રેનના એક ડબ્બામાં દીપુ ચડી ગયો. ટ્રેઈન ઉપડવાને હજુ 15-20 મિનિટની વાર હતી. દીપુએ તેનો એકતારો વગાડવાનું ચાલુ કર્યું, એકતારા સાથે ગીત પણ ઉપાડ્યું, `તુજે દેખા તો યે જાના સનમ...’ દીપુનો સૂરીલો અવાજ અને કલા જોઈ યાત્રીઓએ પૈસા કાઢવાનું ચાલુ કર્યું... તો કોઈ યાત્રી અમથુ સ્મિત કરી બીજે જોઈ જતાં. લગભગ 10 મિનિટ પછી એક 14-15 વર્ષના કિશોરે દીપુને 50ની નોટ આપી. મોટી નોટ જોઈ દીપુ ખુશ થઈ તે કિશોરને અને તેના મા-બાપને વધુ મનોરંજિત કરવા લાગ્યો. અચાનક એ કિશોરને કંઈક થવા લાગ્યું. તેની માએ તેને સંભાળ્યો અને તેના બાપે તેને કંઈક દવા આપી. આ અફડાતફડીમાં તેમના ખિસ્સામાંથી પર્સ સરકીને નીચે પડી ગયું. દીપુના હાથમાં આવી ગયું. કોઈનું ધ્યાન એ તરફ નહોતું, પણ દીપુના હાથમાં એ પર્સ આવતા તેની નજર હટતી નહોતી... કેટકેટલી તકલીફોનો અંત આવી જાય, જો પર્સ લઈને નીકળી જાય તો.... પણ અચાનક તેને એ કિશોરની ચિંતાતુર માનો ચહેરો જોઈ પોતાની માનો ચહેરો યાદ આવી ગયો... મા કહેતી, `બેટા કોઈપણ પરિસ્થિતિ આવે ક્યારેય ભીખ માંગવી કે ચોરી કરવી નહિ... જીવનમાં મહેનત કર્યા વગર મળેલો રોટલો પેટની ભૂખ સંતોષી શકે પણ આત્માની નહિ.’

`અરે.. અહીં જ હશે... મળી જશે...’ શબ્દો કાને પડતા દીપુ ચમકી ગયો... જોયું તો એ કિશોરનો બાપ કદાચ આ પર્સ જ શોધી રહ્યા હતા. દીપુએ તરત જ તેમને પરત કર્યું. એ કિશોરના મા-બાપને હાશકારો થયો. તેમાં પૈસા ઉપરાંત ઘણા કાર્ડ, લાયસન્સ વગેરે હતું....

દીપુનો આભાર વ્યક્ત કરતા એ સજ્જને પર્સમાં 100ની નોટ દીપુને ધરી.. `ના સાહેબ ! મારી મહેનતના તો તમે મને પહેલા જ 50 રૂપિયા આપી દીધા છે.’ કહી દીપુ 50ની નોટને પોતાને માથે અડાડી ટ્રેનમાંથી ઊતરી ગયો. એ સજ્જન અને તેની પત્ની દીપુને જતો જોઈ જ રહ્યા. આટલા નાનકડા છોકરાની પ્રામાણિકતા તેમને સ્પર્શી ગઈ.

ટ્રેન ઉપડી, આજુબાજુ બેઠેલાએ એ દંપતિને પૂછ્યું, `શું થયું છે આ દીકરાને ?’ `બિમાર છે, રાજકોટ બતાવા જઈએ છીએ...’ દંપતિએ ટૂંકમાં જવાબ દીધો.

દીપુ આજે ખુશ હતો. દવાની દુકાને દવાની પરચી બતાવી મા માટે દવા લીધી, દૂધની દુકાનેથી દૂધની થેલી અને થોડા બિસ્કિટ લઈ ભાગીને ઘરે આવ્યો. અચાનક તેની ગતિ ધીમી પડી ગઈ, પોતાની ઝૂંપડી પાસે ભીડ જોઈ તેને આશ્ચર્ય થયું. જેમતેમ રસ્તો કરી તે ઝૂંપડીમાં આવ્યો, જોયું તો માના દેહને સફેદ ચાદર ઓઢાડેલી હતી પણ મુખ ખુલ્લુ હતું.

`આવ બેટા ! લે જોઈ લે તારી માને છેલ્લીવાર... આવ દર્શન કરી લે...’ બાજુની ઝૂંપડીમાં રહેતા ઘેલીમાએ રડતા રડતા દીપુને કહ્યું...

દીપુના હાથમાંથી દવા, દૂધ બધું જ છટકી ગયું... માના મૃતદેહ પર માથુ રાખી ખૂબ રડ્યો... તેનું આક્રંદ ભલભલાની છાતી ફાડી નાખે તેવુ હતું... માના મૃતદેહને અંતિમસંસ્કાર દીધા સુધી તો આડોશપાડોશે દીપુને સાથ આપ્યો પણ એ પછી દીપુ સાવ એકલો, નિરાધાર, અનાથ થઈ ગયો. ત્રણ-ચાર દિવસ સુધી એ ઝૂંપડીમાંથી બહાર જ ન નીકળ્યો, માના ખાલી ખાટલા તરફ એકીટસે જોયા કરતો. ભૂખ-તરસ તેને કશી જ અસર થતી નહોતી. બાજુવાળા ડોશીમાંએ તેને સમજાવ્યો ત્યારે તેણે ઝૂંપડીની બહાર પગ મૂક્યો.

એ જ થીંગડાવાળી ચડ્ડી, મેલોઘેલો શર્ટ પહેરી એકતારો લઈ રેલ્વસ્ટેશન તરફ નીકળી પડ્યો. આજે તેને ઘરે જવાની જલ્દી પણ નહોતી.. તેની હવે કોઈ રાહ જોવાવાળું નહોતું, કોઈ રોટલી બનાવી પ્રેમથી જમાડનારુ નહોતું. નિરાશ દીપુ ટ્રેનમાં ચડી તો ગયો. એકતારો વગાડવાનું શરૂ કર્યું પણ આ શું ? આજે તેના ગળામાંથી અવાજ નહોતો નીકળતો, તેના એકતારામાંથી સૂર નહોતો નીકળતો... અમૂક સમય સુધી તેણે કોશિશ કરી પણ વ્યર્થ. અચાનક તેના માથા પર કોઈએ હાથ મૂક્યો, જોયું તો એ જ દંપતિ...

`શું થયું બેટા ? આજે કેમ તબિયત નથી સારી ?’ એ સજ્જનના પત્નીએ પૂછ્યું. માથા પર આવો વાત્સલ્યભર્યો સ્પર્શ અનુભવતા જ દીપુથી ડૂસકે ડૂસકે રડી પડાયું... દંપતિએ તેને છાનો રાખ્યો. સીટ પર બેસાડ્યો. દીપુએ રડતા રડતા કહ્યું, `મારી મા... હવે નથી રહી..’ આ સાંભળી દંપતિના આંખમાં પણ આંસુ હતા.

`અમારી સાથે અમારો દિકરો બનીને રહીશ બેટા ?’ દીપુ અને આજુબાજુના યાત્રાળુઓ આશ્ચર્યથી બધુ જોઈ રહ્યા.

`હા બેટા, એ દિવસે અમારા દીકરાને લઈ અમે રાજકોટ બતાવવા જઈ રહ્યા હતા. તેને કેન્સર હતું. રસ્તામાં જ તેની તબિયત વધુ બગડતી ગઈ.. રાજકોટ હોસ્પિટલ પહોંચતા પહોંચતા તેનો શ્વાસ બંધ થઈ ગયો, અમને છોડી ચાલ્યો ગયો..’ કહી પતિ-પત્ની રડી પડ્યા.

`ચાલ અમારી સાથે ચાલ બેટા... તે તારી મા ખોઈ અને અમે અમારો દિકરો.. આપણે અત્યારે એકબીજાના આધાર બનીએ...’ દંપતિએ દીપુને મનાવતા કહ્યું. નાનકડા નિઃસ્વાર્થ અને મહેનતુ દીપુને ઈશ્વર રાજી થઈને જાણે વરદાન આપી રહ્યો હતો... માંગ માંગ માંગે તે આપું...

થોડા સમય પછી ટ્રેઈન ચાલી નીકળી... મા અને પિતાનો આહ્લાદક સ્પર્શ દીપુને ભીંજવતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational