મા
મા
ડોકટરોએ બનતો પ્રયાસ કર્યો. છેવટે કહી દીધું, ઘરે લઈ જાઓ, સેવા કરો, ઈશ્વર ઈચ્છા.
આખરે નિશિથે માની ઘરે જ બનતી સેવા કરવાનો નિર્ણય કર્યો. નિશિથની રાત દિવસની અથાગ સેવા છતાં છેલ્લા શ્વાસ ચાલતાં હોય તેવું લાગતાં માએ મહાપ્રયત્ને કબાટમાં એક સ્ટિલનાં ડાબલા તરફ આંગળી ચીંધી. ડાબલો કબાટમાંથી બહાર લાવે તે પહેલાં જ માએ સદા માટે આંખ મીંચી દીધી.
અગ્નિસંસ્કાર અને પાણીવાળ વગેરે અંતિમવિધિઓ પૂરી થયાં પછી નિશિથને માનો ડાબલો યાદ આવ્યો. કદાચ માના ઘરેણાં જેવી કોઈ વસ્તું હશે, વિચારી તેણે ડાબલો ખોલ્યો. પણ ડાબલામાં ઘરેણાંની બદલે એક ગડીવાળેલો પત્ર હતો. માને તો લખતાં આવડતું ન હતું. અન્ય પાસે પત્ર લખાવેલ હતો.
પત્ર વાંચતા નિશિથની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા માંડ્યા. એટલામાં તેની પત્ની આવી. નિશિથે પત્ર પત્નીના હાથમાં આપ્યો. પત્ની પત્ર વાંચવા લાગી...
" બેટા ઘણી વાર આ વાત તને કહેવી હતી. પણ તને કહી શકી નહી. મારા મુખેથી ન કહેવાતી વાત અધૂરી ન રહી જાય, એટલે આ પત્ર દ્રારા મે લખાવી છે. કદાચ મારા મૃત્યુ પછી આ વાત તને જાણવા મળશે. બેટા ! હું તારી સગી જનેતા નથી. વાંઝણી મહેણાંથી કંટાળી મે અને તારા પિતાએ તને અનાથ આશ્રમમાંથી દત્તક લીધો છે. મારી મમતા કઈ ઊણી ઊતરી હોય તો બેટા મને માફ કરજે."
નિશિથના આંસુ ફરી બેકાબૂ બન્યાં. "મા" મા તો મા જ છે. એ દેવકી હોય કે યશોદા !. મા તારી વાત અધૂરી હોત કે પૂરી થયેલી હોત. તું જ મારી મા છે, આ ભવ નહીં, આવનાર સાતે ભવ.
