લક્ષ્ય
લક્ષ્ય


અપૂર્વ, મા બાપ નો એકનો એક લાડકો દિકરો. બંનેની એવી ઈચ્છા કે દિકરો ખૂબ સારું ભણે, જેથી કોઈની સામે હાથ ન ફેલાવવા પડે. અપૂર્વ ને ઘર ની પરિસ્થિતિ ખબર હતી. સારા માર્ક્સ લાવીને એન્જિનિયર બનવાનું નક્કી કર્યું.
કૉલેજ કરવા એને નડિયાદ જવું પડે એમ હતું. મમ્મી નો થોડો વિરોધ પણ પપ્પાની હા હતી. મમ્મી ને મનાવી ને નડિયાદ ભણવા ગયો. હોસ્ટેલમાં તપાસ કરી,ફી ભરીને ત્યાં નામ લખાવી દીધું. બધું બરાબર ચાલતું હતું. ખૂબ ધ્યાન લગાવીને અપૂર્વ ભણતો. કદી કોઈ ખરાબ સંગત નહિ. પણ એકવાર એક છોકરી અપૂર્વા એની પાસે કોઈક કામસર આવી. એને ગમી અપૂર્વા. પણ બહુ ધ્યાન ન આપ્યું.
ક્લાસ ના છોકરાઓ ચીડવતા. વાહ! અપૂર્વા અને અપૂર્વ ની જોડી ખૂબ જામશે. એમ કરતાં કરતાં એને અપૂર્વા માટે પ્રેમ જાગ્યો. બસ,અહીંયા જ તકલીફ થઈ. અપૂર્વ નું ધ્યાન ભટકી ગયું. પરિક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા. છેલ્લા સેમેસ્ટરમાં હતો. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પણ પસંદગી ન પામ્યો. અપૂર્વા પસંદ થઈ. એને સારી જોબ ઓફર થઈ હતી. હવે ખરેખર પછતાવો થવા લાગ્યો. પણ શું કરે હવે?
એટલે જ કહ્યું છે,
"મેરુ તો ડગે પણ જેનાં
મન નો ડગે પાનબાઈ"
એક સમયે પહાડ હલી જાય પણ આપણું લક્ષ્ય ન ડગવું જોઈએ. ડગ્યું એટલે પહાડ પરથી નીચે જ ખાબકવાના!
બસ આ જ હાલત હતી. એન્જિનિયર તો થયો પણ ખૂબ ઓછા માર્ક્સ સાથે. ઘરે આવ્યો. માતા પિતા ને વાત કરી. એને એમ હતું કે મારા પર ગુસ્સે થશે પણ એવું ન થયું. બંને એ હિંમત આપી. મહેનત કરવા જે તૈયાર હોય એની માટે કોઈ વસ્તુ અઘરું નથી હોતી. અવિરત પ્રયાસ કરવા પડે. કીડી અને કરોળિયા નું ઉદાહરણ આપી એને સમજાવ્યો. બસ એને આ જ જોઈતું હતું. ફરી થી નવી આશા અને લક્ષ્ય માટે તૈયાર થયો.
હવે એનું લક્ષ્ય હતું કે શરૂઆતમાં ભલે ગમે એવી નાની જોબ કરીશ પણ એકદિવસ ચોક્કસ હું સારી કંપનીમાં સારો પગારદાર બનીશ. જાહેરખબર જોઇને ઈન્ટરવ્યુ આપવા માડ્યો. એક ખૂબ ઓછા પગારવાળી નોકરી મળી. નોકરી કરતો અને સાથે સાથે બીજી નોકરી પણ શોધતો. નોકરી ચાલુ જ રાખતો જેથી એને અનુભવનું પ્રમાણપત્ર મળી શકે.
બસ,એની આવડતમાં વધારો થતો ગયો. અને તેના અનુભવમાં પણ. સંઘર્ષ ખૂબ કર્યો. આજે એ ખૂબ જ સારી કંપનીમાં ઉંચા હોદ્દા પર છે. કંપનીવાળા એ ઘર અને કાર પણ આપી છે. એના મા બાપ સાથે ખૂબ જ સુખી રીતે રહે છે.
સવાલ એ થાય કે શું ઓછા માર્ક્સ આવે એટલે જિંદગી પૂરી થઈ ગઈ? શું આપણને એકતરફી પ્રેમ થયો અને એ છોકરી ન મળે એટલે જિંદગી પૂરી થઈ ગઈ? આટલી વિશાળ દુનિયા છે. ફક્ત આખા ભારતમાં જોવો ને તો એટલા બધા રસ્તા છે પૈસા કમાવાના. અમારી બજારમાં એક કાકા ફક્ત પ્લાસ્ટિકના બ્રશ અને કાતર એવી જે પરચુરણ વસ્તુઓ વેચવાનું કામ કરે છે. ત્રણ લારી છે. એક લારીમાંથી મહિને ૩૦,૦૦૦ કમાય છે. બાકી ની બે લારી ના પૈસા બેંક મા જમાં કરે છે.
પણ લોકો ને જરાય મહેનત નથી કરવી. ફક્ત કોઈક ને દોષિત કરીને પોતે છટકી જવું છે એની માટે ચારે તરફ ફક્ત હતાશા જ છે. આપણી નિષ્ફળતાની જવાબદારી આપણે જ ઉપાડવાની હોય. ક્યારે પણ કોઈ તકલીફ આવે એટલે નિરાશ કે હતાશ થવા કરતાં એને દૂર કરવાના રસ્તા વિચારવા જોઈએ તો કદી કોઈ દિવસ નકારાત્મક વિચાર નહિ આવે. કદાચ કોઈ દિવસ એવો વિચાર આવે ને તો આપણા મા બાપ ના ચેહરાની કરચલી યાદ કરવી,જેમાં એમનો સંઘર્ષ દેખાશે જે આપણા માટે કરવામાં આવ્યો હતો.