STORYMIRROR

Narendra K Trivedi

Drama Romance

4  

Narendra K Trivedi

Drama Romance

લિફ્ટ

લિફ્ટ

3 mins
261

અનિલે જોયું કે, એક સુંદર યુવતી લિફ્ટ ઊભી રાખવાનો ઈશારો કરતી દોડતી આવે છે. અનિલે લિફ્ટ ઊભી રાખી. એક સુંદર મહેકતી યુવતી લિફ્ટમાં દાખલ થઈ. અનિલને તો ચોથા ફ્લોર ઉપર જવાનું હતું; તેના મામા ત્યાં રહેતા હતા. પણ યુવતી ક્યાં ફ્લોર ઉપર જવાની છે તે ખબર નહોતી. એટલે યુવતીનાં સાનિધ્યમાં વધારે રહેવાય એ હેતુથી તેણે લાસ્ટ ફ્લોર ત્રીસનું બટન દબાવ્યું. યુવતી એ અઢારમાં ફ્લોરનું બટન દબાવ્યું. હવે અનિલને સમજાયું કે તેણે લિફ્ટનું બટન દબાવામાં ઉતાવળ કરી. યુવતી અઢારમાં ફ્લોરે ડ્રોપ થઈ ગઈ, પણ અનિલ સંકોચને લીધે અઢારમાં ફ્લોરે ડ્રોપ ન થઈ શક્યો. ત્રીસમાં ફ્લોરથી પાછો આવી તેણે અઢારમાં ફ્લોર ઉપર યુવતીને શોધવા માટે પ્રયત્ન કર્યો. પણ એક ફ્લોર ઉપર બંને સાઈડમાં છ, છ ફ્લેટ હતા, તેમાં ક્યાં ફ્લેટમાં એ અજાણી યુવતી ગઈ હોય તે કેમ ખબર પડે.

અનિલનાં મામા રાજ હાઈરાઈઝ ઍવન્યુમાં રહેતા હતા. કુલ દસ વિંગ હતી અને દરેક વિંગમાં ત્રીસ, ત્રીસ ફ્લોર હતા. એક ફ્લોર ઉપર બાર ફ્લેટ હતા. અનિલ ક્યારેક ક્યારેક મામાને મળવા આવતો. પણ ખૂબ સુરત યુવતીનો ભેટો થયા પછી, કદાચ ફરીથી એ યુવતીનો ભેટો થઈ જાય એમ વિચારી મામાની મુલાકાત વધી ગઈ હતી. 

એક વખત મામા અને મામીએ પૂછ્યું પણ હતું, "ભાણા ભાઈ, શું વાત છે ? અમારી રાજ એવન્યુની કોઈ યુવતી પસંદ તો પડી ગઈ નથી ને ?" 

"ના, મામા એવી કોઈ વાત નથી." અનિલ શુંં વાત કરે તે ને તો યુવતીના નામની પણ ખબર નહોતી.

અનિલ રાજએવન્યુનાં દરવાજે ઊભો હતો. દૂરથી તેને અજાણી પણ પરિચિત લાગતી યુવતી આવતી જોઈ, એ સંતાઈ ગયો. આ એ જ યુવતી હતી જે અનિલને લિફ્ટમાં મળી હતી. યુવતી આજે સી વિંગમાં જવાના બદલે ઈ વિંગ તરફ ગઈ. અનિલનાં મામા સી વિંગમાં રહેતા હતા. અનિલ એ યુવતી પાછળ તેને ખબર ન પડે તે રીતે ગયો. યુવતી લિફ્ટમાં દાખલ થઈ અને અનિલ લિફ્ટ ઊભી રાખવાનો ઈશારો કરતો દોડ્યો.

યુવતીએ અનિલને હળવું સ્મિત આપ્યું. 

અનિલે પણ સ્મિત કરી પૂછ્યું, "આજે આપને ક્યાં ફ્લોર ઉપર જવાનું છે ?" 

"બાવીસમાં."  

"મારે થોડી વાત કરવી છે."

"હા, બોલો." 

"આપનું નામ કહેશો ?" 

"મારુ નામ ઊર્મિ છે, હું ફ્લેટનું ઈન્ટિયર ડિઝાઈન કરું છું. એટલે મારે આ એવન્યુમાં વારંવાર આવવાનું થાય છે. તમારે આ જ જાણવું હતું ને ?" 

અનિલ તો યુવતી.. ઊર્મિની બોલવાની છટા અને વગર પૂછે બધી જ માહિતી આપવાની રીતથી સ્તબ્ધ થઈ ગયો.

"ક્યાં ખોવાઈ ગયા ? આપનું નામ નહીં કહો ?" 

"મારુ નામ અનિલ છે. હું સોફ્ટવેર એન્જીનીયર છું. અહીં સી વિંગમાં મારા મામા રહે છે તેને મળવા આવું છું. વધારે કાઈ કહું." 

"ના, આજે તો આટલું બસ છે." 

બંને એ એક બીજાનાં મોબાઈલ નંબર લીધા અને સંપર્કમાં રહેવાની વાત સાથે છૂટા પડ્યા.

અનિલ અને ઊર્મિ એકબીજાનાં સંપર્કથી નજીક આવતા ગયા અને બંનેનાં મમ્મી, પપ્પાને વાત કરવા માટે બંને તૈયાર થઈ ગયા.

એક દિવસ અનિલનાં મામા એ કહ્યું,

"અનિલ આપણે ફ્લેટમાં ઈન્ટિરિયર કરાવવું છે; તારી જાણમાં છે કોઈ ?"

"મામા તમારા એવન્યુમાં જ એક ઈન્ટિરિયર ડેકોરેટર આવે છે. તેને હું જાણું છું. કાલે તમારી મુલાકાત કરાવી દઈશ."

અનિલ, ઊર્મિને લઈ મામાને ત્યાં પહોંચ્યો.

"ઊર્મિ તું અહીં ક્યાંથી ?"

"કાકા, હું અનિલ સાથે આવી છું. અનિલ મને અહીં લઈ આવ્યો છે." 

"અનિલ, તું ઊર્મિને ઓળખે છે ? એ મારા ખાસ મિત્ર અનુપચંદની દીકરી છે."

અનિલે, લિફ્ટની મુલાકાતથી બંનેની પસંદગીની વાત કરી. મામા, મામી બોલી ઉઠ્યા, "અરે ! આ તો સોનામાં સુગંધ ભળી. તમારા બંનેનું પાકું, અનુપચંદ મારુ વચન પાછું નહીં ઠેલે."

બંને કુટુંબ ભેગા થયા વાત પાકી કરી. મો મીઠું કરતા હતા ત્યાં અનિલ અને ઊર્મિ એ કહ્યું, "અમારે અમારું જીવન જોડનારને પણ આ આનંદનાં પ્રસંગમાં સામેલ કરવાની ઈચ્છા છે તો ચાલો અમારી સાથે." બધા નીચે આવ્યાં, "ક્યાં છે તમારી એ મહત્વની વ્યક્તિ ?"

"આપણે જેમાં નીચે આવ્યા એ લિફ્ટ, જેણે અમારા જીવનને જોડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે."

અનિલ અને ઊર્મિ લિફ્ટમાં ગયા બંને એ ગુલાબનું પુષ્પ આપી પ્રપોઝ કર્યું, મો મીઠું કર્યું, બધાએ આનંદની ચિચિયારી સાથે બંનેને વધાવી લીધા.

લિફ્ટ પણ પોતાનું મહત્વ અને યોગદાનથી મંદ મંદ હસી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama